JHANVI KANABAR

Drama Inspirational

4.6  

JHANVI KANABAR

Drama Inspirational

રંગોથી ખચોખચ

રંગોથી ખચોખચ

6 mins
285


નીતિની આજે સવાર થોડી મોડી પડી હતી. આજે પપ્પાને અને મોટાભાઈને ઓફિસમાં છુટ્ટી હોવાથી ઘરમાં દોડધામ ઓછી હતી. નાનકડા અનુજને પણ સ્કુલે જવાનું ન હોવાથી તે પણ હજુ નાઈટડ્રેસમાં રમતો હતો. આજે રવિવાર હતો. નીતિના ઘરમાં એક રિવાજ હતો કે, રવિવારે જોડે જ નાસ્તો અને લંચ કરવું. અઠવાડિયામાં એક દિવસ બધાને સાથે સમય વિતાવવા મળતો. નીતિ આળસ મરડી થોડીવાર પથારીમાં જ બેઠી રહી, કંઈક વિચારી રહી હતી ત્યાં મમ્મીની બૂમ પડી, `નીતૂ... બેટા ઊઠ હવે, તારી જ રાહ જોવાય છે નાસ્તામાં. ચલ જલદી કર.' બૂમ સાંભળી નીતિ તરત જ બ્રશ કરી બહાર આવી ડાઈનીંગ ટેબલ પર પોતાની ચેર પર ગોઠવાઈ ગઈ. ભાભીએ નીતિના ગાલ પર ટપલી મારતા મસ્તીથી કહ્યું, `હવે આમ નાહ્યા વગર જ નાસ્તો કરવા બેસવાની ટેવ કાઢો નીતિબેન.. સાસરે નહિ ચાલે..' ઘરના બધા જ સભ્યો હસી પડ્યા.

નાસ્તા પછી બધા ડ્રોઈંગરૂમમાં કંઈક ચર્ચા કરવા બેઠા. નીતિને સામે બેસાડી તેના પિતા નવીનભાઈએ પૂછ્યું, `બેટા, શું નિર્ણય છે તારો ? કાલે સાંજે નીરવના પપ્પાનો ફોન હતો. તેમને આપણું ઘર અને તું બધુ જ પસંદ છે. હવે તારી જે ઈચ્છા હોય તે કહે.' નીતિને હજુ ગયા રવિવારે નીરવ જોડેની મીટીંગ યાદ આવી ગઈ. નીરવ તેના મમ્મી-પપ્પા, ભાઈ-ભાભી અને નાની બહેન સાથે તેને જોવા આવ્યો હતો. નીરવ સ્વભાવે ખૂબ જ શાંત અને સમજુ લાગ્યો હતો. નીતિને તેની વાતોમાં કુટુંબપરાયણતા પણ દેખાઈ અને મહત્ત્વકાંક્ષા પણ દેખાઈ. એક અઠવાડિયાથી નીતિ એ જ અવઢવમાં હતી. નીરવ તેને ખૂબ ગમ્યું હતું, તેના ઘરના સભ્યોમાં પણ મૃદુતા દેખાઈ હતી. નીરવનું ફેમિલિ ખાધેપીધે સુખી હતું. નીરવ પણ એન્જિનિયર અને નોકરી પણ સ્થાયી હતી. બધુ જ ઓકે હતું. `નીતિ.. ક્યાં ખોવાઈ ગઈ ?' મોટાભાઈએ નીતિને હલાવતા પૂછ્યું.

`ઠીક છે. મને પણ મંજૂર છે પપ્પા....' કહી નીતિ નીચુ જોઈ ગઈ. ભાભી અને મમ્મીએ મોં મીઠુ કરાવ્યું. પપ્પાએ તરત જ નીરવના પપ્પાને ફોન જોડી, તેમને ખુશખબર આપ્યા. બંને પરિવારોની હાજરીમાં સગાઈ થઈ.

નીતિની જોબ ચાલુ જ હતી. નીરવના ઘરેથી પણ નીતિને જે કરવું હોય તેની છૂટ હતી પરંતુ નીતિએ નક્કી કર્યું કે લગ્ન પછી માત્ર ગૃહિણી જ બનીને રહેશે. સગાઈના ચાર-પાંચ દિવસ પછી નીતિ તેના રૂમમાં બેઠી લેપટોપ પર કંઈક કામ કરી રહી હતી. પાછળથી આવી કોઈએ નીતિની આંખો દાબી. નીતિએ હાથનો સ્પર્શ કરી તરત જ બૂમ પાડી. `નેત્રા..... ક્યારે આવી તું ? મારી બેસ્ટ ફ્રેન્ડ અને મારી જ સગાઈમાં નહોતી..' નીતિએ મોં ફેરવી કહ્યું. `અરે.. શું કરું યાર ? કામ આવી પડ્યું તો જવું પડ્યું પણ હજુ લગ્ન તો બાકી જ છે ને ? શોપીંગ કરશું, મૂવી જોશું બધું જ એન્જોય કરી લેશું પછી કોને ખબર તુમ કહા હમ કહાં ?'

નીતિ અને નેત્રા નાનપણથી જોડે હતા. એકબીજા વગર ચાલે જ નહિ બેયને પણ બેયના સ્વભાવ ઉત્તર-દક્ષિણ. નીતિનો સ્વભાવ ખૂબ જ શાંત, કહ્યાગરો અને પોતાના કરતાં બીજા માટે વિચારવાવાળો જ્યારે નેત્રા ખૂબ જ વાચાળ, અલ્હડ, ધાર્યું કરવાવાળો અને સ્વકેન્દ્રી. એકવાર નેત્રાએ નીતિને કહ્યું, `નીતિ મને કાલે એક છોકરો જોવા આવ્યો હતો પણ મેં ના પાડી દીધી, કારણકે જોઈન્ટફેમિલિ હતું. સભ્યો વધારે હોય ત્યાં ખચોખચમાં મને ના ફાવે. ' આ સાંભળી નીતિ આશ્ચર્યથી નેત્રા સામે જોઈ રહી. નેત્રાએ ચોખવટ કરતા કહ્યું, `તને નથી લાગતું કે નીરવને પસંદ કરવામાં તે ઉતાવળ કરી હોય.. ? સ્માર્ટ છે, દેખાવડો છે પણ ઘરમાં આટલા સભ્યો ? તમને પ્રાઈવસી જેવું કંઈ મળશે ?' નેત્રાની વાત નીતિને યોગ્ય ન લાગી પણ નેત્રાનો સ્વભાવ તે જાણતી હતી એટલે તેને સમજાવવું નિરર્થક હતું. ત્યારે તેણે માત્ર વાતને હળવાશથી હસી કાઢી.

એક મહિના પછી નીતિ અને નીરવના ધામધૂમથી લગ્ન થયા. નેત્રા નીતિની વિદાય પર ખૂબ રડી. નીતિના પપ્પાએ નીરવના પપ્પાની સામે જોયું. નીરવના પપ્પા સમજી ગયા. તેમણે રાજીવભાઈને શાંત્વન આપતા કહ્યું, `નીતિને અમે તમારી ખોટ નહિ સાલવા દઈએ. દીકરીની જેમ રહેશે તે. ચિંતા ન કરો. વળી એક જ શહેરમાં છીએ, તમારે જ્યારે મળવું હોય ત્યારે આવી જજો. આપણે એક જ કુટુંબ કહેવાઈએ હવે.' રાજીવભાઈને વેવાઈની વાતથી ખૂબ જ સંતોષ થયો.

સમય વહેતો ગયો. લગ્નને 6 મહિના વીતી ગયા. નીતિ હવે નીરવના ઘરનું અભિન્ન અંગ બની ગઈ હતી. ખાવામાં બધાની પસંદગી, દરેક સભ્યોની ટેવો-કુટેવો, દરેકના આવવા-જવાના સમય સાચવવા.. એક ગૃહિણી તરીકે બધી જ ફરજો ખુશ થઈ નિભાવતી.

થોડા સમયમાં નેત્રાના લગ્ન થયા. નીતિ અને નીરવને આમંત્રણ હતું, તેઓ પણ લગ્નમાં હાજરી આપવા ગયા હતાં. નેત્રાના લગ્ન સુખી-સંપન્ન પરિવારના એકના એક દીકરા રાહુલ સાથે થયા. રાહુલ તેના પિતા સાથે બિઝનેસ સંભાળતો હતો. લગ્નમાં ખૂબ જ જાહોજલાલી હતી. નેત્રા પણ તેના પરિવારમાં સેટલ થઈ ગઈ.

એકવાર નેત્રાનો નીતિ પર ફોન આવ્યો... 'હાય.. ડિયર. શું ચાલે છે ?'.. `બસ મજા. તું કે !' નીતિએ વળતો સવાલ કર્યો. `આપણે તો જલસા.. પણ રાહુલ કંઈક કામથી મુંબઈ ગયો છે તો હું એકલી છું... ' `એકલી કેમ ? તારા સાસુ-સસરા ?' `અમે અલગ રહીએ છીએ.. તને તો ખબર છે ખીચોખીચમાં મને ન ગમે...' નીતિને સમજાઈ ગયું. તેણે નેત્રાને પોતાના ઘરે આવી પોતાની જોડે થોડો સમય પસાર કરવા આગ્રહ કર્યો. `બટ તારા ઘરના સભ્યોને અજુગતું નહિ લાગે ? આઈ મીન વહુની બહેનપણી ?' અટકીને નેત્રાએ કહ્યું.. `તું આવ તો ખરી.. એવું કંઈ જ નથી...' નીતિએ કહ્યું. `ઓકે ડિયર તો આજે સાંજે આવું.. કાલે સાંજે પાછી ઘરે..'

નેત્રા નીતિના ઘરે આવી. નીતિના સાસુ અને જેઠાણીએ તેની ખૂબ આગતાસ્વાગતા કરી.. રાત્રે ઘરના પુરૂષો આવ્યા એટલે બધાએ ડિનર કર્યું. જમતા-જમતા રસોઈના બધા જ વખાણ કરતાં હતાં. જમ્યા પછી ઘરના બધા જ સભ્યોએ મળીને રસોડુ આટોપવામાં એકબીજાને મદદ કરી. પુરુષો પણ સ્ત્રીઓ સાથે મળીને કામ કરતા હતાં. પરવારીને એકસાથે ટીવી જોવા બેઠા. નીતિના સસરાએ નીતિને કહ્યું, બેટા ફ્રીજમાં આઈસ્ક્રીમ મૂક્યો છે તારી અને રેવાની પસંદગીનો. રેવા એ નીતિની જેઠાણી. નેત્રા બધું જ જોઈ છક્ક થઈ ગઈ હતી. આટલા ખચોખચ વાતાવરણમાં પણ કેટલી મજા છે ? સૂતી વખતે નીરવે નીતિ જોડે અંગતમાં થોડી મસ્તી કરતાં કહ્યું, `આજે તો બહેનપણી આવી છે તો અમે તો બહાર જ ને !' નીતિએ પણ નીરવને પ્રેમથી ધક્કો માર્યો. નીતિ અને નેત્રા રૂમમાં એકલા પડ્યા. નેત્રા કંઈક વિચારમાં બેઠી રહી, કંઈ બોલતી નહોતી. નેત્રાને આમ જોઈ નીતિને નવાઈ લાગી.. તેણે પૂછ્યું, `શું થયું મેડમ ? જીજાજીની યાદ આવે છે ?' નીતિએ મસ્તીમાં ધબ્બો મારતા નેત્રાને કહ્યુ. `ના યાર.. વિચારું છું હું કેટલી ખોટી હતી. જોઈન્ટ ફેમિલિ વિશે મારી માન્યતા સાવ ખોટી પડી. મને એમ કે આ ખચોખચ વાતાવરણમાં કોઈ કેમ શ્વાસ લઈ શકે ? આજે સમજાયું કે પરિવાર કોને કહેવાય ?' નીતિને આજે નેત્રાનું આ સ્વરૂપ જોઈ અત્યંત આનંદ થતો હતો, તેણે નેત્રાનો હાથ પકડી તેને સમજાવતા કહ્યું, `માય ડિયર ફ્રેન્ડ, સંયુક્ત કુટુંબ એટલે ખચોખચ વાતાવરણ નહિ પરંતુ "રંગોની ખચોખચતા" છે. જ્યારે અલગ અલગ રંગો મળે ત્યારે જીવન રંગીન બને છે. અલગ અલગ મસાલા મળે તો જ વાનગી સ્વાદિષ્ટ બને છે. મસાલાની વિવિધતા ન હોય તો વાનગી ફીક્કી લાગે તેમ જીવનમાં બેરંગ અને ફીક્કુ લાગે છે. અલગઅલગ સંબંધોને જીવવાની મજા જ કંઈ ઓર છે.' નેત્રાને ખબર નહિ કેમ પણ આજે ઊંઘ જ ન આવી. જાણે તે સવાર પડવાની રાહ જોતી હતી.

સૂર્યોદય થતાં જ નેત્રા જાગી ગઈ. નીતિના ઘરમાં ઈશ્વરની આરતીનો નાદ સંભળાતો હતો. નેત્રા ફટાફટ તૈયાર થઈ. નીતિએ આવીને જોયું તો નેત્રા પેકિંગ કરતી હતી. `શું થયું આટલી જલદીમાં કેમ છે ?' નીતિએ પૂછ્યું. `કંઈ નહિ.. બસ હવે નીકળુ. મારે એક કામ યાદ આવી ગયું છે.' નેત્રા અને નીતિ જેવા નીચે આવ્યા કે તરત જ નીતિના સાસુએ નાસ્તો ટેબલ પર લગાવી દીધો. જલદીમાં હોવા છતાં નેત્રાને રોકીને પાસે બેસાડીને નાસ્તો કરાવ્યો. નીતિના જેઠાણીએ એક ગીફ્ટપેક નેત્રાના હાથમાં આપતા કહ્યું, `પહેલીવાર ખાલી હાથે ન જવાય. તમને ગમ્યું હોય તો પાછા આવજો. અમને પણ બહુ મજા આવી.' નેત્રાએ તેમને ભેટીને આભાર વ્યક્ત કર્યો. પોતાના ઘરે આવવાનું આમંત્રણ પણ આપ્યું.

નેત્રા ટેક્ષીમાં બેસી ઘરે આવી. ફટાફટ લોક ખોલી રૂમમાં પ્રવેશી. પર્સનો એકબાજુ ઘા કરી ફોન જોડ્યો. સામે નેત્રાના સાસુ હલો હલો કહી રહ્યા હતા, પરંતુ નેત્રાથી કંઈ બોલાયું નહિ અને ધ્રુસકે ધ્રુસકે રડી પડાયું. નેત્રામાં આજે અજબ પરિવર્તન આવ્યું હતું. પરિવારનો સાચો અર્થ આજે તેને સમજાઈ રહ્યો હતો... તેના અશ્રુમાં તેણે કરેલી ભૂલો પશ્ચાતાપ બની વહી રહી હતી.....!


Rate this content
Log in

Similar gujarati story from Drama