સૌથી પ્યારું, ભારત મારું
સૌથી પ્યારું, ભારત મારું




રેલ્વે કોલોનીમાં રેલ્વેમાં કામ કરતી વ્યક્તિઓ રહેતી. પરંતુ ભારતના કોઈ પણ શહેરમાંથી અનેક વ્યક્તિઓ ત્યાં વસવાટ કરતી હતી.
પોતાના શહેરથી દૂર રહેતી વ્યક્તિઓ સામાન્ય રીતે સંપીને જ રહેતી હોય. કારણ એમના સગા એમનાથી માઈલો દૂર રહેતા હોય. આમ પણ એ બધા સમજતાં જ હોય કે "પહેલો સગો પડોશી "તેથી જ આ કોલોની અસ્તિત્વમાં આવી ત્યારથી અહીં ભાગ્યે જ ઝગડા થતાં અહી વિવિધ પ્રાંતોમાંથી બધા આવતા અને અહીં જ વસવાટ કરતાં.
દરેકની ભાષા જુદી જુદી હોવા છતાં પણ દરેક એકબીજાને સમજી શકતા કારણ અહીં એક જ ભાષા બધા સમજતા અને એ ભાષા એટલે પ્રેમની ભાષા.
અહીં હલ્દી કંકુ પણ ઉજવાતું તો લોડી નો તહેવાર પણ એટલા જ ધામધૂમથી ઉજવાતો. ગુડી પડવો હોય, ચેટીચંદ હોય, ક્રિસમસ હોય કે દિવાળી બધા તહેવારો ધામધૂમથી ઉજવાતા.
બધા ય કુટુંબોને એકબીજા સાથે ઘર જેવું જ લાગતું. પંજાબીઓ ના ભાંગડા થતા તો કથ્થક, કુચીપુડી, ભરતનાટ્યમ ના પ્રોગ્રામ પણ થતાં. અરે, ગુજરાતીઓના ઘરમાં રસગુલ્લા થતાં તો દક્ષિણ ભારતીયો ને ત્યાં હાંડવા ઢોકળા પણ થતાં. પંજાબીઓને ત્યાં ઊંધિયું થતું તો ગુજરાતીઓને ત્યાં દાલ બાટી થતી. બંગાળીઓને ત્યાં ઢોસા ને ઈડલી પણ થતાં.
એ કોલોનીમાતો આંતરજ્ઞાતિય લગ્ન નો પણ કયારેય કોઈ વિરોધ કરતું નહીં. ત્યાં તો તમને નજરે એક જ વાત દેખાઈ આવે અને તે પ્રેમ.
રેલવે કોલોની એટલે જાણેકે આખા ભારત નું પ્રતિબિંબ. એક સંસ્કૃતિ બીજી સંસ્કૃતિ સાથે ઓતપ્રોત થઈ જાય. જયાં મારૂ તારુ શબ્દ નું અસ્તિત્વ વિસરાઇ જાય અને માત્ર આપણું શબ્દ નું જ અસ્તિત્વ રહે.એજ રેલવે કોલોની. અહીં પંજાબીઓ બંગાળી ઢબથી સાડી પહેરે તો આસામી લોકો પણ કયારેક ગુજરાતી સાડી પહેરતાં.
સરકારી કોલોનીની એજ વિશિષ્ટતા હોય છે કે આખા ભારતની એકતાનું એ પ્રતિબિંબ છે.
જોકે આ કોલોની માંથી એક શબ્દ લુપ્ત થઇ ગયો હતો અને એ શબ્દ એટલે મનદુઃખ અને ઝગડા.
રેલવે કોલોની જોઈ હંમેશા દરેક ને વિચાર આવે કે અહીં આવીને વસવાટ કરવાનું મળે તો કેટલું સારૂ!
ખરેખર રેલ્વે કોલોની એટલે જ અખંડ ભારત નું પ્રતિબિંબ.
અહીં આવ્યા બાદ એક જ વાકય બોલવાનું મન થાય, "સૌથી પ્યારું, ભારત મારુ".