Mariyam Dhupli

Drama Inspirational

4  

Mariyam Dhupli

Drama Inspirational

રસ

રસ

3 mins
277


હું દિવાળીની રજાઓમાં ઘણા વર્ષો પછી અમદાવાદ ફોઈને ત્યાં રહેવા ગઈ હતી. મુંબઈની સમય અને ઊર્જા શોષી લેતી નોકરીમાંથી મળેલ ટૂંકો વિરામ આનંદદાયી હતો. દિવાળીની સાંજે મારુ વિશાળ પરિવાર બેઠકખંડમાં બેઠું નિરાંતની પળો માણી રહ્યું હતું. ફોઈના હાથે તૈયાર થયેલ અતિ સ્વાદિષ્ટ રસગુલ્લો મોઢામાં મૂકતા જ મારા મનમાં હર્ષિતાનો ચહેરો ઝબકી આવ્યો. 

મુંબઈની મારી ઓફિસમાં સાથે કાર્ય કરતી મારી એ કોલીગ અમદાવાદથી હતી અને ફોઈના રહેઠાણના અત્યંત નજીકના વિસ્તારની. એ વાત મને અચાનક સાંભરી આવી. ફોઈ અને એનું પરિવાર ચોક્કસ એને જાણતું હશે એ વિચારે મેં મારો પ્રશ્ન બેઠક ખંડમાં જાહેર કર્યો :

" ફોઈ તમે હર્ષિતાને જાણો છો? હર્ષિતા શાહ. એ અમદાવાદનીજ છે. અહીં અપેક્ષા કોલોનીમાં જ એનું ફ્લેટ છે. એ પણ મારી જોડેજ નોકરી કરે છે."

ફોઈએ હાથમાંની મીઠાઈની થાળ ટેબલ ઉપર ગોઠવતા અત્યંત રસ વડે મને નિહાળી. કંઈક બહુ જરૂરી યાદ કરતા હોય એવા હાવભાવો જોડે એમણે હળવા સ્વરે પૂછ્યું.

" હર્ષિતા શાહ? શર્મિષ્ઠા શાહ અને ધર્મેશ શાહ ની દીકરી? હા, એ પણ મુંબઈ જતી રહી હતી. સારી રીતે ઓળખું છું એને. એની સગાઈ આપણા વિઠ્ઠલભાઇના સાળાની પત્નીના ભત્રીજા જોડે થઈ હતી. બે મહિના સગાઈ ટકી રહી. છોકરો ઘરે લેવા મુકવા પણ આવતો. એકલા એકલા ફરવા જતા બંને. તારા ફુવા એ કેટલી વાર બંનેને બાઈક ઉપર રખડતા જોયા છે. "

સામે બેઠા મારા ફુવાએ ગરદન હલાવી અત્યન્ત ગામ્ભીર્ય પૂર્ણ હામી પુરાવી. ફોઈએ પોતાની વાર્તા આગળ વધારી.

" પછી ખબર નહીં શું થયું? સગાઈ તૂટી ગઈ. " ફોઈનું મોઢું થોડું વાંકુ થયું અને ખભા ઉપર તરફ ઉઠ્યા.

" મેં તો એવું સાંભળ્યું છે કે છોકરી બહુ ફાસ્ટ હતી. એટલે છોકરાવાળાએ જ આગળથી તોડી નાખ્યું." 

પડોશમાંથી દિવાળીની શુભેચ્છા પાઠવવા આવેલા યશીકા બહેને અત્યંત મંદ સ્વરે વાર્તાનું રહસ્ય ઉકેલતા હોય એવા હાવભાવો જોડે પોતાની વાત મૂકી.

" મેં તો સાંભળ્યું છે કે બાળક પણ રહી ગયું હતું. અબોર્શન કરાવ્યું. એટલેજ મુંબઈ મોકલાવી દીધી. "

બેઠક ખંડમાં હાજર દરેક મનુષ્યનો રસ યશીકા બહેનની વાતોમાં અટક્યો હતો. ખૂણામાં બેઠી મારી સહ આયુ ફોઈની દીકરીએ પણ એ રસમાં તરબોળ પોતાનો ફકરો ઉમેર્યો.

" કોલેજમાં મારી જોડેજ હતી. સાવ ચીલાચાલુ. કેમ્પસ ઉપર હાજર દરેક છોકરા જોડે વાતો કરતી. ખબર નહીં કેટલા બોયફ્રેન્ડ હશે એના?"

મારી રૂઢિવાદી ફોઈના અત્યંત રૂઢિવાદી પરિવારના દરેક સભ્યના ભવાં હેરતથી ઉપર તરફ ખેંચાઈ આવ્યા હતા. યશીકા બહેનના પતિએ પોતાના તરફથી પણ મહત્વની માહિતી પુરી પાડવાની ફરજ નિભાવી.

" મારો મિત્ર અશોક કહેતો હતો કે સિગારેટની પણ ટેવ છે. "

એ સાંભળતાજ મારા ફોઈના દીકરાને હિંમત મળી હોય એ રીતે ચેટિંગમાં વ્યસ્ત એના હાથને થોડો વિરામ આપી એણે મારી આંખોમાં આંખો પરોવી.

" પબમાં પણ જતી હતી." ફોઈની આંખોના ડોળા એની ઉપર આવી અટક્યા જ કે પોતાના બચાવમાં એણે તરતજ સફાઈ આપી." મને તો ચિરાગે કહ્યું."

હાથમાં થામેલા રસગુલ્લા જોડે મારી પહોળી ચોંકેલી આંખો જોડે હું દરેક વાર્તાલાપ સાંભળી રહી હતી. બધાએ પોતે હર્ષિતા વિશે શું શું જાણે છે એની બધી જ માહિતી મારી આગળ રસપૂર્વક પીરસી દીધી હતી. હવે કોઈની પાસે કહેવા માટે કાંઈ બચ્યું ન હતું. બધા શાંતિથી મને તાકી રહ્યા હતા. એ બધા સર્વજ્ઞાની ચહેરાઓને ખુલ્લે મોઢે અચરજથી તાકતી મારી આંખો ને આખરે કઈ બોલી શકવાની તક દેખાઈ અને એ મેં ઝડપી લીધી. મારી મુંબઈ ભાષી બોલી બહાર ઉછળી પડી. 

" હે ગાય્સ. કમોન. ચીલ ! હું તો એટલા માટે પૂછતી હતી કે હર્ષિતાએ અહીં અમદાવાદમાં પાંચ વર્ષો સુધી અલ્ઝાઇમર સંસ્થામાં દર્દીઓની દેખરેખ માટે પોતાની ફ્રી સર્વિસ આપી છે. મુંબઈમાં પણ નોકરીના કલાકો પછી એ અલ્ઝાઇમર ઇન્સ્ટિટ્યૂટમાં સાંજે બે કલાક સમાજસેવા પાછળ ખર્ચે છે. અમારી ઓફિસમાં કામ કરતા એક કલિગનો અકસ્માત થયો હતો ત્યારે એણે પોતાનું સમાન બ્લડગ્રૂપવાળું લોહી તરતજ ડોનેટ કર્યું હતું. એકની એક દીકરી થઈ એ દીકરા જેમ ઘર ચલાવે છે. શી ઇઝ સચ એન ઇન્સ્પિરેશન ! "

મારા શબ્દોથી ઝંખવાળા પડી ગયેલા બેઠક ખંડમાં હાજર મનુષ્યોને જાણે મારો વાર્તલાપ જરાયે રસપ્રદ લાગ્યો ન હોય એમ એ દરેક પોતપોતાની પ્રવૃત્તિઓમાં પુનઃ પરોવાઈ ગયા.

હાથમાંનો રસગુલ્લો મેં ધીમે રહી મોઢામાં મૂક્યો અને એની મીઠી મીઠી ચાસણીના રસમાં થોડા સમય પહેલા મનમાં ભેગી કરાવવામાં આવેલી કડવાશ શીઘ્ર પીગળી ગઈ. 


Rate this content
Log in

Similar gujarati story from Drama