સાચા સાથીદાર
સાચા સાથીદાર
લગભગ દસ વર્ષની ઉંમર... પિતાનું આકસ્મિક મૃત્યુ.... આંગણામાં પડેલા શબને જોઈ તે અબુધ બાળા પૂછી બેઠી, "પપ્પા, કેમ ઊઠતા નથી ?" જવાબમાં ડૂસકાં... કલ્પાંત... તૂટતી બંગડીઓનો ચિત્કાર... સમયે સમયનું કામ કર્યુ. સમય રહેતા એટલું સમજાયું, કે હવે આ હર્યાભર્યા ઘરમાં તેનું પોતાનું કહી શકાય એવું મા અને ભાઈ -બહેન સિવાય કોઈ ન હતું. જવાબદારીના ભાર હેઠળ ઉંમર કરતા વહેલી ઠરેલ થઈ ગઈ.
વાસ્તવિકતાના ઉંબરે એને બે અનોખા સાથીદાર મળ્યા... કાગળ અને કલમ... જીવનના દુઃખ-દર્દ, વિચાર, આનંદ, આવેગ બધું જ...મૂંગી કલમ ને જડ કાગળ.... બે નિષ્પ્રાણ, નિસ્તેજ વસ્તુઓના સથવારે તેની ભાવોર્મીઓને વાચા ફૂટી. ગરીબી નામની લઘુતાગ્રંથી, પિતા ન હોવાની અસુરક્ષિતતા અને લોકોની નજરમાં 'બિચારી' હોવાના ભાવ સાથે તે મોટી થઈ. આમ છતાં, તે જીવનને હકારાત્મક રીતે લેતી ગઈ. બાપ વગરની દીકરી, સુખી દાંપત્યજીવનના સપના જોતાં જોતાં, એક ગૃહિણી તરીકેની ઘરેડમાં ક્યારેય ગોઠવાય ગઈ તેને પોતાને ખબર ન પડી.
ધીમે ધીમે તેના બે સાથીદારો અલમારીના એક ખૂણામાં કેદ થઈ ગયા. ઘર- પરિવાર, સંતાન બધાને એક સાથે લઈને ચાલવામાં ઘણીવાર પોતે ગડથોલિયું ખાઈ જતી. પોતાને ના મળ્યું, તે બીજાને આપવામાં, બધાને સાથે રાખીને, ગમે તે રીતે ખુશ કરવાની લ્હાયમાં છેલ્લે ક્યારે પોતે પોતાના માટે હસી હતી, એ ભૂલાઈ ગયું. આમને આમ તે જીવનનાં ઉત્તરાર્ધ સુધી પહોંચી, છતાં પોતે જીવ્યાનો સંતોષ એના મનમાં ક્યાંય નહોતો. તે સુખી તો ખૂબ હતી, બસ ખુશ નહોતી. આખરે ખુશીની ચાવી તેને મળી ગઈ.
સંતાનમાં એક દીકરી...સ્વભાવમાં અદ્દલ તેનું પ્રતિબિંબ. દીકરીએ તેને તેના સાથીદારોને કેદમાંથી મુક્ત કરવાનું કહી એક નવી રાહ ચીંધી. જીવનમાં આવેલ દરેક પાત્રો સાથે પૂરી નિષ્ઠાથી ફરજ નિભાવ્યાના સંતોષ સાથે તેણે કાગળ અને કલમ હાથમાં લીધા અને પોતાના માટે પણ જીવવાનું મન બનાવી લીધું. સુખી તો હતી જ, હવે તે ખુશ પણ હતી. આખરે, કાગળ અને કલમ તેના સાચા સાથીદાર સાબિત થયા. આ સાથીદારોએ તેને જીવનના ઉત્તરાર્ધમાં એકલતાના માર્ગે હતાશ થતાં બચાવી. બસ, હવે તે લખે છે અને ખુશ રહે છે.
"સરસ્વતીની કૃપા, આનંદિત હું, કલમ જોડીદાર."
