રહસ્યમય તાવીજ
રહસ્યમય તાવીજ
સમય - સવારના 10 કલાક
સ્થળ - પોલીસ કમિશ્નરશ્રીની ઓફીસ
“મારા સાથી મિત્રો, મેં તમને બધાને આજે એટલા માટે તાત્કાલિક મીટીંગ માટે બોલાવ્યા છે, કારણ કે આપણા શહેરમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી, અલગ- અલગ જગ્યાએથી ચોરીઓના બનાવ ખુબજ વધી ગયાં છે, આ બધી ચોરીઓ પણ કોઈ સામાન્ય વ્યક્તિના ઘરે નથી થઈ, પરંતુ આપણાં શહેરનાં નામાંકિત કે જેને વી.આઈ.પી કહી શકાય એ લોકોના ઘરે કે ઓફિસેથી થયેલ છે.” - કમિશ્નર સત્યપ્રતાપસિંહ બોલ્યા.
“સાહેબ ! અમે આપણાં શહેરમાં રાત્રી દરમ્યાન સખત પેટ્રોલીંગ કરીએ છીએ, આ ચોર અમારા હાથમાં નથી આવતો..” - પ્રદીપસિંહ એસ.આઈ બોલ્યા.
“એટલે જ, મેં અત્યારે આ તાત્કાલિક મિટિંગ બોલાવી છે, અને આ બધી ચોરીઓ વી.આઈ.પીને ત્યાં થઈ હોવાથી, હાલમાં આપણાં ડિપાર્ટમેન્ટ પર પોલિટિકલ પ્રેશર પણ વધુ છે, માટે આ કેસ હું એ.સી.પી. દિગ્વિજયસિંહ પરમારને સોંપી રહ્યો છું, અને તમારે બધાએ તેમની સાથે રહીને, જેટલો શક્ય હોય તેટલો વહેલો આ કેસ સોલ્વ કરવાનો છે.” - સત્યપ્રતાપસિંહ થોડા ચિંતાતુર અવાજમાં બોલ્યાં.
“જી ! સાહેબ ! તમે મારા પર વિશ્વાસ રાખીને મને આ કેસની કાર્યવાહી સોંપવા બદલ, હું તમારો આભારી છું, હું આ કેસને સોલ્વ કરવા માટે મારાથી બનતા બધાંજ પ્રયત્નો કરી છૂટીશ.” - દિગ્વિજયસિંહે કમિશનરશ્રીનો આભાર માનતાં કહ્યું.
“મિ. દિગ્વિજય મને તમારી કાબેલિયત અને બહાદુરી પર પૂરેપૂરો વિશ્વાસ છે, અને આ અગાવ પણ આવા કેટલાય કેસ તમે ઓલરેડી સોલ્વ કરી ચૂક્યા છો, માટે જ મેં આ કેસ સોલ્વ કરવા માટે તમારી પસંદગી કરી છે.”
“થેન્ક યુ વેરી મચ..! સર..”
આટલું બોલી સત્યપ્રતાપસિંહ પોતાની ખુરશી પરથી ઉભા થયાં, અને બધાએ “જયહિન્દ” એવું કહી તેમને સલામી ભરી, સત્યપ્રતાપસિંહે પણ સામી સલામી ભરી, ત્યારબાદ પોતાની ઓફીસ તરફ પોતાના ડગલાં માંડ્યા, અને બધાં પોલીસકર્મીઓ પોતાનાં સ્ટેશન પર જવા રવાના થવાં માંડ્યા.
***
સાતેક મહિના પહેલાં,
એકદિવસ સવારે દિગ્વિજયસિંહ પોતાની અગાસીની બાલ્કનીમાં ઊભાં-ઊભાં ગોલ્ડફ્લેકનાં દમ મારી રહ્યાં હતાં એવામાં એક 30 વર્ષની આસપાસની ઉંમરનો યુવક ભંગારની રેંકડી લઈને આવ્યો, દિગ્વિજયસિંહની સાહજિક નજર તે યુવાન પર પડી, એ યુવાનનો ચહેરો થોડોક ડારામણો લાગતો હતો, કારણ કે તેનાં ચહેરા પર ઘાના મોટા- મોટાં નિશાન હતાં, અને તેનો એક પગ થોડોક લંગડાતો હતો, અને તેની આંખો અમુક અમુક સમયનાં અંતરે કંઇક અલગ રીતે જ પલાકાવતો હતો. આ બધી બાબતો તેને અન્ય લોકો કરતાં અલગ કરતી હોવાથી દિગ્વિજયસિંહને પેલો યુવક સારી રીતે યાદ રહી ગયો.
“હેતલ ! પેલા ભંગારની રેંકડીવાળા ભાઈ આવ્યાં છે, તારે જૂની પસ્તી અને ભંગાર આપવાના છે ને ?” - દિગ્વિજયસિંહે બાલ્કનીમાંથી બુમ લગાવી.
“હા ! અમને ઉભા રાખો, હું ભંગાર અને પસ્તી લઈને નીચે જાવ જ છું.” - હેતલ ભંગાર અને પસ્તી પોતાના હાથમાં લેતાં-લેતાં બોલી.
“ઓકે ! હું એમને આપણાં ઘરની નીચે ઉભા રહેવા માટે કહું છું.”
ત્યારબાદ દિગ્વિજયસિંહે પેલા ભંગારવાળા યુવકને પોતાના ઘરની નીચે ઉભા રહેવા માટે કહ્યું, થોડીવારમાં હેતલ પસ્તી અને ભંગાર આપીને પોતાના ઘરમાં આવી ગઈ.
“સાહેબ ! હવે તમારી સિગારેટ પુરી થઈ હોય તો નાસ્તો કરી લઈએ આપણે ?” - હેતલ ટોન્ટ મારતાં-મારતાં બોલી.
“હા ! ચોક્કસ હેતુ…” - દિગ્વિજયસિંહ સિગારેટ બુઝાવતાં-બુઝાવતાં બોલ્યો, ત્યારબાદ બનેવ નાસ્તો કરવાં માટે ડાઇનિંગ ટેબલ પર બેઠા, અને નાસ્તો કરવા લાગ્યાં
***
કમિશ્નર સાથેની મિટિંગના ચોથાજ દિવસે
સમય - સાંજના 6:30 કલાક દિગ્વિજયસિંહ પોતાની ઓફિસેથી ઘરે જવા માટે નીકળી જ રહ્યાં હતાં, એવામાં તેનો ફોન રણક્યો.
“જયહિન્દ સર ! હું એસ.આઈ પ્રદીપસિંહ વાત કરી રહ્યો છું.” - થોડાક ગભરાતા અવાજમાં પ્રદીપસિંહ બોલ્યાં.
“હા ! બોલો..”
“સાહેબ ! થોડીવાર પહેલાજ આપણાં શહેરની નામાંકિત સિટીબેન્કમાં ચોરી થઈ છે, અને આ ચોરી પણ પેલાજ ચોરે કરેલી હોય એવું લાગી રહ્યું છે.”
“તમે ! હાલ ક્યાં છો…”
“સાહેબ હું હાલ એ બેન્કમાંજ છું.”
“ઓકે ! હું થોડીકવારમાંજ ત્યાં પહોંચું છું.” - આટલું બોલી દિગ્વિજયસિંહે કોલ ડિસ્કનેક્ટ કર્યો, અને ઘટના સ્થળે પહોંચી ગયાં.
બેંકમાં દિગ્વિજયસિંહે અને તેની ટીમને તપાસને અંતે અને બધાંજ સી.સી.ટી.વી કેમેરા ચેક કરતાં માલુમ પડ્યું કે આ ચોરી કરવાં પાછળ પોતાનીજ બેંકના સિક્યુરિટી ગાર્ડનોજ હાથ છે, બેંકના એ.ટી.એમ મશીનમાં જમાં કરવાનાં રૂપિયા તે કોઈ અજાણ્યાં વ્યક્તિની કારની ડેકીમાં મુકતો માલુમ પડેલ હતો, અને ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડને પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યો. તેણે જણાવ્યું કે
“સાહેબ ! આ ચોરીમાં મારો કંઈ હાથ નથી, મેં આ ચોરી નહીં કરી, મને છોડી દો, સાહેબ, મારી સાથે શું થયુ ? એ મનેજ યાદ નથી, મને છેલ્લું એટલુ યાદ છે કે સાંજે બેન્ક બંધ કરવાની હતી, અને અમારી બેંકના કર્મચારીઓ જ્યારે એ.ટી.એમમાં રૂપિયા મૂકવા માટે જઈ રહ્યાં હતાં, એવામાં અમારી બેંકનાં દરવાજા સામે એક હાઇફાઈ લકઝરીયસ કાર આવી, મને એમ થયું કે એ જરૂર અમારી બેંકના કોઈ મોટા ગ્રાહક હશે, આથી હું તેની પાસે ગયો, તે સાહેબે મને પોતાના ગળામાં પહેરેલ તાવીઝ બતાવ્યું, અને થોડીક જ વારમાં મારું માથું ભારે-ભારે થઈ ગયું, ત્યારબાદ મેં એક ઝટકા જેવું અનુભવ્યું, પછી સાહેબ શું થયું એ મને કંઈ યાદ નથી” - આટલું બોલી પેલો સિક્યુરિટી ગાર્ડ રડવા લાગ્યો.
“તો ! તમે આ ચોરી નથી કરી એમ…” - દિગ્વિજયસિંહે ગુસ્સાપૂર્વક પૂછ્યું.
“હા ! સાહેબ, મેં ખરેખર આ ચોરી નથી કરી, હું ભગવાનના સોગંધ ખાઈને કહું છું…”
“ઓકે ! તો તને પેલા તાવીઝવાળા વ્યક્તિનો ચહેરો યાદ હશે ને ?”
“હા ! સાહેબ, મને એનો ચહેરો બરાબર યાદ છે..” - સિક્યુરિટી ગાર્ડ પોતાના આંસુ લૂછતાં-લૂછતાં બોલ્યો.
ત્યારબાદ સિક્યુરિટીગાર્ડની બાતમીના આધારે સ્કેચ આર્ટિસ્ટની મદદ દ્વારા પેલા તાવીઝવાળા વ્યક્તિનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો, સ્કેચ જોઈને દિગ્વિજયસિંહ એક્દમથી ડઘાઈ ગયાં, અને બોલ્યાં..
“શું ! ખરેખર, તમે આ જ વ્યક્તિની કારમાં રૂપિયા મુકેલાં હતાં.”
“હા ! સાહેબ, મને પાક્કું યાદ છે.”
“પણ ! તમે આ વ્યક્તિને ઓળખો છો ? આ વ્યક્તિ આપણાં શહેરના ખુબજ ધનવાન વ્યક્તિ છે, જેનું નામ છે - અભય રોય. એ થોડી આ ચોરી કરે ? એને ચોરી કરવાની શું જરૂર પડે ?”
“સાહેબ ! હું સાચું બોલું છું, મારા પર વિશ્વાસ કરો, તમને મારા પર વિશ્વાસ ના આવતો હોય તો હું તમને એની કારનો નંબર પણ લખાવું, જે મને યાદ છે…”
ત્યારબાદ, પેલો સિક્યુરિટી ગાર્ડે, દિગ્વિજયસિંહને કારનો નંબર લખાવ્યો, જેની આર.ટી. ઓની મદદથી ખાત્રી થઈ ગઈ કે પેલો સિક્યુરિટી ગાર્ડ સાચું બોલી રહ્યો હતો, પરંતુ અભય રોય ગુનેગાર છે, એવું સાબિત કરવા માટેના અપૂરતા સબુતોને લીધે, તેને કસ્ટડીમાં પણ લઈ શકાય તેમ ન હતું, અને પેલા સિક્યુરિટી ગાર્ડ પર જ્યાં સુધી કેસ ચાલુ છે, ત્યાં સુધી તેને પણ પાકા પુરાવા વગર બેકસુર સાબિત કરી શકાય તેમ ન હતું, આથી સિક્યુરિટી ગાર્ડને જેલમાં રાખવામાં આવ્યો.
ત્યારબાદ શહેરમાં ધીમે-ધીમે ચોરીના કેસ ઘટવાને બદલે ઉલ્ટાના વધવા લાગ્યાં, બેંક પછી, હોસ્પિટલ, ફેકટરી, મોલ, કંપની વગેરે જગ્યાએ ચોરીઓ થવાં લાગી, અને બધાં જ દોષિત કે ગુનેગાર પેલા સિક્યુરિટી ગાર્ડની માફકજ પોતાનું નિવેદન આપી રહ્યાં હતાં.
શહેરમાં ચોરીઓના બનાવ ખુબજ વધવા લાગ્યાં, દિગ્વિજયસિંહે આ ચોરને પકડવા માટે દિવસ- રાત એક કરી દીધાં, તેમછતાં પણ દિગ્વિજયસિંહના હાથમાં એકપણ પુરાવો લાગેલ હતો નહીં જે અભય રોયને દોષી સાબીત કરી શકે, દિગ્વિજયસિંહ પણ મનમાં ખુબજ મુંઝવણ અનુભવતો હતો, કારણ કે આ તેમના માટે કદાચ આ પહેલો કેસ હશે, જેમાં પોતે આટલી મૂંઝવણ અને લાચારી અનુભવી રહ્યો હતો. આથી દિગ્વિજયસિંહે આ બધી ઘટનાઓ સાથે સંબંધિત સી.સી.ટી.વી.કેમેરાના ફૂટેજ એક પેનડ્રાઈવમાં કોપી કરી લીધાં.
***
20 દિવસ બાદ…
સ્થળ : દિગ્વિજયસિંહની ઓફીસ
સમય : સવારનાં 11 કલાક
દિગ્વિજયસિંહ જ્યારે આ ચોરીના કેસ સોલ્વ કરવા માટે પ્રયત્નો કરી રહ્યાં હતાં, એવામાં એના મોબાઈલમાં એક અજાણ્યા નંબર માંથી ફોન આવ્યો.
“હેલો ! દિગ્વિજય… હું આદર્શની મમ્મી રમાબેન બોલી રહી છું”
“હા ! આન્ટી બોલો, કેમ આજે અચાનક તમે મને ફોન કર્યો ? બધું બરાબર તો છે ને ?”
“શું કહું બેટા તને ?” - આટલું બોલી રમાબેન ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યાં.
“આન્ટી ! તમે રડો નહીં….શું થયું એ મને જણાવો…!” - દિગ્વિજય સાંત્વના આપતો બોલ્યો.
“બેટા ! આદર્શ છેલ્લા બે વર્ષથી એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં એ.આર મેનેજર તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ….”
“પરંતુ શું ...આન્ટી ?” - દિગ્વિજયસિંહ ગભરાયેલા અવાજમાં બોલ્યો.
“પરંતુ ગઈકાલે આદર્શની કંપનીના માલિકે આદર્શ વિરુદ્ધ ચોરી કર્યાની એફ.આઈ.આર દાખલ કરેલ છે, અને પોલીસે તેને જેલમાં કેદ કરી લીધો છે, બેટા એક લાચાર મા પાસે કોઈ જ આધાર ન હોવાથી તેને ફોન કર્યો છે, મને મારા આપેલા સંસ્કારો પર પુરેપુરો વિશ્વાસ છે, અને આદર્શ તો તારો બેસ્ટ ફ્રેન્ડ હતો, તમે એકદિવસની 24 કલાકમાંથી 22 કલાક તો સાથેજ રહેતા હતાં, તને લાગે છે, કે આદર્શ આવું કરી શકે ?”
આ સાંભળી દિગ્વિજયસિંહના શરીરમાંથી જાણે એક કરંટ પસાર થયો હોય તેવું લાગ્યું, એક બાજુ પોતાનો જીવથી પણ વધુ વ્હાલો મિત્ર આદર્શ અને બીજી બાજુ એક લાચાર મા કે જે દિગ્વિજયસિંહને પોતાના પુત્રજ ગણતી હતી, જેને એક એવી આશા હતી કે દિગ્વિજયસિંહ પોતાના દીકરાને નિર્દોષ સાબિત કરવામાં મદદ કરશે ! જાણે એકા-એક હજારો વિચારોનું વંટોળ તેનાં મનમાં ઉદ્દભવ્યું હોય તેવું લાગી રહ્યું હતું.
“અત્યારે તમે કયાં છો, આન્ટી ?”
“હું ! અત્યારે આનંદનગર પોલીસસ્ટેશને છું..”
“ઓકે ! તમે ત્યાં જ રહો, હું માત્ર દસ જ મિનિટમાં ત્યાં આવું છું..”
આટલું બોલી દિગ્વિજયસિંહે ફોન ડિસ્કનેક્ટ કર્યો, અને પોતાની કાર આનંદનગર પોલીસસ્ટેશન તરફ ભગાવી, જેવો દિગ્વિજયસિંહ પોલીસસ્ટેશનમાં પહોંચ્યો કે તરતજ રમાબેન રડતાં-રડતાં આવ્યાં, અને દિગ્વિજયસિંહને બધી માહિતી આપી, ત્યારબાદ તેને આશ્વાસન આપી, પોતે પોલીસસ્ટેશનમાં પ્રવેશ્યા, તેને જોઈ બધાંજ પોલીસકર્મીઓએ તેને સલામી ભરી, ત્યારબાદ પોતે આખા કેસની માહિતી લીધી, અને કમિશ્નર સાહેબ સાથે વાત કરી, આ કેસને ઇન્વેસ્ટિગેટ કરવાં માટે સંમતિ લીધી, અને આ કેસ પોતાના ચાર્જમાં લઈ લીધો, બહાર આવીને દિગ્વિજયસિંહે રમાબેનને આશ્વાસન કહ્યું.
“આન્ટી ! તમે ચિંતા ના કરો, આપણો આદર્શ નિર્દોષ છે, અને તેને નિર્દોષ સાબિત કરવા માટે હું દિવસ-રાત એક કરી દઈશ…”
“બેટા ! તું પણ મારા દીકરા જેવો જ છો, તો તું સમજી શકે છો, કે પોતાનાં સંતાન સાથે આવું બને, તેના માતા-પિતા પર શું વિતતી હોય છે….” - રમાબેન આંખોમાં આંસુ સાથે હાથ જોડતા બોલ્યા.
“આન્ટી ! હું છું ને ? તમે શાંતથી ઘરે જાવ...આદર્શને હું કંઈ નહીં થવાં દઈશ..!”
ત્યારબાદ રમાબેન પોતાના આંસુ લૂછતાં-લૂછતાં પોતાનાં ઘરે જવા રવાના થયાં, આ બાજુ દિગ્વિજયસિંહે આદર્શની પૂછતાછ કરવાનું ચાલુ કર્યું, પણ આદર્શની વાત સાંભળીને દિગ્વિજયસિંહના આશ્ચર્યનો કોઈ પાર ના રહ્યો, કારણ કે આદર્શએ પણ પેલા બધાં ગુનેગારોની માફકજ નિવેદન આપ્યું. જ્યાં-સુધી બીજા બધાં આ નિવેદન આપતાં હતાં, ત્યાં-સુધી તો દિગ્વિજયસિંહને વિશ્વાસ નહોતો આવી રહ્યો, પરંતુ જ્યારે બેસ્ટ ફ્રેન્ડે આવું નિવેદન આપ્યું, ત્યારે દિગ્વિજયસિંહ પાસે આના પર વિશ્વાસ કરવા સિવાય કંઈ રસ્તો નહોતો દેખાઈ રહ્યો.
***
એજ દિવસે રાતે
દિગ્વિજયસિંહ રાત્રિનાં દસ વાગ્યે, સુવા માટે પથારી પર લાંબા થયાં, જેવી પોતાની આંખો બંધ કરી કે તરતજ તેને એક લાચાર માં એવા રમાબેન અને પોતાનો ખાસ મિત્ર આદર્શનો ચહેરો દેખાવા લાગ્યો, આથી દિગ્વિજયસિંહ ઝબકીને પોતાની પથારીમાંથી બેઠા થઈ ગયાં, અને પોતાના બેડની બાજુમાં રાખેલ પાણીના જગમાંથી પાણી પીધું, અને સિગારેટના પાકિટમાંથી એક સિગારેટ અને લાઈટર લઈને પોતાના રૂમની ગલેરીમાં જઈ, સિગારેટના એક-પછી એક દમ મારવા લાગ્યો, પોતાને શું કરવું એ કઈ સમજાઈ રહ્યું ન
હતું. એવામાં અચાનક દિગ્વિજયસિંહના મનમાં એક ઝબકારો થયો હોય તેમ એકાએક અડધી સિગારેટ પોતાના પગ દ્વારા ઓલવીને પોતાના રૂમમાં ગયાં અને કોમ્પ્યુટરમાં પેનડ્રાઈવ લગાવી, અને આદર્શ દ્વારા જે ચોરી કરવામાં આવી, તેનો સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરવાં લાગ્યો, ચેક કરતી વખતે તેને આદર્શની ચાલવાની, આંખો પટ્ટ-પટ્ટાવવાની ઢબ, આ બધું કંઈક અલગ લાગ્યું, કારણ કે દિગ્વિજયસિંહે તો આદર્શને ખુબ સારી રીતે ઓળખતા હતાં, તેને એક સેકન્ડ માટે એવુંજ લાગ્યું કે ફુટેજમાં આદર્શ છે જ નહીં, ચાલવાની અને આંખોની પટ્ટાપટાવવાની આવી ઢબ તેણે ક્યાંયક તો જોઈ જ છે. પણ ક્યાં એક બરાબર યાદ આવી રહ્યું ન હતું. આથી તેણે જેટલી ચોરી થઈ તે બધી જ ચોરીનાં સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કર્યા, આ જોઈ દિગ્વિજયસિંહની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ, કારણ કે ચોરી કરનાર બધાં અલગ-અલગ હતાં પરંતુ તે બધાંની ચાલવાની અને આંખો પટ્ટાપટાવવાની ઢબ સરખી જ હતી, જાણે કોઈ અજાણી શક્તિએ એ બધાં લોકોને પોતાના વશમાં કરીને આ કામ કરાવી રહ્યું હોય તેવું લાગ્યુ.
એવામાં દિગ્વિજયસિંહને પાણીની તરસ લાગતાં તે પાણી પીવા માટે રસોડામાં રહેલ ફ્રીઝ પાસે ગયાં, અને પાણીની બોટલ કાઢી, પાણી પીવા લાગ્યાં, પરંતુ તેના મનમાં તો હજી પેલા અજાણ વ્યક્તિ કે શક્તિ વિશે જ ગડમથલ ચાલી રહી હતી, એવામાં દિગ્વિજયસિંહનું ધ્યાન રસોડામાં રહેલા તેલનાં ખાલી ડબ્બા પર પડી. અને તેના મનમાં કંઈક ઝબકારો થયો હોય તેમ, જાણે એક જ પળમાં આ કોમ્પ્લિકેટેડ લાગતો કેસ સોલ્વ થઈ ગયો હોય તેવા આનંદની રેખાઓ તેના ચહેરા પર ઉપસી આવી. જેનું કારણ હતું કે આ બધાની ચાલવાની અને આંખો પટ્ટપટ્ટાવવાની ઢબ, સાતેક મહિના પહેલા પોતાના ઘર પાસે જે વ્યક્તિ ભંગાર લેવા માટે આવ્યો હતો, તેની આબેહૂબ હતી, આથી દિગ્વિજયસિંહને ખ્યાલ આવ્યો કે પેલા ભંગારવાળાનો આ કેસ સાથે જરૂર કોઈ તો કનેક્શન છે….”
***
ત્રણેક મહિના પહેલાં
સ્થળ : આઝાદ ભંગારનો ડેલો
સમય - સવારના 11 કલાક.
ઇકબાલભાઈ પોતાનાં ડેલા પર પોતાના રાબેતા મુજબ સવારનાં 9 વાગ્યાથી આવી ગયાં હતાં, અને કાઉન્ટર સંભાળી લીધું હતું, અને રેકડીવાળા પાસેથી ભંગાર લઈ તેને રૂપિયા આપી રહ્યાં હતાં, તેવામાં એકાએક એક આલીશાન કાર, પોતાના ડેલા સામે આવીને ઉભી રહી, ઇકબાલભાઈએ તે તરફ નજર કરી, તો કારમાંથી એક વ્યક્તિ બહાર આવ્યો, જેણે હાઇફાઈ સૂટ પહેરેલ હતું, હાથમાં કિંમતી ઘડિયાળ, સોનાની વિટીઓ અને ગળામાં સોનાનો હાર, અને રેબનના ગોગલ્સ પહેરેલા હતાં, આ વ્યક્તિ ઇકબાલભાઈ તરફ આવી રહ્યો હતો, આથી ઈકબાલભાઈ પોતાની ખુરશી પરથી ઊભાં થઈ ગયાં, અને પોતાનાં ટેબલ સામે એક ખુરશી મુકાવી...અને ઇકબાલભાઈ બોલ્યાં.
“આવો ! સાહેબ…”
“સાહેબ….” - આટલું બોલી પેલો અમીર વ્યક્તિ જોર-જોરથી હસવા લાગ્યો.
“ઇકબાલચાચા ! તમે પણ થાપ ખાય ગયાં ને…?”
“હ..મમ…” - ઈકબાલભાઈ પાસે જવાબ આપવા માટે શબ્દો ન હતાં.
“અરે ! હું તમારો ભીમો….”
“અરે..! મારો...ભીમો...શું છે આ બધું ?” - ઇકબાલભાઈએ આશ્ચર્ય સાથે ભીમને પૂછ્યું.
“કાંઈ નહિ, બસ માની લો કે મને રાતોરાત લોટરી લાગી ગઈ, હું આજે જે કંઈપણ છું, એ આ ભંગાર અને તમારેજ લીધે છું.” - આટલું બોલી ભીમાએ પોતાનાં ખિસ્સામાંથી એકલાખ રૂપિયાનું બંડલ કાઢ્યું અને ઇકબાલભાઈને આપતાં બોલ્યો.
“ઈકબાલચાચા ! મારા પર તમારો ખુબજ ઉપકાર છે, માટે હું તમને આ એક લાખ રૂપિયા આપું છું, જેથી મારું મન હળવું થઈ જશે..”
“પણ ! તે તો તારો આખો ચહેરો જ બદલી નાખ્યો…?”
“ચહેરો જ નહીં પરંતુ મેં મારું નામ પણ બદલી નાખ્યું છે….”
“ઓહ..એવું ? તો તે તારું નામ બદલાવીને શું રાખ્યું…?” - આશ્ચર્ય સાથે ઇકબાલભાઈએ પૂછ્યું.
“હવેથી મારું નવું નામ છે….અભય રોય !” - આટલું બોલી ભીમો એટલે કે અભય રોય ચાલતાં થયાં.
ઈકબાલભાઈના મનમાં ઘણાં પ્રશ્નો થયાં, પરંતુ તેનો કોઈ જવાબ ન મળ્યાં, અને પોતાને પણ એમજ એક લાખ રૂપિયા મળતાં હોવાથી વધુ ઊંડું માથું મારવું યોગ્ય સમજ્યું નહીં, અને મનમાં વિચાર્યું કે આ ભીમો એકદમ બદલાય ગયો, પરંતુ તેની ચાલવાની, અને આંખો પટ્ટાપટાવવાની ટેવ ના બદલાય.”
ત્યારબાદ, અભય રોયની કાર ધુવાડા ઉડાવતાં-ઉડાવતાં, એ જ ધુમાડામાં ધીમે-ધીમે દેખાતી બંધ થઈ ગઈ…!
***
બીજે દિવસે
દિગ્વિજયસિંહને આખી રાત ઊંઘ આવીજ નહીં, પોતે જાણે આ કેસ સોલ્વ કરવામાં માત્ર થોડોકજ દૂર હોય, તેવું લાગી રહ્યું હતું, આ સમગ્ર કેસમાં એક જ ખૂટતી કડી ઘટતી હતી, જો એ કડી મળી જાય તો આ કેસ સોલ્વ થઈ જાય તેમ હતો, આથી દિગ્વિજયસિંહે પોતાની ટીમને પોતાના ઘરેજ બોલાવી લીધી, અને પેલા ભંગારવાળાની પૂછપરછ કરવાના કામે લગાડી દીધાં, પોતાના ઘરની આસપાસ જેટલાં પણ ભંગારના ડેલા હતાં એ બધી જ જગ્યાએ પૂછપરછ કરી, પરંતુ કઈ હાથમાં ના આવ્યું.
ત્યારબાદ આખી ટિમ લગભગ સવારનાં 11:30 કલાકની આસપાસ ઈકબાલભાઈના ડેલે પહોંચ્યા, ઇકબાલભાઈએ દિગ્વિજયસિંહને માહિતી આપતાં થોડાક અચકાતા હતાં, આથી દિગ્વિજયસિંહે કડાકાઇથી પૂછપરછ કરતાં ઇકબાલભાઈએ બધીજ હકીકત જણાવી દીધી. હવે દિગ્વિજયસિંહના મગજમાં આખો કેસ સોલ્વ થઈ રહ્યો હતો, એટલું તો નક્કી થઈજ ગયું કે આ બધી ચોરીઓ પાછળ અભય રોય એટલે કે ભીમનો હાથ છે. પણ એ કેવી રીતે આ બધી ચોરીઓને અંજામ આપે છે ? આ પ્રશ્નનો હજુસુધી દિગ્વિજયસિંહને જવાબ મળ્યો ના હતો.
“શું ! તમે હાલમાં અભય રોયને એટલે કે તમારા ભીમને ઓળખી શકો.” - દિગ્વિજયસિંહે ઇકબાલભાઈને પૂછ્યું.
“હા ! સાહેબ ! એ જ્યારે છેલ્લીવાર મારા ડેલા પર કાર લઈને આવ્યો હતો, ત્યારે યાદગીર રૂપે મેં એક સેલ્ફી લીધી હતી..” - ઈકબાલભાઈ પોતાના મોબાઈલમાં સેલ્ફી બતાવતાં- બતાવતાં બોલ્યાં.
“આ ! સેલ્ફીમાં રહેલો અભય રોય, અને પેલી ચોરીઓમાં પકડાયેલા બધા આરોપીએ આપેલ બાતમીના આધારે તૈયાર કરેલો અભય રોયનો સ્કેચ એકદમ મેચ થઈ રહ્યાં હતાં.”
હવે, કેસ લગભગ સોલ્વ થવા આવ્યો હતો, આથી દિગ્વિજયસિંહે ઇકબાલભાઈને સાક્ષી તરીકે પોતાના પોલીસસ્ટેશન લઈ ગયાં, અને આખી ટિમ અભય રોયની ધરપકડ કરવા માટે ગઈ, અને મહા જહેમતને અંતે આખરે અભય રોય પોલીસના હાથમાં આવી જ ગયો. પોલીસ કસ્ટડીમાં દિગ્વિજયસિંહે અભયની ખુબજ કડક પૂછપરછ કરતાં જે જાણવા મળ્યું તે સાંભળી અંધશ્રદ્ધા અને કાળજાદુ પર વિશ્વાસ ન કરનાર દિગ્વિજયસિંહ આ બધી બાબતો પર વિશ્વાસ કરવા લાગ્યો.
કારણ કે અભય રોયે જણાવ્યું કે, “આજથી પાંચ મહિના પહેલા હું એકવાર આપણાં શહેરનાં એક જુના મકાનમાંથી નીકળેલા કાટમાળનો ભંગાર લેવા માટે ગયો હતો, એ કાટમાળની સાથે-સાથે આ મકાનની અમુક જૂની વસ્તુઓ પણ મને મળી હતી, તેમાં એક જૂનો અને તૂટેલો કબાટ પણ હતો, આ કબાટ તો તૂટેલો હતો, પરંતુ આ જ કબાટે મારી લાઈફ ચેન્જ કરી નાખી કારણ કે એ કબાટ તૂટેલો હોવાથી કોઈએ તપાસ્યા વગરજ મને એ કબાટ ભંગારમાં આપી દીધો. જ્યારે એ કબાટની મેં તપાસ કરી તો તે કબાટનાં લોકરમાં એક જૂની લાકડાની પેટી હતી, આથી મેં આશ્ચર્ય સાથે એ પેટી ખોલી, તો તેમાં એક તાવીઝ હતું, આથી મને વધારે જિજ્ઞાસા થતાં, મેં એ પેટી ફંફોળી. તો તેમાં એક તાંબાનો નાનો ટુકડો નીકળ્યો, જેમાં ઉપર લખેલ હતું. વશીકરણ મંત્ર, આથી મને એ ખ્યાલ આવી ગયો કે આ તાવીઝ કોઈ સામાન્ય તાવીઝ નથી, આ જરૂર કોઈ જાદુઈ તાવીઝ હતું. જેના દ્વારા કોઈપણ વ્યક્તિને આપણાં વશમાં કરીને આપણે જે ધારીએ તે કામ કરાવી શકીએ. આથી મેં તે મંત્ર મોઢે કરી લીધો, અને જે વ્યક્તિ પાસે મારે કામ કરાવવું હોય, તેની આંખો સામે આ તાવીઝ રાખીને વશીકરણ મંત્ર બોલું એટલે એ વ્યક્તિ સંપૂર્ણપણે મારા વશમાં થઇ જતો હતો. ત્યારબાદ આ તાવીઝનો ઉપયોગ કરીને મેં આ શહેરમાં અલગ - અલગ જગ્યાએ ચોરીઓ કરી.” - આ સાંભળી બધા પોલીસકર્મીઓ ઓ તો ઠીક પણ ખુદ દિગ્વિજયસિંહ પણ નવાઈ પામ્યાં.મનમાં પ્રશ્ન થયો, કે આવું ખરેખર બનતું હશે ?
“તું ! જાણે છો ? અભય તને આ બધાં ગુનાહો માટે સખત સજા થાશે, કદાચ તારે તારી આખી લાઈફ હવે જેલમાં જ વિતાવાની થાશે.”
“સાહેબ ! મને કોઈ વાંધો નથી, હું એ ખુબજ સારી રીતે જાણું છું, કે મને આકરામાં આકરી સજા ફટકારવામાં આવશે, પણ સાહેબ એક વાત કહું. તમે મને નિષ્ઠાવાન અને સાચા હૃદયવાળા ઓફિસર લાગ્યાં, એટલે મેં તમને બધી વાસ્તવિકતા જણાવી દિધી, કદાચ તમે મને કાનૂનના હવાલે કરશો તો તમને 15 ઓગસ્ટના દિવસે બહાદુરીનો એવોર્ડ આપશે, અને કદાચ પ્રમોશન પણ આપશે. પણ મને….મને...તો મારો એવોર્ડ મળી ગયો છે !” - આટલું બોલી અભય રોય ખડખડાટ હસવા લાગ્યો.
અભય રોયને આવી પરિસ્થિતિમાં હસતાં જોઈ, હાજર બધાં જ પોલીસ અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયાં, કોઈ વ્યક્તિ આવી પરિસ્થિતિમાં આટલો ખુશ કેમ થઈ શકે ? .બધાના મનમાં આ એક જ પ્રશ્ન હતો, આથી દિગ્વિજયસિંહે અભયનાં ખભે હાથ મુકતા પૂછ્યું કે…
“તારો...એવોર્ડ… તને મળી ગયો, તું કહેવા શું માંગે છો..?”
“સાહેબ ! હું ખરેખર અમીર આદમી બન્યો એ સાચી વાત છે, પરંતુ આજસુધી મેં કોઈપણ ગરીબ માણસને ત્યાં આ તાવીઝની મદદથી ક્યારેય ચોરી નથી કરી, હું અમીર બન્યો છું, અમીર લોકોને લૂંટીને અને એ પણ એવાં અમીર લોકો કે જે ગરીબ લોકોનું લોહી ચૂસી-ચૂસીને અમીર બન્યાં. મેં જેટલી જગ્યાએ ચોરી કરી, એ બધાં જ લોકો આ સમાજની નજરમાં તો અમીર હતાં, પરંતુ મારી નજરમાં તે બધાં હેવાન હતાં. જેણે પોતાના રૂપિયા ખોટા રસ્તા દ્વારા બનાવ્યા હતાં, એ બધાંને જ મેં લૂંટયા છે. શહેરના બધાં જ અમીરલોકોને નહીં. અને આ બધાં રૂપિયા મે શાળાઓ, કોલેજો, લાઈબ્રેરીઓ, હોસ્પિટલો બનાવવામાંજ વાપરી કાઢ્યાં છે, જેથી કરીને આપણાં આ શિક્ષિત સમાજમાં ગલીએ ગલીઓમાં ભંગાર માંગતો ભીમો ના જોવા મળે. એ આવી કાળી મજૂરી કે બાળમજૂરી કરવાને બદલે સારું શિક્ષણ, સારી તબીબી સેવાઓ, સારું જ્ઞાન મેળવે એટલે બધો જ રૂપિયો મારી જેવાં અસંખ્ય ભીમાનું જીવન સુધારવાના કામે ખર્ચી નાંખ્યા છે.અને એ બધાની દુવાજ મારા માટે સાચો એવોર્ડ છે.” - આટલું બોલી પહાડ જેવું હૃદય ધરાવતો અભય એટલે કે ભીમો ધ્રુસકે -ધુસ્કે રડવા લાગ્યો.
અભયની વાતો સાંભળી બધાની આંખોમાં આંસુ આવી ગયાં, અને દિગ્વિજયસિંહની આંખોના ખૂણા પણ ભીના થઈ ગયાં, પરંતુ તે પોતાની ફરજ અને કાનૂનને વફાદાર હોવાને લીધે પોતે ઇચ્છતા ન હોવા છતાંપણ કેદ કરી લીધાં. ત્યારબાદ આ ચોરીમાં પકડાયેલા તમામ આરોપીને નિર્દોશ જાહેર કરીને છોડી મુકવામાં આવ્યા, જેમાં આદર્શને પણ છોડવામાં આવ્યો. એકબાજુ પોતાના મિત્ર આદર્શને નિર્દોષ જાહેર કરતાં, અને પોતે આ કેસ સોલ્વ કરવામાં સફળ રહ્યો તેનો આનંદ હતો, પરંતુ એના કરતાં પણ દુઃખ એ વાતનું હતું કે અભયે ભલે ચોરીઓ કરી પરંતુ આ ચોરીઓ કરાવવા પાછળ તેનો કોઈ બદ ઈરાદો ન હતો, જો કે તેનો રસ્તો ખોટો હતો !”
ત્યારબાદ દિગ્વિજયસિંહ સાંજે પોતાના ઘરે જવા માટે રવાના થયાં, પરંતુ તેના મનમાં તો હજુપણ અભય દ્વારા બોલાયેલા એક-એક શબ્દો ઘૂમી રહ્યાં હતાં, એવામાં દિગ્વિજયસિંહના મોબાઈલમાં મેસેજ આવ્યો, આથી પોતાના ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢ્યો, બરાબર આજ વખતે દિગ્વિજયસિંહના ખિસ્સામાંથી પેલું તાવીઝ બહાર પડ્યું, આથી દિગ્વિજયસિંહે એ તાવીઝ પોતાનાં હાથમાં લઈ વિચાર્યું કે તે ભીમાને અભય બનાવીને ખુબ સારું કર્યું, તેની પાસે સારા એવા કાર્યો પણ કરાવડાવ્યા, પણ તેણે જે રસ્તો અપનાવ્યો તે ખોટો હતો. હવે આ સોસાયટીમાં કોઈ આવો રસ્તો ન અપનાવે એ જ સારું છે, માટે આ તાવીઝની કંઈ જરૂર નથી, ત્યારબાદ દિગ્વિજયસિંહે આ તાવીઝ પોતે જે પુલ પર જઈ રહ્યો હતો, તે નદીમાં ફેંકી દીધું.અને પોતાના ઘરે પહોંચી ગયો.
ઘરે પહોંચીને તેણે આ આખીવાત સત્યપ્રતાપસિંહને વિગતવાર જણાવી, અને અભય રોય એટલે કે ભીમાને જેટલી શક્ય હોય તેટલી ઓછામાં ઓછી સજા થાય તેવી, કમિશ્નરશ્રીને રિકવેસ્ટ કરી. આ બધી રજૂઆતોને ધ્યાને લઈને કોર્ટે અભય રોયને 10 વર્ષની કેદની સજાને બદલે 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી.
મિત્રો, આપણી સોસાયટીમાં પણ જો શ્રધ્ધાનું અસ્તિત્વ હોય તો અંધશ્રદ્ધાનું પણ અસ્તિત્વ હોયજ છે, શું ખરેખર દિગ્વિજયસિંહ આ કેસ સોલ્વ કરવામાં સાચા અર્થમાં સફળ રહયા ? શું આપણી સોસાયટીમાં આવા અભય રોય જેવા વ્યક્તિ હોવા જોઈએ કે નહીં ? શું આ સમાજનો અમીર વ્યક્તિ માત્ર એક જ ભીમા જેવાં છોકરાને મદદ કરવાનું વિચારે કે હિંમત કરે તો ક્યારેય ભીમો અભય બને તેવી પરિસ્થિતિ કદાચ નિર્માણ ન પામે. શું અભય સાચો હતો ? શું તેણે આ સમાજનાં હરામી કહી શકાય તેવા કે જે ગરીબ લોકોનું લોહી ચૂસી-ચૂસીને અમીર બન્યાં તેઓને ત્યાં ચોરી કરીને સારું કર્યું કે નહીં ? આ બાબતે આપનો મંતવ્ય કે અભિપ્રાય ચોક્કસથી જણાવજો.