રક્ષા
રક્ષા
ખૂણામાં પડેલી રોકીંગ ચેર પર એ તદ્દન વિક્ષિપ્ત અવસ્થામાં બેઠો હતો. જાણે અહીંયા હતો જ નહીં. સતત રણકી રહેલો મોબાઈલ અને લેન્ડલાઈનનો અવાજ એના બધિરતા અનુભવી રહેલા ચિત્ત સાથે અથડાઈ જાણે પડઘાઈ રહ્યાં હતાં. એના હાથમાં એક પત્ર હતો એમાંથી મમ્મા ને પાપાના ચહેરા ચિલ્લાઈ-ચિલ્લાઈ ને કહી રહ્યાં હતાં.
તેં સમાજમાં અમારું નામ બોળ્યું. .. કેટલી મહેનતે અમે બધું ઠીક કરેલું.. તારા લગ્ન માટે અમે છોકરી પણ શોધી રાખેલી..બધું થાળે પડી જાત જો તું ભાગી ન ગયો હોત ! આટલી સારી જોબ મૂકી તું મુંબઈ ગયો ને કંઈ ગાવા-નાચવાનું કામ કરવા માંડ્યો ! ચૂપચાપ એ કરતો હોત તો હજી યે ઠીક . ..આ તો છાપાનાં પાના ના પાના ભરી ને દુનિયા આખીમાં જાહેરાત થાય છે કે. .
કુણાલની જ લખેલી-ડાયરેક્ટ કરેલી નૃત્યનાટિકા 'રાધા-કૃષ્ણ ' ગ્લોબલ ડાન્સ ફેસ્ટીવલમાં, ભારતને રીપ્રેઝન્ટ કરશે. .ને એમાં રાધાનો રોલ, રીયલ લાઈફમાં પણ પોતાને સ્ત્રી સ્વરૂપ માનતા . . કુણાલ જ કરશે. .
તારું રૂપાળું ડાચું લઈ ક્યારેય અહીં ન આવતો. અમારે મન અમારો દિકરો કુણાલ કાયમનો મરી ગયો.
સાચ્ચે જ ? મમ્મી પણ આવું વિચારે છે ?
એને યાદ આવ્યાં નવરાત્રીમાં મમ્મીની આંગળી પકડી નાચતાં -કૂદતાં બે ભાઈ-બહેન...કેયા ને કુણાલ. ..
મમ્મીને પોતાના રુપાળા નાનકા દિકરા પર ખૂબ ગર્વ. એ તો એને પણ કેયાના ચણિયાચોળી પહેરાવી તૈયાર કરે ને પછી ' સુંદર ' 'સ્વીટ' એવા દિકરાના વખાણ ઉઘરાવી પોરસાય..પછી તો કુણાલ પોતે જીદ કરી બહેનનાં રંગીન કપડાં પહેરતો. નૃત્ય કરતો. પોતે તો છોકરો છે . ..
એવી સમજણ આવી ત્યાં સુધી.જોકે મન તો ખૂબ થતું.
હાઈસ્કૂલમાં આવ્યો ત્યારે બધા દોસ્તો છોકરીઓની વાતો કરતાં --એમનાં અંગ-ઉપાંગની વાતથી જોક્સ મારતાં - ગર્લફ્રેન્ડ બનાવવા પડાપડી કરતાં. કુણાલને ખબર નહીં કેમ એમાં રસ જ ન પડતો.!! એને પોતાને, પોતે આ બધાથી કંઈક અલગ છે એવું લાગતું...આ અલગતા ને એકલતા એની અંદર એક ભયાનક મૂંઝવણ ઊભી કરતાં. પણ કેમ ? ને શું ? ના જવાબ તો ક્યાંથી મળે ?
કોલેજનાં પહેલાં વર્ષની વાત...બધા છોકરાઓ એ એક મિત્ર ને ત્યાં ઓવરનાઈટ પાર્ટીમાં બ્લુ-ફિલ્મ જોવાનો પ્લાન કર્યો. .ફિલ્મ જોતાં નગ્ન સ્ત્રીઓ ને જોઈ બધાં છોકરાઓ સીસકારા બોલાવતાં મજા લેવામાં ખોવાઈ ગયાં પણ એને તો કંઈ ન થયું...થોડીવારે એને સમજાયું કે એને પણ આ ફિલ્મ ઉત્તેજીત તો કરે છે પણ એક સ્ત્રીની નજરે. !! નગ્ન સ્ત્રી નહીં પણ નગ્ન પુરુષદેહ જોઈને..!! ? આ નાઈટ એને આનંદ કરતાં વધારે આઘાત આપી ગઈ..પોતાના મન-દેહના ભાવ દુનિયાની સમજ પ્રમાણે જે હોવા જોઈએ એ નથી...!! શા માટે આવું ? શું કરે કે બધું નોરમલ થાય.. ? ? કોને પૂછાય ?..આવા અસંખ્ય સવાલોમાં એ અટવાઈ ગયો.
એમના નજીકના સગાના લગ્ન આવતાં હતાં. બધાનું શોપીંગ ચાલુ હતુ. કુણાલ માટે પણ..અચકન-શેરવાની લેવામાં આવ્યા પણ એનું મન તો કેયા માટે લેવામાં આવેલા આછા ફાલસા રંગના ચણીયા-ચોળી પર અટકેલું હતું.
આજે ઘરનાં બધાં બહાર ગયાં હતાં. એકલાં પડતાં જ પેલા ચણિયાચોળી એને યાદ આવ્યાં. કબાટમાંથી કાઢી અવશપણે એ પહેર્યા ને એના અંતરમાં જાણે આનંદ ઉભરાયો. .!! થોડીવાર થઈ હશે ને મમ્મી-પાપા આવી ગયાં.
..કુણાલને આ કપડામાં આવી રીતે જોતાં જ પહેલાં આઘાત ને પછી ગુસ્સાથી બૂમાબૂમ કરી મૂકી.
દિકરાનું બાયલા પણું કાઢવા પાપા એ હુકમ કર્યો કે આ વરસથી એન્જિનિયરીંગ બોય્સ હોસ્ટેલમાં રહીને ભણવાનું.
ઘરથી દૂર જતાં જ કુણાલ પોતાની જાતની નજીક આવ્યો. હવે ઘણું વાંચતા-વિચારતાં અને અનુભવતાં એને સમજાઈ ગયું હતું કે પોતાના પુરુષ દેહમાં એક સ્ત્રી સપડાયેલી છે ! જે મુક્ત રીતે વ્યકત થવા-મુક્ત રીતે જીવવા તરફડે છે.
એન્જીનીયર થઈ એ પાછો ઘરે આવ્યો.એ શહેરમાં જ જોબ પણ મળી ગઈ. હવે મમ્મી-પાપા ને ઘરમાં વહુ લાવવી હતી. એમણે છોકરી શોધવા ની શરૂઆત કરી ત્યારે કુણાલે સ્પષ્ટ ના કહી, પણ તો યે વાત ન અટકી ત્યારે ના છૂટકે એણે પોતાની પરિસ્થિતિ જણાવી.
વિરોધનું વાવાઝોડું ઔર ભયંકર બન્યું. પાપાના પ્રમાણે આ બધાં નવલકથા-ટીવીના વિચાર ને અસર છે. પરણાવી દઈએ એટલે આફુડો લાઈનમાં આવશે !
મમ્મી પ્રમાણે દિકરાને કોઈ એ કાંઈ કરી મૂક્યું છે. તે બાધા-આખડી ને દિકરાનું પુરુષાતન જગાવવા વૈધ -હકીમ પણ કર્યાં. ...લગ્નની વાત ન અટકી ત્યારે. . દિકરો, નોકરી-ઘર બધું છોડી મુંબઈ આવી ગયો...કારણ એને કોઈ નિર્દોષ છોકરીની જિંદગી ખરાબ નહોતી કરવી.
આજે ત્રણ વરસે કુણાલ રાઈટર-ડાન્સ ડિરેકટર ની નવી -મનગમતી કેરીયરમાં સેટ છે.. ઈન્ટરનેશનલ ફેસ્ટીવલનો એનો ડ્રીમ પ્રોજેકટ પૂરો થવાનો છે ત્યારે શિખર પર હોવાની લાગણીને બદલે એનું હ્રદય તળેટીનો સૂનકાર ઓઢી હાથમાં રહેલાં મા-બાપના -જાકારા ભરેલા પત્રનો ભાર વેંઢારતું અમળાઈ રહ્યું હતું. .
પાછી બેલ રણકી...આ ફોન નહીં ડોરબેલ હતી...એ તો વણઅટકી ચાલુ જ રહી. ના છૂટકે એણે દરવાજો ખોલ્યો.
સામે હતી એની બહેન કેયા !! શું બોલવું -કેમ રીયેક્ટ કરવું એ પોતાની જાતથી જ વિખૂટા થઈ ગયેલા કુણાલને સમજાયું નહીં ! એ બાજુ ખસતાં કેયા અંદર આવી. .કુણાલના નાનાં પણ સુંદર ઘર પર નજર નાંખતા સોફા પર બેઠી. કુણાલ પાણી લઈ ને આવ્યો ત્યારે એ કુણાલના પગનાં ઘૂંઘરુને છાતી સરસા રાખી પેલી રોકીંગ ચેર પાસે ઊભી હતી.આંખોમાં આશ્ચર્ય ભરી કુણાલે એની સામે જોયું..આંખમાં નાં આંસુ લૂછતાં કેયા એ પર્સમાંથી રાખડી કાઢી. કુણાલને યાદ આવ્યું આજે શ્રાવણનો રવિવાર..એમના કુટુંબનો પસલી નો દિવસ. .રાખડી જોતાં જ એણે હાથ લાંબો કર્યો. એના કાંડે રાખડી બાંધતા કેયા બોલી.
"કેયૂર, આટલા વરસોથી બળેવ પર તું મને મારી રક્ષાનું અભય વચન આપે છે ને ? આજે તું મારા વચન સાંભળ. કેયૂર, તું જેવો છે, જે છે તેવો જ મને પ્રિય છે. આજથી તું જે કંઈ કરે-જે રીતથી જીવે તેમાં તારી બહેન કેયા તારી સાથે જ છે. .મમ્મી-પાપા કે દુનિયા તરફથી જે ઝંઝાવાત આવશે તેમાં હું તારી સાથે જ હોઈશ. .તું ક્યારેય એકલો નહીં પડે. હું છું ને ? તારી રક્ષા કરવા. ..
બહેનને ભેટી પડતાં કેયૂર બોલ્યો...અરે ! તને આપવા હું કંઈ ગિફ્ટ જ નથી લાવ્યો !
ડોન્ટ વરી ! હું લાવી છું ને તારે માટે ગિફ્ટ કહેતાં કેયા એ એના હાથમાં એક પેકેટ મૂક્યું. ..જલદીથી એ ખોલી એણે અંદર નજર નાંખી તો એમાં હતાં પેલાં આછા ફાલસા રંગના ચણિયાચોળી!
કેયૂરનું કપાળ ચૂમતાં કેયા બોલી. "કાલના શો માં આજ પહેરીને મારી રાધા નૃત્ય કરશે !"