સેકન્ડ ઈનિંગ
સેકન્ડ ઈનિંગ




“આન્ટી તમને કોઈ મળવા આવ્યું છે. બે કોલેજકન્યા જ લાગે છે.”
“રાધા, મારે નથી મળવું કોઇને. હું મનાઈ કરું છું તો પણ કેમ માનતા નથી?”
“પણ આન્ટી એમાંથી એક કહે છે કે એ તમને મળ્યા વગર નહીં જાય. કોઈ અગત્યના કામની વાત કરવી છે.”
“મને બધી સમજણ પડે છે. એમ મફતના ભાવે મારી કલા વેચવી નથી. દર પંદર દિવસે કોઈ ને કોઈ સસ્તી ઓફર લઇને આવી જાય છે. પણ હું કલાકાર છું. સ્ટેજ છોડી દેવું મને મંજૂર છે પણ યોગ્યતા વગરના કાર્યક્રમમાં કલા વેડફી નાખવાની મારી તૈયારી હરગિઝ નથી. જા, ના પાડી દે.”
ક્યારની વંદનાઆન્ટી અને આશ્રમની કેરટેકર રાધા વચ્ચે થતી રકઝક સાંભળી રહેલી ચાહતે અચાનક રુમમાં પ્રવેશ કર્યો.
“જા જોઉં રાધા, હવે પછી કોઈ પણ મને મળવા આવે એને....”
અને ચાહત પર નજર પડતાં વંદના થોભી ગઈ.
“એય છોકરી, પરવાનગી વગર અંદર શેની આવી ગઈ?”
“હું ચાહત.”
ચાહતે સહેજ આગળ વધીને વંદનાને ચરણસ્પર્શ કર્યા.
અનાયાસે વંદનાનો હાથ એના માથા પર મુકાયો.
“હા તે શું?”
“આન્ટી, બહુ આશા લઇને આવી છું. એક જમાનાના પ્રસિધ્ધ અને ઉચ્ચ કોટિના કથક નૃત્યાંગના વંદના મહેતાની પરવાનગી લેવા આવી છું.”
વંદનાના ચહેરા પર વર્ષો બાદ એક ચમકની લહેર ફરી વળી પણ બીજી જ પળે એ ચહેરો ફરી સપાટ થઈ ગયો.
“જો બેન, એ વંદના ક્યારની મરી પરવારી. અને હું એવી પાગલ નથી કે માન સન્માન વગર કલાને પાથરી દઉં. સમજી? એટલે હવે તારો અને મારો વધુ સમય બરબાદ કર્યા વિના રવાના થા.”
“એક વાર મારી વાત સાંભળી લો પછી તમે ના પાડશો એ જ પળે હું જતી રહીશ અને ફરી ક્યારેય નહીં આવું.”
રાધાએ પણ વંદનાઆન્ટીને ચાહતની વાત સાંભળીને નિર્ણય કરવાનો આગ્રહ કર્યો.
“સારું સંભળાવ.”
“આન્ટી, હું આ વર્ષે આરંગેત્રમ કરવા જઈ રહી છું. બહુ મહેનત કરીને સરસ કથક ડાન્સ શિખીને સાત વર્ષ પૂરાં કર્યાં છે.
શહેરના સહુથી મોટા ઓડિટોરિયમ “કલાકૃતિ સાંસ્કૃતિક ભવન”માં આરંગેત્રમ છે.એ હોલ વિશે તમને તો જાણ હશે જ.
વંદનાના મનમાં સળવળાટ શરુ થયો.
“આન્ટી, મારા જીવનના આ મહત્વના પ્રસંગમાં તમે અતિથિવિશેષ તરીકે આવીને આશિર્વચન પાઠવો એવી મારી અંતરતમ ઇચ્છા છે.”
“જો ચાહત, તારી બધી વાત સાચી પણ હું હવે આવા કોઈ જાહેર સમારંભોમાં જતી નથી. મને કોઈ બોલાવતું ય નથી.”
અને વંદનાના ચહેરા પર પીડા ફરી વળી.
“આન્ટી, બીજી પણ એક વાતમાં તમારી મદદ જોઇએ છે. વાત જાણે એમ છે કે, આરંગેત્રમની આવડી મોટી સિધ્ધિ મેળવવા બદલ ડેડીએ ઓફર કરેલી ગિફ્ટમાં મેં એક ડાન્સિંગ ઇન્સ્ટિટ્યુટ ખોલી આપવાની માંગણી કરી અને એમણે એ સ્વિકારી. એટલે જે દિવસે આરંગેત્રમ છે એ જ દિવસે આ ઇન્સ્ટિટ્યુટની શિલારોપણની વિધિ પણ રાખી છે.
હવે મુખ્ય વાત એ છે કે એ ઇન્સ્ટિટ્યુટનો તમામ કાર્યભાર તમે સંભાળો. તમારા માર્ગદર્શન હેઠળ ચુનંદા કલાકારો તૈયાર થાય એનાથી રુડું શું!”
“ચાહત, આવડી મોટી જવાબદારી મને ઓળખ્યા વગર સોંપવાની વાત કરે છે? મારા વિશે તું આવડી અમથી છોકરી જાણે છે શું?”
વંદનાને હજી આટલી સુંદર વાત પર અને પોતાની બદલાઈ રહેલી ગ્રહદશા પર વિશ્વાસ નહોતો બેસતો.
“આન્ટી, હું એટલું જાણું કે એક જમાનામાં વંદના મહેતાનું નામ પડે કે લોકો એમના કાર્યક્રમની ટિકિટના ભાવ નહોતા પૂછતા. હાઉસફૂલ શો જતા. ભારોભાર કલાથી છલકતું નામ એટલે વંદના મહેતા. કથકનો પર્યાયવાચી શબ્દ એટલે વંદના મહેતા. આનાથી વધુ જાણવાની જરુર ખરી?”
વંદના સ્તબ્ધ થઈ ગઈ.
પ્રેમાળ ચર્ચા પછી વંદનાએ વિચારવા માટે થોડો સમય માંગ્યો અને ચાહત હકારાત્મક જવાબની આશાની ખાતરી લઇને ચાર દિવસ પછી આવવાની જાણ કરીને રવાના થઈ.
વંદના રુમમાં એકલી પડી. ક્યારે આંખમાં અતિત સળવળ્યો એ ધ્યાન જ ન રહ્યું.
ખચાખચ ભરેલા શહેરના સહુથી મોટા ઓડિટોરિયમ “કલાકૃતિ સાંસ્કૃતિક ભવન”માં એવોર્ડ સમારંભ ચાલતો રહ્યો.
એન્ડ “ધ બેસ્ટ ક્લાસિકલ ફિમેલ ડાન્સર ઓફ ધ યર” એવોર્ડ ગોઝ ટુ મિસિસ વંદના મહેતા.
ચોથી હરોળમાં બેઠેલી વંદનાના ચહેરા પર આનંદના ફુવારા ફુટ્યા. નમણી અંગભંગિમા અને મેનકા જેવું સૌંદર્ય ધરાવતી વંદનાએ સ્ટેજ પર જવા પગ ઉપાડ્યા ત્યારે આખું ઓડિટોરિયમ ધબકાર ચૂકી ગયું.
ગુરુજીના ચરણસ્પર્શ કરી એમના હાથે એવોર્ડ સ્વિકારીને વંદના ધન્યતા અનુભવતી રહી.
એમ તો વંદનાનો આ કાંઈ પ્રથમ એવોર્ડ નહોતો. બંગલાના વિશાળ દિવાનખંડને અડીને એક આખી લંબચોરસ દિવાલમાં ગણ્યા ગણાય નહીં એટલા એવોર્ડ્સ, ટ્રોફીઓ, માનપત્રકો સુવ્યવસ્થિત સજાવાયેલાં હતાં એમાં આજે એકનો ઉમેરો થયો.
એ રાત્રે અંગત મિત્રો અને પરિવારના સભ્યો સાથે સફળતાની ઉજવણી રુપે બંગલામાં એક શાનદાર પાર્ટી ગોઠવાયેલી જ હતી.
શહેરની લગભગ દરેક નામી હસ્તી મોજુદ હતી. પરિવારમાં પતિ કમલ મહેતા અને દિકરો કૈવલ અને પુત્રવધૂ કાજલ મહેમાનોની આગતાસ્વાગતા હોંશભેર કરી રહ્યા હતા.
વંદના પોતાને આટલો પ્રેમાળ પરિવાર મળ્યા બદલ મનોમન ઈશ્વરનો આભાર વ્યક્ત કરી રહી હતી.
એ રાત્રે બે શયનખંડમાં બે અલગ અલગ વિષય છેડાયા હતા.
વંદનાને વ્હાલ સાથે આવકારી રહેલો પતિ કમલ કહી રહ્યો હતો,
“મારી મેનકાને ભેટ શું આપું? મારી પાસે લખલુટ મિલ્કત છે એ બધી પર તારો અને કૈવલનો જ તો હક છે. બોલ, શું જોઇએ?”
કમલનો હાથ પ્રેમથી ઝાલી વંદનાએ કહ્યું,
“જિંદગીની હર એક ખુશી તમે મને આપી. લગ્ન પછી જે બીજી સ્ત્રીઓ માટે લગભગ અશક્ય હોય એ પથ મારા માટે તમે સરળ બનાવ્યો. આજે જે નામના છે એ તમારી હૂંફને લીધે જ છે. મારો આ શોખ અને મારી કલાને તમે જ ટોચ પર પહોંચાડી.
આમ તો કાંઈ જ માંગણી નથી. બસ, એક ડાન્સિંગ ઇન્સ્ટિટ્યુટ સ્થાપવાનું સપનું જોયું છે.”
“અરે રાણી, તું કહે ને હું એ સપનું પૂરું ન કરું! કાલે જ આખી ટીમ ખડી કરી દઉં. થોડા સમયમાં તને ગમે એવી સંસ્થા તૈયાર.”
“ના પણ આ કોઈ નાની વાત નથી કમલ. મોટા રોકાણની વાત છે. મને આવડી મોટી માંગણી કરતાં સંકોચ થાય.”
“રાણી, તેં માત્ર આંગળી ચિંધી. જો એ ભવિષ્ય લખાયેલું હશે તો કદાચ આજ નહીં ને કાલે આકાર પામીને જ રહેશે.
હાથમાંથી સહુ લઈ જાય પણ નસીબમાંથી કોઈ નહીં લઈ જઈ શકે.”
આમ લાગણીથી તરબોળ વાતો ચાલતી રહી.
બીજા શયનખંડમાં કાંઇક અલગ દ્રશ્ય ભજવાતું હતું.
કૈવલની બાહોંમાં સમાયેલી કાજલના ચહેરા પર આક્રોશ હતો.
“હું કાંઈ તમારા રજવાડાની દાસી નથી. મમ્મીજી ઘુંઘરુ બાંધીને જાહેરમાં તાયફા કરે અને હું તમારી ગરમ રોટલી ઉતાર્યા કરું? હું ય પ્રતિષ્ઠિત બિઝનેસમેન કૈવલ મહેતાની અર્ધાંગિની છું. મારે ય સામાજિક સ્ટેટસ છે હોં! કેટલીય મહિલા સંસ્થાઓમાં અતિથિવિશેષ તરીકે આમંત્રણ હોય છે. ક્લબમાં હું જાઉં એટલે એક માહોલ બની જાય છે.
અને તમે પણ પપ્પાજીની લખલૂટ મિલ્કતના એક માત્ર વારસદાર છો. એમ મમ્મી નાચણિયાઓ માટે લાખો રુપિયા વેડફી નાખે એ તમારાથી કેવી રીતે સહન થશે?”
બસ, આવો ખાનગીમાં વિરોધાભાસ અને જાહેરમાં પ્રેમના પિરસણાં ચાલતાં રહ્યાં.
વંદના એ દિવસે બહુ ખુશ હતી. આજે કમલ ડાન્સિંગ ઇન્સિ્ટટ્યુટનો નકશો લઇને આવવાના હતા.
બારીમાં ઉભી રહીને આતુરતાથી રાહ જોતી વંદનાનો મોબાઇલ રણક્યો.
“હલ્લો, મે’મ કમલ મહેતા સરને જીવલેણ એક્સિડન્ટ થયો છે. સીટી હોસ્પિટલમાં લઈ ગયા છે.”
વંદના અને પરિવાર હોસ્પિટલ પહોંચ્યા ત્યારે કમલ જીવન અને મૃત્યુ વચ્ચેનો જંગ હારી ચૂક્યા હતા.
લૌકિક વિધીઓ પૂરી થઈ. હવે ઘરમાં સગાંઓ કે મિત્રોની અવરજવર પણ નહીંવત, થઈ ગઈ હતી. સન્નાટામાં સમય વિતતો ચાલ્યો.
એક રાત્રે ડાઇનિંગ ટેબલ પર કૈવલ મમ્મીની બાજુમાં ગોઠવાયો.
“મમ્મી, હું જાણું છું કે તારું અને પપ્પાનું સપનું શું હતું. એ હું પૂરું કરી શકું એ માટે કેટલીક કાયદાકીય વિધીઓમાંથી પસાર થવું પડે એટલે તારી સહીઓ જોઇશે.”
અગાધ શોકાતુર વંદનાએ કંઈ વાંચ્યા વગર સહીઓ કરી આપી.
પંદર દિવસ સુધી વંદના મનમાં ને મનમાં રાહ જોતી રહી પણ કૈવલ તરફથી કોઈ પ્રતિક્રિયા ન થઈ.
ફરી એક રાત્રે ડાઇનિંગ ટેબલ પર કૈવલ વંદનાની બાજુમાં ગોઠવાયો.
“જો મમ્મી, કાલે તારો જન્મદિવસ છે. તારા માટે અમે કંઈક વિચાર્યું છે. તું ઘરમાં એકલી પડી ગઈ છો એટલે આપણા જ તરફથી સ્થપાયેલા “દાદા-દાદી ઘર”માં તારા માટે સંપૂર્ણ સગવડતાવાળા રુમની વ્યવસ્થા કાજલે જાતે દેખરેખ રાખીને કરાવી છે. તને ત્યાં તારા જેવી કંપની મળી રહેશે અને આનંદમાં સમય પસાર થઈ જશે.”
અને વંદનાના ચહેરા પર શબ્દો ફરી વળ્યા. આંખ બોલતી રહી પણ એણે વેદનાને બહાર લાવવાનું માંડી વાળ્યું.
“બસ, એ કાલની ઘડી અને આજનો દિ’
વંદના અચાનક ખંડેર બની ગઈ.”
વર્ષો બાદ રાધા પાસે આજે એ ધરબાઈ ગયેલા શબ્દો ડૂસકાં સાથે બહાર આવતા હતા. રાધા પાણી લઈ આવી.
ચાહત એકાંતરે વંદનાનો જવાબ લેવા આવતી રહી. એના અથાગ પ્રેમભર્યા પ્રયાસ અંતે રંગ લાવ્યા. વંદના હિતેચ્છુઓની લાગણી અને સમજાવટથી ચાહતની વાત પર સહમત થઈ.
કાર્યક્રમના દસ દિવસ પહેલાં સુંદર નિમંત્રણપત્રિકા લઇને ચાહત આવી અને આખા વૃધ્ધાશ્રમને ભાવભર્યું આમંત્રણ આપી ગઈ.
પ્રોગ્રામની આગલી રાત્રે વંદનાને પોતાના પ્રથમ સ્ટેજ શો વખતે જે રોમાંચ અને થોડી અકળામણ થઈ હતી એવી જ કંઇક થઈ આવી. રાત એમ જ પડખાં ફેરવતાં પસાર થઈ.
સવારે રાધા આવી ત્યારે વંદના કઈ સાડી પહેરવી એ અવઢવમાં હતી.
“લે રાધા, સારું થયું તું આવી. જરા કહેને! શું પહેરું?આમ તો હવે મારી પાસે એવી કોઈ ભારે સાડી નથી. જે છે તે આ છે.”
રાધાએ વ્હાલથી કહ્યું,
“મેનકાઆન્ટી ઉપ્સ વંદનાઆન્ટી કેટલાક માણસો કપડાંથી શોભતા હોય ત્યારે કેટલાંક કપડાં માણસોથી શોભતાં હોય. તમે પહેરશો એ સાડીનું તમને વીંટળાવાનું સૌભાગ્ય હશે.”
સમય થતાં ચાહતે વંદના અને રાધા માટે મોકલેલી ગાડી અને આશ્રમના રહેવાસીઓ માટે મીનીબસ આવી ગઈ.
“કલાકૃતિ સાંસ્કૃતિક ભવન” ઓડિટોરિયમ પહોંચતાં વંદનાનાં હાથ-પગ સહેજ ઢીલાં પડ્યાં. અંદર અજબ હલચલ થતી લાગી.
ગાડીમાંથી ઉતરતાં કથકના સુંદર ડ્રેસમાં તૈયાર થયેલી સોહામણી લાગતી ચાહત દોડીને આવી.
વંદનાનું હૈયું ધબકાર ચૂકી ગયું.
“મારી જ રેપ્લિકા આ છોકરી !”
ચાહતમાં વંદનાને યુવાન વંદના નજરે પડવા લાગી.
ચાહતે વંદનાને ચરણસ્પર્શ કર્યા. વંદના ભાવવિભોર થઈ ગઈ.
“છોકરી, અંતે મને અહીં લઈ આવી. તું મને જીતી ગઈ.”
અને ચાહત વંદનાને પ્રેમથી ગળે વળગી.
વંદનાના કાનમાં મીઠા અવાજે બોલી,
“દાદી, તારા જ આંગણાનું ફુલ છું.”
વંદના સ્તબ્ધ હતી. સાંભળેલા શબ્દો પર વિશ્વાસ નહોતો બેસતો. હૈયું કંઈ જુદા અર્થ કરી રહ્યું હતું.
“દાદી !”
“તો આ ચાહત...!!”
ત્યાં જ ચાહતે માઇકમાં અતિથિવિશેષ વંદના મહેતાનું નામ બોલીને એમને આમંત્રિત કર્યાં અને પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કર્યું. આરંગેત્રમ દબદબાભેર પૂર્ણ થયું. અને ત્યાર બાદ તરત જ બાજુમાં ખડી શાનદાર ઇમારતમાં ચાહત વંદનાને દોરી ગઈ.
આમંત્રિત મહેમાનો, મિડીયા, નામી કલાકારોની હાજરીમાં ચાહતે શણગારેલી ટ્રેમાં સજાવેલી કાતર વંદનાના હાથમાં આપતાં કહ્યું,
“દાદી, તને જે યોગ્ય સમયે મળવું જોઇએ એ તો હું આપી નહીં શકું પણ તું જેની હકદાર છો એ તેં અને દાદાએ જોયેલા સહિયારા સપનાને મેં આકાર આપવાનો યથાયોગ્ય પ્રયત્ન કર્યો છે.”
વંદનાએ મગજની શૂન્યતા સાથે લાલ રીબન કાપી અને પડદો હટ્યો.
મોટા આકર્ષક અક્ષરે લખાયું હતું,
“શ્રીમતી વંદના કમલ મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ ડાન્સ.”
ચાહત વંદનાને ડાયરેક્ટરની કેબિન તરફ દોરી ગઈ.
વ્હાલથી હાથ પકડીને માભાદાર રિવોલ્વિંગ ચેરમાં વંદનાને બેસાડીને ચાહતે કહ્યું,
“દાદી, મારાં મમ્મી-પપ્પાએ દગાથી તને મહાભિનિષ્ક્રમણ કરાવ્યું ત્યારે હું સમજણી નહોતી. મને સમજણ આવી પછી એક વાર અનાયસે તારા અને દાદાના વર્ષોથી તાળામાં રહેલા બંધ રુમમાં પહોંચી ગઈ. દાદાની ડાયરી લખવાની ટેવ મને તારા સુધી પહોંચાડી ગઈ. ડાયરીમાં છેલ્લો ફકરો આ હતો,
“બસ, આજે સાંજે વંદનાને એના સપનાનો નકશો આપીશ. મારે એના સુંદર ચહેરા પર જે ખુશી તરવરે એ જોવી છે.”
પછી ડાયરી અધૂરી હતી..
ઘરમાં પપ્પા-મમ્મીને તો પૂછાય નહીં એટલે રુડીમાને એક દિવસ બેસાડ્યાં અને આખી વાત સાંભળી.
“અને આખો ભવ્ય ભૂતકાળ નજર સામે ખડો થયો. મારા જન્મદાતાએ એમના જન્મદાતા સાથે કરેલા અન્યાયનો પશ્ચાતાપ મારે જ કરવો જોઇએ.
આમ તેમ તાળો મેળવતાં ખબર પડી કે તું તો તેં પાયો રોપેલા વૃધ્ધાશ્રમમાં જ રહે છે.
બસ, હું તને લેવા પહોંચી ગઈ. તારી જિંદગીની સેકન્ડ ઇનિંગ તું સંપૂર્ણ હક અને માનભેર જીવે એ મારી ઇચ્છા છે. આજથી આ ઇન્સ્ટિટ્યુટ તારી. એના બીજા માળ પર તારું બધી જ સગવડતાવાળું રહેઠાણ છે. નીચેથી ઉપર જવા લિફ્ટ છે. રાધા હવે તારી સાથે અહીં રહેશે. બીજા ત્રણ સહાયકોનો સ્ટાફ તારી તહેનાતમાં હાજર રહેશે.”
વંદનાના વર્ષોથી હૃદયમાં ધરબાયેલા સપનાના ભાવ ટપક ટપક વહી નીકળ્યા.
“ના દાદી, તારાં આંસુને વહાવવાનો સમય પૂરો થયો. તારા હકને છીનવી લેવામાં આવ્યો હતો એ મેં પરત કર્યો છે. એમાં કોઈ ઉપકાર નથી. હા દાદી, હું હવે લગભગ તારી સાથે રહીશ. મને જમાડીશને!”
વંદનાને કમલના શબ્દો યાદ આવ્યા, “હાથમાંથી સહુ લઈ જાય પણ નસીબમાંથી કોઈ ન લઈ જઈ શકે.”
એ સુંદર પળે નૃત્યના દરેક ઉત્તમ ભાવ દાદી-દીકરીની આંખમાં નર્તન કરી ઉઠ્યા.