Leena Vachhrajani

Thriller

4  

Leena Vachhrajani

Thriller

રંગોત્સવ

રંગોત્સવ

4 mins
615


“મૈં તો રમતા જોગી, રમતા જોગી રામ,

મેરા દુનિયાસે ક્યા કામ..

મેરા દુનિયા.. સે ક્યા.. કામ..”

પણ બીજી વાર ગાતાં ગાતાં સ્વામીજીનો અવાજ જાણે-અજાણે તરડાઈ ગયો. હાથમાંનો તંબૂરનો તાર સહેજ બેસૂર થઈ ગયો. 

રોજની જેમ સ્વામી રમયાનંદજી ભિક્ષા લેવા સોસાયટીઓમાં પરિભ્રમણ કરી રહ્યા હતા. પણ આજે ધૂળેટી હતી એ વાત મનમાંથી સાવ જ નીકળી ગઈ. 

અને લગભગ દરેક સોસાયટીઓના રહીશો રંગોત્સવ મનાવવામાં મસ્ત હતા. લાલ-લીલા-પીળા-નારંગી-વાદળી રંગો જાણે હવામાં મેઘધનુષ રચી રહ્યા હતા. 

મિત્રવર્તુળ અને સ્વજનો સાથે ધૂળેટી રમવામાં મશગુલ લોકો એકમેક પર રંગ ઉડાડીને ખુશીની ચિચિયારીઓ પાડી રહ્યા હતા. 

સ્વામીજી સાવ ઓઝપાઈ ગયા. 

“અરેરે! આ ખોટા સમયે ભિક્ષા અર્થે નિકળાઈ ગયું. સાવ ભૂલાઈ જ ગયું કે આજે રંગઉત્સવ છે.”

પછી મનને ટપાર્યું,

“તે મારે સન્યાસીને શું રંગ સાથે લેવાદેવા? બે મુઠ્ઠી ધાન મળી જાય તો આપણા રામનો દિવસ પૂરો.” 

પણ ફરી આકાશમાં પથરાયેલા રંગના ધુમ્મસ પર નજર સ્થિર થઈ અને..

એક મસ્તીખોર ચહેરાનો એમાં આભાસ થયો..

“છટ્ આ શું માંડ્યું છે રમયાનંદ! આવી લૌકિક વાતો હવે ન શોભે.” 

પણ મન માંકડું તે વળી રંગઘનુષ પર નજર મંડાઈ. 

ખિલખિલાતા સ્મિત અને નખરાળાં નૈન જાણે આમંત્રણ આપી રહ્યાં હતાં.

“એય.. રજત.. જરા જો તો ખરો! ચાલ ધૂળેટી રમવા જઈએ.”

અને રજત હા ના કાંઈ કહે એ પહેલાં રીતુ હાથ પકડીને એ મસ્તીના માહોલમાં ખેંચી ગઈ.

હા, ત્રણ વર્ષ પહેલાંનું દ્રશ્ય સ્વામી રમયાનંદ જાણે આ પળે ભજવાતું હોય એમ માણી રહ્યા. ક્યારે રમયાનંદમાંથી રજત બનીને રીતુનો હાથ પકડીને રંગને હવાલે થઈ ગયા એ ભાન ન રહ્યું.

એ ધૂળેટી પણ દર વર્ષની જેમ રંગીન હતી. રજત-રીતુ અને એમનું મિત્રવર્તુળ સવારથી કોમન પ્લોટમાં કેસુડાના મોહક રંગને અરસપરસ ઉડાડીને ધૂળેટીનો આનંદ માણી રહ્યાં હતાં. રજત અને રીતુ હોળાષ્ટક ઉતરે પછી સારા ચોઘડિયે એક જિંદગીભરના મીઠા બંધનમાં બંધાઈ જવાના હતા. બંને પરિવારો પણ ખુશ હતા. 

ધૂળેટી પછી રીતુને વિદેશની યુનિવર્સિટીમાં તરત જ એડમિશન લેવાનું હોવાથી સાદાઈથી માત્ર અંગત પરિવારજનો તથા સાવ નજીકના મિત્રવર્તુળની હાજરીમાં 

સગાઈની રસમ કરવાનું નક્કી હતું. 

અને એ દિવસ પણ આવી પહોંચ્યો. ઈશ્વરની સમક્ષ બંનેએ એકમેકને રીંગ પહેરાવી. બે પરિવાર એક થયા. સરસ રીતે પ્રસંગ પાર પડ્યો. ત્રીજે જ દિવસે રીતુને જવાનું હતું.

આગલી સાંજે રજત અને રીતુ રિવરફ્રન્ટ પર થોડી વાર મળ્યાં. થોડી આતુરતા-થોડી ઉદાસી-થોડો વિરહ-થોડાં ઉજ્જવળ ભવિષ્યનાં સપનાં અને બંને અલગ થયાં. રજતને પોતાની હથેળીમાંથી રીતુની હથેળી અલગ કરવી બહુ અઘરી લાગતી હતી. પણ રીતુએ હળવેથી એને ગાલે સ્નેહભરી ટપલી મારીને કહ્યું,

“રજત, પ્રતિક્ષા બાદ મિલનની વધુ ઉચ્ચ કક્ષા મળે છે.”

રજત સહેજ ઉશ્કેરાઈ ગયો,

“એ બધું કવિલોકોનું પાગલપન છે. હું બે વર્ષ કેવી રીતે પસાર કરીશ?”

અને આમ ને આમ એક પ્લેન રીતુને લઈને હવામાં અદ્રશ્ય થયું..

એ પળ અને આજનો દિવસ..

રમયાનંદ આજુબાજુના ઘોંઘાટને લીધે ઝબકીને અતીતમાંથી બહાર આવ્યા. 

એક ફળફળતો નિ:સાસો નીકળી ગયો. રીતુના વિદેશગમન બાદ થોડો સમય તો બધું બરાબર ચાલ્યું. ફોન, વિડિયોકોલ બધું ચાલતું રહ્યું, શબ્દોના માધ્યમ દ્વારા પ્રેમ પ્રગટ થતો રહ્યો. 

પણ ધીરે ધીરે રીતુ વ્યસ્ત થતી ચાલી એમ એમ વાતો અને વ્યવહાર ઓછા થતા ગયા. 

એક વર્ષ બાદ પરિસ્થિતિ સાવ પલટાઈ ગઈ હતી. રજત રાહ જોઈને થાક્યો હતો. રીતુના કોઈ વ્યવસ્થિત સમાચાર નહોતા મળતા. એના પરિવારે પણ જાણે બહાનાબાજી શરુ કરી દીધી. 

હારી-થાકી ગયેલા રજતે મન વાળવા માટે એક સામાજિક સંસ્થામાં કામ શરુ કર્યું. એ સંસ્થામાંથી આશ્રમમાં સેવાઅર્થે જતાં જતાં મનમાં વૈરાગ આવવા લાગ્યો અને એક દિવસ પરિવારની મનેકમને સંમતિ મેળવી એન્જિનિયર રજત સ્વામી રમયાનંદ બનીને મોક્ષમાર્ગે ચાલી નીકળ્યા. 

“ઓહો! કલાક આમ જ વિચારોમાં વીતી ગયો. આ સંસારચક્ર જ એવું છે કે મોહમાયામાંથી નીકળવા જ ન દે. ચાલ મન, આજે તો કોઈ ભિક્ષા મળે એવાં એંધાણ નથી દેખાતાં.” 

નિરાશ મને રમયાનંદે પગ ઉપાડ્યો ત્યાં..

“બુરા ન માનો હોલી હૈ..”

કોઈએ મુઠ્ઠી ગુલાલ ઊડાડી દીધો.

“અરે અરે શું કરો છો? સમજ નથી પડતી કે સન્યાસી છું!”

“એ સન્યાસી જરા ધ્યાનથી જો.”

અને સ્વામીજીએ અણગમા સાથે એ રંગ નાખનારના ચહેરા પર નજર કરી.

“રીતુ....!”

“હા.”

“તું?”

“હા. રંગીન સપનાં બતાવીને ગાયબ થઈ ગઈ હતી તે રંગ સાથે જ ફરી તને લેવા આવી છું.”

“વાહ વાહ! શું તારો ન્યાય!

વિરહ અને સંતાપ તેં આપ્યો અને હવે મનામણા પર પણ તારો જ હક? એ હવે શક્ય નથી.”

“પણ રજત..”

“ના હવે હું સ્વામી રમયાનંદ.”

“અરે મુક માથાકુટ. “

એમ કહી રીતુએ રજતનો હાથ પકડ્યો પણ રજતે હજાર વોલ્ટનો કરંટ લાગ્યો હોય એમ એ હાથ ઝાટકી નાખ્યો. 

રીતુનું સંતુલન ન રહ્યું અને એ પડી ગઈ. રજત સહેજ ઝંખવાણો પડી ગયો. 

એણે હાથ આપીને રીતુને ઉભી કરી ત્યાં..

એની નજર રીતુના જમણા પગ પર પડી. 

એનાથી ચીસ નખાઈ ગઈ. 

“રીતુ?”

“હા રજત વિદેશમાં એક વર્ષ પછી હોસ્ટેલ જતાં કોઈ નબીરાની કંટ્રોલ વગરની કાર સાથે મારો અકસ્માત થયો અને હું કોમામાં જતી રહી. અહીયાં મમ્મી-પપ્પાને પણ મોડી ખબર પડી. એક આખું વર્ષ હું કોમામાં હતી. ત્યાંની અદ્યતન સારવારથી હું ફરી જીવંત તો થઈ પણ જમણો પગ ખોઈ બેઠી. મહામુસીબતે સ્વસ્થતા મેળવ્યા બાદ હું ઘેર પરત ફરી. 

અહીં આવ્યા બાદ તારા વિશે જાણ થઈ. નહોતો મારો વાંક-નહોતો તારો વાંક. કુદરતના અજબ સંજોગ સામે આપણે હારી ગયાં. તને શોધતાં શોધતાં તારો અતોપતો આશ્રમમાંથી મળ્યો. અને મેં નક્કી કર્યું કે આપણી રંગહીન બની ગયેલી જિંદગીમાં ફરી રંગઉત્સવના રંગ દ્વારા જ પ્રવેશ કરવો.”

રજત માથે હાથ દઈને બેસી પડ્યો.

પાંચ સાત મિનિટ બાદ સ્વસ્થતા કેળવીને એણે કહ્યું,

“રીતુ, સમય અને સંજોગ સામે માનવી પામર બની જાય. આપણી જિંદગી આવી જ રીતે લખાયેલી હશે. હું હવે મારી લખાઈ ગયેલી નિયતીનો વિરોધ નહીં કરું. મેં માનવસેવા સ્વિકારી છે. તું પણ ખુશીથી જોડાઈ શકે છે. 

સંબંધોને નામ આપવાની ક્યાં જરુર છે! હવે દિલથી માન આપશું તો આપણો સંબંધ વધુ ઉચ્ચ સાબિત થશે.”

રીતુની પાંપણ પર ઝાકળ બંધાયું.

બરાબર એક વર્ષ બાદ સ્વામી રમયાનંદ ફરી ભિક્ષા અર્થે નીકળ્યા હતા. આશ્રમમાં રીતુ ગરીબ અસહાય બાળકોને ધૂળેટીના રંગ વહેંચી રહી હતી. બંનેના ચહેરા પર એક અગમ્ય આભા હતી. જિંદગીના અનેક રંગ અનુભવી લીધા બાદ સૌમ્ય શાંત શ્વેત રંગ અપનાવીને બંને એક ગરિમાપૂર્ણ જીવન વ્યતિત કરવાનું પ્રણ લઈ ચૂક્યાં હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Thriller