રોજનું એક ગુલાબ
રોજનું એક ગુલાબ
કાઉન્ટર ઉપરથી મારી દ્રષ્ટિ આર્થિક વહીવટ વચ્ચેથી માર્ગ કાઢતી ફરીથી દુકાનના આગળના ભાગ તરફ આવી થોભી .
આજે ફરીથી એ દરરોજની જેમજ મારી પુષ્પોની પેઢીગત દુકાને આવ્યો હતો. મારી શંકાશીલ દ્રષ્ટિ એના દરેક હલનચલનને સૂક્ષ્મ રીતે નોંધી રહી હતી . આજે પણ એજ ખરીદી . એક ગુલાબ . આજનો રંગ પીળો . દરરોજ એક નિયમિત ગુલાબની ખરીદી ? છેલ્લા પંદર દિવસથી આ એક અચૂક નિયમિત ક્રમ બની ચુક્યો હતો .
પરિચય આપું તો નામ એનું હરીશ વ્યાસ . મારા જેટલીજ ઉંમર . બાળપણમાં મહોલ્લામાં એકી સાથે રમતા રમતા ઉછરેલા અમે બે મિત્રો . ૧૨માં ધોરણ સુધીનો અભ્યાસ એકજોડે , એકજ શાળામાં . મારો અભ્યાસ સાથેનો સંબંધ આગળ ધપશે નહીં ,એ મારા બોર્ડના પરિણામપત્ર એ જાતેજ ઘોષિત કરી દીધું હતું . પિતાજી અને મોટાભાઈ જોડે અમારી ફૂલોની દુકાનનો વ્યવસાય શીખી લેવોજ એજ મારા ઉજ્જવળ ભવિષ્ય માટે સુરક્ષિત માર્ગ હતો , એ સ્વીકારી મારું ભાગ્ય મને મારા વારસાગત વ્યવસાય તરફ દોરી ગયું .
પણ હરીશ વ્યાસની વિદ્રાનતા અને જ્ઞાન પ્રત્યેની જીજ્ઞાશા એને પુસ્તકો અને અભ્યાસના ઊંડાણોમાં ઉતારતી ગઈ . એનો ધીર ગંભીર સ્વભાવ અને નીતિનિયમો તેમજ શિષ્ટ તરફની પ્રામાણિકતા એ એને સંસ્કૃતનો ઉત્કૃષ્ટ શિક્ષક બનાવીનેજ શ્વાસ લીધો . દૂર દૂરથી શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સંસ્કૃતના ટ્યુશન લેવા હરીશ વ્યાસ માસ્ટરને ત્યાં આવતા.
શાળામાં પણ શ્રેષ્ઠ શિક્ષકના દાવેદારોની યાદીમાં હરીશ વ્યાસનું નામ દર વર્ષે અચૂક સ્થાન પામતું . સમાજ તરફથી પણ એના અનુસાશન અને શિસ્તબદ્ધ જીવનને પારિતોષિકથી અવારનવાર નવાજવામાં આવ્યાજ કરતું . વિદ્યાર્થીઓ , મિત્રો અને સમાજના દરેક સભ્ય માટે હરીશ વ્યાસ પ્રેરણાની એક કિરણ જેવો હતો . ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો એનો પ્રેમ , ધર્મ પ્રત્યેની એની વફાદારી ,ફક્ત એના વસ્ત્રોમાંજ નહીં; એના વિચારોમાં , એની વાણીમાં , એના વર્તન અને એના સામાજિક સંપર્કો તેમજ કૌટુંબિક, પારિવારિક વ્યવહારોમાં પણ સ્વચ્છપણે પ્રતિબિંબિત થતા. એના મિત્ર હોવાનો , એને ઓળખવાનો , એના બાળપણ અને યુવાનીના જીવનનો એક હિસ્સો હોવાનો મને પણ અનન્ય ગર્વ .
પણ થોડા દિવસોથી એ અનન્ય ગર્વ થોડો ડગમગ્યો જરૂર હતો . દાળમાં જરૂર કંઈક કાળું હતું . મારી શંકાની દ્રષ્ટિ જાસૂસ માફક દરરોજ એનું ઉપરથી નીચે સુધી પરીક્ષણ કરી રહી હતી. રિટાયર્મેન્ટની આયુ નજીક આવી પહોંચેલ હરીશ વ્યાસ અંતિમ પંદર દિવસોથી નિયમિત મારી દુકાને આવતો . અચૂક એક ગુલાબ ખરીદતો . વળી દર વખતે ગુલાબનો રંગ પણ જુદો જુદો પસંદગી પામતો .
આજે પીળા રંગનો વારો હતો . દુકાન પર કામ કરતા યુવકને એણે પૈસા ચૂકવ્યા . કોઈ જોઈ ન લે એ માટેની ચકાસણી કરતી દ્રષ્ટિ પંદર દિવસની નિયમિત ટેવ પ્રમાણે દુકાનની અંદર અને બહાર બન્ને તરફ ફરી રહી . પણ આજે એ દ્રષ્ટિ મારી પ્રશ્નાવલી સમી દ્રષ્ટિ જોડે ટક્કર ખાઈ બેઠી . હોઠ પર વ્યાપેલા હાસ્યમાં ઔપચારિકતા છલોછલ હતી . શરીરના હાવભાવો સામાન્ય ન જ હતા . આંખોમાં વ્યાપેલું છોભીલાપણું તદ્દન પારદર્શક હતું .
મારી આંખો સાથેનો સંપર્ક ત્વરાથી તોડી એણે ઝડપથી દુકાન બહારની વાટ પકડી . મારી અંતરાત્મા બેબાકળી થઇ ઉઠી . કંઈક તો હતું . પણ શું ? કોઈ ગૂઢ રહસ્ય તરફ દોરાતું મારું શરીર સહજ રીતે કાઉન્ટરની ગાદી છોડી હરીશ વ્યાસ તરફ દોરાઈ રહ્યું . દુકાનમાંથી અતિ ઝડપ જોડે બહાર તરફ નીકળી, મારા ડગ હરીશ વ્યાસનાં માર્ગની દિશામાં કોઈ ફરજનિષ્ઠ અમલદાર માફક ઉપડી રહ્યા .
આજેતો રહસ્ય પરથી પરદો ઉઠાવીનેજ રહીશ, એવી દ્રઢ મક્કમતા જોડે મારી ચાલવાની ઝડપ સતત વધતી હરીશ વ્યાસનો છૂપો પીછો કરી રહી .
જીવનમાં કદી ગુલાબ ન ખરીદ્યું હોય એવા ધીર, ગંભીર પ્રકૃત્તિ વાળા પુરુષના હાથમાં આધેડ વયે થમાયેલું યુવાન ગુલાબ પણ જાણે છોભીલું બનતું સંતાકૂકડી રમી રહ્યું હતું . ગુલાબ જોડે કોઈ એના દર્શન ન કરી જાય એ ડરે ગુલાબને અહીંત્યાં છુપાવતા હરીશ વ્યાસની શરીરની ઝડપ પણ સતત વધી રહી હતી ને સાથે સાથે મારી પણ .
પાછળ પાછળ ચોરીથી ધપી રહેલું મારુ શરીર વિચારોના વમણમાં ઊંડે ઉતરી રહ્યું હતું . સુંદર , સુશીલ , સ્વરૂપવાન અને ચરિત્રશીલ પત્ની . જીવનને દરેક ડગલે ને દરેક સંઘર્ષમાં ખભેથી ખભુ મેળવી ઉભી રહેનારી નારી . આવી જીવન સંગીની મળ્યા છતાં જીવનઆયુના આ પડાવ ઉપર પહોંચી આવી મોટી ભૂલ ? જીવનમાં સીંચેલા શિસ્ત અને અનુસાશનની આવી કરુણ હત્યા ? જે પત્નીએ જીવનના દરેક તબક્કે સાથ સહકાર આપ્યો તેને બદલે ....
મારી પાછળ તરફથી એક મોટરસાયકલ સવારે અચાનકથી હોર્ન વગાડ્યો . વિચારોમાંથી હું શીઘ્ર સફાળો થયો . હરીશ વ્યાસની દ્રષ્ટિ પાછળ તરફ વળી અને મારી હાજરીની નોંધ લેતાજ એ ચોંકી ઉઠ્યો . હાથમાંના ગુલાબને મારી નજરથી છુપાવવા એણે નિષ્ફ્ળ પ્રયત્ન કર્યો . મારી જોડે કોઈ વાર્તાલાપમાં પડવું ન હોય કે મારી આંખોમાં ઉભરાઈ રહેલા પ્રશ્નો અને શંકાને કોઈ પ્રત્યાઘાત આપવા ન હોય એવા શારીરિક હાવભાવો જોડે એણે મારા તરફ પીઠ ફેરવી . થોડી ક્ષણો માટે એનું શરીર સ્થિર થઇ જાણે કઈ દિશામાં જવું , શું કરવું અને શું નહીં કરવું એ અંગે ત્વરિત નિર્ણય લેવા દ્રીધામાં મુકાયું . શરીરની મક્કમતા જોડે આખરે નિર્ણય લઇ એણે પોતાના પગ ઘરની દિશામાં વાળ્યા . આ વખતે એની ઝડપ પહેલાં કરતા બમણી થઇ ચુકી હતી . પીછો કરી રહેલા મારા શરીરને એ તફાવત સારી રીતે અનુભવાઈ રહ્યો હતો . હું એને પકડી પાડું , કંઈક પૂછી લઉં કે અટકાવી શકું એની કોઈ પણ તક ન આપતા ચિત્તાની ઝડપે હરીશ વ્યાસ પોતાના મકાનમાં પ્રવેશી ગયો .
ઉંમરનો તકાજો મારી હાંફતી શ્વાસોમાં ઉતરી આવ્યો . મારી બધીજ મહેનત પર પાણી ફેરવી ગયેલા એ અજાણ્યા બાઈકસવાર પર હું મનોમન અકળાઈ ઉઠ્યો . હરીશ વ્યાસ હવે મારી જાસૂસી નજરથી સતર્ક થઇ ગયો હતો . હવે મારા માટે કોઈ પણ પુરાવા ભેગા કરવા લગભગ નહીંવત જેવું હતું . હારેલા હય્યા જોડે હું દુકાનની દિશા તરફ વળ્યો .
પણ આમ હાર માની લેવું યોગ્ય ખરું ? કોઈ સુખી સંસારને આંખો આગળ મૌન ઉજડતા કઈ રીતે નિહાળવું ? એક પ્રેમપૂર્ણ પરિવાર એક અપરિપક્વ ભૂલથી તૂટી રહ્યું હોય ત્યારે મોઢું સિવી શાંત તમાશો નજ જોવાય . ફરીથી ભાભીનો આદરણીય ચ્હેરો નજર પર તરી આવ્યો . બે માસૂમ બાળકોના ચ્હેરા વ્હાલ ઉપજાવતા દેખાઈ રહ્યા . પણ શું કરી શકાય ? મારી નજર મુંઝવણથી દોરાતી આભ પર આવી મંડાઈ . હવે તો કોઈ ઉકેલ ઉપરના માર્ગે આવી પહોંચે ત્યારેજ .....
અચાનક વિસ્તારમાં સ્થાપિત મંદિર તરફથી સાંજની આરતીના ઘંટ મારા કાનમાં ગુંજી રહ્યા . મારા ચ્હેરા ઉપરથી અક્ળામણના ભાવોને દૂર ધકેલતું એક ધ્યાનમગ્ન હાસ્ય બહાર છલકાઈ ઉઠ્યું . ઉપરના માર્ગે આવી પહોંચેલા ઉકેલથી દોરાતો હું સીધો મંદિરની દિશામાં ઝડપથી આગળ વધ્યો .
વિસ્તારની દરેક સ્ત્રી સાંજની આરતી સમયે મંદિર ભેગી થતી . ભાભીને મળવાની એ એક સોનેરી તક હતી . હકીકતથી ભાભીને માહિતગાર કરવીજ પડશે . મારા મનનો ભાર હળવો કરવાનો પણ એ એકમાત્ર જ માર્ગ હતો .
થોડાજ સમયમાં મંદિરના પ્રાંગણમાં હાજર નહીંવત પુરુષોમાનો હું પણ એક હતો . આરતી સમાપ્ત કરી બહાર નીકળી રહેલી સ્ત્રીઓના ટોળામાંથી મારી દ્રષ્ટિ ભાભીને નિહાળવા તત્પર થઇ ઉઠી હતી . મારી તત્પરતાનો અંત લાવતા આખરે મંદિરની દાદરો ઉપર જેવા ભાભીના દર્શન થયા કે હું સીધો એમની તરફ ધસી ગયો .
" ભાભી એક વાત કરવી હતી ..."
મારા ચ્હેરા ઉપરની ગંભીરતા અને તાણ નિહાળી એ ચિંતામાં મુકાયા .
" શું થયું રમણભાઈ ? આપ અહીં ? સૌ ઠીક તો છે ને ?"
"ઠીક નથી એટલેજ આવવું પડ્યું ." એમને ખૂણા તરફ આવવાની વિનંતી મારા હાવભાવોમાં ડોકાઈ . કોઈ વાત સાંભળી ન જાય એની સતર્કતા દાખવતો હું દાદરને એક ખૂણે થઇ ગયો . મારી વિનંતીને માન આપતું એમનું શરીર પણ ધીરે રહી ખૂણા તરફ દોરાયું .
" શું થયું રમણભાઈ ? મારો જીવ ધ્રૂજે છે ."
એ નિર્દોષ ચ્હેરા ઉપરની ફિકર મને અપરાધભાવમાં ડુબાડી રહી . પરંતુ સમય કાળજું સખત રાખવાનો હતો .
" ભાભી વાત એમ છે કે હરીશ અંતિમ પંદર દિવસોથી મારી દુકાને આવે છે . નિયમિત એક ગુલાબ ખરીદે છે અને કોઈ નિહાળી ન જાય એની સતર્કતા રાખતો ભાગી નીકળે છે . એનું છોભીલાપણું સાચેજ શંકાશીલ છે . "
એકજ શ્વાસે હિંમત દાખવી આખો ચિતાર રજૂ કર્યા પછી મારી દ્રષ્ટિ ભાભીના પ્રત્યાઘાતો પર સ્થિર થઇ .
" હા , હું જાણું છું . આપના મિત્રે પોતાનાજ પગે કુહાડી મારી છે . "
ચ્હેરા ઉપર જીત અને ગર્વના હાસ્ય જોડે તેઓ દાદર ઉપર ગોઠવેલી પોતાની ચપ્પલ પહેરવામાં વ્યસ્ત થયા . મારા ચ્હેરા ઉપર મોટી શૂન્યમનસ્કતા ફરી વળી . એ બધું જાણતા હતા છતાં એમને કોઈ ફેર પડતો ન હતો ? એમના હાસ્યમાં આ કેવી જીત ? આ કેવું ગર્વ ?
ચપ્પલ પહેરી તેઓ ધીરે રહી મારી સમીપ આવ્યા . આરતીની થાળી આગળ ધરી . પ્રસાદ મારા હાથમાં ધર્યું . હું મૌન , શોક્ગ્રસ્ત એમને તાકી રહ્યો .
" આપની મૂંઝવણ દૂર કરું છું . વાત એવી છે કે આ ૧૪ ફેબ્રુઆરી, વેલેન્ટાઈન દિવસે મેં એમની પાસે એક ગુલાબ માંગ્યું . તમે તમારા મિત્રને તો સારી રીતે જાણો છો . ભારતીય સંસ્કૃતિ , ભારતીય પરંપરા અને ધર્મ ,ઉપવેદોનું બધુજ જ્ઞાન એમણે મારે માથે ઠલવી દીધું . ફક્ત એક ગુલાબ ન આપવા માટે એમણે અગણિત દલીલો રજૂ કરી . ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો તેમજ આપણો ધર્મ પ્રેમને ફક્ત એકજ દિવસ કે એકજ તારીખ પૂરતો સીમિત નથી માનતો . પત્નીને પ્રેમની અભિવ્યક્તિ દરરોજ કરવી જોઈએ . એના માન -સન્માન દરરોજ જાળવવા જોઈએ . એની ઈચ્છાઓનું નિયમિત જતન કરવું જોઈએ . એની ખુશી માટે દરેક દિવસે એકસરખો પ્રયાસ કરવો જોઈએ , એજ આપણા સાચા સંસ્કારો , એજ આપણી ભારતીય પરંપરા , એજ આપણા ધર્મગ્રન્થોનો ઉપદેશ . ફક્ત એકજ દિવસના પ્રદર્શન કરતા, પાશ્ચાત્ય સંસ્કૃતિને રંગે રંગાઈ ગયેલા આ બધા ધતીંગોનો અચૂક તિરસ્કાર કરવો જોઈએ . અને આ લાંબી લચક દલીલો ની સામે મારો એકજ પ્રશ્ન પૂરતો હતો . મને ગુલાબ ગમે છે . આપ મને ગુલાબ આપો તો મને સાચેજ ખુશી થશે . મારી ખુશીનું જતન કરવું આપનો ધર્મ છે અને ભારતીય પરંપરા અને સંસ્કૃતિ પણ . એક દિવસના પ્રદર્શન માટે નહીં , દરરોજ , નિયમિત શું આપ મને એક ગુલાબ આપી પોતાના ધર્મનું જતન કરશો ? પછી શું ? આપના મિત્ર પાસે હામી પુરાવા સિવાય કોઈ વિકલ્પજ બચ્યો ન હતો . મારે તો ફક્ત એક દિવસ 'વેલેન્ટાઈન ડે ' ઉજવવો હતો . પણ હવે તમારા મિત્રને ધર્મ અને સંસ્કૃતિના જતન માટે દરરોજ ' વેલેન્ટાઈન ડે ' ઉજવવો પડે છે . "
આરતીની થાળી લઇ દાદર ઉતરી રહેલ ભાભી અત્યંત ઉત્સાહિત અને ખુશ હતા . ઘરે એમનું ગુલાબ એમની રાહ જોઈ રહ્યું હતું .
દાદર ઉપર ઉભો હું મારા હાસ્યને નિયંત્રણમાં રાખવા પ્રયાસ કરી રહ્યો હતો .
ઈશ્વરના ઘરને નિહાળતા મારું મન વિસ્મિત થઇ ઉદ્દગારી ઉઠ્યું ,
'ધર્મ થકી પ્રેમનું શિક્ષણ આપવું કપરું ખરું ;
પણ પ્રેમ થકી ધર્મ પણ કેવો સહેલાઈથી સમજાઈ જાય ! '
