રૂડી
રૂડી


એક સત્ય ઘટના પરથી !
રૂડી પાણીનું માટલું માથે મૂકી સડસડાટ નદી તરફ જઈ રહી હતી. રૂડીની સુડોળ કાયા જાણે માટીમાંથી કંડારેલી મૂર્તિ જેવી લાગતી હતી. એનો ગોરો વાન અને કાળો નાગણ જેવો લાંબો ચોટલો અને દાઢી પર ટંકાવેલું છૂંદણું ! એક નખ શીખ ગામડાની ગોરી લાગતી હતી. હાથમાં કાંડેથી નાના અને ઉપર જતાં મોટાં થતાં કડલાં ! ગળામાં મોટો હારડો. પગમાં ઝાંઝર ! અને પગની સફેદ પીંડી પર મોરનું છુંદણું ! ઊંચો ઘાઘરો અને તંગ બ્લાઉઝ બ્લુ રંગની ઓઢણી જાણે આકાશમાંથી ઉતરેલી અપ્સરા જેવી લાગતી હતી.
પાંચ વરસ પહેલા ભીખા સાથે ફેરા ફર્યા હતાં. હવે ભીખો એનું જીવન બની ગયો હતો. ભીખો પણ ખડતલ ઊંચો કદાવર જવાન હતો. બન્ને જણની પ્રિત્યુની વાતો ગામ આખું કરતું. લોકો રાધા કિશન પણ કહેતા. બન્નેમાં ખૂબ હેત હતું. એકને વાગે અને બીજાને પીડા થાય. એકને દુખ થાય અને બીજાની આંખો વહે. બધું સુખ ભગવાને આપ્યું. પણ એક શેર માટીની ખોટ હતી. કેટલાય ઊંટવૈદા કર્યા. કેટલાય દોરા ધાગા કર્યા પણ ભગવાન સામું જ જોતો ના હતો. એક ખોળાનો ખૂંદનાર ના હતો અને પગલીનો પાડનાર ના હતો. શહેરમાં જઈને મોટા ડોકટરને બતાવ્યું. તો દિલને આંચકો લાગે એવાં સમાચાર આપ્યા કે ભીખો બાપ ના બની શકે. રૂડીમાં કોઈ ખોટ ના હતી.
પણ આ સમાચારથી પણ બન્નેની પ્રિતમાં કોઈ ફરક પડ્યો ના હતો. ભીખો ઉદાસ થતો તો રૂડી હસતાં હસતાં કહેતી, "જેવી મારા ઠાકોરની મરજી." અને ભીખો પાછો રૂડીની પ્રિતમાં ખોવાઈ જતો. ભગવાનનો પાડ પણ માનતો કે આવી પ્રેમાળ અને હેતાળ ધણિયાણી મળી જીવન સફળ થઈ ગયું. વળી આખાં ગામમાં સૌથી વધારે રૂપાળી.
રૂડી નદી તરફ જઈ રહી હતી. રેવલો દૂધની ડેરી પર બેઠો હતો. રૂડીની તરફ હમેશા ખરાબ નજર
રાખતો. રૂડીને નદી તરફ જતા જોઈ આજુબાજુ નજર કરી રેવલો પણ નદી તરફ રવાના થયો. નદી પર પહોંચી રૂડીએ માથા પરથી માટલું ઉતાર્યુ. નદી શાંત હતી. નદીનો ધીમો પ્રવાહ રૂડીની ગોરી પીંડલીને પીંછાની જેમ સ્પર્શી રહ્યો હતો. ગોઠણથી ઊંચૉ ઘાઘરો લઈ રૂડી પાણીમાં બેસી ગઈ. એનાં ઉચ્ચવક્ષ પર ઓઢણી કડક રીતે બાંધેલી હતી. ખોબે ખોબે ચહેરા પર પાણી નાખતી હતી પાણીનો રેલો વક્ષ પર ઉતરી વક્ષને ભીનાં કરી રહ્યો હતો.
રૂડીને ખબર ના હતી કે રેવલાની લોલુપ નજર એની જવાનીનો રસ આંખોથી પી રહી હતી. થોડું શરીર પર પાણી નાખી માટલું ભરી પાણીની બહાર આવી. સામે રેવલો ઊભો હતો. રૂડી રેવલાથી દૂર જ રહેતી. પણ આજ રેવલો ક્યાંથી આવી ગયો સમજ ના પડી. રેવલો મૂંછે વળ દેતો બોલ્યો,"રૂડી, તારો ભીખલો તને શું આપવાનો ? હાળો, માણહમાં જ નથી. તારી ભૂખને એ હું પુરી કરવાનો. મારી પાહે આવ તને બતાવું મરદ કોને કેવાય. એક ઝટકામાં માં બનાવી દઉં. રૂડીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. રેવલાની હિમંત વધતી જતી હતી.આજ તો એની ખબર લઉં.
રૂડી મોહક રીતે હસી.નદી પાસેની ઝાડી તરફ વળતાં રૂડી પાછળ ફરી ફરીને રેવલાની સામે હસ્યાં કરતી હતી. રેવલો પણ ઝાડી પાછળ જવા લાગ્યો. એક ઝાડ પાસે જઈ રૂડી થડને પકડી ઊભી રહી ગઈ માટલું નીચે મૂક્યું અને ચાર કાપવા માટે લાવેલું દાતરડું બાજુ પર મૂક્યું. રેવલો નજીક આવ્યો રૂડીના વક્ષ પર હાથ મૂક્યો. રૂડીએ નીચે વળી દાતરડું ઉચકી લીધું. અને દાતરડાથી રેવલાનું લિંગ કાપી લીધું અને કહેવા લાગી, "મોટો મરદ થઈને ફરે છે જા હવે તારી જીવલીને મા બનાવે તો જાણું. મારાં ભીખાને નામર્દ કહે છે..ગામવાળાને તારાં ભૂંડા કરમ કહી નહીં શકે અને હવે જિંદગીભર તારી મર્દાઈ બતાવી નહીં શકે.'