રહસ્યમય ટાપુ
રહસ્યમય ટાપુ
"અરે આજે કેમ દીવા હજી પ્રગટાવ્યા નથી સમીરની મા". એમ કરતાં નવનીતરાયે ઘરમાં પગ મૂક્યો તો આખા ઘરમાં અંધારું એક પણ પ્રકાશનું કિરણ નજર નહોતું આવતું ઘરમાં, નવનિતરાયને પોતાનાંજ ઘરમાં મોબાઈલની બેટરી ચાલુ કરીને પ્રવેશ કર્યોં ઘરમાં તો મોહિનીબેન એક ખૂણામાં બેઠેલા જોયા, એમની આંખો રડી રડીને દડા જેવી થઈ ગઈ હતી જે લાઈટનાં પ્રકાશથી વધારે ઝીણી થઈ ગઈ ને નવનીતરાયને પણ અવાજથી જ ઓળખ્યા.
નવનીતરાયને ડર હતો જ કે, કંઈક ઘરે આવું જોવા મળશે, દીવાળીનાં વેકેશનમાં અમેરિકા સમીર ફરવા ગયો હતો, બે વર્ષ થવા આવ્યાં પણ હજી એનો કોઈ પતો લાગતો નહતો, મોહિનીબેનનું દિલ એમને કોસ્તુ રહેતું હતું કે ના મોકલ્યો હોત તો આવી ખરાબ બીના ઘટિત જ ના થાત. દિવાળીની આસપાસનાં દિવસો આકરા સાબિત થતાં. તે વખતે દિલનો દોરો પ્રેમનો વધી જતો, યાદોનો બવંડર રચાતો મન એમાં ચગડોળે ચડતું, નેણો અશ્રુઓનો ધોધ વ્હાવતા તેમાં મન પલળતું રહેતું. સમીરની યાદો પીછો છોડતી નહતી.
મા ને દીકરાની યાદ ત્યજવી કહેવી એ મહામુશ્કેલ છે, જે અંશને નવ મહિના કોખમાં રાખ્યો હોય, પ્રેમનાં જતનથી એને ઉછેર્યો હોય, આખા અસ્તિત્વનો પ્રેમ દીકરા પર ન્યોછાવર કરીને ઓગાળી દીધો હોય, ઉમરભર સાથે રહેવાનું હોય અને ઓચિંતો જ્યારે દીકરો ચાલ્યો જાય, ના કોઈ એના વાવડ મળે તો કેમ કરીને મનાવાનું દિલને ?.પિતા માટે કપરી મુશ્કેલી હોય પોતાનાં હૃદયને સ્વસ્થ રાખીને દીકરાની ભાળ મેળવવા આકાશ પાતાળ એક કરવાનાં, એ પણ બીજા દેશમાં જઈને, એના હૃદયની વ્યથા એતો ગોળીને પી જાય, ઉભરો ક્યાં ઠાલવવો, આંસુઓનો દરિયો તો વહેવા ન દેવાય નહીંતો મોહિનીબેન સુનામી લાવે.
દીવાળીની રજાઓને કારણે અમેરિકા સર્ફિંગ કરવા દોસ્તોએ ગ્રુપ બનાવ્યું, દોસ્તો આવ્યા કેલિફોર્નિયાનાં ખૂબસૂરત બીચ પર, સમીર સર્ફિંગમાં માહિર હતો, એના બોર્ડ સાથે સર્ફિંગ કરતાં મોજાંઓને જાણે પોતે નચાવતો. મોજાનાં આવન જાવન સાથે જાણે આત્મીયતા બંધાઈ ગઈ હતી એમ મોજથી બેફિકર બની પુરા વિશ્વાસથી દરિયામાં ઊંડે ઊંડે સુધી જતો રહેતો. ઘણીવાર તો દોસ્તો એને ટપારતાં કે સમીર તું જલ્દી આવ્યા કર અમારો જીવ જતો રહે છે. સમીર દોસ્તોને કહેતો ફિકર ન કરો મારો દરિયો તો મને પાછો જ મોકલશે એ મને સંઘરશે નહીં, હું એના મોજાંને બહુ હેરાન કરું છું, એની ગતિવિધિમાં ખલેલ કરું છું, કચરાને જેમ કિનારે ઠાલવે છે એમ મને પણ ઠાલવી જશે, સમીરનાં દોસ્તોને આવી વાતો ગમતી નહીં. સમીર એમ માને એવો થોડો હતો, એ તો સાહસિક હતો સાહસ એના નસનસમાં હતું.
સમીર આજે ખૂબ ઉત્સાહી હતો તેનું સપનું સાકાર બનવા જઈ રહ્યું હતું, ઈન્ડિયાના દરિયામાં વિવિધ જગ્યા પર સર્ફિંગ કર્યું પણ બીજા દેશ અને એ પણ અમેરિકા જ્યાં સર્ફિંગનાં દીવાનાઓ પોતાની જાતને દરિયાનાં મોજા સાથે લહેરાવતાં હોય એ એક રોમાંચક દીસે, જોનારને પણ ખૂબ મજા આવે જોવાની, તો સર્ફિંગ કરનાર તો કેટલાં આનંદમાં કરે, મોજાં સાથે તાલમેલ એટલે સરગમની ઋચાઓ સાથેનો જાણે મેળ, મોજામાંથી પીરસાતું સંગીત, શરીરનો લય.. અદભુત સંગમ.
સમીર આજે ઉત્સાહમાં ને ઉત્સાહમાં દરિયામાં ખૂબ ખૂબ આગળ નીકળી ગયો, આજે મોજા સાથે તેંનો તાલમેલ જામતો ન હતો, તેનું બોર્ડ પણ સાથ આપતું ન હતું, અને કોઈ જોરદાર વસ્તુ સાથે તે અથડાયો દરિયાની અંદર અને ત્યાંજ એ બેભાન થઈ ગયો, પણ એને પહેરેલા લાઈફ જેકેટ અને દરિયા સાથે આટલા વર્ષની દોસ્તીને કારણે એ ડૂબ્યો નહીં પણ પ્રવાહની સાથે કોઈ અજાણ્યા ટાપુ પર જઈને એનું શરીર અટક્યું.
ટાપુ પર સવારની ખુશનુમા હવા ચાલી રહી હતી, રત્નાકર પણ પોરો લેવા ઘડી થંબ્યા હતા કે સમીરનું હવે શું થશે ? કોણ જલ્દી આવશે એની સારવાર કરીને હોશમાં એને લાવશે ત્યાં સુધી મારે તેને પાણીની છાલકો સાથે હુંફ આપવી પડશે.
છોકરીઓનું ઝુંડ ત્યાં તો પ્રગટ થયું કલબલ કરતું જે મોજાંના સંગીત કરતાં પણ વધારે અવાજ કરતું હતું. કિનારા પર પડી હતી માનવ આકૃતિ સમીરની, એને ઝુંડ જોઈ રહ્યું કારણ આટલા વર્ષોથી આ ટાપુ પર કોઈજ આવ્યું નહતું. સમીરને લઈ ગયું છોકરીઓનું ઝુંડ એટલે દરિયાલાલ પણ એમની મસ્તીમાં ઘૂઘવતા ચાલ્યા ગયા, સમીરને જાતજાતની જડીબુટ્ટી સૂંઘાડીને હોશમાં લઈ આવ્યા. સમીરનો હવે ચમકવાનો વારો હતો હું ક્યાં આવી ગયો ? એવા પ્રશ્નના જવાબમાં મધુર રવ સાથે કહ્યું કે તમારું અમારા ટાપુ પર સ્વાગત છે. હું છું અહીંની સરદારની બેટી મિલી.
સમીરને કકડીને ભૂખ લાગી હતી એટલે ખાવા કંઈક મળશે એવું કહેતાની સાથે છોકરીઓ કામે લાગી ગઈ અને ભાતભાતનાં પકવાન ધરી દીધા, ક્ષુધા સંતોષાયા બાદ સમીરે જોયું કે કોઈ પુરુષ કેમ દેખાતો નથી, અને એ પણ જોયું કે ટાપુ પર ઠેર ઠેર પથ્થરનાં પાળિયા દેખાતા હતાં. એને ખૂબ અચરજ થયું કે આ શું હોઈ શકે ?
આ એક રહસ્યમય ટાપુ હતો, જ્યાં પુરુષ વર્ગ અમુક ચોક્કસ દિવસોમાં પાળિયા બની જતા, સ્ત્રીઓ તે દરમ્યાન ટાપુ પર રાજ કરતી. પોતાની જાહોજલાલી માણતી ન કોઈની રોકટોક ન કોઈની ગુલામી, મુક્ત મને જીવતી. સપના બધા આ દિવસો દરમ્યાન પુરા કરતી.
મિલી ને સમીર એકબીજાથી નજર ચૂરવીને પ્રેમથી જોતા રહેતા હતા. દિલોમાં પ્રેમ પ્રાંગરી રહ્યો હતો. મિલીને અહીંના કાયદા કાનૂન ખબર હતાં તો પણ એ પોતાનાં દિલ પર કાબુ રાખી શકી નહીં. સમીર તો અજાણ હતો એ મિલીના દિલમાં કેદ થતો ગયો.
સમીરે મિલીને રહસ્યમય ટાપુ વિશે પૂછ્યું કે કેમ આવું થઈ રહ્યું છે. મિલીએ કહ્યું કે અહીં સદીઓ પહેલાં એક સતીએ શ્રાપ આપ્યો હતો કે મહિનાનાં કોઈ પણ પાંચ દિવસોમાં બધાં પુરુષો અહીં પાંચ દિવસ માટે પાળિયા બની જશે જે કોઈ પણ કામ કરતાં હશે. આજે એમનો બીજો દિવસ છે આજે એટલે બધાં પાળિયા છે. સતીના સ્તિત્વને પડકાર્યો હતો તેનાં પરિણામે અહીંયા આ સ્થિતિ છે. સ્ત્રીનું માન જળવાય છે, પાંચ દિવસોમાં અમે શું કર્યું એ પુરુષો પૂછી શકતા નથી, જો પૂછે તો આખો મહિનો પાળીયો બનીને રહેવું પડે. પાંચ દિવસ અમને જિંદગી માણવા મળે છે.
સમીરે વિચાર્યું કે હવે મારી પાસે અહીંથી છટકવાના ત્રણ દિવસ બચ્યા છે મારે કઈ વિચારવું પડશે નહીંતો પાંચ દિવસ પછી મારુ તો રામ નામ સત્ય થઈ જશે.
મનમાં એક વિચાર ઝબકયો. મિલીને વાત કરીકે હું આવી રીતે સર્ફિંગ કરી શકું છે જો તમને બધાને ઈચ્છા હોય તો હું શીખવાડું. છોકરીઓનું ઝુંડ તો તૈયાર જ હતું નવું શીખવા, તરત બોર્ડ બનાવવાનો સામાન તૈયાર થઈ ગયો, મદદ કરવા લાગ્યા ઝડપથી. કારણથી સ્ત્રીઓનો પણ મસ્તીનો ટાઈમ પૂરો થઈ રહ્યો હતો એમને પણ જલ્દી હતી શીખવાની. સમીરને પણ દરિયામાંથી બહાર જવા સાધન તો જોઈએ જ એટલે જ મનમાં આ વિચાર ઝબકયો કે બોર્ડ તો મારું હરહંમેશનું સાથી છે મંઝિલે મને પહોંચાડશે. દૂર દૂરથી એને રાતના અંધારામાં દીવાદાંડી જોઈ હતી એટલે ચોક્કસ હતું કે ભાગીને મારે કઈ દિશામાં જવું.
સમીરે સર્ફિંગ શીખવવાનું ચાલુ કર્યું તેથી છોકરીઓના ઝુંડમાં તો અફડાતફડી થઈ ગઈ કે પહેલાં કોણ શીખશે પણ મિલી આગળ બધાની બોલતી બંધ થઈ ગઈ, મિલી જ પહેલાં સમીર સાથે ચાલી સર્ફિંગ કરવાં. સમીરે એને બોર્ડ ઉપર ઊભી રાખીને પોતે પાછળ ઊભો રહ્યો તેનો ગરમ ગરમ શ્વાસ મિલીને સ્પર્શી રહ્યો હતો તેનો પહેલો અહેસાસ હતો, ઠંડી હવામાં પણ બદન પર પ્રસ્વેદ બિંદુઓ ચમકી ઉઠ્યા જે સૂર્ય કિરણોમાં ઝગારા મારતાં હતાં. મોતીઓ જાણે શરીર પર છુટા વેરાણા ને ચમકી રહ્યા હતાં. શ્વાસની આવનજાવન તેજ થઈ હતી, જ્યારે સમીરે એને બે હાથોમાં હાથ લઈને પગનું બેલેન્સ કેવી રીતે કરવું કહેવા જઈ રહ્યો હતો ત્યાં અચાનક મિલીને દિલમાં આવ્યો પ્રેમનો ઉભરો ને ખોવાઈ ગઈ એની બાહોમાં, મોજામાં પણ વ્હાલ નો અતિરેક થયો ને ભીંજવ્યા પ્રેમીઓને મન ભરીને.
કિનારા પરથી છોકરીઓના ઝુંડે આપી વધાઈ પ્રેમીઓના મિલનની. શરમની મારી મિલીના ગાલ થયા વધારે રતુંબડા. સમીર તો તેના જીવનમાં એકપછી એક શું થઈ રહ્યું છે એ વિચારવાનું જ બંધ કરી દીધું. મારે અહીંથી કેવી રીતે ભાગવું એ જ વિચાર આવતો હતો. હવે એક દિવસ રહ્યો હતો પાસે.
આજે સમીર ઉદાસ ફરતો હતો છોકરીઓના ઝુંડે પૂછ્યું કે રોમિયો કેમ આમ ફરે છે આજે ? જો જવાની વાત કરે તો એ સમીરને ન જવા દે. આ રહસ્યમય ટાપુ પર એકવાર આવો તો જઈ ના શકો પાછા. પણ મિલી એ વચન આપ્યું હતું કે હું મદદ કરીશ તને મેં તને દિલથી ચાહ્યો છે. મિલી પોતે પોતાનાં પર કુહાડો મારવા જઈ રહી હતી એને ખબર હતી કે સમીર સાથે જવાથી તેનું શું થશે પણ એ રહસ્ય સમીરથી છૂપાવી રાખ્યું આખરે સમીર તેનો પહેલો પ્રેમ હતો.
હવે ગણતરીના કલાકોમાં પાળિયામાંથી પુરૂષો પાછા આવશે એટલે હવે તો સમીરને લઈને નીકળવું જ રહ્યું, છોકરીઓના ઝુંડને પ્રેમી સાથે જઈને આવું છું અને મિત્રોને વ્હાલભર્યું આલિંગન આપ્યું આંખમાં આંસુ સાથે વિદાય લીધી. મિલીને ખબર હતી કે આ મારું છેલ્લું મિલન છે સખીઓ સાથેનું. મનભરીને ઘર અને આજુબાજુ નિહાળતી, મનમાં યાદોનો વંટોળ સજાવીને સમીર સાથે પ્રયાણ કર્યુ.
રહસ્યમય ટાપુની હદ સુધી મિલીએ અનહદ પ્રેમ કર્યો સમીરને અને કહ્યું કે હવે મારી હદ આવશે પછી હું પણ કાયમ માટે પાળિયો બની જઈશ મેં ટાપુના નિયમો તોડ્યા છે. તું તારી જિંદગીમાં પાછો ફર ઘરે બધાં તારી રાહ જોતાં હશે. જિંદગીમાં તને પહેલો પ્રેમ કર્યો તો હું સજા માટે તૈયાર છું મને અફસોસ નથી,આ પાંચ દિવસ મેં મારી જિંદગીનાં માણી લીધા તને પ્રેમ કરીને, હવે કોઈ ઈચ્છા બાકી નથી.
કહેવું હતું ઘણું બધું શબ્દોથી,
મૌનથી વાત થઈ આંખોથી.
સમીરે મનનાં ભાવ આંખોથીજ વ્યક્ત કર્યા, જિંદગી નવાજવા બદલ તારો ખૂબ આભાર પણ તારી જિંદગીની તે પરવાન કરી પ્રેમ ખાતર, પ્રેમ કહે છે ને કહીને થતો નથી એ તો ક્યારે ક્યાં થઈ જાય એનાથી અજાણ આપણે.
સમીર દીવાદાંડીના ટમટમતા દીવાના સહારે કિનારે પહોંચી ગયો, દેવદૂત સમાં લોકો મળી ગયા જેના સહારે ઘર સુધી પહોંચી ગયો.
આજે નવનીતરાય અને મોહિનીબેનનાં ઘરે વગર દિવાળીએ દિવાળી જેવો માહોલ હતો. દીવાની પણ જરૂર ન પડી એમ મુખ જ ઝગારા મારતું હતું, દીકરાનાં વિરહથી જે દુઃખ અનુભવ્યું હતું પણ મનનાં ખૂણે એક આશા દિવ્ય હતી કે સમીર ચોક્કસ આવશે, આશા જ જીવન છે.

