માનવતા
માનવતા
કાળી કોટડીમાં કેટલા દિવસ ભરાઈ રહીશ તું ? આમજ જિંદગી તું પસાર કરીશ. હજી ખીલતી કળી છે તું, તને કોઈએ રહેંસી નાંખી તો બોજો તું શું કામ લઈને ફરે છે. ઉઘાડા પાડ, જેને આ નરાધમ કૃત્ય કર્યું છે. એ પણ તારો વિશ્વાસુ ઘરનો જ હતો ને, જેના પર ખુદની જાત કરતા પણ વધારે વિશ્વાસ હતો.
જાનું, હું હજી તારો જ છું. તને જ ચાહું છું. તું એમ ના માનીશ કે આ ઘટના બન્યા પછી તરછોડી દઈશ. જો અત્યારે હું તારી સામે ઊભો છું, બીજી શું સાબિતી જોઈએ મારા પ્રેમની ?
કેવી રીતે હું તને મારો ચહેરો બતાવું ? તારા પવિત્ર હાથને હું મારા મેલા ચહેરાને કેવી રીતે અડવા દઉં. મહેરબાની કરીને તું અહીથી જતો રહે. તને જોઈને મારું કાળજું વધારે ચિરાય છે. તારી અમાનતને હું સાચવી ના શકી.
જાનું, પ્રેમ કોઈ ઘટના બને તો ઓછો નથી થતો. પ્રેમ તો છે, કરું છું, રહેશે. પ્રેમ તો પરિપકવ છે. પ્રેમ અહેસાસ છે. પ્રેમ અનુભૂતિ છે, જે બંનેએ વારંવાર અનુભવ્યો છે. દિલથી દિલનો અહેસાસ છે. જે તને પીડી રહ્યું છે, શું એ દર્દ હું સહન નથી કરી રહ્યો ?
રવિ, મને ડંખ એ વાતનો છે, કેવી રીતે મારું શરીર તને સોંપું ? મને જ મારા શરીરથી ધૃણા થઈ ગઈ છે. મારું ચાલે તો ચામડી ઉતરડી નાખું. ખુલ્લી આંખે જોવાતું નથી તો આંખો બંધ રાખું છું, પણ દ્ર્શ્ય નજર સામેથી હટતું નથી. જે કષ્ટ વધારી રહ્યું છે. આત્મા મારો પીડાઈ રહ્યો છે. માયલો મારો મુરઝાઈ ગયો છે. હું તને ના મળું જિંદગીમાં તો શું ફર્ક પડે છે ?
જાનું, ફર્ક શું પડે છે.. મને પૂછે છે ? જેને દિલોજાનથી ચાહી હોઈ, જિંદગીની સફરમાં તું જ સાથે હોય એવો દ્રઢ નિશ્ચય કર્યો હોય, આત્માને પ્રેમ કર્યો છે નહી કે તારા શરીરને. શરીરનું શું છે ? આજે સુંદરતા છે, કાલે કુરૂપ બનશે, તો ?
આત્માથી ઉઠતો પ્રેમ જનમોજનમનો હોય છે. અનુભૂતિ મહેસૂસ કરવાની હોય છે. પ્રેમની સાથે માનવતા પણ છે મારામાં. જે માનવતા તે જ મને શીખવાડી છે. હવે મારો માનવતા બતાવવાનો વારો છે. તું જ પ્રમાણપત્ર આપજે મને હું તારી જોડેથી બરાબર પાઠ ભણ્યો કે નહી ?
જાનું, તને યાદ છેને, હું કેવો હતો ? કેવા સંજોગોમા આપણે મળ્યા, તે મને જડમૂળથી સુધારી નાંખ્યો. મનાલીની વાદિયોમાં આપણી થયેલી મુલાકાત, મારી જિંદગીનો ટરનિંગ પોઈન્ટ હતો. ક્યાં હું બેફીકરો, બેજવાબદાર, તોછડો, શબ્દોથી દિલને દુઃખવનાર, ઠઠ્ઠા મશ્કરી બસ એક જ કામ હતું મારે. જિંદગી મને બોજ લાગતી હતી. જિંદગીને હું નફરત કરતો. તારુ બરફમાં ગરકાવ થવું, મારું દોડીને આવવું, તને બચાવવું, તારા સ્પર્શના સંવેદનોથી મારા દિલના તાર છેડાયા, તારી મશ્કરીને બદલે એકીટશે બસ તને જોતા રહેવું. તારા મીઠાં મધુરા રણકારથી મારી તંદ્રા તૂટવી, મારા મુખેથી પહેલી વાર સોરી બોલવું. તારી મારી મુલાકાતોમાં, મારામાં બદલાવ આવવા માંડ્યો. હું પણ કોઈને ચાહું છું અહેસાસ થયો. તારા તરફથી પડઘો પણ આવ્યો. જિંદગી મારી ગુલઝાર બનતી ચાલી. માનવતાના તેં મને પાઠ ભણાવ્યા. હું આખરે માણસ બન્યો સંવેદનાથી ભરેલો.
આજે જ્યારે તને આ પરિસ્થિતિમાં જોવું છું તો મારો માનવ ધર્મ મને તારો હાથ પકડવા કહે છે. દારુણ પરિસ્થિતિમા તને સાથ આપવાનું કહે છે. હું તો તને ચાહું છું, તું મને ચાહે છે, તો પછી તું બીજું વિચારવું રહેવા દે. જેવી છે એવી મારા માટે તું પવિત્ર જ છે.
રવિ ક્યારેક પારકા એટલી આત્મિયતા બતાવી, જિંદગી તારી નાંખે છે અને સ્વજન જ જો ખુલ્લે આમ ઈજ્જત લૂંટે તો શું એ સ્વજન કહેવાય ?
જો તું મને સાથ આપે તો મારા પર જેને અત્યાચાર ગુજાર્યો છે તેને ખુલ્લો પાડીને સમાજમાં બતાવી દઈએ કે ચહેરે પે ચહેરા લગાવીને કરતો કારસ્તાન. બહુ, બેટીઓને બચાવજો પોતાના જ ઘરના સ્વજનથી. ક્યારે માણસ વિકૃત બને છે એનો ભરોસો રાખતા નહિ.
માનવતાનો ધર્મ આપણે પણ બજાવીએ આવા વિકૃત લોકોથી, આંખ આડા કાન કરવાથી વેગ મળે છે. ઘરના શું કરી લેશે ? પણ અવાજ ઉઠાવવાથી બીજી વ્યક્તિઓ સભાન બનશે.

