રસીલા
રસીલા
ઝરૂખો શબ્દ જ એવો મીઠો છે કે જે કે ત્યાં જવાનું મન થઈ જ જાય. હું કામ કરતા વારંવાર ત્યાં જઈ ન શકું પણ મન તો ત્યાં જ હોય. હરતા-ફરતા નજર નાખી લઉં. મારે કંઈ તડકામાં સુકવવું હોય કે તાર પર કપડાં સૂકવવા હોય હું ઝરુખામાં જ જોવા મળું. પંખીઓ પાણી પીને દાણા ચણતા હોય ત્યારે ત્યાં હું અવાજ કરવા ન જઉં. હા, સવાર સાંજ 'ચા' તો મારા વ્હાલા ઝરુખામાં જ.
મારા ઝરૂખાની સામે જ રસીલાનો ઝરૂખો. ઘણીવાર સામે આવી જઈએ તો વાત પણ કરી લઈએ. રસીલા પાડોશમાં રહેતી હોવાથી મારી સખી બની ગઈ હતી. હમણાં થોડા દિવસથી રસીલા દેખાતી ન હતી. મેં બે ત્રણ વાર ફોન કરી જોયો, પણ નેટવર્કની બહાર બતાવતો હતો. ખબર નહીં કેમ ! મને મનમાં છૂપી ચિંતા થઈ. રસીલાને એક દીકરી પણ છે. એ કૉલેજના છેલ્લા વરસમાં ભણે એટલે કદાચ ઘરે હશે એમ માની હું રસીલાના ઘરે ગઈ. રસીલાની ઘરે તાળું હતું. હું વિચારમાં પડી ગઈ.
થોડા દિવસો પછી.........
એક દિવસ અચાનક જ મારા ઘરનો દરવાજો ખખડવાનો અવાજ આવ્યો હું દરવાજો ખોલવા ગઈ. દરવાજો ખોલતા જ રસીલાને સામે જોઈ. હું ખૂબ ખુશ થઈ ગઈ. એને હાથ પકડીને અંદર લઇ ગઈ. મેં કહ્યું કે તું ઝરૂખામાં બેસ. હું ત્યાં ચા લઈને આવું છું. અમે બંને આરામથી ઝરૂખામાં બેસી ચા પીતા-પીતા વાતોએ વળગ્યા. મેં પૂછ્યું કે તું હમણાં ઘણા દિવસથી કેમ દેખાતી ન હતી ? રસીલાના મોં પર ઉદાસી છવાઈ ગઈ. મેં કહ્યું રસીલા તું વાત કર, હળવી થઈ જઇશ. રસીલાએ ચા નો કપ ટિપોઈ પર મુકતા વાતની શરૂઆત કરી.
રસીલાએ મારી પાસેથી પહેલા વચન લીધું કે હું કોઈને આ વાત ન કરું. મેં પણ વચન આપ્યું કે હું કોઈને નહીં કહું. વાત કંઇક આ પ્રમાણે હતી. રસીલાએ કહ્યું કે હું તો ન વિધવા છું કે ન સૌભાગ્યવતી. આ સાંભળીને મને ખૂબ આશ્ચર્ય થયું મેં વચ્ચે પૂછ્યું કે તો ફોરમ ! દીકરી ફોરમનું નામ સાંભળી રસીલાની આંખમાં આંસુ આવી ગયા.
રસીલા એ કહ્યું કે મને કલકત્તાના વેશ્યાબજારમાં વેચી દેવામાં આવી હતી. મેં ત્યાં ઘણા વર્ષો પસાર કર્યાં મને અચાનક જ ફોરમના આગમનની એંધાણીઓ મળી. હું ખૂબ ખુશ થઈ ગઈ. મારા આવનાર બાળકના ભવિષ્ય માટે હું ત્યાંથી ભાગી છૂટી. જેટલું રોકડ અને સોનુ લેવાય એટલું લઈ લીધું. હું ભાગવામાં સફળ થઈ.
એ લોકોથી દૂર હું ગુજરાતમાં આવી ગઈ. ફોરમ સાત વર્ષની થઈ ત્યારે અચાનક એ લોકો અહી આવી ચડ્યા. મને બાવડું પકડીને ઢસડીને લઈ જતા હતા મેં ખુબ વિનંતી કરી કે મને અહીં રહેવા દો. તમે જે કામ કહો એ કરવા તૈયાર છું પણ એ નર્કમાં મારે પાછુ નથી આવવું. મારી દીકરી ફોરમ માટે હું બધું જ કરી છૂટવા તૈયાર થઈ ગઈ. એ લોકોએ કલકત્તા ફોનમાં વાત કરી એ તૈયાર થઈ ગયા કેમ કે એમને પૈસા મળવાના હતા.
મેં મારી દીકરી અઢાર વર્ષની થઈ ત્યારે બધી વાત કરી દીધી હતી. એ લોકો ફોરમને પણ આ ધંધામાં ખેંચવાના હતા એ તો પાક્કું હતું. હું ફોરમની કોલેજ પૂરી કરવા દેવાની વિનંતી કરતી રહી, પણ છેલ્લા વરસમાં તો ખૂબ ખૂબ મુશ્કેલી ઊભી થઈ રહી હતી. એ લોકો ગમે ત્યારે કોલેજ પહોંચીને ફોરમને હેરાન કરતા હતા. મેં નક્કી કરી લીધું કે ગમે તે થાય મારે મારી દીકરીને બચાવવી જ છે.
મેં ફોરમને વિદેશ મોકલવાની તૈયારી આરંભી દીધી. હું વીઝા આવી જતાં ફોરમને બોમ્બે મૂકવા ગઈ હતી. ફોરમનો ત્યાં જઈને ફોન નંબર ચેન્જ થઈ જશે ને ફોરમને ફોન કરવાની ના પાડી દીધી છે. ફોરમ હવે માસ્ટર કરીને ત્યાં સેટલ થઈ જશે. હું ઉદાસ છું કે હું હવે ક્યારે મારી દીકરીને નહીં મળી શકું.
મેં પૂછ્યું કે કેમ ? રસીલાએ કહ્યું કે મને કેન્સર છે. મેં ફોરમને ના પાડી દીધી છે કે તું હવે ભારત ક્યારેય નહીં આવતી. એટલે જ થોડા દિવસો અમે બંને મા-દીકરીએ સાથે મનભરીને જીવી લીધા. હું અમારી સુમધુર યાદોથી તૃપ્ત થઈ અહીં આવી ગઈ. મને અચાનક મૃત્યુ આવે તો મારા અંતિમ સંસ્કાર તું કરી દેજે. તું સ્વતંત્ર છો કે તારે મારા વિશે સાંભળ્યા પછી સંબંધ તોડવા હોય તો........મેં એના મોં પર હાથ મૂકી દીધો. મારી આંખમાંથી ગંગા જમના વહેતી હતી. જે જીવન કથની સાંભળીને હું હચમચી ગઈ, એ જીવન રસીલા જીવી હતી.
મેં મારા ઝરૂખેથી સામેના ઝરુખામાં નજર કરી તો ત્યાં હિંચકામાં ફોરમની યાદ હિંચકતી હતી. સ્મિતના પુષ્પો વેરતી હતી. એક અલગ જ અનુભૂતિ થઈ. અદ્રશ્ય ફોરમ ભલે થઈ પણ એનું ભાવિ ઉજ્જવળ થયું એ સંતોષ સાથે રસીલા સામે જોયું. રસીલાને પણ વિશ્વાસ બેઠો કે હું એની સાથે છું. મારે તો રસીલાનો સાથ પણ છૂટવાનો જ હતો. અમુક સંબંધો ટુંકાગાળાના હોય પણ એક અવિસ્મરણીય અને અવિભાજ્ય અંગ બનીને રહી જતા હોય છે.
હું મારા ઝરુખેથી એનો સૂનો ઝરુખો જોઈ શકું એટલી હિંમત મારામાં છે ? હું મારી જાતને સવાલ પૂછતી રહી. સૂનો ઝરુખો શબ્દ જ મારા હૃદયને સુનકારથી ભરી મને અંદરથી હચમચાવી ગયો. હું એક આછી ધ્રુજારી સાથે હલી ગઈ.
રસીલા મને ઢંઢોળતી હતી.
મેં સ્વસ્થ થઈ રસીલાને પોલીસમાં ફરિયાદ કરવાનું કહ્યું. હવે દીકરીનું ભવિષ્ય સુરક્ષિત હોવાથી એ તૈયાર થઈ. રસીલાએ મન મક્કમ કરી મોબાઈલમાંથી નંબર ડાયલ કરી જ દીધો.
