રિપોર્ટ
રિપોર્ટ
રમા રડી રડીને થાકી. પણ પથ્થર પર પાણી નિવડ્યું. વજો લગ્ન કરીને આવ્યો ત્યારે તો સાસુમા અને વજો સહિત ફૂલાઈ ફૂલાઈને આખા ગામમાં કહેતાં, આખા ગામમાં મારી રમા જેવી કોઈ રુપાળી છોડી નથી.
રોટલા ટીપતી રમાને ધરાઈ ધરાઈને વજો જોયા જ કરતો. રાત્રે સોડમાં લઈને વ્હાલ વરસાવતો, વજો લગ્નનાં ત્રણ વર્ષ થયાં ત્યારે બે મહિના પહેલાં સાવ મોં ફેરવી ગયો એ રમાથી સહન નહોતું થતું. જે સાસુમા ઓટલા પરિષદમાં વહુના વખાણ કરતાં થાકતાં નહોતાં એ વાતે વાતે વખોડીને રમાને અપમાનિત કરવાનો એક પણ મોકો ચૂકતાં નહીં.
લગ્નને એક વર્ષ થયું ત્યાં સાસુમાને દાદી બનવાના કોડ જાગ્યા. વજાને કાનમાં અને રમાને ખુલ્લેઆમ સંતાન માટે આગ્રહ કરવા લાગ્યાં હતાં. વજો અને રમા પણ મા-બાપ બનવાનાં સપનાં જોવા લાગ્યાં. પણ બીજું વર્ષ પૂરું થયું તોય રમાની કૂખે કૂંપળ ફૂટવાનાં એંધાણ ન જણાતાં સાસુમા નારાજ રહેવા લાગ્યાં.
શહેરના ડોક્ટરને બતાવી આવ્યાં. તો રમામાં ખામી છે એમ જણાયું અને લાડકી રમા અચાનક અણમાનિતી બની ગઈ. પછી તો દોરા-ધાગા, વૈદ, હકીમ, ભૂવા જે હાથમાં આવે એ ઉપાય રમાની મરજી હોય કે ન હોય એના પર અખતરા થવા લાગ્યા. રમાને કેટલીક વાર તો બહુ ખરાબ લાગતું કે હજી તો જે બાળક જગતમાં નથી એના માટે એક જીવતી જાગતી વ્યક્તિ પર આટલા જૂલમ !
પણ આજે તો હદ થઈ ગઈ. રમા પરવારીને ફળિયામાં આવતી હતી ત્યાં મા-દીકરાની ગુસપુસ જાણેઅજાણે કાને પડી ગઈ. “જો વજા, આપણા વંશને વધારે નહીં એવી વાંઝણી હવે ન ખપે.”
“મા, તો શું કરવું? કાઢી તો મૂકાય નહીં. પેલો રવલો કહેતો હતો કે હવે તો વહુની તરફેણમાં બધા કાયદા એટલા જબ્બર છે કે આપણે જેલમાં જવું પડે.”
“અરે તું સમજતો નથી. તારાં બીજાં લગ્ન કરીએ. ભલે એ અહીં પડી રહેતી. કામકાજ કરવા કોઈ તો જોઈએ જ ને ! કામ કરશે અને બે વખત ખાઈને પડી રહેશે. મારે હવે વંશ જોઈએ જ.”
અને રમા રડી રડીને થાકી. પણ પથ્થર પર પાણી નિવડ્યું.
બે દિવસ બાદ ગામમાં હોહા થઈ ગઈ. વજાની વંઠેલ વહુ ભાગી ગઈ. સાસુમાએ કરુણ સ્વરે વહુની ભરપૂર વગોવણી કરી. રડારોળ કરીને વજા માટે ખૂબ સહાનુભૂતિ એકઠી કરી લીધી. છ મહિના બાદ વજાનાં લગ્ન થયાં. અને એક દિવસ રમા ફરી આવી પહોંચી. વજો અને નવી નવેલી વહુ પની ચા પીતાં હતાં ત્યાં અચાનક પ્રગટ થયેલી રમાને જોઈ વજાની રકાબી ધ્રૂજી ગઈ.
“અંહહહ, ચિંતા ન કરતા પતિદેવ. હું મારો કોઈ હક લેવા નથી આવી. માત્ર તમારો રિપોર્ટ પાછો આપવા આવી છું.”
પની સામે વજો થોથવાયો. સાસુમા રસોડાના ઉંબરે સ્થિર થઈ ગયાં. “પની, આની કોઈ વાત માનતી નહીં. અરધી રાત્રે મારા છોરાને મૂકીને હાલતી થઈ ગઈ અને હવે એને સુખી જોઈને એના સંસારમાં આગ લગાડવા આવી છે. તું એના પર જરાય વિશ્વાસ ન કરતી.”
પની અસમંજસમાં હતી ત્યાં રમાએ એક કવર પનીના હાથમાં પકડાવ્યું. “પની તું મા બનવાના અભરખા ન કરતી. કારણકે તારા અને મારા વરમાં એ હેસિયત નથી. આખા સમાજમાં મને બદનામ કરી. હું થાકી હારીને એક રાત્રે મારા બે ગાભા લઈને ચાલી નીકળી ત્યારે ભૂલથી આ ડોક્ટરનો રિપોર્ટ મારી સાથે આવી ગયો જે મારાથી અને ગામ આખાથી છૂપાવવામાં આવ્યો હતો.
મેં શિક્ષકની પ્રાથમિક તાલીમ લીધી છે એટલે હું હવે મારા ગામમાં મારી નિર્દોષતા સાબિત કરી મારાં મા-બાપની સાથે રહું છું. મેં સહેજ સ્વસ્થ થયા બાદ અમારા એક જાણીતા ડોક્ટરને બતાવ્યો અને આ મા-દીકરાનું કપટ બહાર આવ્યું. હું કોઈ પગલાં લઉં એ પહેલાં તમારા લગ્નની વાત આવી. તને જાણ કરવા માટે તને આ લોકોનો પરિચય થવો જરુરી હતો એટલે મેં રાહ જોઈ લીધી. સાસુમા અને વજાના સપનાં ખોટાં હતાં એ, એ લોકો જાણતાં હતાં એટલે આ વખતે એ લોકો ઊંચાનીચા ન જ થાય એ મને ખબર જ હતી.
હવે તારે નક્કી કરવાનું કે જે સંબંધના પાયામાં જ ખોટાપણાની ઈંટ રોપાઈ છે એ સંબંધ તારે કેટલો નિભાવવો જોઈએ ?”
સોપો પડી ગયો. રમા વટભેર ચાલતી થઈ. પનીની આંખમાં નફરતના દોરા ફૂટી ચૂક્યા હતા.
