સામનો
સામનો


“લે હેંડ પગ ઉપાડ.”
“પણ મારાથી ઝટ દઈને હેંડાતું નહીં.”
“હાવ છોતરાં જેવી સો તે ચ્યોંથી હેંડાય!”
“આ તારા રાજમોં જ એવી થઈ જઈ સું. બાપુને ઘેર તો રાતી રાણ જેવી હતી.”
“મેલ પંચાત હવ.”
જમની અને બાલુનો સંસાર આવી જ ચકમકમાં વહેતો હતો.
બાલુને સીમમાં જમીન ઘણી એટલે કામ પણ એટલું જ પહોંચે.
જમનીએ પરણીને મોભ વધાવ્યો ત્યારથી બાલુની હારોહાર કામે લાગી ગઈ હતી.
થાક લાગતો ત્યારે એકબીજાને વડચકાં ભરાઈ જાતાં પણ રાત્રે જમનીના હાથના ગરમાગરમ રોટલાનું વાળુ કરીને બાલુ જમનીનો આભાર વ્યક્ત કરતો.
“આ તારા હાથમોં માતાજીનો પરચો પાક્કો મારી ઝેણકી.”
“લે હવે જરી શરમ ભર. આમ તો ઝયડકી નાખે સે.”
અને બંને રળિયામણી રાતે ફરી એકબીજાને સાથે જીવવા-મરવાની કસમ આપી દેતાં.
ફરી દિવસ ઉગ્યો..
ગજા બહારના કામના બોજને લીધે તુતુ મેમે પર ઉતરી આવતાં જમની અને બાલુ સીમમાંથી ઘેર આવતાં હતાં.
“માતાજીની ક્રપા તે આ સાલ મોલ મન ભરીને લહેર્યો સે જમની.”
“તે મને લહેરિયું લઈ આલજે હોં!”
“આઈ ગઈ માંગણ. ધરવ જ નહીં ને!”
હજી વધુ ચકમક ઝરે એ પહેલાં રસ્તાની બે બાજુની ગીચ ઝાડીમાંથી ત્રણ બુકાનીધારી પ્રગટ થયા. બંને કંઈ સમજે એ પહેલાં એકે બાલુ તરફ છરો ઉગામીને કહ્યું,
“તારો મોલ મારા ગાડામાં ભરી આલ નહીંતર જીવતો નહીં મેલું.”
“અલ્યા પણ..”
“કોંઈ હોંભળવું નહીં. કીધું ને એકવાર?”
લાચાર બાલુ આ વરસ સારી કમાણીનાં સપનાં પર પાણી ફરી વળતું જોઈ રહ્યો હતો ત્યાં તો..
“એ...ય મારા રોયા.. ઓમ આય.
મારા ધણીની કાળી મજૂરી પર નજર નોખે એ ના બને.”
અને રણચંડી બનેલી નાજૂક નમણી જમનીએ કેડે ખોસેલો ધારદાર જમૈયો કાઢ્યો અને બાલુને ઘેરીને ઉભેલા બુકાનીધારીના હાથ પર ખચ્ચાક કરતો કાપો પાડી દીધો.
હજી કોઈ કાંઈ સમજે એ પહેલાં તો જમની બીજા બે પર તૂટી પડી. એકને ગળે અને બીજાને પીઠ પર ખચાખચ વાર કરીને બાલુને આંતરીને ઉભી રહી ગઈ.
લાલ લાલ આંખો અને આક્રોશથી ધ્રૂજતું શરીર જોઈને બુકાનીધારી આ અણધાર્યા પ્રહારનો સામનો કરી શક્યા નહીં અને ભાગી ગયા.
“ખમ્મા ખમ્મા માવડી.”
બાલુ જમનીનો વાંસો થાબડતો એને ટાઢી પાડી રહ્યો.
પંદર દિવસ પછી બાલુ શહેરમાં મોલ લઈને ગયો અને વળતાં સુંદર લહેરિયું લઈને આવ્યો.