સારવાર
સારવાર


“ભઈ આ દાક્તર ચારે આવસે?”
“બસ બાપુ આવતા જ અસે.”
વળી પંદર મિનિટ માત્ર ઘડિયાળના ટક ટક અવાજ સાથે પસાર થઈ ગઈ.
“ભઈ સાસ નહીં લેવાતો.”
દામો રુમમાંથી દરવાજે અને દરવાજાથી રુમમાં આવ-જા કરતો પરસેવે રેબઝેબ હતો.
“આ જીવલેણ બિમારી ચ્યોંથી આઈ જઈ સે તે જગત આખું હલી જ્યું સે. આ બાપુને તઈણ દા’ડાથી તપે સે પણ કોઈ દાક્તર બર્યું આવતો નઈ.”
બહુ કચવાટ સાથે દામો રઘવાયો રઘવાયો આંટા મારતો હતો ત્યાં જ એના નજર છાજલીએ ચડાવેલ ગોટુની રમકડાની પેટી પર પડી. ગોટુ નિશાળે હતો એટલે ઘર હજી ચોખ્ખું હતું. મધી રસોડામાં બાપુ માટે કાવો બનાવતી હતી.
દામાએ પેટી નીચે ઉતારી. ખાંખાખોળા શરુ કર્યાં ત્યાં તો બાપુએ કારમી ચીસ પાડી.
“ઓય..વોય મરી જ્યો...”
“બાપુ.. બાપુ.. આ દાક્તર આઈ જ્યા હોં કે!”
બાપુની બંધ થતી જતી આંખોમાં ધૂંધળાશ હતી. એમાં ઝાંખું ઝાંખું દેખાતું હતું કે સફેદ કોટ પોતાની છાતી પર એનું મશીન મૂકીને બે ભૂંગળાં કાનમાં ભરાવીને તપાસી રહ્યો છે..
“બાપુ હોંભરો સો કે નઈ?”
બાપુએ નજર માંડી.
“હાશ તાણે લો હાજા થઈ જ્યા હોં!”
બાપુ ઘેર આવી ગયા.
દમલાએ ગોટુની રમકડાપેટીમાંથી રમકડાનું સ્ટેથોસ્કોપ સંભાળીને પોતાના ખાનામાં મૂકી દીધું.
“મધી આ મસીન હારું પડ્યું નઈ? હવે હાસવીને મેલી દીધું સે. બાપુને જીવ નેચો બેહી જ્યો જોયું નઈ!”
“હા ભઈસાબ હું તો બી જ જયેલી તાં તો તમી ગોટુનું મસીન ભરાઈને બાપુને તપાસી લીધા તે ઈમને મનમોં હારું લાગ્યું હોં! ધરપત વરી તો દવાખાને પોંકાડી હકાયા.”