રંગદાન
રંગદાન
શું કહ્યું ? મોબાઈલ પર વાત કરતાં અજયભાઈનો ચિંતાતુર અવાજ સાંભળી વિજયાબેન ચિંતામાં પડી ગયા. તે દિવસ ધૂળેટીનો તહેવાર હોવાથી એ બંને હજુ હમણાં જ સોસાયટીનાં રહેવાસીઓ સાથે રંગે રમી ઘરે આવ્યા હતાં. તેમનો એકનો એક દીકરો અંકિત પણ કોલેજનાં મિત્રો સાથે રંગે રમવા ગયો હતો. ચહેરા પર એકદમ ચિંતાનાં ભાવ સાથે અજયભાઈ ફોનમાં વાત સાંભળી રહ્યા હતાં. આ જોઈ વિજયાબેનને નક્કી કંઈ અજુગતું બન્યાનો અણસાર આવી ગયો.
ફોન પૂરો થતાં જ અજયભાઈએ આંખોમાં આંસુ સાથે કહ્યું," વિજયા આપણાં દીકરા અંકિતનો ગંભીર અકસ્માત થયો છે. બધાં છોકરાઓ રંગે રમી પાછાં આવી રહ્યા હતા ત્યાં આજ ધૂળેટી હોવાથી રસ્તામાં ઉભેલાં ઘણા લોકો બાઈક સવારો પર રંગ ભરેલા ફુગ્ગા ફેંકી રહ્યા હતા. આમ જ એક ફુગ્ગો અચાનક અંકિતનાં મોં પર આવતા તેણે બાઈક પરનું બેલેન્સ ગુમાવ્યું,અને તે બાઈક સાથે રસ્તા પર પડી ગયો. તે જ્યાં પડ્યો ત્યાં નીચે મોટો પથ્થર હતો. એ પથ્થર તેને માથામાં લાગ્યો અને,તે બેભાન બની ગયો. એનાં મિત્રો તેને સીટી હોસ્પિટલમાં લઈ ગયા છે. તેમ તેના દોસ્તારનો ફોન હતો. ચાલ જલ્દી આપણે પણ હોસ્પિટલ પહોંચવાનું છે. " આ સાંભળી વિજયાબેનના હોશકોશ ઊડી ગયા.
એ બંન્ને હાંફળા ફાંફળા હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં તો અંકિતની સારવાર આઈસીયુમાં ચાલી રહી હતી. અજયભાઈ રજા લઈ ડોક્ટર પાસે ગયા. અને અંકિતનાં હાલચાલ પૂછ્યાં. ડોક્ટરને એ અંકિતનાં પિતા છે એ ખબર પડતાં જ ગમગીન થઈ અજયભાઈને કહ્યું,
"જૂઓ હું તમને અંધારામાં રાખવા નથી માંગતો તમારે કાળજું કઠણ કરી સાંભળવું પડશે. અંકિતને માથામાં ગંભીર ઈજા થવાથી તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. મેડીકલ ભાષામાં અમે તેને બ્રેઈન ડેડ કહીએ છીએ. આમાંથી દર્દી ક્યારેય પણ સાજો થતો નથી. તો પણ ચોવીસ કલાક તમે રાહ જૂઓ બાકી ડોક્ટર તરીકે કહું તો અંકિત ઓલ મોસ્ટ મૃત્યુના આરે જ છે. આ સાંભળી અજયભાઈના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. પણ સત્ય સ્વીકારવું જ પડે તેમ હતું. ભગવાનને ગમ્યું તે ખરું તેમ વિચારી આંખોમાં આંસું સાથે તે બહાર આવ્યા. તેમને જોતાં જ વિજ્યાબેને તેમની તરફ એક આશા ભરી નજરે જોયું. વિજયાબેને તો જ્યારથી અંકિત ના સમાચાર સાંભળ્યા હતાં ત્યારથી તેમનું રડવું અટક્યું જ નહોતું. તેમાં જો અજયભાઈ તેમને ડોક્ટરે કહેલી વાત કહે તો શું હાલત થાય ? એ વિચારી અજયભાઈએ તેમને
ફક્ત એટલું કહ્યું કે ,"ભગવાને જે ધાર્યું હશે તેમ થશે. "
અંકિતની સારવારને હવે ચોવીસ કલાક ઉપર થઈ ગયું હતું. પણ, તેના શરીર પર સારવારની કોઈ સકારાત્મક અસર નહોતી દેખાતી. આખરે ડોક્ટરે અજયભાઈને પોતાની કેબિનમાં બોલાવી કહ્યું કે,"તમે દર્દીના પિતા તરીકે નહિ પણ એક માણસ તરીકે મારી
વાત સાંભળજો. કેમકે પિતા તરીકે આ વાત સાંભળવી ખૂબ અઘરી છે. આમ જોઈએ તો અંકિત મગજથી તો મૃત્યુ પામી જ ચૂક્યો છે. પણ, તેનું હ્રદય, કિડની,લિવર,એ બધું ચાલે છે. એ તો હવે આ જ અવસ્થામાં રહેવાનો છે ધીમે ધીમે તેના આ બધાં અંગો પણ કામ કરતાં બંધ થઈ જશે ત્યારે તેનું શરીર મૃત્યુ પામશે. જયારે દર્દીની આ હાલત હોય ત્યારે તેનાં અંગદાન વિશે તેના પરિવારજનોને સમજાવવું એ અમારી ફરજ બને છે. જો તમે તેના અંગોનું દાન કરશો તો એક અંકિતને તમે ખોશો પણ સામે પાંચ વ્યકિતને એના શરીરનાં અંગો દ્વારા નવું જીવન મળશે. જો તમે આનો જવાબ હાંમાં આપશો તો અંકિતનું જીવન તો શું મૃત્યુ પણ સફળ થશે. "આ સાંભળી અજયભાઈ કંઈ પણ બોલ્યા વગર કેબિનની બહાર નીકળી ગયા. બહુ જ વિચાર કર્યા પછી તેમને ડોક્ટરની વાત યોગ્ય લાગી અને તેમણે અંકિતનાં અંગદાનનો નિશ્ચય કરી લીધો.
અજયભાઈ એ તો આ માટે નક્કી કરી લીધું પરંતુ હવે વિજયાબેનને કેમ સમજાવવાં? આખરે ભારે હૈયે પોતે જ વિજયાબેનને ડોક્ટરે કહેલી વાત કરી. પહેલાં તો વિજયાબેને આ માટે બહુ જ આનાકાની કરી. પણ અજયભાઈએ તેમને કહ્યું," જો આપણા જીવનનાં રંગો તો દીકરાનાં મૃત્યુને કારણે ઊડી જ ગયા છે. પણ,જો આપણે તેના અંગોનું દાન કરીશું તો પાંચ વ્યક્તિનાં જીવનમાં ખુશીઓનાં રંગ ખિલશે. " અને આખરે વિજયાબેને પોતાની મમતાને કચડીને અંકિતનાં અંગદાન માટેની સહમતિ દર્શાવી.
આજે ધૂળેટી હોવાથી અંકિતનાં એક્સિડન્ટને આજે એક વર્ષ થતું હતું. અજયભાઈ અને વિજયાબેન અંકિતનાં ફોટા સામે જોઈ તેની યાદમાં મનમાં ખૂબ જ દુ:ખી થઈ રહ્યા હતાં. ત્યાં જ ડોરબેલ વાગી. બંનેએ વિચાર્યું આ સમયે કોણ હશે જો કોઈ રંગે રમાડવા આવ્યા હશે તો ભલે તેઓને અપમાન લાગે પરંતુ તેમને રંગ અડાડવાની ચોખ્ખી ના પાડી દઈશું. અમારો જુવાન જોધ દીકરો જતો રહેતા હવે અમારા જીવનમાં છવાઈ ગયેલા અંધકારનો ફક્ત કાળો રંગ જ અમારો સાથી છે.
આમ વિચારી વિજયાબેને બારણું ખોલ્યું તો સામે પાંચ કોલેજીયન યુવક યુવતીઓ ઊભાં હતાં અને દરવાજો ખુલતાં જ તેઓ અંદર આવી વિજયાબેન અને અજયભાઈને પગે લાગ્યા. આ અજાણ્યા યુવક યુવતીઓને આમ કરતાં જોઈ બંન્નેને આશ્ચર્ય થયું. એ બધાએ અંકિતનાં ફોટાને રંગ લગાવ્યા. પછી એ બધાંમાંની એક યુવતીએ કહ્યું,"અંકલ, આંટી તમે લોકો અમને નથી ઓળખતા પણ અમે બધાં તમારા અંકિત છીએ. કેમકે અંકિતનાં હ્રદય, કિડની,લિવર,આંખો દ્વારા અમને નવું જીવન મળ્યું છે. અને,અમારા જીવનમાં ફરી ખુશીઓનાં રંગ પથરાયા છે. તો આ રંગોનાં પૂર્વનાં દિવસે અમારી બેરંગ બની ગયેલી જિંદગીમાં જેનાં કારણે ફરી અમારી જિંદગીમાં રંગ પાથર્યા તેને કેમ ભૂલી જઈએ ? અંકિતે અમને તેનાં અંગોનું તો દાન કર્યું પણ સાથે ખુશીઓનાં રંગોનું પણ દાન કર્યું. અંકિતનાં અંગદાનને કારણે અમને જીવતદાન મળતાં આજે આ રંગોત્સવ અમે મનાવી શકીએ છીએ. આમ અંકિતે અમને અંગદાન સાથે રંગદાન પણ કર્યું છે. "
આ સાંભળતા જ ત્યાં ઉભેલા દરેકની આંખમાંથી આંસુ વહી રહ્યા હતાં. પરંતુ આંસુનો કોઈ રંગ ન હોવાથી કોઈ ન જાણી શક્યું કે આ વહેતા આંસુ ખુશી નાં હતાં કે અંકિતની ગેરહાજરીનાં દુઃખનાં ?
