રાતપાળી
રાતપાળી
શકુ છ ઘરનાં ઘરકામ કરી વસ્તીને છેવાડે આવેલા પોતાના ઝૂંપડા પાસે પહોંચી. આ સસ્તા ભાડાનું ઝૂંપડું સાવ છેલ્લે હતું. ત્યારપછી ખાડીના મેનગ્રૂવ્સ શરુ થઈ જતાં હતાં એટલે ત્યાં લોકોની અવરજવર પણ ન રહેતી.
ઝૂંપડીની બહાર ગોઠવેલો ખાટલો ખાલી હતો. 'હે મેલ્યા દત્તુ કુઠે ગેલા ? આ લોકડાઉનમાં અહીં દેશી વેંચાવાનો ય બંધ થઈ ગ્યો છે.આણી ત્યાચા કડે પીયાલા પૈસે પણ કુઠે આહે ?' વિચારતાં એણે આસપાસ નજર ફેરવી. ત્યાંતો ઝૂંપડીમાંથી જ પોતાના ડબ્બા જેવા મોબાઈલથી કોઈક સાથે વાત કરતો દત્તુનો અવાજ આવ્યો અને એ અંદર જતાં અટકી ગઈ. પતરાની દીવાલ પર એણે હાથ ઠોકી અવાજ કર્યોકે તરત જ દત્તુનો રઘવાયો અવાજ આવ્યો "થામ-થામ ....હું બહાર આવું પછી જ તું અંદર આવ "
અંદર જઈ શકુએ માસ્ક કાઢી નિરાંતનો શ્વાસ લીધો. પછી સાબુથી હાથપગ ધોઈ..કપડાં બદલાવી ચા મૂકી. ચા તૈયાર થઈ કે દત્તુનો કપ ખાટલા પાસે મૂકી પોતે અંદર ચા પીવા બેઠી. આ દરમ્યાન એનો બડબડાટતો ચાલુ જ હતો." માજા નસીબ જ ખરાબ. મારી માને મને પરણાવવા આજ વર મળ્યો ." એનો ગુસ્સો અસ્થાને નહોતો. પહેલાં તો ક્યારેક છૂટક મજૂરી કરવા દત્તુ જતો તે એમનો ગુજારો થઈ જતો. પણ આ કોરોનાએ તો કેર મચાવ્યો ! દાડીયા તરીકે કામ મળવાનું તો સાવ જ બંધ થયું. એતો ભલું થજો કે ઘરકામ કરનારાને છૂટ હતી તે પોતાનું કામ ચાલુ હતું. એમ તો પોતે કામ માટે જતી એ સોસાયટીમાં વોચમેનની જરુર હતી પણ આ હરામ હાડકાનો અને હવે તો કોરોનાનો ચેપ લાગશે તો ના ભયથી ડરપોક એવો એનો વર તો ઘરમાં જ હતો ...અરે ! ઘરમાં શું ? પોતે બહારનો ચેપ લઈ આવી હોય તો એ ડરથી પોતાનાથી દૂર રહેવા બહાર ખાટલીમાં જ પડ્યો રહેતો.
રસોઈ બનાવી જમી-વરને જમાડી એ વાસણ માંજી કામ આટોપતી હતી ત્યાં જ ફોન પર ખડખડાટ હસતાં દત્તુનો અવાજ કાને પડ્યોને એ પાછી ધૂંધવાઈ ઊઠી ' મૂઆને શરમ છે.હું આખો દિવસ માસ્ક પહેરી આટલી ગરમીમાં કામ કરી મરું. જરાય નિરાંત પણ મારા નસીબમાં..........' સૂવા માટે ગોદડું પાથરતાં એના હાથ ત્યાંજ અટકી ગયાં.....એના મોઢાં પર આછું સ્મિત ને મનમાં વિચાર આવ્યો...' અગ બાઈ...બીમારીના ડરથી આડો પણ ન ઉતરતો મારો વર હમણાંનો અડતો પણ નથી ! તે દિવસ ભરનાં થાકેલા મારા શરીરની રાતપાળી બંધ છે !'
ને બીજીજ મિનિટે નિરાંતે ગોદડા પર લંબાવી એ ઘસઘસાટ સૂઈ ગઈ.
