સ્વાપ્રણ
સ્વાપ્રણ
નિયતિ અને નિરવ બંને મેડિકલ સ્ટુડન્ટસ હતાં. બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો. બંનેના ઘરના પણ આ વાત જાણતા હતાં. અને જેવું તેમનું ભણવાનું પુરુ થાય એટલે બંનેને લગ્ન સંબંધ માં બાંધી દેવા તૈયાર હતાં. બંનેની સગાઈ પણ કરી દેવામાં આવી હતી આથી બંનેને હરવા ફરવા તથા મળવા માટે કોઈ રોકટોક નહોતી. બંને પ્રેમ ના સાગરમાં ડૂબકી મારતા હતાં. આ પ્રેમ ના અતિરેકમાં બંને પોતાની મયૉદા ચૂકી ગયાં.
નિયતિ અને નિરવ બંને મેડિકલ ની એક્ઝામમાં અવ્વલ નંબરે પાસ થઈ ગયા. નિયતિ તો ઈન્ડિયામાં રહી ને ઇન્ટર્નશીપ કરવા માંગતી હતી પણ નીરવનું સપનું અમેરિકા જઈને માસ્ટર્સ ડિગ્રી લેવાનું હતું આથી હજી બે વર્ષ લગ્નની રાહ જોવા માટે સમજાવી. નિયતિ એ નિરવનુ સપનું એ પોતાનું સપનું માનીને ખુશીથી રજા આપી.અને નિરવ અમેરિકા જવા રવાના થઈ ગયો. નિરવ ના અમેરિકા ગયા પછી પંદર દિવસ માં જ નિયતિ ને પોતે મર્યાદા ચૂકી ને જે ભૂલ કરી હતી તેનું બીજ તેના શરીરમાં રોપાઈ ગયું હતું તેની અનુભુતી થવા લાગી હતી.
નિયતિ મનોમન મુજાતી હતી. તેણે પોતાની મમ્મીને પોતાની હાલત વિશે જણાવ્યું પહેલાં તો તેની મમ્મી તેને ખુબ ખિજાણી. પણ પછી થોડો વિચાર કરી નિયતિને લઈ ને તેના સાસરે ગઈ. નિયતિ એ પણ તેઓને જણાવ્યું કે નિરવને આ બાબત જણાવવા ઘણા ફોન કર્યા કેટલાય મેસેજ મૂક્યાં પણ નિરવનો કોઈ પણ રિપ્લાઈ નથી આવતો.
આ સાંભળી નિરવના મમ્મી પપ્પા એ તો હાથ ઊંચા કરી દીધાં તેમણે કહ્યું કે જો નિરવજ આ સ્વીકારવા તૈયાર નથી તો અમે શું કામ તેનો હાથ જાલીએ. આ સાંભળી નિયતિ ના મમ્મી પપ્પા આઘાત પામી ગયા પણ દીકરીના ભવિષ્યનું શું. તેઓ અમદાવાદ છોડીને મુંબઈ શિફ્ટ થઈ ગયા. મુંબઈ ની એક હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ શરૂ કરી. હોસ્પિટલના ડીન ડૉ મિહિર ખુબ જ સારા સ્વભાવ ના હતાં. તે નિયતિ ને ખુબ જ સપોર્ટ કરતાં અને તેનુ ધ્યાન રાખતાં. નિયતિ એ ડૉ ને પોતાની બધી વાત કહી હતી. આથી ડૉ ને તેના પ્રત્યે કુણી લાગણી હતી.
પુરા દિવસે નિયતિ એ એક ખુબ સરસ કન્યા ને જન્મ આપ્યો. નિયતિએ દીકરીનું નામ નવ્યા રાખ્યું. નવ્યા મોટી થવા લાગી. ડૉ.મિહિર ને નિયતિ પ્રત્યે કુણી લાગણી તો હતી જ. હવે તેજ લાગણી પ્રેમ માં પરિવર્તન પામી હતી. પણ નિયતિ સામે પ્રસ્તાવ મુકતા તેનુ મન પાછું પડતું હતું. તે વિચારતા કે નિયતિને ક્યાક એવું ન લાગે કે ડૉ મારી મજબૂરી નો ફાયદો ઉઠાવે છે.
આખરે એક દિવસ ડૉ મિહિરે નિયતિ સામે લગ્ન નો પ્રસ્તાવ મૂકી જ દીધો. તેમણે નિયતિ ને કહ્યું કે હું તને ખુબ જ ચાહું છું તેથી તારી સાથે લગ્ન કરવા માગું છું. હું કદી તારી પાસે કોઈપણ પ્રકારની આપેક્ષા નહી રાખુ હું તને વચન આપું છું કે તારી દીકરી ને મારી દીકરી સમજી ને રાખીશ. એને કોઈપણ પ્રકારની ઉણપ નહી આવવા દઉં.
નિયતિ એ ડૉ મિહિર નો પ્રસ્તાવ સ્વીકારી લીધો. કારણ નિયતિ સાવ એકલી હતી. સમયાંતરે મમ્મી તથા પપ્પા બંને મૃત્યુ પામ્યા હતાં. આથી તેને સહારાની જરૂર હતી અને નવ્યાને પિતા ના પ્રેમ ની હૂંફ મળે.
નિયતિ ને ડૉ ની ડિગ્રી મળી ગઈ હતી, ડૉ મિહિર અને ડૉ નિયતિ એ પોતાની જ એક નાનકડી હોસ્પિટલ ખોલી અને તેમાં જ સેવા આપવા લાગ્યા. નવ્યા પણ ધીમે ધીમે મોટી થવા લાગી. ડૉ મિહિર નવ્યાને ખુબ જ પ્રેમ કરતાં તેની નાનામાં નાની જરૂરિયાત પુરી કરતાં. ત્રણેય જણા પોતાના જીવનમાં ખૂબ જ સુખી હતાં.
નવ્યા ભણવામાં ખુબ જ હોશિયાર હતી. તે પણ તેના મમ્મી પપ્પાની જેમ જોતજોતાંમાં ડૉ નવ્યા બની ગઈ. અને દેખાવમાં તો અદલોઅદલ તેની મમ્મી જેવી હતી.
તેણે પોતાની પ્રેક્ટિસ મમ્મી પપ્પાની હૉસ્પિટલ ની જગ્યાએ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હૉસ્પિટલમાં શરૂ કરી. ડૉ નવ્યા જે હૉસ્પિટલમાં પ્રેક્ટિસ કરતી હતી ત્યાં એક નવી ઈમારત બનતી હતી જેમાં કિડનીના પેસંટોને બધી જાતની સારવાર મળે. તે નેફરોલોજીસ્ટ મા પ્રેકટીસ કરતી હોવાથી ખુબ ખુશ હતી.અને જ્યારથી તેને ખબર પડી હતી કે હૉસ્પિટલનું ઉદ્ગાટન કરવા અમેરિકા ના સુપ્રસિદ્ધ નેફરોલોજીસ્ટ ડૉ નિરવ આવવાના હતાં.
હૉસ્પિટલ ના ઉદ્ઘાટનનો દિવસ આખરે આવી જ ગયો નવ્યા ના મમ્મી પપ્પા ને પણ આમંત્રણ હતું. પણ તેની હૉસ્પિટલમાં એક કોમ્પલીકેટેડ કેસ આવ્યો હોવાથી નિકળી શકે તેમ ન હતાં. નવ્યા ડૉ નિરવ ને મળવા ખુબ જ આતુર હતી. ડૉ નિરવનું ફૂલહારથી સ્વાગત કરવાનું નવ્યા ના ભાગે આવ્યું.
ડૉ નિરવે આવી ને પહેલા હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરી ને પછી સ્ટેજ તરફ ગયા તેમને માનથી સ્ટેજ ઉપર અતિથિ વિશેષ ની સીટ પર બેસાડવામાં આવ્યા. હૉસ્પિટલ ના ડિને હૉસ્પિટલ વિશે માહિતી આપતું ભાષણ આપ્યું અને ડૉ નિરવ વિશે માહિતી આપી. અને ડૉ નવ્યાને ડૉ નિરવનું હારતોરાથી સ્વાગત કરવાનું કહ્યું. ડૉ નવ્યા જેવી હારતોરા લઈને સ્ટેજ ઉપર આવી કે ડૉ નિરવ નો તો જાણે શ્વાસ જ થંભી ગયો. જાણે સામે થી નિયતિ હાર પહેરાવવા આવતી હોય તેવું લાગ્યુ. તે એકીટશે નવ્યાને નિહાળતા હતાં. નવ્યા પહેલાં તો નમીને ડૉકટર ને પગે લાગી અને પછી હાર પહેરાવી પુષ્પ ગુચ્છ થી ડૉક્ટરનું સ્વાગત કર્યુ. ડૉ નિરવે તેના માથા પર હાથ રાખી ને આશીર્વાદ આપ્યા અને કહ્યું બેટા ફંક્શન પુરુ થાય પછી તું મને મળજે આમ કહેતા ડૉક્ટર ની આંખો માં આસું આવી ગયા. નવ્યાના ધ્યાનમાં આવ્યુ પણ તે ચૂપચાપ સ્ટેજ પરથી ઉતરી ગઈ.
ફંકશન દરમિયાન ડૉક્ટરે હૉસ્પિટલના ડિન પાસેથી નવ્યાની માહિતી મેળવી લીધી અને જાણી લીધું કે નવ્યા એમની જ દીકરી છે. તેમણે જલ્દી જલ્દી એક પત્ર લખ્યો અને એક કવર માં રાખી દીધો અને બીજા કવરમાં થોડા ડોક્યુમેન્ટ પોતાની સાઈન કરી ને રાખ્યા.
ફંક્શન પુરુ થયું પછી નવ્યા ડૉક્ટર ને મળવા આવી. ડૉક્ટરે તેનાં હાથમાં બે કવર દીધા અને કહ્યું કે બેટા મને વચન આપ આજથી બરાબર
પાંચ માં દિવસે આ બંને કવર તારી મમ્મીને દેજે ત્યાં સુધી આપણે મળ્યા હતાં તેવો અણસાર સુધ્ધાં આવવા નહીં દેતી. આમ કહેતા ડૉક્ટરની આંખમાં આસું આવી ગયા. નવ્યા તો અચરજસહ આ બધું જોયા કરતી હતી. આવડા મોટા ડૉક્ટર ને પૂછવું પણ ઠીક ન લાગે. તેણે હા પાડી ને બંને કવર લઈ લીધા. ડૉક્ટરે નવ્યાને કહ્યું કે બેટા તને વાંધો ન હોય તો મને એક હગ દઈશ તને જોઈને મને મારી દીકરીની ખૂબ આવે છે. નવ્યા દોડી ને ડૉક્ટર ના ગળે વળગી ગઈ ડૉક્ટરે પણ તેને ખુબ વહાલ કર્યું. ડૉક્ટર ની આંખોમાંથી આંસુ સૂકાવાનું નામ નહોતા લેતા.
નવ્યા ઘેર પહોંચી પણ તેનુ મન તો સતત પેલા બે કવરની આજુબાજુ જ આંટા મારતુ હતું !
નવ્યા એ આ પાંચ દિવસ તો માંડ કાઢ્યા. વારેવારે તે બંને કવર તરફ જોઈ લેતી. ક્યારેક તો ખોલીને જોઈ લેવાનું મન થતું પણ તેણે આપેલું વચન અને તેના સંસ્કાર તેને રોકતા. ડૉ નિયતિને નવ્યાનું વર્તન કંઈક વિચિત્ર લાગતું હતું. તે ખુબ ખોવાયેલી લાગતી. અને વિચારો માં ડૂબેલી લાગતી. પણ નિયતિ ને પૂછવું યોગ્ય ન લાગ્યું. હશે એને કહેવું હશે તો જાતે કહેશે. એ તો મનમાં કંઈક જુદું જ વિચારતી હતી.
આખરે પાંચ મો દિવસ આવી ગયો નવ્યાએ મમ્મી પપ્પા બંનેને બોલાવી સાથે બેસાડી ડૉ નિરવે આપેલા બંને કવરો તેમના હાથમાં આપ્યાં. અને ડૉ નિરવ ઉદ્ઘાટન કરવા આવ્યા હતાં. અને તેમનું પોતા પ્રત્યેનું લાગણી સભર વર્તનની વાત કરી. ફંક્શન પૂરું થયા પછી મને સ્પેશિયલ બોલાવી અને આ બે કવર આપ્યાં જે પાંચ દિવસ પછી તમોને આપવા તેમ જણાવ્યું.
નિયતિ તો નવ્યા ની વાત સાભળી એકદમ વ્યથિત થઈ ગઈ. ભૂલાઈ ગયેલો ભૂતકાળ તેની સામે આવી ગયો. તેનુ શરીર ધ્રૂજવા લાગ્યું. ડૉ મિહિરે તેને સંભાળી લીધી. નવ્યાને કહ્યું જો બેટા આ તારી મમ્મી ના ભૂતકાળ ની વાત છે અમે તેના વિશે ક્યારેય જણાવા નથી દીધું પણ હવે તું મોટી થઈ ગઈ છો તો તું પણ બેસ અને આ પત્ર વાંચું છું તે સાભળ.
નિયતિ
હું તારો ગુનેગાર છું તને મોઢું દખાડવાની મારામાં હિંમત નહોતી એટલેજ નવ્યાને પાંચ દિવસ પછી પત્ર આપવાનું કહ્યું હતું. ડૉ મિહિરનો આભાર માનું તેટલો ઓછો છે. સંજોગોની થપાટથી ઘાયલ થયેલી નિયતિ ને સંભાળી લીધી. હવે હું મારી વાત જણાવું . .
અમેરિકા પહોંચી પહેલાં તો ત્યાંની મેડિકલ કોલેજમાં એડમિશન લીધું અને કોલેજથી થોડે દૂર એક વિલા ભાડે રાખી લીધું એમાં પંદર દિવસ નિકળી ગયા બધું સેટ થઈ ગયા પછી બીજે દિવસે વહેલી સવારે હું વોક કરવા નિકળ્યો મારી પાસે પર્સ કે કંઈ જ નહોતું હજી થોડું ચાલ્યો હતો ત્યાં તો એક કાર વાળાએ મને ઉડાવી દીધો. મને માથામાં વાગ્યું હતું આથી પંદર દિવસ સુધી હું કોમામાં હતો હૉસ્પિટલવાળાને મારા વિશે કંઈ પણ માહિતી નો'તી. ભાનમાં આવી ને સૌથી પહેલાં તને ફોન લગાડ્યો. પણ તે બંધ આવતો હતો. પછી મારા મમ્મી પપ્પા ને ફોન કર્યો ત્યારે ખબર પડી કે તેઓએ ખુબજ ખરાબ વર્તન કરી ઘરમાંથી કાઢી મૂકી હતી તેઓનો પણ વાંક નહોતો કારણ મારા કોઈ પણ સમાચાર નહોતાં તેથી ધૂંધવાયેલ હતાં અને તું તેમને મળવા ગઈ. આથી મારા ઉપરનો બધો ગુસ્સો તારી ઉપર ઠાલવી દીધો. તેઓએ મારી ખુબ માફી માંગી. તારી માફી માંગવા તારા ઘરે ગયા હતાં પણ તમે અમદાવાદ છોડીને બીજે જતા રહ્યાં હતાંં. તું મારા બાળકની મા બનવાની છો તે સમાચાર પણ આપ્યાં. આવી હાલતમાં તું ક્યાં હોઈશ તે વિચારી વિચારી ને હું ઘડી ઘડી બેભાન થઈ જતો મગજમાં વાગ્યુ હોવાથી ડૉક્ટરોએ બહું વિચાર કરવાની ના પાડી હતી હૉસ્પિટલમાંથી રજા મળ્યા પછી હું પણ એક વાર અમદાવાદ આવી ગયો પણ તારા કોઈ જ સમાચાર ન મળ્યા.
આખરે થાકી હારીને બધું પ્રારબ્ધ પર છોડીને મારી માસ્ટર ડિગ્રીનું ભણતર પૂરું કરીને દિવસ રાત જોયા વગર લોકોની સેવામાં લાગી ગયો. કારણ મારી જિંદગી જ કમનસીબે મારાથી છિનવાઈ ગઈ'તી. હું તો ફક્ત જીવતો હતો જિંદગી તો ક્યારની યે પૂરી થઈ ગઈ'તી.
હૉસ્પિટલ ના ઉદ્ગાટના ફંક્શનમાં આવ્યો અને નવ્યા ને જોતાં જ ખ્યાલ આવી ગયો કે આજ મારી લાડકી દીકરી છે. પછી હૉસ્પિટલનાં ડિન દ્વારા જાણવા મળ્યું કે તારા લગ્ન ડૉ મિહિર સાથે થઈ ગયા છે અને તમારો સંસાર ખુબ સરસ ચાલે છે. આથી તને મળીને તારા સુખી સંસાર ને ડહોળાવા નહોતો માંગતો. આથી જ નવ્યાને કવર પાંચ દિવસ પછી આપવાનું કહ્યું હતું જેથી હું અમેરિકા પહોંચી ગયો હોઉ. બીજા કવરમાં મારી વસિયત છે. જેમાં મે મારી બધી માલમિલકત નવ્યાના નામની કરીને સાઈન કરી દીધી છે.
બસ રજા લઉ મારા માટેની ગેરસમજણ દૂર થાય. બસ પત્ર લખવાનો એજ હેતુ હતો.
એજ
નિરવ
પત્ર વાંચતા મિહિરની આંખમાં અને પત્ર સાંભળતા હતાંં નિયતિ અને નવ્યની આંખમાં આસું સૂકાવાનું નામ નહોતાં લેતાં ! નિયતિએતો આટલા સમયથી આંસુ નો બંધ બાધી રાખ્યો હતો તે ધોધ બનીને વહેવા લાગ્યા હતાં. ડૉ મિહિરે મનમાં વિચાર્યું પ્રારબ્ધની ઝપટથી છૂટા પડેલા બંને પ્રેમી પંખીડા ને અને એક પિતા ને તેની વ્હાલ સોઈ દીકરી સાથે મેળવી દઉ તો મારુ જીવન ધન્ય થઈ જાય.
નવ્યાની હૉસ્પિટલના ડિન પાસેથી ડૉ નિરવનો ફોન નંબર લઈને ફોન લગાડ્યો ચાર પાંચ વાર ફોન લગાડ્યો પણ આખી રિંગ પૂરી થઈ જતી પણ કોઈ ઉપાડતુ નહોતું. તેણે પાછો ફોન લગાડ્યો ત્યાં સામથી જવાબ આવ્યો પ્લીઝ હમણાં ફોન ન કરતાં ડૉ નિરવને કવર એટેક આવ્યો છે અને તેને હૉસ્પિટલાઈઝ કરવા પડે તેમ છે. ડૉ મિહિરે હૉસ્પિટલનું એડ્રેસ લઈને ફોન મૂકી દીધો. અને વહેલામાં વહેલી ફ્લાઈટની ટિકિટ લઈને નિયતિ અને નવ્યાને લઈને અમેરિકા પહોંચી ગયા. હૉસ્પિટલ પહોંચી ને જોયું તો ડૉ નિરવની તબિયત ખુબ જ નાજુક હતી. ડૉ નિરવે આંખ ખોલીને ત્રણેય સામે જોયું. પછી ડૉ મિહિરના હાથમાં નિયતિ અને નવ્યાનો હાથ આપ્યો. અને સજળ નેત્રે ત્રણેયની સામે જોતાં જોતાં આ દુનિયામાંથી વિદાય લઈ લીધી.