આત્મવિશ્વાસ
આત્મવિશ્વાસ
દિવાળીના તહેવારની ઉજવણી દર વખત જેવી નહોતી, આ વખતે વાતાવરણ શુષ્કતાવાળું હતું, મહામારી કોરોનાના ભયનાં ઓથાર હેઠળ જીવતા હતા માણસો, બહારથી ખુશ હોવાનો દેખાવ કરતાં પણ અંતરનો માયલો ભયભીત રહેતો બીમારી લાગુ ના પડી જાય. ધંધાપાણી નહિવત કહોને કે હતા જ નહીં. ખાવાપીવાનું શ્રમિક વર્ગ જે રોજ કમાઈને ગુજરાન ચલાવતો એને તો કામધંધા બંધને કારણે રોજીરોટી છીનવાઈ ગઈ હતી, ક્યારેક ભૂખ્યા સૂવાનો પણ વારો આવતો, નાના બચ્ચાઓને જ્યારે ખાવા નહીં મળતું ત્યારે માબાપ નો જીવ કપાઈ જતો, ઈશ્વર પર અતૂટ શ્રદ્ધાને કારણે દિવસો નીકળી જતા કે જન્મ આપનારો સાચવી લેશે.
આજે મા દીકરી દિવાળીનાં કોડિયા લઈને વેચવા નીકળ્યા કે કમાઈ થઈ જાય તો થોડા દિવસો નીકળી જાય. સોસાયટીમાં બધે ઘેર ઘેર કોરોનાને કારણે અંદર તો જવાય નહીં તેથી માટીની વસ્તુઓ જેવી કે જાતજાતનાં રંગબેરંગી કોડિયા, હેંગીગ દીવડા, વિન્ડચાઈમ, સ્ટીકરો.. જેવી વસ્તુની લારી લઈને સોસાયટીની બહાર ઊભા રહેતાં. આવતા જતાં બધાં ખરીદે પણ કોઈ ખરીદીના મૂડમાં નહોતું. રોજ રોજ જુદી જુદી સોસાયટીમાં જતાં પણ આવક નહિવત થતી કોઈ દયાને કારણે ખરીદતું.
મા ભાંગી પડી હતી પણ દીકરી સમજદાર હતી, મા ને સાંત્વના આપતી કહેતી કે સ્કૂલમાં ટીચરે કહ્યું છે કે આશા ક્યારેય છોડવી નહીં આપણે કર્મ કરતાં જવાનું ક્યારેક તો ઈશ્વર આપણાં સામે જોશે, એના આશીર્વાદથી બધું સારું થશે આપણી લારીનો સામાન ચોક્કસ વેચાશે.
દીકરીની હકારાત્મક વાતો માની સમજમાં ન આવતી પણ દીકરી સ્કૂલ જાય છે એટલે મારા કરતાં હોશિયાર એવા વિશ્વાસથી દીકરીની વાત માનતી.
દીકરીને વિશ્વાસ હતો કે સ્કૂલમાં જે ટીચર શીખવાડે એના માટે બ્રહ્મ વાક્ય બનતું. ભ્રમમાં ન રહેતી દીકરી કે સાચું કે ખોટું. ટીચરે સાચુજ શીખવડાયું છે એવો અટલ આત્મવિશ્વાસ. આ ગજબના આત્મવિશ્વાસે એમનું નાવ હંકારી દીધું ને આખી લારીનો સમાન વેચાઈ ગયો.
વાત એમ બની કે રોજ સોસાયટીની બહાર લારી લઈને ઊભા રહેતા હતાં બધાં તેમને જોતાં પણ ખરીદી ન કરતાં, સોસાયટીનાં વોટ્સગ્રુપમાં એક માનવતા પ્રેમીએ ટહેલ નાંખી કે આપણે કોઈને મદદ કરવી જોઈએ આ સમયમાં તો આપણા સોસાયટીની બહાર જ મહેનતુ લોકો લારી લઈને સામાન વેચવા ઊભા છે તો યોગ્ય દામ આપીને ખરીદીએ તો એમનું સ્વમાન સચવાશે, આવક થશે ને આપણે મદદ કરી એવું ફિલ કરીશું, દિવાળી છે તો આ સામાનની જરૂરત તો છે, દીવડા લઈને આખી સોસાયટીમાં દીવડાથી ઝળહળ કરીએ કોરોનાં રૂપી મહામારીએ જે અંધકાર ફેલાયો છે તે દૂર કરીએ. માનવતા તો બધામાં ભરપૂર હોય છે પણ જગાડનાર કોઈ જાગૃત મળવું જોઈએ.
ટહેલને ભરપૂર આવકાર મળ્યો, એક પછી એક જઈને ખરીદી કરી આવ્યા, જોતજોતામાં આખી લારીનો સામાન વેચાઈ ગયો, મા તો આભી બની જોયા કરતી કે શું ચમત્કાર છે ? દીકરી શાનમાં સમજી ગઈ કે ઉપરવાળાની કૃપા ઉતરી છે. શ્રદ્ધા મારી ડગી નહીં ને મારી શ્રદ્ધા ડગવા નાં દીધી, મહેર વરસાવી દીધી, શ્રદ્ધા થકી ધન પૂજા, લક્ષ્મી પૂજા કરી સફળ થઈ, ધનની વર્ષા થઈ. દિવાળી ખરા અર્થમાં ઝગમગી ઊઠી.
શિક્ષણ એટલે જ અનિવાર્ય છે સારી શિક્ષા પામી વિચારોને ઉચ્ચ બનાવો જે મુશ્કેલીનાં સમયમાં નિર્ણય કરવામાં કામ લાગે.
દીકરીનાં વિશ્વાસે મા માં પણ આત્મવિશ્વાસમાં વધારો થયો.
ઈશ્વર પાલનહાર છે, પાલનકર્તા છે, વિશ્વાસે તો વહાણ પણ તરે, જીવનની નૈયા પાર ઉતરી મા દીકરીની, દિવાળી રોશન થઈ.
