પૂ. નારાયણ સ્વામી બાપુ
પૂ. નારાયણ સ્વામી બાપુ
તા - ૨૯/૦૬/૧૯૩૮ના રોજ બ્રહ્મલીન પૂજ્ય નારાયણ સ્વામી બાપુનો જન્મ થયો હતો. સને ૧૯૩૮ થી લઈને તા- ૧૬/૦૯/૨૦૦૦ સુધી પૂજ્ય બાપુ આ ધરતી પર એક દેવ પુષ્પ તરીકે રહ્યા હતા.
તેમના જીવન કવન તરફ નજર નાંખતા આપણને એ વાત જરુર સમજાય છે કે સંતવાણીના દૈદિપ્યમાન સૂર્ય એવા પૂજ્ય નારાયણ સ્વામી બાપુ એ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા. તેમની કરણી અને કથની એક હતી. તેઓ કઠોરતમ તપસ્યા કરનારા તપસ્વી હતા. તેમને સંતવાણીના સૂર રેલવતાં તો આપણે સો કોઈએ માણ્યાં અને જાણ્યાં છે પણ એમના ઘણા અધ્યાત્મક્ષેત્રના પાસાઓથી આપણે હજુ પણ અજાણ છીએ.
બાપુ ભારતીય ગાયન, સંગીત જગતની, આંગળીના વેઢે ગણી શકાય તેવી હસ્તીઓમાંના એક હતાં. અમારી લધુબુધ્ધિ ચર્ચા-ચોવટમા પૂજ્ય બાપુના ઘણા એવા પાસા અમને જોવા મળ્યા કે જેમા સંતવાણી જ નહીં ભારતીય ફિલ્મી જગતના મહાન સંગીત સાધકો કરતા પણ પૂ. બાપુ સદૈવ આગળ રહ્યા છે. આ બાબતો પર આજે આપણે પ્રકાશ પાડીએ.
નુરજહાંએ ગાવેલ રીમઝીમ બરસે ભાદરવાની તર્જ પર પૂ. બાપુએ સતારસાનુ ભજન " છુમ છુમ બાજે ઘુઘરીયા " ગાયું. આ ભજન સાંભળતાં આપણને પૂ. બાપુની ગાયકીની મહતા સમજમા આવે છે. નુરજહાંએ ગાવેલ ગીતમાં પ્રોફેશનલ કવિઓ, અસંખ્ય સંગીતવિદ - સંગીતકારો અને અદ્યતન સાઉન્ડ સિસ્ટમ હોવા છતાં તે જ તરજ પરનો પૂ. બાપુ દ્વારા ગવાયેલ સ્વલપ સંગીત સાથેનો લાઈવ છુમ છુમ બાજે ઘુઘરીયા એ ભજન આપણને અલૌકિક સુખ આપે છે. આ રીતે જ લતાજીએ ગાવેલ ઓધાજી મારા વાલાને વઢીને કહેજો.. આ ભજનની કમ્પેરમાં પૂ. બાપુના મુખારવિંદથી નીકળેલ આ જ ભજન આપ સાંભળો તો ખ્યાલ આવશે કે લતાજી પણ આ ભજનના વટવૃક્ષ પાસે લતા જ હતા.
કિશોરકુમારના મુખે ગવાયેલ મેરા જીવન કોરા કાગજ કોરા હી રહ ગયા.. આ ગીતની તર્જ પર પૂ. બાપુએ એક ભજન ગાવ્યો છે - મન હરી ગયો મારુ રે માતા અનસૂયાનો બાળ.. મહાન ગાયક કિશોરદાના પેલા ગીત સાથે એ જ તર્જમા પુ બાપુના કંઠે તમે મન હરી ગયું એ ભજન સરખાવીએ તો અહીં પણ તમને એક સુર અને સ્વર પ્રબુદ્ધ જ્ઞાતા પૂ. બાપુ પાસે કિશોરકુમાર પણ નાનકડા કિશોર લાગશે.