Rahul Makwana

Romance Inspirational

5.0  

Rahul Makwana

Romance Inspirational

રેલવે સ્ટેશન

રેલવે સ્ટેશન

5 mins
480


મિત્રો, આપણી લાઈફમાં અમુક સ્થળ કે જગ્યા એવી રીતે જોડાય જાય છે કે એને આપણે આપણી યાદો, અને આપણાં જીવનથી ક્યારેય ઇચ્છતા હોવા છતાં પણ અલગ થઈ શકતા નથી. મારા જીવન સાથે પણ આવીજ એક યાદ જોડાયેલ છે.


હું દરરોજ સાંજે અમરેલી રેલવે સ્ટેશને મારી ડ્યુટી પુરી કરીને બેસવા માટે જતો હતો, દરરોજ ટીકીટબારીએથી પ્લેટફોર્મની ટીકીટ લઈને, ત્યાં એન્ટરસથી થોડે દુર આવેલ એક બાંકડા પર એકાદ કલાક બેસતો હતો. લગભગ આ શેડ્યુલ એકાદ મહિના ચાલ્યું. આ મારો જાણે નિત્યક્રમ બની ગયો હોય તેવું મને લાગી રહ્યું હતું. ધીમે - ધીમે ત્યાં ટીકીટબારીએ બેસતાં કર્મચારીઓ પણ મને ઓળખતાં થઈ ગયાં હતાં, હવે તો મારે ટીકીટબારીએ જઈને પ્લેટફોર્મની ટીકીટ આપો એવું કહેવાની પણ જરૂર પડતી ન હતી. મને જોવે એટલે ટીકીટબારીએ બેસેલ કર્મચારી મને પ્લેટફોર્મની ટીકીટ આપી દેતાં હતાં.


એક દિવસ હું મારા રાબેતા મુજબજ પ્લેટફોર્મની ટીકીટ લઈને, હું જે બાંકડા પર બેસતો હતો, તે બાંકડા પર જઈને બેસ્યો, લગભગ અડધા કલાક બાદ મારી પીઠ પાછળ કોઈએ પ્રેમથી હાથ ફેરવ્યો, અને મને પૂછ્યું..."બેટા ! તું દરરોજ અહીં આ પ્લેટફોર્મ પર આવેલાં બાંકડા પર બેસે છો. તો હું એવું માનુ છું કે તારો જરૂર આ બાંકડા, આ પ્લેટફોર્મ સાથે ચોક્કસથી કોઈને કોઈ જૂનો સંબધ હશે ?" આ અવાજ સાંભળી મેં પાછળ વળીને જોયું. તો મારી પાછળ રેલવેનાં એક વૃદ્ધ કર્મચારી ઉભેલ હતાં. તેને જોઈને હું મારા આંસુઓ લુછતાં બોલ્યો..


"સાહેબ ! તમારી વાત સો ટકા સાચી છે, આ પ્લેટફોર્મ, આ બાંકડા, આ રેલવે સ્ટેશન સાથે મારી જૂની યાદો જોડાયેલ છે, પરંતુ અફસોસ એ બાબતનોજ છે કે આ બધી જગ્યાઓ સાથે હાલમાં માત્ર મારી યાદોજ જોડાયેલ છે, પરંતુ એ યાદો જે વ્યક્તિની છે એ વ્યક્તિ એટલે કે મારો પહેલો પ્રેમ હાલમાં મારા નસીબમાં નથી !" - હું આંસુઓ લુછતાં લૂછતાં બોલ્યો.

"બેટા ! એવું તો શું ઘટ્યું હતું તારી લાઈફમાં ?" - દુઃખ સાથે તે વૃદ્ધ રેલવે કર્મચારીએ મને પૂછ્યું.

"સાહેબ ! અમારા પ્રેમની શરૂઆત આજ રેલવે સ્ટેશનથી થઈ હતી. અને અમારી લવસ્ટોરીનો એન્ડ પણ આજ રેલવે સ્ટેશન સાથે જ પૂરો થયો. આથી આ રેલવે સ્ટેશન, આ પ્લેટફોર્મ, આ બાંકડા સાથે મારી યાદ જોડાયેલ છે !" - મેં દુઃખ સાથે કહ્યું.

"બેટા ! તો અલગ પડવાનું કારણ શું હતું ?" - વૃદ્ધ કર્મચારીએ મારા વાતમાં રસ દાખવતા મને પૂછ્યું.


"સાહેબ ! અમારી બંનેની લવસ્ટોરી બધાની લવસ્ટોરીની માફક આગળ વધી. એકાદ વર્ષ અમારી લવસ્ટોરી એક મુવીની ધમાકેદાર સ્ટોરી હોય તેવુંજ મને અને મારા મિત્રોને લાગી રહ્યું હતું. પણ સાહેબ આપણાં સમાજમાં તમે ખુશ હોવ એ બીજા વ્યક્તિ માટે સૌથી દુઃખી હોવાનું કારણ બની શકે એવું પણ બનતું હોય છે. આવું જ અમારી સાથે બન્યું, લોકની કાન ભમભેરણીને લીધે અમારી લવસ્ટોરીમાં પણ કોઈની નજર લાગી હોય તેવું લાગી રહ્યું હતું. અમારા બનેવ વચ્ચે શરૂઆતમાં મતભેદ થવાનું ચાલુ થયું. અને ધીમે ધીમે આ મતભેદ ક્યારે મનભેદમાં ફેરવાઈ ગયાં એ અમને ખ્યાલજ ન રહ્યો.જે વ્યક્તિનો અવાજ સાંભળવાથી મારી સવાર પડતી હતી. અને જેનો અવાજ સાંભળવાથી મારી રાત પડતી હતી. એ જ વ્યક્તિનો અવાજ જાણે મને સાંભળવો ન ગમતું હોય, અથવા એ જ વ્યક્તિ મારી સાથે વાત કરવા પણ ઈચ્છતી ન હતી. ધીમે - ધીમે અમારા વચ્ચે રહેલ ભેદભાવની દિવાલ એટલી મજબૂત બની ગઈ કે અમે એકબીજાને મળવાનુંજ બંધ કરી દીધું. અને છેલ્લે હું અને મારી પ્રેમિકા અહીં આજ પ્લેટફોર્મ પર મળ્યા હતાં, એક સમય હતો કે અમારે વાત કરવા માટે રાતોની રાત પણ ઓછી પડતી હતી. પરંતુ તે દિવસે જાણે અમારા બનેવનાં હોઠ સિવાય ગયાં હોય તેવું મને લાગી રહ્યું હતું. જોત - જોતામાં એ ટ્રેનમાં બેસી ગઈ. ત્યાં સુધી મને કોઇજ અસર ના થઇ. પરંતુ જેવી ટ્રેન ઉપડીને આગળ વધતી ગઈ. તેમ તેમ જાણે ટ્રેન નહીં પરંતુ મારા હદયથી મારું કોઈ અંગત દૂર થઈ રહ્યું હોય તેવું મને લાગી રહ્યું હતું. મનમાં એકવાર માફી માંગવાનો વિચાર હતો, પરંતુ મારી એ દિવસે હિંમત ના ચાલી. ત્યારથી માંડીને આજસુધી હું એની યાદમાં દરરોજ અહીં આ પ્લેટફોર્મ પર આવું છું અને આ બાંકડા પર જ બેસું છું. અને મનમાં વિચારતો હોઉં છું કે જો મેં સમયે માફી માંગી લીધી હોત તો કદાચ આજ બાંકડા પર અમે બનેવ સાથે જ બેઠા હોત !" - આટલું બોલી હું એકદમ ચૂપ થઈ ગયો.


"બેટા ! હું તારા પિતા સમાનજ છું, તું મારી વાત માનીને એમને એકવાર કોલ કર અને માફી માંગ. માફી માગવાથી કોઈ વ્યક્તિ ક્યારેય નાનો નથી થતો. માફી માગવી વિનમ્ર વ્યક્તિની નિશાની છે. !" - એ વૃદ્ધ રેલવે કર્મચારીએ મને હિંમત આપતાં કહ્યું.


તેમનાં આગ્રહને વશ થઈને મન માનતું ન હોવા છતાંપણ મેં હિંમત કાઢીને કોલ કરવાની હિંમત કરી. સામેની તરફથી મને એનો અવાજ સંભળાયો. જે અવાજ સાંભળતાની સાથેજ જાણે મારા હદયમાં એકાએક ધબકારા વધી ગયાં હોય તેવું મને લાગી રહ્યું હતું. મેં કોલમાં માત્ર એટલુજ કહ્યું કે 'હું બોલું છું.' આટલું સાંભળતાની સાથે જાણે બંનેના હદયમાં રહેલ લાગણીનો બંધ તૂટયો અને અમે બનેવ ખુબ જ રડ્યા. એક પણ શબ્દ બોલ્યાં વગરજ જાણે એકબીજાની લાગણીઓ, વેદનાં, પીડા અને પરિસ્થિતિ સમજી ગયાં હોય તેવું લાગી રહ્યું હતું. ફરીથી અમારી લાઈફમાં જાણે એક નવી સવાર આવી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું.


ત્યારબાદ હું એ વૃદ્ધ રેલવે કર્મચારીના રીતસરનો પગે પડી ગયો, અમે આંખોમાં આંસુઓ સાથે મેં તેમનો ખુબ ખુબ આભાર માન્યો, કે જેને લીધે મારી લવસ્ટોરીમાં લાગેલ ફુલસ્ટોપ જાણે કોમામાં ફેરવાઈ ગયું હોય તેવું હું મહેસુસ કરી રહ્યો હતો. એ વૃદ્ધ રેલવે કર્મચારીએ મને ઉભો કર્યો, અને રીતસરનો ગળે લગાડી દીધો. ત્યારબાદ હું પાછો મારા ઘરે એક અલગ પ્રકારના આનંદ સાથે ફર્યો. અને અમારી લવસ્ટોરી ફરી પહેલાની માફક આગળ વધી.


હાલમાં પણ આ રેલવે સ્ટેશન એવું છે કે મને હાલમાં પણ ત્યાં જવું ગમે છે કારણ કે એ રેલવે સ્ટેશન સાથે મારી સોનેરી યાદો જોડાયેલ હતી, છે અને ભવિષ્યમાં પણ રહેશે જ તે. મિત્રો જો તમે પણ કોઈને સાચો પ્રેમ કરતાં હોઉં, તો આખું ગામ ભલે તમારા પ્રિય પાત્ર વિશે ગમે તે કહે પરંતુ તમે તેના પર અવિરત વિશ્વાસ રાખજો, અને મતભેદ અને મનભેદ કરવાનું ટાળજો, અને જો ક્યારેય પણ આવા મનભેદ અને મતભેદ ઊભાં થાય, તો કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર બેશક માફી માંગી લેજો.


Rate this content
Log in

Similar gujarati story from Romance