Nayanaben Shah

Drama Inspirational

4.5  

Nayanaben Shah

Drama Inspirational

શાંતિનું સરવૈયુ

શાંતિનું સરવૈયુ

6 mins
348


તરલ તથા તરલા ખૂબ જ સુખી હતાં. જોનાર એક વાત સહજતાથી કબૂલ કરે કે સુખ પૈસાથી નહીં પણ પ્રેમને કારણે મળે છે. બાકી પૈસાદાર લોકોના ઘરમાં પણ લડાઈ ઝગડા જોવા ક્યાં નથી મળતાં ? તરલા તો એકદમ સામાન્ય ઘરની. પરંતુ મહેનતુ ઘણી. ટિફીનો કરતી. નાસ્તા બનાવીને વેચતી. ઘરમાં પથારીવશ મા હતી તો શેઠને ત્યાં મુનીમ તરીકે કામ કરતાં પિતા હતા. ઘરમાં સૌથી મોટી તરલા. પછી બે ભાઈઓ. જે આવક થાય એનો મોટોભાગ એની મમ્મીની દવાઓમાં ખર્ચ થઈ જતો. તરલાની મદદથી ઘર ચાલતું. પણ સમાજમાં વાતો થતી કે દીકરી કમાય છે એટલે માબાપ એના લગ્નનું વિચારતા નથી.

સમાજની બીકે કે પછી દીકરીની જિંદગી ના બગડે એટલે પણ એના માટે મુરતિયા શોધવાનું ચાલુ કર્યું. આખરે ગરીબ ઘરનો તરલ તૈયાર થયો પરંતુ લગ્ન કોર્ટમાં કરવાના અને કંકુ ને કન્યા. તરલને ગરીબીના કારણે પૈસાપાત્ર ઘરની કન્યા મળવી મુશ્કેલ હતી.

તરલનું ભણતર ખાસ ન હતું પરંતુ તરલાના પગલે એને સરકારી નોકરી મળી ગઈ. પગાર તો ખાસ ન હતો પરંતુ સરકારી નોકરીમાં લાભ ઘણા મળતાં હતાં. પતિપત્ની વચ્ચે ઘણો પ્રેમ હતો.

ભાઈબીજ કે બળેવ પર ભાઈને કહેતી,

"ભાઈ તમે બંને જણ મને એક રૂપિયો જ સુકનનો આપો. બાકી તો તમારા બંનેનો મારા પ્રત્યે પ્રેમ છે જ ને ! પૈસા આપીને પ્રેમ બતાવવાનો ના હોય. "

બંને ભાઈઓ કમાતા ન હતા. માફીમાં ભણતાં હતાં. પરંતુ બંને ભણવામાં હોંશિયાર હતા.

એનો એકભાઈ એના મિત્રના પપ્પાની મદદથી વિદેશ ગયો. ટૂંક સમયમાં એણે સખત મહેનત કરીને ધીરેધીરે મિત્રના પપ્પાના પૈસા તથા બેંકલોનના પૈસા ચૂકવી દીધા. સાથે સાથે ત્યાં ભણતો પણ હતો. તેના માથે ઘરની જવાબદારી તો હતી જ. બિમાર માને ભારત દવા માટે પૈસા મોકલવા પડતા. નાનાભાઈના ભણતર માટે પૈસા મોકલવા પડતાં. નાનોભાઈ કમાતો થયો એ દરમ્યાન એની માતાનું અવસાન થયું. એ જ સમયે એના પપ્પાને આંખે દેખાવાનું બંધ થઈ ગયું.

ત્યારબાદ એના પપ્પાની એક જ જક હતી કે દીકરાને ભારત બોલાવી લો. હવે હું એને જોઈ ના શકુ તો કંઈ નહીં પણ હું એનો અવાજ તો સાંભળી શકીશ. જો કે તરલાની મમ્મીના અવસાન બાદ તરલાએ પિયરનું,ઘર પણ સંભાળી લીધું હતું. બંને ભાઈઓ કહેતાં તરલાએ માનું સ્થાન લઈ લીધું છે. જયારે એનો ભાઈ ભારત આવ્યો ત્યારે બોલ્યો,

"મોટીબહેન,મારી પાસે જે બચત હતી એ બધી વપરાઈ ગઈ છે. હું અહીં આવ્યો એમાં પણ મારે થોડા ડોલર ઉછીના લેવા પડ્યા છે. માટે હું તારા માટે કંઈ જ લાવી શક્યો નથી"

તરલા બોલી,"ભાઈ તું મારે માટે ઘણું લાવ્યો છું. તારા પ્રેમની તોલે દુન્યવી કોઈ ચીજ ના આવે. બસ,ભાઈબહેન વચ્ચેનો પ્રેમ તો જિંદગીની અમૂલ્ય ભેટ છે. "

થોડા દિવસ રહી ભાઈ પાછો જતો રહ્યો.

નાનાભાઈએ ભણવાની સાથે સાથે નોકરી કરવાનું પણ ચાલુ રાખ્યું હતું. કારણ ઘરમાં કોઈ આવક જ ક્યાં હતી ? જો કે તરલા નજીક રહેતી હતી એટલે કામમાં આવતી હતી. પરંતુ એક દિવસ તરલાએ કહ્યું,"ભાઈ,તું લગ્ન કરી લે કારણ હવે તું મામા બનવાનો છું. પપ્પાની સંભાળ રાખનાર ઘરની કોઈ વ્યક્તિ હોવી જરૂરી છે. "

નાનાભાઈનેે પણ એક ગરીબ ઘરની પણ સંસ્કારી કન્યા મળી. પૈસાના અભાવે સાદાઈથી કોર્ટમાં લગ્ન કરી લીધા. ઘરમાં પૈસાની તકલીફ સતત ચાલુ જ રહેતી હતી. બે છેડા માંડ ભેગા થતાં પણ નાનોભાઈ ભણવામાં હોંશિયાર હતો. નાની મોટી નોકરીની સાથોસાથ ભણવાનું ચાલુ જ રાખ્યુ હતું.

માસ્ટરડીગ્રી મળી કે તરત એને કોલેજમાં નોકરી મળી ગઈ. એ પણ નજીકના શહેરમાં જતો રહ્યો.

જો કે તરલાએ નાનાભાઈને કહ્યું,"હજી તારી મોટીબહેન જીવે છે. તારે કંઈપણ જરૂર હોય તો મને સંદેશો મોકલજે. તને શરૂઆતમાં થોડી તકલીફ પડશે તો નવું ઘર લેતાં સુધી પપ્પાને મારે ત્યાં મૂકી જા. મારા દીકરા,દીકરીને પણ નાનાનો પ્રેમ મળશે. "

થોડા સમય બાદ નાનો ભાઈ પપ્પાને લઈ ગયો પરંતુ જતાં જતાં એટલું તો કહેતો ગયો,

"મોટીબહેન,તેં અમારા બધાની ખૂબ સંભાળ લીધી છે. તું તો અમારી મા બની ગઈ હતી. તેં અમને સાચવ્યા છે. માની બિમારીમાં તેં જ મા ની ચાકરી કરી. પપ્પાની આંખોની રોશની ગઈ ત્યારબાદ પણ તું સતત હાજર જ હોય. લગ્ન પહેલાં પણ તેં ઘર માટે ઘરનો દીકરો બની ફરજ નિભાવી. "

સમય ધીરેધીરે પસાર થતો હતો. એના ભાઈ એ અમેરિકાથી પત્ર લખીને જણાવ્યું કે તારા દીકરાની વિદેશ આવવાની ઈચ્છા હોય તો મારે ત્યાં રહેશે. એની બધી જવાબદારી મારી.

પરંતુ તરલાના દીકરાએ કહ્યું,"મારે તમને છોડી ને ક્યાંય જવું નથી. મારે અહીં જ રહેવું છે મેં નાનપણથી તમારો સંઘર્ષ જોયો છે. "

વર્ષો બાદ અમેરિકાથી એનો ભાઈ પાછો આવ્યો એના બીજા અઠવાડિયે જ ભાઈબીજ હતી. બંને ભાઈઓ બહેનને ત્યાં જમવા ગયા. જમ્યાબાદ કહ્યું,"બેન,તારેે એક પેપર પર સહી કરવાની છે. "

તરલાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કહ્યું,"ક્યાં સહી કરવાની છે ?"

"રજિસ્ટારની ઓફિસમાં જઈને ઘર માટે સહી કરવાની છે. "

"હા,ભાઈ હવે પપ્પાનું ઘર વેચી દો. મારે પૈસા નથી જોઈતા તમે બંને ભાઈઓ વહેંચી લેજો.

મારે ઘરના ભાગના પૈસા નથી જોઈતા પણ તમે બંને ભાઈઓ પ્રેમથી આ રીતે આવતાં જતાં રહો. "

રજિસ્ટારની ઓફિસ પહોંચીને તરલાએ સહી કરી પરંતુ એને કાગળમાં શું લખ્યું છે એ પણ વાંચ્યું નહીં. સહી કરી કે તરત જ બંને ભાઈઓ તરલાને તથા એના પતિને એમની કારમાં સોસાયટીના એક ભવ્ય બંગલા પાસે લઈ ગયા. તરલાના હાથમાં ચાવી મુકતાં બોલ્યા,"જીજાજી,તમે તથા મોટીબહેન તમારા નવા બંગલામાં પ્રવેશ કરો.

હવે તમારા ભાડાના ઘરમાંથી તમારા કપડાં સિવાય કંઈ જ લેવાનું નથી. "

જયારે તાળુ ખોલ્યું ત્યારે બંગલામાં ફર્નિચર તથા એ. સી,ફ્રીઝ,ગીઝર બધું જ હતું. તરલ તથા તરલાને તો આ બધું સ્વપ્ન જ લાગતું હતું. એની આંખોમાં પાણી આવી ગયું. બંને જણાં બોલી ઉઠ્યા,"અમે સુખી જ છીએ. આ બધું અમારે ના જોઈએ. "

"મોટીબહેન,તમે અમારા માટે કેટલું બધુ કર્યું છે ? પિયરમાં પણ ટિફીનો તથા નાસ્તા કરી ઘરમાં પૈસાની મદદ કરતાં રહ્યાં. જીજાજી તમારો તો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. લગ્નબાદ પણ તમે મોટીબહેનને દરરોજ મદદ માટે પિયર આવવા દીધી. એણે તો માબાપની લગ્નબાદ પણ સેવાચાકરી કરી.

અમે તો એનો બદલો વાળી શકીએ એમ પણ નથી. "

"નસીબદારોને માબાપની સેવા કરવાની તક મળે. એ તો અમારી ફરજ હતી. "

"જીજાજી ફરજની વાત કરો છો તો અમારે પણ બેનને ધામધૂમથી લગ્ન કરાવીને વિદાય કરવાની હતી. એ વખતે બિલકુલ ખર્ચ કર્યા વગર બેનને વળાવી. બેનને કારણે અમારે રસોઈવાળી બાઈ ના રાખવી પડી. માબાપની સંભાળ પણ બેને જ રાખી. વર્ષો સુધી બેને બળેવ કે ભાઈબીજના પૈસા નથી લીધા. હવે અમે બંને ભાઈઓ ઘણું કમાઈએ છીએ.

આજે અમે બંને ભાઈઓ ખુશ છીએ. લગ્ન વખતે નહીં કરેલ ખર્ચ, બેનની પિયરમાં કરેલી કમાણીની રકમ, માબાપની કરેલી સેવા, ભાઈબીજ તથા બળેવ પર લીધેલો રૂપિયો એવા તો ઘણાય પ્રસંગો છે. અમે કેટલું યાદ રાખીયે ! બેન બસ આ બધી બાકી ચૂકવણી કરવી હતી. જો કે તેં જે કર્યુ એના બદલામાં આ ઘણું ઓછું છે. મોટીબહેન, આ નો સ્વીકાર કરો" કહેતાં બંને ભાઈઓ તરલ તથા તરલાને પગે લાગ્યા. પરંતુ બીજી જ પળે બંને ભાઈઓને તરલા ભેટી પડી ત્યારે ત્યાં હાજર રહેલાં ચારેયની આંખોમાં હર્ષના આંસુ હતાં.

"મોટીબહેન,અમે બંને ભાઈઓ ફોન પર જયારે વાત કરીએ ત્યારે અમને કાયમ થતું કે અમે તારા માટે કંઈ જ કરી શક્યા નથી. અમે તારી જક ને કારણે વર્ષોસુધી એક રૂપિયો જ આપતાં હતાં. તને તો ક્યારેય પૈસાની પડી જ ન હતી. પરંતુ અમને થતું કે આપણી જિંદગીમાં કંઈક ખૂટે છે. અમે ઘણું કમાતા હતાં પરંતુ તેં અમને જે ખુશી આપી એવી ખુશી અમે તને આપી શક્યા નથી. જયાં સુધી તને સુખી ના જોઈએ ત્યાં સુધી જાણે કે અમારી જિંદગીના સરવૈયામાં શાંતિ ખૂટતી હતી. જયાં સુધી એ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી સરવૈયામાં બંને બાજુ સરખી ના થાય.

"મોટીબહેન,જીજાજી બસ આપણા બધાનો પ્રેમ આવો જ રહે એવા આશીર્વાદ આપો.

અમે જઈએ છીએ. હવે દરવર્ષે આવતાં રહીશું. હા,અને દરવર્ષે તારી ઈચ્છા પ્રમાણે રૂપિયો આપતાં રહીશું. "કહેતાં હાસ્ય અને સ્નેહથી માત્ર બંગલો જ નહીં હૃદય પણ ભરાઈ ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Drama