STORYMIRROR

Sangita Dattani

Tragedy

4  

Sangita Dattani

Tragedy

રંગ છલકે

રંગ છલકે

2 mins
413

“ભવિષ્યોત્તર પુરાણમાં આ પર્વની કથા આવે છે.” કહેતાં સ્વામીજી એક ક્ષણ ખોંખારો ખાઈને અટક્યા. સતયુગનાં રઘુરાજાએ હોલિકા ઉત્સવ પ્રચલિત કર્યો. અગ્નિ એક રોગ રક્ષિકા શક્તિ છે એટલે અગ્નિ સ્વરૂપ શમી વૃક્ષનું ઠુંઠું બાળીને રોગશમન કરવામાં આવે છે.

“મમ્મી..” પાંચ વર્ષની તેજસ્વિની મમ્મીને ગળે વળગી પડી અને પછી હાથ ખેંચીને કહે, “મમ્મી, ચાલને. સ્વામીજી હોળી પ્રગટાવી રહ્યા છે.” સુહાસિની જાણે તંદ્રામાંથી જાગી હોય એમ તેજસ્વિનીની પાછળ ખેંચાતાં, વિચારવા લાગી જતી હતી કે આ અવાજ આટલો જાણીતો કેમ લાગે છે ? ખૂબ વિચાર્યા પછી પણ કોઈ તાળોમળતો ન હતો. આ તરફ સ્વામીજી પણ બંગડીનો રણકાર થતાં જરા વિચારમાં પડી ગયા હતા. તેમનું પણ મન ચકડોળે ચડયું હતું અને તેજસ્વિની પણ સ્વામીજી તરફ ખેંચાઈ જતી હતી.

સ્વામીજી હોળી પ્રગટાવી જ રહ્યા હતા ત્યાં તો તેજસ્વિની કહે પપ્પા.. તમે ક્યાં હતા ? હવે સુહાસિનીનો ચમકવાનો વારો હતો. છ મહિના પહેલા નારેશ્વર અને શુક્લતીર્થ તેમજ આજુબાજુના સ્થળોએ સુહાસિની, તેજસ્વિની અને તેજસનું નાનું કુટુંબ અને સોસાયટીના ચાર-પાંચ ફેમિલી ફરવા નીકળી પડ્યા હતા. ત્યાં નર્મદામાં નહાવા પડ્યા હતા. સ્ત્રીઓ મંદિરમાં દર્શન કરતી હતી. છોકરાઓ મંદિરના પ્રાંગણમાં રમતાં હતાં.  તેવામાં કોઈએ બૂમ પાડી કે તેજસ ડૂબતો જાય છે. બધાનાં જીવ ઊંચા થઈ ગયા. તેને બચાવવાની કોઈની હિંમત ન ચાલી અને બધા જ ધીમે ધીમે બહાર નીકળી ગયા. સેકંડોમાં તો તેજસ ગાયબ થઈ ગયો.

પ્રભુ કૃપા અપરંપાર છે, રામ રાખે તેને કોણ ચાખે. એ ન્યાયે તેજસ સામા કિનારે કોઈ સાધુને બેભાન હાલતમાં મળ્યો અને આશ્રમમાં લઈ આવી સેવા-ચાકરી કરી. પંદર દિવસે તેજસે આંખો ખોલી. પૂછપરછ થતાં તેજસને કંઈ યાદ આવતું ન હોવાથી, દીક્ષાગ્રહણ કરીને આશ્રમમાં સેવા કરવા લાગ્યો. ચાર પાંચ મહિનામાં તો ગીતા રામાયણ વગેરે પર નાના-મોટા પ્રવચન આપવા લાગ્યો હતો. આજે પ્રથમવાર જ હોળીની કથા અને તેના હાથે જ હોળીનું પ્રાગટ્ય થવાનું હતું. અને પાંચ વરસની તેજસ્વિની આજે તેના જન્મદાતાને ઓળખી ગઈ હતી. તે જ રીતે, જે બંગડીનો રણકાર તેજસે સાંભળ્યો હતો અને પરિચિત લાગ્યો હતો તે સુહાસિનીની જ બંગડીઓ હતી.

હોળીનું પ્રાગટ્ય તો થઈ ગયું પણ તેજસ અને સુહાસિની કંઈક વિચારમાં પડી ગયા. કે દીક્ષા લીધા પછી સંસારમાં પાછું કેવી રીતે આવવું. તેની સાથે આવેલ સાધુ આ બધું નિહાળી રહ્યા હતા. તરત જ પરિસ્થિતિ પારખી લઈને સુહાસિનીની પાસે આવ્યા કે તમારા બંગડીના રણકારથી તેની યાદદાસ્ત પાછી આવી ગઈ છે અને તેજસ સામે જોતાં કહ્યું કે બે વર્ષ કસોટીનો કાળ હોય અને હજુ છ માસ થયા હોવાથી તમારા ઘરે તમે જઈ શકો છો. આ તમારા સંસારના કપડા હમણાં જ પહેરી લો અને સાધુનાં કપડા મને પરત કરી દો.

આ સાંભળીને સુહાસિની તો હાથમાં રહેલી પૂજાની થાળીમાંથી અબીલ ગુલાલ લઈને તેજસના ગાલોને રંગી નાખ્યા. અને તેજસ તેજસ્વિની અને સુહાસિનીને વળગી પડ્યો. આ ત્રણેયનાં જીવનમાં હોળી જાણે અનેક રંગો લાવી હતી. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy