સાઈડ મિરર
સાઈડ મિરર
સૂરજે પેપર વાંચીને એના મિત્રને ફોન કર્યો. "સુબાહુ, આજના સમાચાર વાંચી હું ખૂબ વ્યગ્ર બની ગયો છું. તારે મને મદદ કરવી જ પડશે."
"તારે મારી મદદની જરૂર છે ! તારી પાસે પૈસો છે, સત્તા છે એથી વિશેષ તો તારૂ સુખી કુટુંબ. દુઃખ કે તકલીફ તો તારી જિંદગીમાં પ્રવેશી જ ના શકે. છતાં પણ તને કંઈ પણ તકલીફ હોય તો તારો મિત્ર હાજર છે. બોલ, હુકમ કર હું તને મદદ કરવા તત્પર છું"
"સુબાહુ તું તો જાણે છે કે હું સરપંચ તરીકે વર્ષોથી ગામમાં છું. લોકો મને ઘણો પ્રેમ કરે છે હું વોટ માંગવા ના જવું તો પણ મારી લોકપ્રિયતાને લીધે હું જ સરપંચ બનીશ. પરંતુ નવા કાયદા પ્રમાણે બેથી વધુ બાળકો હોય એ ચુંટણી લડી ના શકે. તારા લગ્ન તો મારાથી ઘણા મોડા થયા હતા. મારે ત્યાં ત્રણ બાળકો છે. મોટી દિકરી છે પરંતુ તે પછી બંને દિકરા છે. નાનો દિકરો તો હજી પાંચ મહિનાનો છે. તારા લગ્નને ત્રણ વર્ષ થયાં તારે ત્યાં બાળક નથી તો મારા નાનકાને તું દત્તક લઈ લે."
"સૂરજ આ વિષે મેં મારી પત્ની સાથે વાત કરી હતી. પરંતુ એનું કહેવું હતું કે કોઈ જાણીતાનું બાળક દત્તક નથી લેવું કારણ એ ગમે ત્યારે માલિકી હક્ક કરે અને બાળકને લાગે કે અમે એના સાચા માબાપ નથી. બાકી મને વાંધો નથી."
"સુબાહુ, જો એવું જ હોય તો દત્તક વિધિ બાદ આપણે કયારેય નહિ મળીએ. મને દુનિયામાં માત્ર તારી પર જ વિશ્વાસ છે."
આખરે સુબાહુએ નાનકાને દત્તક લઈ લીધો. પરંતુ ત્યારબાદ બંને મિત્રો એમના વચન પ્રમાણે કયારેય મળ્યા નહિ.
સૂરજ સતત પ્રગતિ કરતો રહ્યો. એ ત્યારબાદ શહેરમાં આવી ગયો. એ એમ. એલ. એ. પણ બની ગયો. દિકરી સારે ઘેર પરણાવી હતી. એ પણ ખૂબ સુખી હતી. દિકરા માટે પણ સારા સારા ઘરની કન્યાઓના માંગા આવતાં હતાં. અઢળક પૈસો હતો એ થોડો લહેરી પણ હતો. મિત્રો જોડે પિકનિક પર જતો હતો એ વખતે જ એની કારને અકસ્માત થયો અને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો.
ત્યારબાદ તો સૂરજનો રાજકારણમાંથી રસ ઉડી ગયો. રાજીનામું આપી ઘેર જ બેસી રહેતો. ભૂતકાળ વાગોળતાં એને દત્તક આપેલ બાળક યાદ આવ્યો. વર્ષો બાદ એને એક મિત્ર મારફતે સુબાહુનું સરનામું મેળવ્યું. એનો મોબાઇલ નંબર પણ મેળવી લીધો. ફોન કરે કે મળવા જાય તો વચન તૂટે. એવું વિચારતાં બીજા છ મહિના પસાર થઇ ગયા. આ દરમિયાન એની તબિયત બગડતી જ રહી.
આખરે સૂરજે સુબાહુને ફોન કરીને કહ્યું, "સુબાહુ, મારી તબિયત સારી નથી રહેતી. મરતાં પહેલાં વચનભંગ કરી ને પણ તને મળવા આવું છું. મને માફ કરજે. મારા વિષે તો છાપામાં સમાચાર આવતાં જ રહેતાં હોય છે એટલે સુબાહુ તો બધીજ વાતો મારા વિષેની જાણતો જ હશે. પણ હું કયાં એના વિષે કે નાનકા વિષે કંઈ જાણું છું ?"
આખરે વર્ષો પછી સૂરજ સુબાહુ ને ત્યાં પહોંચ્યો. બંને મિત્રો પચીસ વર્ષ પછી મળ્યા હતાં. સુબાહુની આંખો માં આંસુ આવી ગયા. બોલ્યો, "સૂરજ, ભાભીના અવસાનના સમાચાર મેં છાપામાં વાંચ્યા પણ આપણે વચનથી બંધાયેલા હતા."
"તારા ભાભી નાનકાનો વિરહ સહન ના કરી શકી. એને તારી પર વિશ્વાસ હતો પરંતુ એ આખરે તો મા હતી ને !"
"સૂરજ તારા નાનકાના પગલાં અમારા માટે શુકનવંતા પુરવાર થયા. અમે આશા છોડી દીધેલી પરંતુ નાનકાના આગમન બાદ અમારે ત્યાં પણ સારા દિવસો આવ્યા. વર્ષ બાદ અમારે ત્યાં પણ અમારા દિકરાનું આગમન થયું. શરૂઆતમાં તો ખાસ વાંધો ના આવ્યો. બંને બાળકો હળીમળીને રહેતાં હતાં. જેમ જેમ બાળકો મોટા થતાં ગયા તેમ તેમ મારી પત્ની 'વહાલા દવલા' ની નીતિ અપનાવા લાગી. શરૂઆતમાં તો મેં બહુ ધ્યાન ના આપ્યું પણ મેં એક દિવસ એને પૂછી લીધું કે મને લાગે છે કે તારાથી અન્યાય થાય છે. તો એને જવાબ આપ્યો કે હું કંઈ ભગવાન નથી કે મારાથી અન્યાય ના થાય. આપણા દિકરા સાથે લોહીનો સંબંધ હોય જ્યારે પારકાએ પારકા. ત્યારબાદ એકવાર હું ઘેર આવ્યો તારે તારી ભાભી નાનકાને મારી રહી હતી. મને મનમાં ઘણુંજ દુઃખ થયું એટલે એની માત્ર પંદર વર્ષની નાની વયે હું એને પંચગીની હોસ્ટેલમાં મુકી આવ્યો. હું અવારનવાર એની ખબર લેવા જતો. તારા ભાભી ને તો 'ખોખું ગયું ને ચોખ્ખું થયું'. એટલે એ બહુ જ ખુશ હતી. તારો નાનકો પણ વેકેશનમાં ઘેર આવતો નહિ. વેકેશનમાંએ ગાઈડ તરીકે કામ કરી એનો ખર્ચ કાઢી લેતો. હું જયારે એને પૈસા આપું ત્યારે એ એવું જ કહે આપનો ખૂબ ખૂબ આભાર. હમણાં તો મારી પાસે પૈસા છે. જરૂર પડશે ત્યારે માંગી લઈશ. એ ભણવાની સાથે સાથે ટ્યુશન પણ કરતો. બારમા ધોરણના ગણિત અને વિજ્ઞાનના ટ્યુશનના ઘણા પૈસા મળતાં. એ પૈસાનો અસ્વીકાર કરતો ત્યારે મને ઘણુંજ દુઃખ થતું. હું મજબૂર હતો. ઈશ્વરને ત્યાં ન્યાય હોય છે એ હિસાબે અમારો દિકરો મોક્ષ વધારે પડતાં લાડ પ્યારને કારણે રખડેલ બની ગયો અને નાનકો ડોકટર બની ગયો. તારી ભાભીને કેન્સર થયું પણ જયારે ખબર પડી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. ડોકટરોએ કહ્યું હવે જેટલી થાય એટલી સેવા કરો. માંડ મહિનો કાઢશે. ત્યારે એની ઈચ્છા નાનકાને મળી એની માફી માંગવા ની હતી પરંતુ એ સમયે એ એક કોન્ફરન્સમાં માટે અમેરિકા ગયો હતો. તારી ભાભીના મૃત્યુ બાદ એ આવ્યો. અમને મળવા પણ આવ્યો પણ બિલકુલ અલિપ્ત."
"સુબાહુ મારે નાનકાને મળવું છે. માત્ર એક જ વાર. હું એને મારી ઓળખાણ પણ નહીં આપું. બસ,મને એકવાર એની પાસે લઈ જા. તારો ઉપકાર હું નહિ ભૂલું.
"ઠીક છે એ મહાબળેશ્વરની સરકારી હોસ્પિટલમાં ડોકટર છે. બીજું કે એ જાણે છે કે અમે એને દત્તક લીધો છે અને તું એનો સાચો પિતા છે. એકવાર ગુસ્સામાં મારી પત્ની બોલી ગઈ બસ ત્યારબાદ એનું વર્તન જ બદલાઈ ગયું."
જયારે બંને મિત્રો હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે નાનકો કે જે ડોકટર પરોક્ષના નામે ઓળખાતો હતો એ જમી રહ્યો હતો. એને તો આગ્રહ કરી બંને વડીલોને જમવા બેસાડી દીધા. જમ્યા બાદ સૂરજે કહ્યું કે. " હું એકલો છું દુનિયામાં મારું કોઈ નથી તું પાછો ઘેર આવી. મારી ઓળખાણથી તને સારી નોકરી મળી જશે. તું જેમ ઈચ્છે તેમ કરજે પણ મારી સાથે ચલ."
પરંતુ એ કંઈ જવાબ આપે એ પહેલાં જ સૂરજ બેભાન થઇ ગયા. ડોકટર હોવાના કારણે તરત સારવાર ચાલુ થઇ ગઈ. સતત ચાર દિવસ સુધી ખડેપગે ડોકટર પરોક્ષ સેવા કરતાં રહ્યા. સુબાહુએ તો કહ્યું પણ ખરૂ કે સૂરજ તું નસીબદાર છું. પણ સાજા થયા બાદ સૂરજ તથા સુબાહુ એ પરોક્ષને સમજાવ્યો કે તું પાછો ફર. આપણાજ શહેરમાં હોસ્પિટલ ચાલુ કર. સૂરજે તો એટલે સુધી કહ્યું કે મારી પાસે કરોડો રૂપિયા છે. તું વાપર જેથી મને લાગશે કે મેં પ્રાયશ્ચિત કર્યુ.
ડોકટર પરોક્ષ બંને વડીલો તરફ જોઇ હાથ જોડતાં બોલ્યો, "આપ બંને વડીલ છો, મારા મહેમાન બનીને આવ્યા છો તેથી મારી આપના પ્રત્યે ફરજ હતી. મેં જે કંઈ પણ કર્યું એ માનવતા તરીકે કર્યુઁ. આપ મને લાલચ આપવાનું છોડી દો, હું સુખી છું. મારી જિંદગીની ગાડી સીધી ચાલી રહી છે. હા, બીજી વાત કે મારી ગાડીમાં મેં સાઈડ મિરર નથી રાખ્યો કારણ સાઈડ મિરરનો ઉપયોગ પાછળ જોવા માટે થાય છે. હું મારી સીધી ચાલતી ગાડીમાં ભૂતકાળને સાઈડ મિરરમાં જોવા નથી માંગતો. આપ બંને વડીલોને કંઈ પણ જરૂર હોય તો જરૂર પધારજો. હું આપની સેવા કરીશ. પરંતુ હમેશાં યાદ રાખજો કે મેં સાઈડ મિરર કાઢી નાંખ્યો છે."
