urvashi trivedi

Drama Thriller

4  

urvashi trivedi

Drama Thriller

ઋણાનુબંધ

ઋણાનુબંધ

14 mins
148


ત્રણ વરસનો ફક્ત નાનો બાળક પોતાના ઘરના કાટમાળ સામે ઊભો ઊભો રડી રહ્યો હતો, ભુજમાં આવેલા 2001ના ભૂકંપમાં ઘણાના ઘરો મેદાનમાં ફેરવાઇ ગયા હતા. તેમાં આ બાળકના ઘરનો પણ સમાવેશ થતો હતો બાળક ખૂબ જ નાનો હોવાથી પપ્પા પપ્પા કહી રડી રહ્યો હતો અને કાટમાળ સામે હાથ દેખાડી કંઈક કહી રહ્યો હતો પણ તે શું કહે છે તે સમજી શકાતું નહોતું. ત્યાં ડોક્ટરની ટીમ આવી અને બાળકને સારવાર માટે ટેન્ટમાં લઈ જવામાં આવ્યો ત્યાં બાળકને નાના-મોટા જખમ થયા હતા તેની સારવાર કરી બાળક સતત આક્રંદ કરી રહ્યો હતો બાળકના સગાંવહાલાંઓ કાંઇ પત્તો ન હતો. પોલીસે બાળકના ફોટા છાપામાં તથા ટીવી માં આપ્યા છતાં બાળકના કોઈપણ સગા વાલાની માહિતી ન મળી આથી પોલીસે બાળકને અમદાવાદના અનાથાશ્રમ વાળાને સોંપી દીધું !

              અમેરિકામાં રહેતા સુબોધભાઈ અને રોનક બેનને પોતાનું બાળક ન હોવાથી તેમણે ભારત આવીને બાળક દત્તક લેવાનું નક્કી કર્યું બાળકની તપાસ કરતા કરતા તેઓ અમદાવાદ આવી પહોંચ્યા અમદાવાદના અનાથાશ્રમમાં તેમણે આ બાળકને જોયું અને બાળક વિશે જાણવા મળ્યું કે ભુજમાં જે મોટો ધરતીકંપ થયો હતો. તેમાં આ બાળક એક જ બચ્યો હતો. તેમના કુટુંબનો કોઇ પત્તો નથી મળ્યો સુબોધભાઈ અને રોનક બેનને આ નિર્દોષ બાળકને જોઈને ખૂબ જ દયા આવી અને મમતા જાગી ઉઠી તેમણે આ બાળકને દત્તક લેવાનો નિર્ણય કર્યો, ને બધી વિધિ પતાવી જરૂરથી કાર્યવાહી કરી તેઓ બાળકને અમેરિકા લઈ ગયા.

         અમેરિકા પહોંચી સુબોધભાઈ અને રોનકબેને બાળકના આગમન અને નામકરણ વિધિ માટે મોટી પાર્ટી ગોઠવી બધા સગા વાલા તથા ફ્રેન્ડ સર્કલને ઇન્વિટેશન આપ્યું અને તાળીઓના ગડગડાટ વચ્ચે બાળકનું નામ અક્ષ રાખ્યું બાળક તો પોતાના જીવનમાં આ વેલા આવા અચાનક ફેરફારોથી તેની સાથે બનેલા બનાવની વિસ્મૃતિ થઈ ગઈ હતી. તેના મોઢા પર હંમેશા છવાઈ રહેલો વિષાદ દૂર થઈ ગયો હતો અને પાર્ટીનો માહોલ અને તાળીઓના ગડગડાટ વચ્ચે તે ખુબ ખુશ ખુશાલ દેખાઈ રહ્યો હતો.

            સુબોધભાઈ અને રોનક બેનના હરખનો પાર ન હતો બાળક માટે રોજ નીત નવા રમકડાંનો ઢગલો કરી દેતા તેમનો જીવન અક્ષમય થઈ ગયું હતું, રોનક બેન અક્ષને એક મિનિટ પણ પોતાનાથી દૂર ન થવા દેતા . આમ ને આમ અક્ષ પાંચ વર્ષનો થઈ ગયો. એક વાર રાતે અક્ષ એકદમ ઊંઘવાથી ચીસ નાખીને બેઠો થઈ ગયો અને પપ્પા પપ્પા કરીને મોટે મોટેથી રડવા લાગ્યો સુબોધભાઈ ભાઈ અને રોનક બેન અક્ષની ચીસ સાંભળીને દોડતા અક્ષ ના રૂમ માં પહોચ્યા જોયું તો અક્ષ પપ્પા પપ્પા કરતાં રડી રહ્યો હતો અને આખો ધ્રૂજતો હતો. સુબોધભાઈએ તેને પોતાના ખોળામાં બેસાડયો અને ધીમે ધીમે થપથપાવીને પોતાના ખોળામાં જ સુવડાવ્યો. સવાર સુધી સુબોધભાઈ એમને એમ બેઠા રહ્યા સવારે અક્ષે આંખો ખૂલી ત્યારે તેમણે જોયું કે તે પપ્પા ના ખોળામાં સૂતો છે તેમને આશ્ચર્ય થયું પછી પપ્પા તમે કેમ મને તમારા ખોળામાં સુવડાવ્યો છે. સુબોધભાઈ ફક્ત હસ્યા કંઈ પણ બોલ્યા નહીં અને માથામાં હાથ ફેરવી તેમને ખોળામાંથી ઉતાર્યો.

              પછી તો અક્ષ ને અવાર નવાર રાત્રે સપના આવતા ને સપનામાં થી બેઠો થઇ પપ્પા પપ્પા કહીને ધ્રુસકે ધ્રુસકે રડતો અને ધ્રુજતો હતો. સુબોધભાઈ અને રોનક બેનને અક્ષની ચિંતા થવા લાગી અક્ષને તેઓ મનોચિકિત્સક ડૉ પાસે લઈ ગયા, ડૉ સાથે સુબોધ ભાઈને ઘર જેવો સબંધ હતો તેથી ડૉ અક્ષની હિસ્ટ્રી જાણતા હતા. અક્ષ તો તેના બાળપણની વાત સાવ ભૂલી ગયો હતો આથી હીપ્નોટાઈઝ કરી ને અક્ષના મનની વાત જાણવી જરૂરી હતી હિપ્નોટાઈસ કરવાથી ખબર પડી કે ભુકંપ આવ્યો ત્યારે તેમણે તેના પપ્પાનો હાથ પકડેલો હતો પણ એક મોટી શિલા બંનેની વચ્ચે પડતા પપ્પા નો હાથ છૂટી ગયો અને ઉછળી ને દૂર જઈ પડ્યો પછી ઊભો થઈ ને જોયું તો તેના પપ્પા ક્યાંય નજરમા ન આવ્યા. આ વાત તેના મનમાં અંદર ધરબાયેલી હતી અને આ ભયંકર બનાવની અસર તેના માનસપટ માં છપાઈ ગઈ હતી, જે સ્વપ્ના રૂપે તેમને દેખાતી હતી. તેના પપ્પાની હથેળીમાં એક લાખાનુ નિશાન હતું જે અક્ષ સ્વપ્નાની બારે આવતા સુબોધ ભાઈના હાથમાં શોધતો અને હાથ પકડીને પાછો સૂઈ જતો.

               ડૉકટરની દવાથી અક્ષના સ્વપ્ના થોડા ઓછા થવા લાગ્યા ને પછી તો ધીરે ધીરે સાવ બંધજ થઈ ગયા.અક્ષ સુખસાહીબી વચ્ચે મોટો થવા લાગ્યો. દેખાવ માં પણ ખુબ જ સુંદર હતો ભણવામાં રમત ગમત માં બધાંમાં નંબર વન , આવા બાળક પર કોને વહાલ ન ઊભરાય. બાજુના બંગલા વાળા મહેશભાઇ અને સીમા બહેનને કેયા નામની એક દીકરી હતી અક્ષ અને કેયા સાથે રમીને મોટા થયા હતા નાનપણથી બંને સાથે સ્કૂલમાં જતાં હસતા રમતા મોટા થયા બંને એ એકજ ફેકલ્ટીમાં એકજ કોલેજમાં એડમિશન લીધુ આથી કોલેજમાં પણ સાથે ને સાથે રહેતા તેમના મિત્રો મજાકમાં લૈલા મજનુની જોડી કહેતા તો બંને હસીને ના પાડતાં અને કહેતાં અમે તો જસ્ટ ફ્રેન્ડ છીએ બાકી કંઈ નહીં.

           કેયા ની સાથે તેના દાદા દાદી પણ રહેતા હતા. દાદા નું વતન કચ્છમાં હતું. પણ દાદા લગ્ન કરી ને અમેરિકા આવી ગયા પછી ક્યારેય પોતાના વતનમાં નહોતા જઈ શક્યા, કેયા ના પપ્પા નો જન્મ પણ અમેરિકા માં થયો હતો. દાદા નિવ્રુત થઈ ગયા પછી નાની કેયા ને રમાડતાં અને પોતાના વતન ની અવનવી વાતો કહેતા નાનકડી કેયાને તો દાદાજી ની વાતો માં ખુબ જ રસ પડતો તે અવારનવાર દાદા જીને કહેતી ગ્રાન્ડ પા તમારા કચ્છની વાતો કરોને. આમ દાદાજીની અવનવી વાતો સાંભળીને કેયા મોટી થઈ હતી. કેયાના મગજમાં નાનપણ થી સાંભળેલી વાતો થી કચ્છ વિશે એક આગવી જ પ્રતિમા જ કંડારેલી હતી તેમને કચ્છમાં જવું હતું પણ મહેશભાઈ એ ચોખ્ખું કહ્યું હતું કે જ્યાં સુધી ભણતર પુરુ ન થાય ત્યાં સુધી ક્યાંય નથી જવાનું. એટલે મનમાં ને મનમાં વાત દબાવી રાખી હતી.

         કોલેજનું હવે લાસ્ટ યર હતું. બધા મિત્રો કોલેજ પુરી થયા પછી શું કરવું તેની ચર્ચા કરતાં હતા. અક્ષે કહ્યું હું તો એક આખુ વર્ષ ફરવાનાજ મુડમાં છું. પછી નિરાતે મારા પપ્પા નો બિઝનેસ સંભાળીશ. કેયાએ કહ્યું કે મારે તો ઈન્ડિયા જવું છે. ત્યાં મારા દાદાનું ગામ કચ્છ છે તે જોવા જવું છે. અક્ષને પણ ઈન્ડિયા જવાની ઈચ્છા થઈ ગઈ. તેમણે ઘેર જઈને સુભાષ ભાઈને પોતાની ઈચ્છા જણાવી. સુભાષ ભાઈ અને રોનકબેન તો અક્ષની વાત સાંભળી દિગ્મૂઢ થઈ ગયા અક્ષને શું જવાબ આપવો તેની ખબર ના પડી. સુબોધભાઈએ એક રસ્તો કાઢ્યો તેમણે અક્ષને કહ્યું કચ્છ જવાનું તો પછી વિચાર જે પણ મારી એક ઈચ્છા છે જો તને મંજૂર હોય તોજ હા કહેજે. અક્ષે કહ્યું પપ્પા તમારે પૂછવાનું ન હોય સીધો ઓર્ડર કરવાનો હોય બોલો તમારી શું ઈચ્છા છે સુબોધ ભાઈએ કહ્યું કેયા તારી નાનપણ ની મિત્ર છે. પણ મારી અને તારી મમ્મીની ઈચ્છા તેને પુત્રવધુ બનાવવાની છે જો તારી ઈચ્છા હોય તોજ તને કોઈ પણ જાતનો ફોર્સ નથી, તારા મનમાં બીજુ કોઈ હોય તો પણ અમને વાંધો નથી. અક્ષે કહ્યું મને થોડો ટાઈમ આપો હું પછી જવાબ દઈશ કહી અક્ષ તેમના રૂમમાં જતો રહ્યો.

              સુબોધ ભાઈના સવાલે અક્ષને વિચારતો કરી દીધો કેયા તેની બેસ્ટ ફ્રેન્ડ હતી તે બરાબર પણ તેની સાથે લગ્ન નો વિચાર તો ક્યારેય આવ્યો જ નથી. હું મારી બધી વાત તેની સાથે શેર કરુ છું કેયા એકદિવસ પણ ન મળી હોય તો મને ગમતું નથી આ બધું તેના પ્રત્યે ના પ્રેમ ને કારણે હશે. પણ હું સમજી શક્યો નહીં. પછી તો આખી રાત કેયાના સ્વપનામા વિતાવી. વહેલો ઊઠી ફ્રેશ થઈને પહેલું કામ કેયાને ફોન કરવાનુ કર્યું. અક્ષ નો આટલો વહેલો ફોન આવેલો જોઈ કેયા ને આશ્ચર્ય થયું. અક્ષને પૂછ્યું શું વાત છે આજે તો કંઈ વહેલી સવાર પડી ગઈ. અક્ષે કહ્યું કે હા વાત જ કંઈક એવી છે જેથી મારી નીંદર ઉડી ગઈ છે. આજે આપણે લંચ બહાર લેવાનું છે. મારે તને એક મહત્વની વાત કહેવી છે. જે કહેવા હું બહુજ એકસાઈટ છું. હું અડધી કલાક માં તને પીક અપ કરવા આવું છું તું તૈયાર રહેજે. કેયાએ કહ્યું હજી લંચને તો ઘણી વાર છે આટલું વહેલું શુ કામ જવું જોઈએ. અક્ષે કહ્યું મને તારી સાથે વાત કરવાની અને તને મળવાની ઈચ્છા એટલી પ્રબળ છે કે હું તેટલી વાર રાહ જોઈ શકું તેમ નથી. કેયાએ સારું કહીને ફોન મૂકી દીધો અને તેની મમ્મીને કહ્યું કે હું અક્ષ સાથે બહાર જાવ છું અને લંચ પણ તેની સાથે જ લેવાની છું. કહી તે તૈયાર થવા લાગી. અડધા ની જગ્યાએ પોણો કલાક નીકળી ગયો પણ અક્ષ નો હજુ કંઈ પત્તો નહોતો. કેયાએ અકળાઈ ને ફોન કર્યો ત્યારે અક્ષે કહ્યું બસ પાંચ મિનિટ માં પહોંચુ છું કહી ફોન મૂકી દીધો. અને તરતજ કેયાને પીક અપ કરવા પહોંચી ગયો. કેયા તો અક્ષને જોઈને જોતી જ રહી ગઈ.અક્ષ તો એકદમ સુટબુટ માં તૈયાર થઈ ને આવ્યો હતો. હંમેશા જીન્સ ટીશર્ટમા જોવા મળતા અક્ષને આજે લંચ લેવા માટે સજીધજીને આવેલો જોઈને કેયા ને નવાઈ લાગી.જોકે અક્ષનુ આજનું વર્તન જ આશ્ચર્ય પમાડે તેવું હતું. કેયાએ અક્ષને પૂછ્યું આપણે ખરેખર લંચમાં જ જવાનું છે કે બીજે ક્યાંય? અક્ષે કહ્યું તું બેસ તો ખરા પછી બધી વાત. કેયા ચુપચાપ બેસી ગઈ. અક્ષે કહ્યું હતું કે જ્યાં સુધી આપણે હોટલમાં ન પહોંચી એ ત્યાં સુધી એક પણ સવાલ ન કરતી. હોટલમાં પહોચતા તો કેયાની આંખો ચાર થઈ ગઈ હોટલનો રીસેપ્શન હોલ બિલકુલ ખાલી હતો અને ફ્લાવર અને બલુનથી શણગારેલો હતો તે તો આશ્ચર્યથી અક્ષની સામે જોવા મંડી. અક્ષે નાક પર આંગણી મૂકી કેયાનો હાથ પકડી અંદર લઈ ગયો અને કેયાને ખુરશીમાં બેસાડી પોતે ગોઠણભેર બેસી ને કેયાને ગુલાબ નુ ફૂલ આપતા પૂછ્યું કે શું તુ મારી સાથે લગ્ન કરશે? કેયાની આંખો તો આશ્ચર્ય થી પહોળી થઈ ગઈ. કેયાને તો શું બોલવું તેની ખબરજ ન પડી. તેની આંખોમાંથી ટપટપ આસું પડવા લાગ્યા. કેયા તો ઊભી થઈ ને અક્ષને ભેટી પડી અને કહેવા લાગી અક્ષ હું તો તને ઘણા વખતથી ચાહતી હતી પણ તારા મનમાં શું છે તે હું નહોતી જાણતી.અક્ષે કહ્યું સાચું કહું મને કાલે રાત્રે જ અહેસાસ થયો કે તુ ફક્ત મારી દોસ્તજ નથી પણ મારી જિંદગી છો. જ્યારે મારા પપ્પાએ મને પૂછ્યું કે તુ કેયા સાથે લગ્ન કરવા રાજી છો અમને તો પસંદ છે પણ જો તારુ મન બીજે હોય તો પણ અમને વાંધો નથી બહુજ વિચાર કરતાં માલુમ પડ્યું કે મારા જીવનમાં તારાં સિવાય બીજા કોઈનું સ્થાન નથી. બંનેએ પોતાના પ્રેમનો એકરાર કર્યો પછી તો દોસ્ત મટીને પ્રેમીપંખીડા બની ગયા. બંને એક નવ તાજગી સાથે ઘેર પહોંચ્યા. અક્ષ તો ઘરમાં પગ મુકતાજ પપ્પાના નામની બુમ પાડી ને પપ્પાને ભેટી પડ્યો અને કહ્યું પપ્પા હમણાં ને હમણાં કેયાના ઘેર જાવ મને કેયા ખુબ જ પસંદ છે અને કેયાની પણ હા જ છે.

            સુબોધ ભાઈ અને રોનકબેન મહેશભાઈ ના ઘેર કેયાના હાથનું માગું લઈને પહોંચી ગયા. કેયાએ પણ તેમના મમ્મી પપ્પા ને અક્ષ વિશે જણાવી દીધું હતું આથી સુબોધ ભાઈની જેવી ઘરમાં એન્ટ્રી થઈ કે તરતજ સામે થી મહેશભાઈ ઊભા થઈ ને આવ્યા અને બોલ્યાં આવો વેવાઈ આવો અને બંને એકબીજાને ભેટી પડ્યા બંને વેવાણોએ પણ એકબીજાને વધાઈ દીધી બધા વારાફરતી દાદા દાદી ને પગે લાગ્યાં અને મીઠું મોઢું કર્યું. ગોરમહારાજને બોલાવી લગ્નની તારીખ નક્કી કરી બંને પરિવાર છૂટા પડ્યા.

           બંને પરિવારો લગ્ન ની ખરીદારી અને તૈયારીઓ માં લાગી ગયા લગ્નની તારીખ ક્યારે નજીક આવી ગઈ તેની ખબરજ ન પડી. અક્ષ અને કેયાના લગ્ન ખુબજ ધામધૂમથી ઉજવ્યા. પુરા પાંચ દિવસ ફંકશન ચાલ્યું. અને કોઈ પણ વિઘ્ન વગર અક્ષ અને કેયાના ના લગ્ન પુરા થયા. લગ્ન પછી અક્ષ અને કેયા હનીમુન માટે સ્વિઝરલેન્ડ ગયા હતા ત્યાં પંદર દિવસ ખુબ જ એન્જોય કરી ને પાછા ફર્યા પછી એક મહિનો હસી ખુશી થી પસાર થઈ ગયો. કેયા એ અક્ષ ને યાદ કરાવ્યું કે આપણે કચ્છ ક્યારે જવું છે અક્ષને પણ કચ્છ જવાની ઈચ્છા તો હતી જ આથી બંને જણા સુબોધ ભાઈ ની રજા લેવા પહોંચી ગયાં. સુબોધ ભાઈ પાસે હવે ના પાડવાનું બહાનું નહોતું અને કેયા સાથે હતી એટલે થોડી ચિંતા ઓછી હતી. તેમણે કચ્છ જવાની રજા આપી દીધી. કેયાના દાદા પણ બહુજ ખુશ થયા તેમના બધા ફ્રેન્ડ ના નંબર કેયાને આપ્યા અને ત્યાં કચ્છમાં પણ બધા લાગતા વળગતા ને જણાવી દીધું કે મારી પૌત્રી આવે છે તેનું ધ્યાન રાખજો.

               અક્ષ જવાનો હતો તે દિવસે સુબોધ ભાઈ અને રોનકબેન સાવ સૂનમૂન થઈ ગયા હતા. તેમના મનમાં એક ડર સતાવી રહ્યો હતો. તેમને મનમાં ઘણું થતું હતું કે અક્ષને જતાં રોકી લે. પણ આજ દિવસ સુધી એઓએ અક્ષની બધી ઈચ્છાઓ પુરી કરી છે એટલે ના પાડતા જીવ ન ચાલ્યો. આંખમાં આંસુ સાથે અક્ષ અને કેયાને વિદાય આપી.

            અક્ષ અને કેયાએ અમદાવાદ ની ફ્લાઇટ પસંદ કરી હતી અને પછી તેઓ બાય કાર કચ્છ જવા રવાના થયા. જેથી રસ્તામા આવતા ગામો પણ જોઈ શકાય. કચ્છ પહોંચ્યા ત્યાં તો દાદા ના સગાવાલા બધા મળવા આવવા લાગ્યા, કોઈએ તેમને હોટલમાં ઉતરવા ન દીધા. અક્ષ અને કેયા તો ગામવાળાનો પ્રેમ અને લાગણી જોઈ ગદગદ થઈ ગયા. તેઓને થયું કે આટલો નિ:સ્વાર્થ પ્રેમ અને લાગણી તો અહીં ના લોકો માં જ જોવા મળે. બાકી શહેર ના લોકો પાસે તો આવુ દેખાડવાનો ટાઈમ જ ક્યાં હોય છે અક્ષ અને કેયાએ આખું કચ્છ જોઈ લીધું એક આશાપુરા માં નું મંદિર જોવાનું બાકી હતું. વહેલી સવારે તેઓ મંદિરે દર્શન કરવા નિકળ્યા. મંદિરમાં થી દર્શન કરીને બહાર નીકળ્યા ત્યારે અક્ષનુ ધ્યાન એક ભાઈ તરફ ગયું તેને તે ભાઈનુ વર્તન કંઈક અજીબ લાગ્યું. તેમની વધારે નજીક ગયો જોયું તો પેલા ભાઈ હાથમાં હથોડી જેવું હતું તેનાથી જમીન ખોદતાં હતાં અને મારો મુન્નો મારો મુન્નો તેવું બોલતા હતા. અક્ષ વધારે નજીક ગયો અને પૂછ્યું કે વડીલ તમે શું ગોતો છો ? કહો તો હું શોધી આપું. પેલા ભાઈ ની આંખમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા અને હાથ લાંબો કરીને ફરી કહેવા લાગ્યા મુન્નો મુન્નો અક્ષે પેલા ભાઈના હાથ સામે જોયું અને પપ્પા પપ્પા કરતો ત્યાં જ બેભાન થઈ ગયો. કેયાતો એકદમ ગભરાઈ ગઈ તેની સાથે આવેલા માણસો એ 108 બોલાવી અક્ષને હૉસ્પિટલમાં એડમિટ કર્યો. પહેલાં તો ડૉક્ટર ને થયું કે વધારે પડતા સ્ટ્રેસ ને કારણે નબળાઈ આવવાથી બેભાન થઈ ગયો હશે. અર્ધ બેભાનવ્સથામા પણ પપ્પા પપ્પાનું રટણ ચાલુ જ હતું. આથી ડૉક્ટરે કહ્યું તેના પપ્પાને બોલાવો તોજ આને સારું થશે.

             કેયાએ તરતજ સુબોધ ભાઈને ફોન કર્યો અને બધી વાત કરી સુબોધ ભાઈ તો ફોન માં જ વાત કરતા કરતાં રડવા લાગ્યા અને કહ્યું કે મને ડર હતો તે થઈ નેજ રહ્યું. ફોનની વાત સાંભળી રોનકબેનના પણ હોશ કોશ ઉડી ગયા. તેઓએ જઈને કેયાના પિયરમાં વાત કરી. અને બંને કુટુંબો તરત ભારત આવવા રવાના થઈ ગયા. સુબોધ ભાઈ અને રોનકબેને તો જ્યાં સુધી દીકરા ને હેમખેમ નહીં જોવે ત્યાં સુધી પાણી નું એક ટીપું પણ નહીં પીવે તેવી આકરી બાધા લઈ લીધી. મુંબઈ ઉતરી ને સીધી ભુજની ફ્લાઇટ પકડી તેઓ અક્ષ પાસે પહોંચી ગયાં. અક્ષની હાલત જોઈને બંનેના આંખના આંસુ સુકાતા નહોતા. અક્ષના માથે હાથ ફેરવતા ફેરવતા સુબોધ ભાઈ કહેવા લાગ્યાં અક્ષ આંખ ઉઘાડ જો તારી સામે તારા પપ્પા ઊભા છે. અક્ષ ધીમે ધીમે ભાનમાં આવવા લાગ્યો અને સુબોધ ભાઈને પપ્પા પપ્પા કહી રડવા લાગ્યો. ડૉક્ટરે કહ્યું તેને મન ભરીને રડી લેવા દો પછી તેનું મન હળવું થઈ જશે.

            અક્ષ જ્યારે પુરેપુરો સ્વસ્થ થઈ ગયો પછી સુબોધ ભાઈએ પૂછ્યું કે તું વિગતવાર જણાવ કે તે એવું તે શું જોયું કે તુ બેભાન થઈ ગયો.અક્ષે પેલા ભાઈ વિશે વાત કરી તેમનું વિચિત્ર વર્તન જોઈને તેની પાસે ગયો પણ તેમનો હાથ જોયો ત્યાં મને ચક્કર આવવા લાગ્યા પછી નું મને કંઈજ ખબર નથી.

સુબોધ ભાઈ સમજી ગયા કે નક્કી અક્ષે એના પપ્પાને જોયા હશે. તેમણે તરતજ તેમના ડૉક્ટર મિત્ર ને ફોન કર્યો જેણે બાળપણ માં અક્ષ ની ટ્રીટમેન્ટ કરી હતી તેમને બધી વાત કરી અને હવે શું કરવું તેની સલાહ લીધી. ડૉક્ટર ના કહેવા પ્રમાણે સુબોધ ભાઈએ અક્ષ ને ધીમે ધીમે નાનપણમાં તેની સાથે બનેલા બનાવની તે પછી દત્તક લેવાની બધી વાત વિસ્તાર પુર્વક જણાવી. અક્ષ માટે તો સુબોધ ભાઈના એક એક શબ્દ આઘાત જનક હતા. તે દિગ્મૂઢ થઈ ગયો. તે મમ્મી પપ્પા ને વળગી ને નાના બાળકની જેમ રડવા લાગ્યો અને કહેવા લગ્યો મારા મમ્મી પપ્પા તો તમેજ છો ચાલો આપણે અમેરિકા પાછા જતાં રહીએ મારે અહીં નથી રહેવું.

         સુબોધ ભાઈએ અક્ષને શાંત પાડતા કહ્યું કે તું અમારો દીકરો છો અને આખી જિંદગી અમારોજ રહેવાનો છો.પણ વિચાર કર કે અમારા થી દૂર થવાના વિચાર માત્રએ તને આટલો વ્યથિત કરી દીધો છે તો તુ પેલા ભાઈ નોતો વિચાર કર જે પોતાના બાળક ને કાટમાળમાં ગોત્યા કરે છે. અક્ષ પાછો રડવા લાગ્યો અને કહેવા લાગ્યો પપ્પા તમારી વાત સાવ સાચી છે. કદાચ એ બાળક હું જ હોવ તો તેના પુત્ર પ્રેમ માં તડપતા આત્મા ને કેટલી શાંતિ મળે. ચાલો પપ્પા આપણે હમણાં જ જઈએ. હોસ્પિટલમાં થી ડૉક્ટર ની રજા લઈને અક્ષ જ્યાં બેભાન થઈ ગયો હતો તે સ્થળે ગયા. હજી પણ પેલા ભાઈ જમીન ખોદતાં હતા અને મુન્ના ના નામનું રટણ કરતાં હતાં આજુબાજુ માં તપાસ કરતા ખબર પડી કે તે જે જગ્યાએ ખોદે છે તે તેમનું પોતાનું મકાન હતું પણ ભુકંપ આવતા તેણે પોતાના બાળકનો હાથ પકડ્યો હતો તે છુટી ગયો અને બંને છુટા પડી ગયા એ આઘાત માં ને આઘાત માં આ ભાઈની હાલત આવી થઈ ગઈ છે તેનું નામ રમેશભાઈ છે, કોઈ જમવાનું આપે તો જમે નહીં તો દિવસ રાત બસ કાટમાળમાં થી દીકરા ને શોધ્યા કરે છે. ત્યાં સાંભળતા હતા તે બધાની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. અક્ષ તો દોડી ને પેલા ભાઈ પાસે જઈને કહેવા લાગ્યો કે પપ્પા તમે જે મુન્ના ને શોધી રહ્યા છો તે હું જ તમારો મુન્નો છું. પપ્પા જુઓ મારી સામે હું જ મુન્નો છું. પણ પેલા ભાઈએ તો ઉપરછલ્લી અક્ષ પર નજર નાખીને પાછા પોતાના કામ માં લાગી ગયા.અક્ષતો સુબોધ ભાઈ ભેટી ને ખુબ જ રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે પપ્પા તેમને કહોને હું જ તેમનો મુન્નો છું. સુબોધ ભાઈએ કહ્યું તું શાંત થઈ જા હું કંઈક રસ્તો કાઢું છું કહી તેમણે તેના ડૉક્ટર મિત્ર ને ફોન કર્યો અને અહીં ની સીચ્યુએશન જણાવી. ડૉક્ટરે બને તો તેને તમારી સાથે લેતાં આવો આપણે તેની સારવાર પણ કરશું અને અક્ષ ના સંપર્ક માં રહેશે તો કદાચ તેની યાદદાસ્ત જલદી પાછી આવી જાય

             સુબોધ ભાઈની ગવર્મેન્ટમા સારી ઓળખાણ હતી તેથી રમેશભાઈના જરૂરી કાગળિયાં કરીને અમેરિકા પોતાની સાથે લઈ ગયા. અને ડૉક્ટર મિત્રની હૉસ્પિટલમાં દાખલ કરી દીધા. જરૂરી સારવારથી તેનામાં થોડો બદલાવ આવતો હતો. અક્ષ પણ રોજ એક બે કલાક આવતો અને પપ્પા પપ્પા કરીને વાતો કરતો. પણ રમેશભાઇ તો શૂન્યવકાશથી અક્ષની સામે જોયા કરતાં, થોડા સમય પછી અક્ષને ત્યાં એક સુંદર બાળક નો જન્મ થયો જોકે અક્ષ તો રોજ નિયમિત રમેશભાઈ પાસે જતો. સુબોધ ભાઈ અને રોનકબેન ને તો જાણે સ્વર્ગ ધરતી પર આવી ગયું હોય તેવું લાગતું હતું. બાળક ના નામકરણ ની વિધિ ખુબજ ધામધૂમથી ઉજવી અને બાળક નું નામ કેયાક્ષ રાખ્યું. કેયાક્ષ તો બધાના લાડકોડ વચ્ચે મોટો થવા લાગ્યો. કેયાક્ષ ત્રણ વર્ષ નો થયો સુબોધ ભાઈ અને રોનકબેન કેયાક્ષ માં અક્ષ નું બાળપણ શોધતા હતા કેયાક્ષ અદલોઅદલ અક્ષ જેવોજ લાગતો હતો. એક દિવસ અક્ષ રમેશભાઈ પાસે જતો હતો તો કેયાક્ષે પણ તેની સાથે જવાની જીદ કરી.આથી અક્ષ કેયાક્ષ ને લઈને હૉસ્પિટલમાં પહોચ્યો. કેયાક્ષ થોડો નટખટ હતો તે તો અક્ષ નો હાથ છોડાવી દોડાદોડી કરવા લાગ્યો અક્ષ પાછળ પકડવા દોડતો હતો અક્ષ પકડી ન શકે તે માટે તે દોડી ને રમેશભાઈ ના રૂમમાં પહોંચી ગયો અને રમેશભાઈની પાછળ છુપાઈ ગયો. અક્ષે દરવાજા પાસે પહોંચી ને જોયું તો સ્તબ્ધ થઈ ગયો. રમેશભાઈ કેયાક્ષ ને વહાલ કરતાં હતા અને બોલતા હતા મારો મુન્નો મળી ગયો કહીને કેયાક્ષને બકીઓ ભરતા હતા. નાનકડો કેયાક્ષ તો ડરીને રડવા લાગ્યો પણ રમેશ ભાઈ એ એટલો મજબૂતીથી પકડી રાખ્યો હતો કે છૂટી નહોતો શકતો. અક્ષે જલ્દીથી ડૉક્ટર ને બોલાવ્યા. ડૉક્ટરે રમેશભાઈ ને ઘેનનું ઇન્જેક્શન આપીને કેયાક્ષને છોડાવ્યો.

             અક્ષે ઘરે જઈને સુબોધ ભાઈને બધી વાત કરી, સુબોધ ભાઈએ ડૉક્ટર સાથે વાત કરી જોવ કહીને ફોન ઉપાડ્યો ત્યાં તો ડૉકટર નોજ સામેથી ફોન આવ્યો કે જલ્દી આવો રમેશભાઈ તો ચીર નિંદ્રામાં પોઢી ગયા છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama