રત્ન
રત્ન


એવું તો હતું નહીં કે કામિની ને કેતન પસંદ ન હતો. છેલ્લા ચાર વર્ષથી એ લોકો સાથે જ ફરતા હતા. ઘરનાની સંમત્તિથી વિવાહ પણ થઈ ચૂક્યા હતા. પરંતુ એ વખતે કામિની એ સ્પષ્ટ પણે કહી દીધું હતું કે મારુ પીએચડી. પુરૂ થાય પછી જ લગ્ન કરીશું. એ વાત સાથે બંને પક્ષ ની સંમત્તિ પણ હતી. પરંતુ એકાએક માત્ર અઠવાડિયા માટે આવેલા મુરતિયાના સાથે એની બહેનનું નક્કી થયું તેથી જ કેતનના માબાપ નો આગ્રહ હતો કે કેતન ના લગ્ન પણ સાથેસાથે થઈ જાય તો ખર્ચ માં ઘણો ફેર પડે આમ પણ કામિની ને પીએચડી કરવામાં મોડુ થાય તો પણ શું ફેર પડવાનો છે?
આખરે કામિની ના માબાપે પણ સંમત્તિ આપી .સૌથી વધુ ખુશ કૌશિક હતો એ તો કહેતો, "અમારા ઘરના સભ્યો ની સંખ્યા એટલીજ રહી. બેન ગઈ અને ભાભી આવ્યા. બેન તો આખો દિવસ કોલેજ જતી આવીને એનું કામ કરતી અથવા એની બહેનપણીઓ સાથ બહાર જતી રહેતી. પરંતુ કૌશિક ને તો ભાભી જોડે બહુ જ બનતું હતું. એ તો કહેતા અત્યાર સુધી મા લાડ લડાવતી હતી હવે ભાભી પણ. આમ પણ મોટી ભાભી મા સમાન હોય.
પરંતુ એને જોયું કે ભાભી બહુજ ઉદાસ થઇ ગયા હતા. લગ્ન બાદ દરેક યુવતી ખુશ જ રહેતી હોય પરંતુ ભાભી તો જાણે કે ભાભી રહ્યા જ નહતા. કૌશિકે પણ કારણ પુછ્યું હતુ પણ કોઈ જવાબ મળ્યો ન હતો. લગ્ન બાદ જાણે એમના મોં પર ગંભીરતા આવી ગઈ હતી. જોકે કૌશિક એકાદવાર પૂછી પણ લીધું હતું કે ભાભી તમને કોઈ તકલીફ તો નથી ને?
ત્યારે પણ સામાન્યથી શુષ્ક જવાબ મળેલો મને તો કંઈ જ દુઃખ નથી. કૌશિક વિચારતો કે ભાભી આ ઘરમાં દુઃખી થવા ના જોઈએ.
જોકે થોડા દિવસ માં એને એના પ્રશ્ન નો જવાબ મળી ગયો કારણ તે દિવસે ભાભી એમની બહેનપણી જોડે વાત કરી રહ્યા હતા કેે અહીં બધુ સારું છે પણ હવે હું મારું પીએચડી પુરુ નહીં કરી શકું. થોડા દિવસની તો વાત હતી છતાં ય કોઈ રાહ જોવા તૈયાર ન હતું. હવે કેતન નું કહેવું છે કે પીએચડી કરવાની કંઈ જરૂર નથી. મારા તરફથી તો તને ડીગ્રી મેળલી જ છે ભણેલી પત્ની એટલા માટે લાવવાની કે એ સંતાનો ને સારી રીતે ભણાવી શકે. આમ પણ મેં તને કહેલું જ કે મારે પત્ની જોઈએ છે નહિ કે પૈસા દર મહિને ઘરમાં ઠાલવતાં પત્ની નામનું મશીન.
જોકે હું એની દરેક વાત માનવા તૈયાર છું પણ... આટલું બોલતા ભાભીના રડવાનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો.
કૌશિક ને કારણ તો મળી ગયું હતું. આમ પણ મોટી ભાભી મા સમાન હોય છે અને ઘરની કોઈ પણ વ્યક્તિ એ દુઃખી શા માટે રહેવું જોઈએ? એ વાત ને માંડ થોડા દિવસો વિત્યા હશે અને એક દિવસ કૌશિક હાથ માં ફાઈલ લઈ ને ઘરમાં દાખલ થયો ફાઈલ ભાભીના હાથ માં મૂકતા બોલ્યો, "ભાભી તમે તમારુ પીએચડી પુરુ કરો, હું તમારા પિયર જઈ બધા તૈયાર કરેલા લેખો લઈ ને ટાઈપ પણ કરાવીને લાવ્યો છું. તે ઉપરાંત તમારા પીએચડી ના ગાઈડ ને પણ મળીને આવ્યો છું તમને અમુક ચોપડીઓ મળતી ન હતી એ બધી ચોપડીઓ ની જે છેલ્લા માં છેલ્લી આવૃત્તિ પણ હું લઈને આવ્યો છું.
તમારા ગાઈડ નું કહેવું હતું કે હવે તો તમે માત્ર પંદર દિવસ માં બધુ સબમિટ કરી શકશો. કામિની એના દિયર સામે જોઈ રહી, ગભરાતાં ગભરાતાં બોલી, " પરંતુ તમારા ભાઇને નહીં ગમે.ભાભી તમે એની ચિંતા ના કરો મેં મમ્મી ને કહી દીધું છે કે ભાભી થોડા દિવસ એમના પિયર જશે ભાઈને એટલું જ કહેવાનું છે કે તમારા મમ્મીની તબિયત સારી નથી એટલે તમે પિયર જાવ છો.
ભલે એ જુઠું કહેવાય પરંતુ થોડા માટે તમે તમારી ડિગ્રી જતી કરો એ ના ચાલે. હું જાેતો હતો કે તમે છેલ્લા ત્રણ વર્ષ સુધી રાતદિવસ જોયા વગર મહેનત કરી છે. ભાઈ ભલે કહેતો, મારે મન તું પીએચડી જ છું. પરંતુ હું જાણું છું કે રત્ન ને વ્યવસ્થિત પાસા ના પાડવામાં આવે તો એની કિંમત ઓછી અંકાય છે. તમે તો રત્ન જ છો પરંતુ એને પાસા પડતાં એની કિંમત વધી જશે. "
ફાઈલ હાથ માં લેતાં કામિની ની આંખોમાં આંસુ આવી ગયા બોલી, "કૌશિક ભાઈ તમે મારા માટે કેટલું બધું કર્યુ? "
કૌશિક હસીને બોલ્યો, ભાભી તમે તો મારા વેલેન્ટાઇન છો, દિયર ભાભીના સંબંધોની આજ પવિત્રતા છે. મારે સમાજમાં કહેવું છે કે મારા ભાભી એ પીએચડીની ડીગ્રી મેળવી લીધી છે. મારા ભાભી તો અણમોલ રત્ન છે !"