રંગ
રંગ
“લે તારે હોળી રમવી છે?”
“ઓહોહોહો... બસ બસ. બસ કરો. આજના સપરમા દિવસે તો હાથ ન ઉપાડો.”
“જો કાન ખોલીને સાંભળી લે,
આજે ડાયરેક્ટરની મિટીંગ છે. પછી લેડિઝ ક્લબમાં “વુમન્સ ડે” નિમિત્તે સ્ત્રી સ્વાતંત્ર્ય વિશે તારું લેક્ચર છે.”
મિસિસ કનક રેશમવર્કવાળી અપ ટુ ડેટ સાડી પહેરીને તૈયાર થયાં. પણ ચિંતા થઈ,
હાથ પરના રાતા-લીલાં ચકામાં તો સાડીનો પલ્લુ કવર કરી દેશે. પણ આ ચહેરા પરના આંગળીઓનાં નિશાનનું શું કરવું?
મોટા ગ્લાસનાં ગોગલ્સ પહેરીને જાતને છુપાવતી કનક મોં પર સોફિસ્ટીકેશનનો નકાબ પહેરીને બહાર નીકળી.
હજી તો ગાડી રસ્તે પહોંચી ત્યાં ઘેરૈયાઓનું એક ટોળું મસ્તીમાં ગુલાલ ઉડાડતું ગાડીની સામે આવી ગયું.
ડ્રાઈવરે બારીનો કાચ ખોલીને જરા ધમકાવવાનું શરુ કર્યું. કદાચ ટોળાને એ જચ્યું નહીં અને મુઠ્ઠી ભરીને રંગ પાછલી સીટ પર બેઠેલી કનકના ચહેરા પર નાખી દીધો. પછી ધમાલ-મસ્તી કરતું ટોળું આગળ ધપી ગયું.
“મે’મ પોલિસને ફરિયાદ કરું?”
“ના ના જવા દો. આજે તહેવારને દિવસે કોઈને કંઈ કહેવાય નહીં.”
પણ...
કનકને ગાલ પર ઉઠેલા સોળની શારિરીક પીડા અને સામાજિક દરજ્જે એ નિશાન છુપાવવાની માનસિક પીડામાં સંપૂર્ણ રાહત થઈ ગઈ.