STORYMIRROR

nayana Shah

Tragedy

3  

nayana Shah

Tragedy

સારસ બેલડી

સારસ બેલડી

4 mins
228

અંતિમના મમ્મીએ એકલા હાથે અંતિમને ઉછેર્યો હતો. અંતિમ બે વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. ભણવામાં તો એ ખૂબ જ હોંશિયાર હતો. એને મેડિકલમાં જવાની ઈચ્છા હતી. પરંતુ એ જાણતો હતો કે મેડિકલના ખર્ચને મમ્મી પહોંચી નહીં વળે તેથી જ તેને બી. એસ. સી. કરવાનું નક્કી કર્યું. એ જાણતો હતો કે બી. એસ. સી. બાદ માસ્ટર ડીગ્રી કરી એ પી. એચ. ડી. કરી શકશે. કોલેજના પ્રથમ વર્ષમાં જ એની પ્રેકટીકલ પાર્ટનર તરીકે નમ્ય આવી. નમ્ય પણ ભણવામાં હોંશિયાર હતી. એને પણ પૈસાની મુશ્કેલી ને કારણે બી. એસ. સી. કરવાનું નક્કી કર્યુ હતું.

કોલેજના વર્ષો તો જોતજોતામાં પુરા થઈ ગયા. પરંતુ એ દરમ્યાન એક વાત જરૂર બની કે અંતિમ અને નમ્ય જ બધા ગોલ્ડ મેડલ મે઼ળવતાં. કોલેજની લાયબ્રેરીમાં પણ બંને જોડે જ વાંચતાં. બંને જણે સાથે જ માસ્ટર ડિગ્રી કરી અને ત્યારબાદ બેંકમાંથી લોન લઈ ભાગીદારીમાં ફેકટરી નાંખી. કોલેજના પહેલાં દિવસથી પ્રેકટીકલ પાર્ટનર રહેલા. ત્યારબાદ ફેક્ટરીમાં પણ ભાગીદાર બન્યા.એટલુંજ નહીં પરંતુ બંનેના ઘરનાની સંમતિથી માત્ર ફેકટરીમાં ભાગીદાર નહીં પણ જિંદગીમાં પણ જીવનસાથી બની ગયા. બંનેના ઘરના ખુશ હતા. અંતિમ તથા નમ્ય જોડે જ ફેકટરી એ જતાં અને જોડે જ પાછા ફરતાં. કોલેજના પ્રથમ વર્ષથી જ બંને પ્રેકટીકલ પાર્ટનરમાંથી લાઈફ પાર્ટનર બની ગયા. તેથી તો મિત્રો કહેતાં, "આ તો સારસ બેલડી છે" બંને જણા એકબીજા સાથે ખૂબ જ ખુશ હતાં.

પરંતુ ઈશ્વરે નક્કી કરેલું હોય એમ એમના સુખમાં સતતપણે વધારો થતો જ રહેતો હતો. ફેકટરીમાં તો સતત નફો થતો જ રહેતો હતો. અંતિમના મમ્મી પણ હમેશાં કહેતાં, "નમ્ય આવવાથી હું દીકરી નહીં હોવાનું દુઃખ ભૂલી ગઈ છું. "

થોડા સમયમાં જ પરખનો જન્મ થતાં ખુશીમાં સતત વધારો થતો રહ્યો. બંને જણ ફેકટરી જાય ત્યારે પરખની સંભાળ અંતિમના મમ્મી જ રાખતાં. પરખ પણ દાદી સાથે હળીમળી ગયો હતો.

દિવસો સુખેથી પસાર થતાં હતાં અંતિમ અને નમ્ય એકબીજા થી વિખુટા પડતાં જ નહીં. ઘણી વાર એ કહેતાં, "ખરેખર આપણે સારસબેલડી જ છીએ. " પરખ મોટો થતો હતો ત્યારે એમને વિચારેલું કે પરખ ફેકટરી સંભાળી લેશે. પરંતુ દીકરાએ તો કહી દીધું, "મારે તો અમેરિકા જવું છે. મારા બધા ભાઈબંધો અમેરિકા જ જવાના છે. મારે દુનિયા જોવી છે. તમારી દુનિયા એટલે તમારી ફેકટરી. મારે અહીં નથી રહેવું. " આખરે અંતિમ તથા નમ્યએ પરખને પરદેશ મોકલવો પડ્યો.

થોડા સમય બાદ અંતિમના મમ્મીનું અવસાન થતાં ઘરમાં માત્ર પતિપત્ની જ રહ્યાં. પરખ ત્યાં સુખી હતો. એ ઘણી વાર કહેતો, "તમે થોડા સમય માટે તો અમેરિકા આવો." પરંતુ એ બંને જણ ફેકટરી છોડી જવા તૈયાર જ ન હતાં.

એવામાં જ કોરોનાનો કહેર ફેલાઈ ગયો. ફેકટરી બંધ રાખવામાં આવી. બંને વિચારતાં કે આટલા વર્ષો પછી સતત એકબીજાનો સહવાસ માણવા મળ્યો. જુના દિવસો, જુના પ્રસંગો યાદ કરતાં કહેતાં, "લોકો સાચું જ કહે છે આપણે સારસબેલડી જ છીએ."

પરંતુ થોડા સમયમાં જ નમ્યને તાવ તથા શરદી અને ઉધરસ થઈ ગયા. જો કે બધા લક્ષણો કોરોનાના જ હતાં. ટેસ્ટ કરાવ્યો તો પોઝિટિવ આવ્યો. તબિયત વધુ ને વધુ બગડતી જતી હતી. અંતિમે એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો પરંતુ એમ્બ્યુલન્સ મળે એમ ન હતી. નમ્ય એ કહ્યું, "આપણી કારમાં ચલો." અંતિમ તરત બોલી ઊઠયો, "ના, એ શક્ય જ નથી. તારે કારણે મને કોરોના થઈ જાય. નમ્યને શ્વાસ લેવામાં તકલીફ વધતી જતી હતી. પરંતુ અંતિમ આશ્વાસનના બે શબ્દો બોલવાને બદલે એનાથી દૂર જતો રહ્યો. આખરે નમ્યએ એવી હાલતમાં ફેકટરી મેનેજરને ફોન કર્યો. કારણ એ હમેશા કહેતો, " પરખ નથી તો તમે ચિંતા ના કરતાં હું વખત આવે પરખ બની તમારું કામ કરીશ" અને ખરેખર યુગ મદદે આવી પહોંચ્યો. એને તો એટલે સુધી કહ્યું, "તમે તો મારી મા સમાન છો. મને કોરોનાનો ડર નથી"

ત્યારબાદ તો ઓકસીજન, દવાઓ, ઈન્જેક્શન વગેરે મેળવવા માટે યુગે જ દોડાદોડ કરી. શારીરિક રીતે તો નમ્ય સાજી થઈ ગઈ હતી. પરંતુ માનસિક રીતે પડી ભાંગી હતી. ઘેર આવ્યા બાદ પણ અંતિમ એનાથી દૂર જ રહેતો હતો.

એક મહિના બાદ નમ્યએ બેગ તૈયાર કરી અને બોલી, "પરખે મારા માટે ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરી છે. હું કાયમ માટે તમને છોડીને દૂર જતી રહું છું. લોકો ભલે કહેતાં હોય કે સારસ કે સારસીમાંથી કોઈનું મૃત્યુ થાય તો બીજું પક્ષી એના વગર જીવી નથી શકતું અને માથું પછાડીને એના સાથી સાથે પરલોકમાં જતું રહે છે. એ વાત પક્ષીઓ માટે સાચી હશે પરંતુ મનુષ્યમાં જોવા કયાં મળે છે ? કારણ મનુષ્ય સૌથી વધુ બુદ્ધિશાળી અને સ્વાર્થી છે. હવેથી સારસબેલડીની ઊપમા આપી સારસબેલડીને વગોવતાં નહીં. સારસબેલડી એ તો ઈશ્વરનું ઉત્તમ સર્જન છે. એની તોલે સ્વાર્થી મનુષ્ય ના આવે" બોલતાં નમ્ય આંખના આંસુ છૂપાવતી બેગ લઈ ઘરની બહાર જતી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy