રેવતી કયાં
રેવતી કયાં
આ એ જ કેડી હતી જ્યાંથી પસાર થવું આજે મને ખૂબ જ આકરું લાગતું હતું. ગામના ‘પરા’ વિસ્તારમાં અમારા ગરીબોના ચાલીસેક ઝૂંપડાઓની વસાહત. બીજા ગામમાં જવું હોય કે પછી મોટી સડકે. બધાને આ કેડીનો જ ઉપયોગ કરવો પડતો.
બાળપણથી લઈને ઘડપણ સુધીના સૌના સંસ્મરણો આ કેડીએથી પસાર થતા વાગોળાતા. કોઈની જાન જોડવાની હોય કે સ્મશાન યાત્રા કાઢવાની હોય સઘળું કેડીએ જ. કેડી અમારા તમામ સુખ દુઃખની સાક્ષી !
કેડીને સફળતાનો માર્ગ બનાવનાર પણ કેટલાક હતા. તો આ કેડીને કારણે જ ગામના કેટલાક ભણતર છોડતા. મીરાને એ દિવસ યાદ આવ્યો જ્યારે તેણે અને રેવતીએ આગળ અભ્યાસ કરવાની જિદ્દ પકડી હતી. તેમની અન્ય સખીઓ તો બાળલગ્નનો ભોગ બની. પણ મીરા અને રેવતી મક્કમ બની આ કેડીએ જ સફળતાનો માર્ગ કંડારવા નીકળેલા. પણ... આજે મારી પ્રિય સખી રેવતી ક્યાં ? મીરાની આંખોમાંથી રેવતી અશ્રુ બનીને વહેવા લાગી.
રેવતી હતી પણ મીઠડી ! બસ નદીની જેમ ખળખળ વહેતી. નાના-મોટા સૌની સાથે ફાવે. ભણવામાં પણ અવ્વલ ! તે કહેતી “મીરા જોજે હું મોટી ઈજનેર થઈશ. આ કેડીએથી ચાલતા ભલે મારા પગ ઘસાય પણ એક ’દિ હું એવો માર્ગ કંડારીશ કે આપણા ગામના લોકોની બધી જ સમસ્યાઓનો અંત આવશે.”
પણ... ! એ પહેલા તો કેડી જ એને ભરખી ગઈ ! તકલીફો વચ્ચે હંમેશા મધમધતું મારું નાનકડું ગામ કાલે સ્મશાનવત બન્યું ! કાલે તો ગામમાં કોઈએ ચૂલો પણ નહોતો સળગાવ્યો. સૌની આંખ સામે રેવતીની ચિતા સળગતી હતી. તો કાનમાં રેવતીની બચાવોની ચીસો ગુંજતી ! સૌએ લાચારી અનુભવી.
કાશ ! આ કેડી સિવાય મોટા ગામમાં પહોંચવાનો બીજો કોઈ માર્ગ હોત. રેવતીના ઝૂપડામાં આગ લાગી હતી. જેમાં તેનું શરીર ભડકે બળ્યું. એમ્બ્યુલન્સ આ કેડીએ થઈ આવે પણ કેમની ? ગ્રામજનો દોડ્યા તેને દવાખાને લઈ જવા. પણ અંધારામાં તો જાણે માર્ગના ખૂટે. દવાખાને પહોંચતા પહેલા આ કેડી એ જ તેનો દમ તૂટ્યો !
સવારે બાપુ કહેતા હતા. “મીરા તારે એકલીએ કેડીએથી ભણવા નથી જવાનું. હવે તો રેવતી પણ નથી.” બંને બાપ દીકરી એકબીજાને ભેટી ખૂબ રડ્યા.
“ના બાપુ હું એકલી આ કેડીને સફળતાની કેડી બનાવીશ. મોટી ઈજનેર થઈશ ને મારી સખીના સ્વપ્નને પૂરું કરીશ. આ કેડી સંગાથે કદમ મીલાવતો બીજો માર્ગ કંડારીશ.
એ નિશ્ચય સાથે, આંખોમાં આવેલા અશ્રુને લૂછતી મીરા કેડીએથી પસાર થઈ.
