રીયુનિયન
રીયુનિયન
વર્ષોની ચાહત આજે રંગ લાવી,
નજરો મળીને, દિલ બેકાબૂ થયું,
ડગલાં ભરાયા પ્રેમની ડોરીના,
બે હાથ ઉઠ્યા આલિંગવા.
વીતેલો સમય ફરી જીવી લઈએ,
હૃદયને ફરી જોશથી ભરી દઈએ,
ઉંમરના તકાજા તું વહી જા હવે,
દિલમાં પ્યારની છોળો ઊડી છે.
સ્કૂલના રીયુનિયનનો મુશાયરો યોજાયો હતો. દિલની અભિવ્યક્તિ જાણતાં કે અજાણતાં કરાતી હતી. શ્રોતાઓને દિલમાં ઊતરતી હતી, આહ ભરાતી હતી, મુખેથી વાહ વાહ નીકળતી હતી.
શબ્દોની સુરાવલીઓની સરગમ દરેકનાં દિલનાં તાર છેડતી હતી. યાદોમાં મન બહેકી ઉઠ્યા હતા, કોઈનાં આંખમાં અશ્રુ વહી રહ્યા હતાં, કોઈ યાદોમાં હસી રહ્યાં હતાં, જે સામસામે મુશાયરામાં બેઠા હતાં તે પલકો માર્યા વગર વર્ષોની પ્યાસી આંખોના ઈન્તજારને ઘૂંટડે ઘૂંટડે પી રહ્યા હતાં.
માધવી અને રાઘવ નજરોથી દિલમાં ઉતરી, મનથી મનમાં ને મનમાં એકબીજાની સાથે વાત કરી રહ્યા હતા. મૌનની ભાષા પ્રેમીઓને સમજવી સહેલી હોય છે. વાસંતી વાયરો પ્રેમનો સ્પર્શ કરાવતો રહ્યો. મનનાં દબાયેલા અરમાનોને પ્રેમની જ્યોતથી પેટાવતો રહ્યો, આખરે દૂરી નજદીકી બનીને હાથમાં હાથ સહેલાવતો રહ્યો. મીઠાં મીઠાં સ્પંદનો છેડાયા વર્ષો બાદ, દિલની ભીનાશ વસી આવી આંખોમાં. હોઠ બિડાયાં ને થથરાયા, મુસ્કુરાહટથી અર્ધખીલ્યા હોઠોમાંથી પ્યાર ભર્યા બોલ વહ્યા.
તારો સાથ ફરી માંગીને, જિંદગી કરું ગુલઝાર,
હાથોમાં હાથ તારો રાખી, ડગર ડગર ચાલુ સાથ.
મૌનથી કરેલી વાતોને વાચા આવી, કર્ણપ્રિય અવાજ ઉઠયો, દિલ ધબકાર ચૂકી ગયું, શું પ્રેમ હજી પણ રાહમાં છે ? દિલને કર્યો સવાલ, આંખોએ દીધો જવાબ. નજરો ઝૂકી, થોડી શરમાઈ, મુખ મલક્યું, ટશર ફૂટી ગાલોમાં, હું ચાહું છું અનહદ તને, નથી ભૂલી એક ક્ષણ તને, કંઈ સૂઝતું નહોતું જિંદગી, ઘનઘોર અંધારું હતું આસપાસ, તારાં ડગલાનો થયો અણસાર, ચિંતા છે ક્યાં હવે પાસ.
માધવી એક લેખિકા બની. દિલની અભિવ્યક્તિ શબ્દોમાં કંડારતી. રાઘવ સ્કૂલમાં બેફિકરો હતો. મસ્ત એની જિંદગી હતી. અવ્વલ નંબર લાવતો હમેંશા, અભિમાન બિલકુલ નહોતું. માધવી ગણિતમાં કાચી હતી, રાઘવ પાસે ગણિત શીખતી, રાઘવ સાથે જિંદગીના ગણિતના સપનાં સેવવા લાગી. દિલનાં એક ખૂણામાં રાઘવ રહેવા લાગ્યો.
રાઘવ ગુજરાતીમાં કાચો હતો. સપનું એનું દિલનાં ડોકટર બનવાનું હતું. પ્રેમથી અજાણ એની દુનિયા નિરાલી હતી. જિંદગીની કેરિયરમાં દિલની આજુબાજુ સતત પ્રગતિનાં જાળા ગુંથાયેલા હતા, પ્રેમનો પ્રવાહ ક્યાં પહોંચે ? દિલનાં ડોકટરને લાગણી ક્યારે સમજાશે માધવીની ?
સમયનાં પ્રવાહમાં વહેતાં વર્ષો વિતી ગયા. રાઘવને દૂર થયા પછી માધવી સતત યાદોમાં આવતી. બેચેન મન ક્યારેક બેકાબૂ બનતું. શું હું ચાહું છું માધવીને ? સવાલ પૂછ્યો દિલને ? શું માધવી પણ ?
નહીં કરેલો એકરાર,
જુદી મંજિલ ગયો,
દિલમાં દફન પ્રેમ,
ભીતર સળવળતો રહ્યો.
સ્કૂલ રીયુનિયનનાં મુશાયરામાં જોયા એકમેકને, પ્રેમ પાકટ થયો હતો વીતેલી જિંદગીથી, સતત શુભેચ્છાઓથી નવાજતા રહેતાં હતા સુખાકારી જિંદગીની, ક્યારેક તો મળીશું આ જન્મમાં જો હશે પરસ્પર દિલની આરઝુ. દિલની ખ્વાહિશ આજે પૂરી થઈ હતી. દિલમાં શીત લહેર છવાઈ હતી. વાતો એવી હતી દિલની, જે વ્યક્ત કરવી આજે જરૂરી લાગતી હતી.
માધવી ચાલ આપણે વાતો મન ભરીને માણીએ. હાથોમાં હાથ નાખી દસ આંગળીઓના મિલનમાં વર્ષોની શિકાયત દૂર થઈ, કહેવાનું બધું સ્પર્શે કહી દીધું. નજરોથી પ્રેમ વ્યક્ત થયો.
માધવી તું કેટલી દૂર ચાલી ગઈ હતી, જ્યારે મને તારા માટે પ્રેમનો અહેસાસ થયો, હું વ્યક્ત કરવા આવ્યો ત્યારે તું બીજાને વરી ચૂકી હતી. તારાં સુખમય જીવન માટે હું પણ અવ્યક્ત લાગણીઓ મનમાં સંઘરી દૂર રહ્યો.
રીયુનિયનમાં આવવાની વાત જાણી, તને મળવાની આશ હતી, તું મળીશ જ એવી તીવ્ર લાગણી હતી, તું મળી ગઈ મને આજે. તારી નજરોથી નજરો મળીને સુખદ ઘડી માણી.
રાઘવ હું પણ તારા માટે જ આવી છું. રોજ કલ્પના કરતી હવે તું કેવો દેખાતો હોઈશ. મનમાં હું તારી તસ્વીર કંડારતી,
આબેહૂબ તું એવો જ આજે પણ. દિલનાં એક ખૂણામાં તારું સ્થાન હમેંશા રહ્યુ છે. રોજ ત્યાં પ્રેમની બંદગી થાય છે. આ પળની હું રાહ તાકતી હતી કે ક્યારે આપણું મધુર મિલન ફરી થાય. ચાલ આપણે આ ક્ષણોને જીવી લઈએ મીઠી મધુરી વાતોથી, બાકીની જિંદગી ફરી આસાનીથી જીવી જીવાય.
માધવી સાચેજ દિલની વાઢકાપમા મારાં જ દિલનાં ઉઝરડા ન જોઈ શક્યો, આજે તું મલમ બનીને આવી, ઘા પુરાયા. વાતોની યાદોમાં સુખમય જીવન માણીશું. નસીબમાં ફરી હસીન મુલાકાત હશે તો ચોક્કસ મળીશું.
અરે, રાઘવ જો મારી દીકરીનો ફોટો, લાગે છે ને મારી કાર્બન કોપી, જોઈને કહે.
માધવી, આ તો રાવી છે, રાવી તારી દીકરી છે ?
હા, રાઘવ, તું કેવી રીતે ઓળખે એને, એ તો હૈદરાબાદ છે, તું બોમ્બે, હું બેંગલોર તો.
અરે, આ મારા દીકરા આકાશની ગર્લફ્રેન્ડ છે. બંને સાથે આઈટી કંપનીમાં જોબ કરે છે.
જો રાઘવ બંનેનો સાથે ફોટો છે મારી પાસે, આકાશ તારો દીકરો છે.
હા, આ આકાશ જ છે. આ જ ફોટો મારી પાસે પણ છે જો.
બંને એકબીજાને તો બે વર્ષથી ડેટ કરે છે. આપણને ક્યાં ખબર હતી તારા ને મારા બાળકો એકબીજાને પ્રેમ કરે છે.હું જાણતી હતી પણ ફેમિલી વિશે કંઈ ખબર નહતી.
રાવીનું કહેવું હતું પહેલાં અમે સમજી લઈએ પછી ફેમિલીની વાત કરીશું.
રાઘવ હવે આપણે ચારે સાથે હૈદરાબાદ જઈ સરપ્રાઈઝ આપીએ, બંનેનું લગ્નજ ગોઠવી દઈએ. હું ખૂબ જ ખુશ છું મારી દીકરી તારા ઘરની વહુ બનશે. આપણું સપનું દીકરા ને દીકરીએ પૂરું કર્યું. નિયતિમા શું લખ્યું છે કોણ જાણી શક્યું છે આજસુધી. આપણી મુલાકાતો યોજાતી રહેશે, મિત્રની રીતથી. અત્યાર સુધી પ્યાર દફન હતો, હવે તો સાચેજ દફનાવો પડશે. બાળકોની પ્રેમ કહાણીમાં આપણો પ્રેમ સમાઈ ગયો.
પ્રેમ ત્યાગ છે. પ્રેમ સમર્પણ છે. પ્રેમમાં જુદાઈ અને મિલન છે. પ્રેમ અધુરો છે. પ્રેમ પૂજા છે. આપણા પ્રેમનું અસ્તિત્વ બાળકોનાં પ્રેમમાં સમાઈ ગયું છે. રીયુનિયન જન્મોજનમનું બની ગયું સાથે ભવસાગર તરવા.
જનમોજનમનું બંધન, પ્રિતની ડોરથી ગુંથેલું,
ગુંથેલુ ગાઠ વિનાં, સરકો બની બેઠેલું.
બન્ને તરફથી પ્રેમમાં દિવ્યતા આવે ત્યારે પ્રેમ પરમતત્વ બને છે. પ્રેમ એટલે પામી લેવું એ જરૂરી નથી. આપણે જેને પ્રેમ કરતા હોઈએ એ આપણને મળે જ એ પણ જરૂરી નથી. સાચા પ્રેમમાં ત્યાગની ભાવના રહેલી હોય છે. આવો પ્રેમ હોય ત્યાં જીવનના છેલ્લા શ્વાસ સુધી વસંત જ ખીલેલી હોય.

