શાંતિની સ્વપ્ન છાયા
શાંતિની સ્વપ્ન છાયા


વિશાળ જગવિસ્તારે નથી એક જ માનવી,
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!
શ્રી ઉમાશંકર જોશી ની આ પંક્તિઓ સવારથી જ મારા મનમાં ગુંજી રહી છે. એક ટીવી સમાચાર માં જોયું કે આપણા પોલીસ કર્મીઓ કરોના જંગમાં ફક્ત માણસોને જ મદદ નથી કરતાં!! ટોપલો ભરી કેળાં શહેર નજીક રહેલાં વાનરોને અને ઘાસની પૂણીઓ રખડતા ગાય બળદને ખવડાવી રહ્યા છે!! કેવું ઉમદા કાર્ય અને ઉપરોક્ત પંક્તિઓ ને સાર્થક કરતો વિચાર. જરૂર આવું ઉદાત્ત કામ બીજા પણ ઘણાં કરતાં હશે. આપણી આસપાસ વસતા કૂતરાં, બિલાડીની સંખ્યા ધણી મોટી છે. સામાન્ય સંજોગોમાં તો રસ્તાનાં ખૂમચા વાળા પાસે ફેંકાયેલ ખાવાનું, રસ્તે ચાલતાં કોઈ દયાળુએ ફેંકેલા પાંઉ બિસ્કીટ કે પછી ફીશ ને માંસની બજારની આસપાસ ફેંકાતા પદાર્થો પર એ બધાં નભી જાય છે.અત્યારે આ બધું જ બંધ છે ત્યારે ભલે આપણે દૂર ના જઇએ પણ આસપાસ દેખાતા બે ચાર કૂતરાં- બિલાડી ને તો જરુર થોડું ખાવાનું આપી શકીએ. સદ્દનસીબે ભોંયતળીયે રહેતા હોવાથી અમારી પાળેલ બિલ્લીઓ સાથે બીજી પણ બે હમણાં અમારી મહેમાન હોય છે.
આમ પણ હવે આપણને સમજાય રહ્યું છે કે ફક્ત ટૂંકાગાળાના લાભ માટે માનવોએ પ્રકૃતિની,પૃથ્વી પર રહેલાં બીજા જીવોની ઘોર અવગણના કરી છે. એની જ સજા અત્યારે આપણને મળી રહી છે. આ રીતે પ્રાયશ્ચિત કરી ઉગરવાની પ્રાર્થના કરીએ.નહીં તો કવિના જ શબ્દોમાં...
પ્રકૃતિમાં રમંતાં એ દુભાશે લેશ જો દિલે,
શાંતિની સ્વપ્નછાયા યે કદી માનવને મળે?