Mittal Purohit

Romance Drama

5.0  

Mittal Purohit

Romance Drama

રંગ પ્રેમનો

રંગ પ્રેમનો

5 mins
701


'હેપી એનીવર્સરી ટુ માય લવ'...' એમ કહીને અંકુશે સ્નેહાને વ્હાલથી કપાળ પર ચુંબન કર્યુ, ત્યારે સ્નેહાને યાદ આવ્યું કે આજે એમની લગ્ન તારીખ છે. કહેવાય છે કે લાગણીઓના પૂરમાં વહેવા માટે ક્યારેય કોઈ નદીની જરુર નથી પડતી, બસ જ્યાં લાગણીનો વહેણ દેખાય ત્યાં એ વહેવા માંડે. બસ, એવું જ કંઈક સ્નેહાના જીવનમાં પણ નામ પ્રમાણે જ એ સ્નેહ નીતરતું ઝરણું. જ્યાં થોડી ઘણી ય લાગણી કે આત્મીયતા દેખાય ત્યાં આ ઝરણું વહેવા લાગે. એણે ક્યારેય કોઈ માટે ખોટું વિચાર્યું નથી એટલે જ એ આજ સુખી જીવન જીવે છે.


એની પાસે સારું ઘર, પ્રેમાળ અને તેની ખૂબ સંભાળ રાખતો પતિ એના પ્રત્યે માન અને પ્રેમ રાખનારા સ્વજનો અને એથીય વધુ તો ઘરને ગોકુળ બનાવતો એનો દીકરો ક્રિશ... બસ હવે સુખની વ્યાખ્યામાં કંઈ ખૂટતું નથી. અંકુશ સ્નેહાને એટલો બધો પ્રેમ કરતો કે સ્નેહાને પોતાના નસીબ પર ગર્વ થતો. અંકુશે સ્નેહાને સાંજે તૈયાર રહેવાનું કહી એ ઓફીસ જવા રવાના થયો. સ્નેહા પોતાના અને અંકુશના પ્રેમને વાગોળવા લાગી. કેટલું બધું ગુમાવીને, કેટલું બધું સહન કરીને આજે એક સુખી જીવન જીવી રહી છે. સ્નેહા ભૂતકાળમાં ખોવાઈ ગઈ.


બરાબર બાર વર્ષ થયા આ વાતને. પોતાની સુંદરતા પાછળ અનેક મજનુ કૉલેજમાં ઘુમતા એ વાતનો સ્નેહાને થોડો ગર્વ હતો. એ પોતાની બહેનપણીઓને મજાક સમયે કહેતી પણ, 'આવા મજનુ નહીં પણ મારો રાજકુમાર જે આવશે એ લાખોમાં એક હશે. મારા મમ્મી-પપ્પા મારા એ રાજકુમારને ગમે ત્યાંથી શોધી લાવશે. હું એમની ખૂબ લાડકી ...' અને કેટલીય બહેનપણીઓને સ્નેહાના નસીબ પર ઈર્ષા થઈ આવતી.


એકવાર કૉલેજમાં એન્યુઅલ પ્રોગ્રામ રાખવામાં આવ્યો. ગામમાંથી ઘણાં લોકો પોગ્રામ જોવા આવ્યા. જેમાં અંકુશ પણ હતો, એની નજર સ્નેહા પર પડી અને એને પહેલી નજરે જ સ્નેહા ગમી ગઈ. એણે મનોમન સ્નેહાને પોતાની દિલની રાણી બનાવી લીધી. અંકુશ એક ખ્યાતનામ પરિવારનો બ્રાહ્મણનો દીકરો. ઘરમાં સૌનો લાડલો. પપ્પાના બિઝનેસમાં હમણાં જ જોડાયો હતો. મિત્રો સાથે કૉલેજ ગયો અને ત્યાં પોતાની ઊંઘ, શાંતિ અને દિલ સ્નેહા પાછળ ગુમાવીને આવ્યો. રોજ સ્નેહાને જોવા એની કૉલેજ પાસે ઊભા રહેવુ, એ જ્યાં ટ્યુશન જાય ત્યાં દૂરથી એને જોવી આ જ એનો નિત્યક્રમ બની ગયેલો.


તો બીજી બાજુ સ્નેહાએ સોની પરિવારની ખૂબ લાડ કોડમાં ઉછરેલી હતી. જેટલી મા-બાપની લાડકી એટલી જ ભાઈની પણ. ખૂબ પુણ્ય કર્યા હોય ત્યારે આવું પ્રેમાળ ઘર મળે..

ધીરે ધીરે હવે સ્નેહાના ધ્યાનમાં પણ આવવા લાગ્યું કે, કોઈ એને પસંદ કરે છે. રોજ એને જોવા કોઈ કલાકો પ્રતીક્ષા કરે છે. હવે જાણે સ્નેહાને ટેવ પડી હતી અંકુશને આમ જોવાની. જોતજોતામાં બે વરસ નીકળી ગયા. ન કોઈ વાત કે ન કોઈ વાયદો. સ્નેહાના ઘરમાં સ્નેહા માટે છોકરાઓ શોધવાની વાત થઈ ત્યારે તેને અંકુશે કરેલ બે વરસના તપનો વિચાર આવ્યો. એને થયું કે, એને પણ એ રીતે અંકુશને જોવાની ટેવ જ નહીં પણ એના પ્રત્યેનો પ્રેમ જ છે. એ બીજા કોઈ સાથે લગ્ન કરી જ કેમ શકે ? એણે પોતાની સહેલી દ્વારા અંકુશ સુધી વાત પહોંચાડી. અંકુશ તો જાણે જગ જીત્યો. એણે સ્નેહાને મળવાના અનેક પ્રયત્નો કર્યા પણ બન્નેનો પ્રેમ એકબીજાને મળી ને જાહેર કરે એ પહેલાં જ બન્ને ના પરિવારજનો દુશ્મન બની ચુક્યા હતા. હવે તો સ્નેહાના અભ્યાસ પર પણ પ્રતિબંધ આવ્યો. બન્નેના પરિવાર એ બન્ને માટે એક દિવાલ બની ઊભા રહ્યા. અંકુશ તો પુરુષ જાત એટલે ઘરાનાની ટોક સિવાય વધુ કંઈ સહન ન કરવું પડ્યું. પણ સ્નેહા માટે તો જાણે ગંભીર ગુનો કર્યો હોય એમ એને મૃત્યુ દંડ કરતાં પણ દર્દનાક જીવન દોર શરુ થયો. એને સતત દોઢ મહિના સુધી ઘરમાં પૂરી રાખવામાં આવી, જેના એક બોલ પર ઘરનાં ઊંચા-નીચા થઈ જતા એ જ સ્નેહાને ઘરમાં, અભ્યાસ, મિત્રો, ફોન આ બધાયનો સંપર્ક બંધ કરાવી સતત પૂરી રાખવામાં આવી.


સ્નેહાની એક ઝલક જોવા માટે અંકુશની તડપ વધવા લાગી. સતત એના ઘરની સામે તાકી રહેતા અંકુશને 'ખો' દઈને સ્નેહાને એની માસીને ત્યાં મોકલી દેવામાં આવી પણ અંકુશ પણ ક્યાં પાછો પડે તેમ હતો ? એણે માત્ર સ્નેહા વડોદરામાં છે એ જાણ થતાં વડોદરાની દરેક ગલીઓમાં ચક્કર શરુ કર્યાં. છેવટે પૂરા 22 દિવસે એને સ્નેહાની માસીનું ઘર મળ્યું. ત્યાં પણ સતત બે દિવસના તપ પછી એની ઝલક જોવા મળી. સ્નેહાની નજર અંકુશ પર પડી અને એ રડી ગઈ, કોઈ પોતાને આટલુ બધુ ચાહે છે એ વાતથી એનું દુ:ખ ઓછુ થઈ ગયું. પણ ત્યાં ફરી ઘરમાં જાણ થતાં બધાં અંકુશને મારવા ફરી વળ્યાં અને સ્નેહાને હરિદ્વાર મોકલવાનો નિર્ણય થયો. જેમ તેમ કરી મિત્રોની મદદથી અંકુશ બચી તો ગયો પણ સ્નેહા ફરી અદ્રશ્ય. અંકુશને જાણ થઈ કે દિલ્હીથી એની ટ્રેન બદલવાની છે તો એ ત્યાં પહોંચી ગયો અને આ વખતે એ સ્નેહાને મળવામાં સફળ રહ્યો એણે જલદીથી એક ચિઠ્ઠી તેના હાથમાં આપી નીકળી ગયો. સ્નેહા પહેલાં તો ભાગીને લગ્ન કરવા તૈયાર ન હતી પણ, પરિવાર અને અંકુશ બન્નેના પ્રેમ વચ્ચેથી એકની પસંદગી અનિવાર્ય બની. અને એણે અંકુશના નિ:સ્વાર્થ પ્રેમને પસંદ કર્યો.


ભાઈ સાથે બજાર જવાની જિદ્દ કરતાં ઘરનાં એ જવા દીધી. એ ધીમે રહીને ભાઈને ભૂલો પાડી નીકળી ગઈ નક્કી કરેલ સ્થાને. અને બન્ને ત્યાંથી પોતાના નવા જીવનની શરુઆત કરવા આ ભીડથી દૂર જતાં રહ્યા. થોડો સમય બન્ને પરિવાર વચ્ચે મારા-મારી, ગાળોનો વરસાદ, પોલીસના ચક્કર બધું થયું. પણ છેવટે 15-20 દિવસ પછી બન્ને પરત ફર્યા. અંકુશના પરિવારે તો અપનાવી લીધા પણ, એક શરત સાથે કે સ્નેહા ક્યારેય પોતાના પિયરમાં કોઈ સંપર્ક નહી રાખે. પણ સ્નેહાના પિયરના દરવાજા તો એના માટે બંધ જ થઈ ગયા હતા. શરુઆતમા સાસરીમાં પણ ઘણું સાંભળ્યું.

'ભાગી ને આવ્યા તો સહન કરો, બાપનું ઘર નથી આ,...વગેરે....ત્યારે સ્નેહાને ખૂબ દુખ થતું, રડવું પણ આવતું પણ ક્યાં જઈને રડે ? કોની પાસે રડે ? અંકુશ એને ખૂબ જ સાથ આપતો પણ પિયરની ખોટ ક્યાં પુરી થાય ?


ધીમે ધીમે સ્નેહાએ સાસરીમાં સૌના મન જીતી લીધા. બે વર્ષ પછી એને સારા દિવસો રહ્યા. ગામમાં જ પિયર હોવાથી એ સતત પ્રયત્નો કરતી કે એને સૌ માફ કરી દે. અને આ ચમત્કાર એના આવનાર બાળકે કર્યો, સ્નેહા એ સુંદર પુત્રને જન્મ આપ્યો અને એના પગલે બન્ને પરિવાર એક થઈ આખા ગામમાં પેંડા વહેંચ્યા. ક્રિશના પગલે બન્ને પરિવારમાં ખુશી છવાઈ ગઈ. સ્નેહાને ક્યારેક પોતે દુલ્હન ન બની શકી, એ શણગારના ઓરતા પુરા ન થયાં એનું દુ:ખ થાય પણ સામે ઉભેલી ખુશી જોઈ મન વાળી લેતી.


ડૉરબેલના અચાનક રણકતાં અવાજથી એ વર્તમાનમાં આવી બારણું ખોલતા જ સામે બન્ને પરિવારના બધા સભ્યો ઊભા હતા. અને સ્નેહાને અંકુશ એની એ અધુરી ઇચ્છા પૂર્ણ કરવા પોતાના પિયર મોકલી. એમની 14 મી લગ્નગાંઠ પર એમની પ્રથમ ચોરી બંધાઈ, અંકુશ જાન લઈ વાજતેગાજતે સ્નેહાને ત્યાં પહોંચ્યો અને સ્નેહાના માત-પિતા, ભાઈ-ભાભી એ જે અરમાન હતા એ મુજબ સ્નેહાનું ધામ ધુમથી કન્યાદાન કર્યું. એ શણગાર, એ દુલ્હનનું પાનેતર અને મા-બાપના હાથે કન્યા દાન. સ્નેહાની આંખમાંથી ખુશીના આંસુ નીકળી ગયા. ત્યાં જ અંકુશ બોલ્યો- 'કહ્યું હતું ને કે, તારી બધી ઈચ્છા પુરી કરીશ...લવ યુ સ્નેહા..' અને ક્રિશ પાછળથી આવીને બન્નેને વળગી પડ્યો. પિયરિયા- જાનૈયા બધા જ બોલી ઉઠ્યાં...

" લે જાયેંગે, લે જાયેંગે, દિલવાલે દુલ્હનિયા જાયેંગે " ......!


Rate this content
Log in

Similar gujarati story from Romance