Ankita Soni

Drama Inspirational

3.9  

Ankita Soni

Drama Inspirational

સાગરખેડુનો છોકરો

સાગરખેડુનો છોકરો

3 mins
154


"આજે તો નક્કી કંઈક કરી જ નાખવું છે. બસ થોડી હિંમત અને કાયમનો છુટકારો.." સમુંદર કિનારે આજે એ પાંચમી વાર આવેલો. 

નામ એનું સ્મિત. પણ નામનો ગુણ જ જાણે ખોવાયો હતો.

હમણાં હમણાંથી એને જિંદગી સાવ નિરસ લાગવા લાગી હતી. કલાકો એકલો સુનમુન બેસી રહેતો. કોઈ કશું કહે તો એકદમ છેડાઈ જતો. 

એકવડો બાંધો ને એકલમૂડીયો સ્વભાવ એ સ્મિતની ઓળખાણ. પિતા હતા નહીં ને માનું એ એકમાત્ર રતન. મા એક સ્કૂલમાં શિક્ષિકા હતી એટલે મા-દીકરાનું ગુજરાન આરામથી ચાલી જતું.

બાળપણથી જ એને દરિયાનું જબ્બર આકર્ષણ. ક્યારેક મિત્રો સાથે સાયકલ લઈને દરિયાકિનારે ફરવા નીકળી પડતો. મોજાની સાથે તણાવાનું..રેતીમાં પોતાનું નામ લખી પછી એક મોટામસ મોજા સાથે ભૂંસાતું જોવાનું..તો વળી ક્યારેક આથમતા સૂરજને દરિયો કેવો સમાવી લે છે એ જોવાનું એને ખૂબ ગમે.

સ્મિત બારમા ધોરણમાં આવ્યો ત્યારથી જ એના પર ભણતરનો બોજ ખૂબ વધી ગયો. સારું ભણીને પોતાના પગ પર ઉભો રહેશે ને એની માનું જીવન સાર્થક કરશે એવું બધા વારંવાર કહ્યા કરતા. પરિણામે અતિશય માનસિક દબાવ થતા સતત ત્રણ વાર નાપાસ થયો. હવે પોતે કશું જ કરી શકશે નહીં એ અપરાધભાવ એના મન પર ભરડો લઈ રહ્યો હતો. માના દુઃખનું કારણ બનવા કરતા મરી જવું સારું એમ માની એ સતત પાંચ પાંચ દિવસથી સાયકલ લઈને દરિયાકિનારે ચક્કર કાપતો હતો.

આખરે એક દિવસ મન મક્કમ કરીને સમુદ્રમાં સમાઈ જવા સામી લહેરે ચાલી નીકળ્યો ત્યાં દૂરથી કોઈ એની પાછળ આવતું હોય એમ એને લાગ્યું.

"ઊભા રહો ભાઈ ! ઊભા રહો !" પાછળ ફરીને જોયું તો બાર-તેર વરસનો એક છોકરો એને બોલાવી રહ્યો હતો.

"અલ્યા, શું છે ? કેમ બોલાવે છે ?" સ્મિતે જરા તોછડાઈથી પૂછ્યું.

"સાહેબ, એક પેન લેશો ? મારે આજે બોણી નથી થઈ..તમે મોટા સાહેબ લાગો છો એટલે જરૂર લેશો એમ લાગ્યું.." એકીશ્વાસે છોકરો બધું બોલી ગયો. મરવા નીકળ્યો છું ને પેનનું શું કરીશ એમ વિચારીને સ્મિતને હસવું આવ્યું. પણ પાછું એમ થયું કે હું તો મરી જ જવાનો છું તો પૈસાનું શું કરીશ એમ વિચારી એણે ખિસ્સામાંથી પર્સ કાઢીને બધા પૈસા પેલા છોકરાને આપ્યા..

"સાહેબ ! કેટલી આપું ?"

"નથી જોઈતી..પણ તું આ પૈસા રાખ..પેન કોઈ બીજાને વેચજે."

સ્મિત શું કહેવા માંગે છે એ સમજ્યા વગર છોકરો બોલ્યો,

"કોઈની પાસેથી મફતનું કંઈ ના લેવાય એવું મારી મા કહે છે."

સ્મિતને છોકરો બહુ પ્રામાણિક લાગ્યો..કિનારે ચાલતાં ચાલતાં એણે પૂછ્યું,

"શું નામ તારું ?"

"વિષ્ણુ, સા'બ."

"ઘરે કોણ છે ?"

"હું ને મારી મા અમે બંને."

"અને તારા પિતાજી ?"

"મા કહે છે પિતાજી આ સમંદરને પેલે પાર ગયા છે ક્યારે આવશે નથી ખબર..પણ હું એક દિવસ એમને શોધીને જ રહીશ.."

"કેવી રીતે ?"

"હું પણ નાવ લઈને દરિયો ખેડીશ એક દિવસ."

"આ દરિયાની તને બીક નથી લાગતી ?"

"ના લગારેય નહીં..દરિયો તો અમારો ભગવાન છે.." કહીને આશાભરી નજરે એ દૂર સુધી તાકી રહ્યો.

હવે વિચારવાનો વખત સ્મિતનો હતો..એક નાનો છોકરો જેને એ પણ ખબર નથી કે એના પિતાજી...છતાં પણ અખૂટ આશા સાથે દરિયો ખેડવાની વાત કરતો હોય અને પોતે..જરા સરખી નિષ્ફળતા મળતાં જ નાસીપાસ થઈ ગયો ? પોતાના આવા પગલાંથી માનું શું થશે ? એ કોના માટે જીવશે ? જીવશે કે એ પણ પછી એની જેમ જ... ! !એના શરીરે ઝણઝણાટી થઈ ગઈ..લગભગ દોડતો એના ઘરે પહોંચ્યો ને રાહ જોતી ઊભેલી માને એ ભેટી પડ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Drama