Dilip Ghaswala

Romance

4  

Dilip Ghaswala

Romance

સારવારમાં લાગણી ઉમેરો

સારવારમાં લાગણી ઉમેરો

3 mins
276


મોહિત આજે ખુબ ઉદાસ હતો. ડોક્ટર પ્રણવે ચોખ્ખું કહી દીધું હતું કે તમારી પત્ની સો દિવસથી વધુ જીવશે નહિ. ગર્ભાશયના કેન્સરના ચોથા સ્ટેજ પર જ ખબર પડી હતી. જે પત્નીને હજુ તો સાત દિવસ પહેલા જ જન્મદિન વખતે સો વરસ જીવવાની શુભેચ્છા આપી હતી તે હવે સો દિવસમાં જ...અને એ રડવા માંડ્યો. ડોકટરે કહ્યું કે આ વાત તમે તમારી પત્ની કામિનીને કહી દો અને એની તમામ ઈચ્છા પૂરી કરો. એણે કહ્યું;” ડોક્ટર એનું દુઃખ ઓછું કરવાનો કોઈ ઉપાય ? “ ડોકટરે કહ્યું, “ આ દર્દ શામક દવા લખી આપું છું. એનાથી થોડો ફાયદો થશે. ઓછી પીડા થશે. મોહિતે સૌથી મોટો નિર્ણય કર્યો. એ કામિનીને કહેશે નહિ કે એને કેન્સર છે અને સો દિવસથી વધુ જીવવાની નથી. ખુબ જ કપરો નિર્ણય હતો. ઉપરથી ખુશ રહેવાનું અંદરથી દુઃખી રહેવાનું. બેવડી ભૂમિકા ભજવવાનું એણે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. નિયતિ આગળ માણસજાત લાચાર છે. પત્નીના મનમાં સારા થઈ જવાની આશાને હવે જીવંત રાખવાની હતી. કામિનીને ડોક્ટર કરતાં પણ મોહિતમાં વધુ વિશ્વાસ હતો. એ વિશ્વાસ મોહિત તોડવા નહોતો માંગતો. કામિનીને ખાતરી હતી ગમે તેવી બીમારી હોય મારો પતિ યમરાજા સાથે લડીને પણ મને બચાવશે. એટલે જ એણે પોતાના રીપોર્ટસ પણ નહોતા જોયા.એ એવું માનતી મોહિત છે ને ? એને જ બધું સમજાવજો એવા અટલ વિશ્વાસ સાથે કહીને ડોક્ટરની કેબીન છોડી બહાર આવી બેસી ગઈ હતી. અને મોહિતના કહેવાથી જ એ હોસ્પિટલમાં દાખલ થવા રાજી થઈ હતી. અને મોહિતે કહ્યું હતું કે બસ બે ચાર દિવસમાં ઘરે ચાલ્યા જઈશું. અને મોહિતે ચોવીસ કલાક એની સેવા કરવાનું નક્કી કર્યું.

ઓફિસમાં ચાર મહિનાની કપાતા પગારે રજા મૂકી દીધી. એણે વિચાર્યું કે એને જો હું કહી દઉં તો કદાચ આઘાતથી તરત જ મૃત્યુ પામે. એ મને મંજૂર નથી. એટલે જ હું મુખવટો પહેરીશ. કામિની મોહિતને ભગવાન નહોતી માનતી પણ ભગવાનમાં હોય એટલો વિશ્વાસ જરૂર રાખતી. મોહિતથી કામિનીનું દુ:ખ જોવાતું નહોતું. એટલે સંતાઈને રડી લેતો. એણે આવેશમાં આવીને સાંત્વન આપી દીધું કે હું તને કઈ ન થવા દઉં. બસ આ શબ્દોની જાદુઈ અસર થઈ. એના છેલ્લા દિવસોમાં પણ એ આનંદમાં હતી. પણ આ વાતથી એ અજાણ હતી. એટલે એ ખુબ રાહત અનુભવતી હતી. અને મોહિતે રજા લીધી પછી તો એની હાજરીથી જ માનસિક રીતે સારું લાગવા માંડ્યું હતું. અને આવી જ એક સુખદ લાગણી વચ્ચે એક દિવસ કામિની હોસ્પિટલમાંથી રજા લેવાની જીદ પકડી. હવે મને સારું છે. આપણે ઘરે જઈએ. અને ડોક્ટર પ્રણવે પણ કહી દીધુ કે ;” મોહિતભાઈ હવે તમે ઘરે જ લઈ જાવ તો સારું, હવે દવા નહિ પણ દુઆને તમારી લાગણી સારવારમાં ઉમેરો. અને ભારે હૈયે કામિનીને ઘરે લઈ આવ્યા. અને બીજા દિવસે સાંજે કોફી પીતા પીતા એક હાથ મોહિતનો પકડી રાખીને ખુબ જ શાંતિથી આ દુનિયામાંથી વિદાય લીધી. પચીસ વર્ષ પહેલા જે હાથે આ ઘરમાં કામિનીને લાવ્યો હતો તે જ હાથ પકડીને કામિનીને વિદાય આપી. જે સ્ત્રી ને એ પોતાનો શ્વાસ સમજતો હતો એને એ બચાવી તો ના શક્યો પણ જુઠું બોલીને છેલ્લા શ્વાસ સુધી એને પીડામાંથી અને નિરાશામાંથી દૂર રાખી શક્યો. અને પોતાની પાસે હતો એટલો બધો સમય કામિનીને આપ્યો એનો સંતોષ હતો. ડોક્ટરની વાત માનીને જો કહી દીધું હોત કે તું સો દિવસમાં મૃત્યુ પામશે તો એ સો દિવસ જીવતે ? મોહિતે શું કઈ ખોટું કર્યું છે ? એણે તો ડોક્ટરની સારવારમાં માત્ર પોતાની પવિત્ર લાગણી જ ઉમેરી હતી. 


Rate this content
Log in

Similar gujarati story from Romance