ગોરંભાયેલો આકાશ
ગોરંભાયેલો આકાશ
એનું નામ મમતા. ગોરંભાયેલા નભ જેવી એ, એને જોતા એમ લાગે કે હમણા જ વરસી પડશે. વિશાળ સાગર જેવી એની આંખો, સુહામણો કમળ જેવું સદૈવ ખીલેલું રહેતું મુખડુ. કંઈક રહસ્ય જે પોતાના હૃદયમાં સંધરીને એ બેઠી છે પણ મયંકને એની ગંધ સુધા આવવા દેતી નથી.
મયંક કવિ હૃદયી સંવેદનશીલ યુવાન. એ પણ મમતા જેવા ઘોરંભાયેલા નભની વર્ષાને પોતાના પર ઝીલવા આતુર છે, પણ નભ ઘોરંભાયેલો જ રહ્યો.
એક દિવસની વાત છે મમતાનો ફોન આવે છે, કે આવતી કાલે મારે પગપાળા વરદાઈ માના સ્થાનકે જાવું છે, તું મારી સાથે આવીશ... મયંક તો મમતા પાસે જીવન ગુજારવા બેતાબ છે, ત્યારે તેનો જે થોડો ઘણો સાનિધ્ય મળે એને તો તે ઉમળકાથી વધાવવા માંગે જ.. મયંકે હા ભણી.
બીજા દિવસે સવારે 7, વાગ્યે મમતાનો ફોન આવ્યો. એણે પૂછ્યું ક્યાં છો ? મયંકે કહ્યું આર.ટી. ઓ પાસે જ છું, તું કેટલે પહોંચી અને તારી સાથે બીજું કોણ છે ?
હું સરાલથી માત્ર આઠ કિમી દૂર છું. મારો ભાઈ સાથે છે પણ તે અમારી ગાડી સાથે ટ્રાન્સપોર્ટની ઓફિસે જશે, આપણે બંનેએ વરદાઈ મા ના દર્શને જાવાનું છે.
મયંકે કહ્યું - તું આર.ટી.ઓ પાસે ઉતરી જાજે આપણે ત્યાંથી નીકળી જસુ. મમતાએ કહ્યું હું ત્યાં પહોંચીને ફોન કરું છું અને ફોન કટ થયો.
મયંક હાલ, સરાલ ગામના આર.ટી. ઓ પાસે જ દરબારના વાડીયામા ભાડે રાખેલા એક નિરવ એકાંતમાં આવેલા તેના ગોડાઉનમાં બેઠો છે. તે મનોમન વિચારી રહ્યો છે કે મમતાને પહેલા અહીં બોલાવી લઉં અને નાસ્તા-પાણી કરી પછી જ પગપાળા ચાલવાનું શરુ કરીશું. મયંકનું હૃદય ગુલાબ બની સુગંધી વેરી રહ્યો છે, આજે તેનો દિલ બાગ બાગ બની ગયો છે. મમતાને મનભરી નીરખવાનો આ સુંદર અવસર આપવા બદલ તે ભગવાનનો આભાર માની રહ્યો છે... એવામા રિંગ વાગી...
મમતાનો ફોન છે.. મયંકે કહ્યું - હા બોલ...
તેણી બોલી હું ગંજ બજારના નાકે ઉતરી છું, તું ત્યાં આવ.
મયંકનુ એક નાનુ સરખું અને હસીન સપનુ તૂટી ગયું. મમતાને પોતાની પાસે બેસાડીને નાસ્તો કરાવવાનું મનમાં રહી ગયું.
મયંક સરાલના ગંજ બજાર તરફ નીકળ્યો. શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે. આકાશ પણ મમતાની જેમજ ગોરંભાયેલો છે, વાદળાઓ નભ પર કૂચ કરી રહ્યા છે, ઈન્દ્ર મહારાજના આદેશ સાથે જ તે તૂટી પડશે આ ધરા પર...
ગંજના નાકા પર જ મમતા સફેદ કલરના કપડામાં ઢાકેલા ચંદ્રની જેમ પોતાનું લાવરણ્ય વેરી રહી છે. મયંક નજીક પહોચ્યો.. તે હસી... તેના હાસ્યની લહેર માત્રથી મયંકની નિરાશા ગાયબ થઈ ગઈ અને તેનો મન મોર બની થનગનાટ કરવા લાગ્યો...
બીજી કોઈ વાત કે ચર્ચા વિના ચાલો.. કહી મમતાએ પદયાત્રા શરુ કરી, મયંક પણ તેને અનુસર્યો. મયંકનો મન મમતાના પાવન સાનિધ્યમા આજે અપૂર્વ આનંદ માણી રહ્યો છે, ધર્મ અને સંસ્કારોની મર્યાદાઓ મયંકના વ્યવહારમાં પ્રગટ થઈ રહી છે, તે પોતાના દિલનો અવાજ સીધી રીતે બહાર કાઢી શકતો નથી. સરાલથી વરદાયી ધામ ચૌદ કિમિ દૂર છે. હાઈવે રોડ પર મમતા અને મયંકનો સફર ચાલુ છે. મમતા અલડ અને આખા બોલી છે, તે બહારના વિષયો પર હસતી, મરકતી વાતો કરતી જાય છે અને પગલા ધરતી પર મૂકતી જાય છે.
આ રસ્તા પર એકલ દોકલ પદયાત્રીઓ પણ નજરે પડે છે અને મુખ્ય હાઈવે હોવાથી વાહનોનું ટ્રાફિક પણ છે.
શ્રાવણના દિવસો હોઈ. ગોરંભાયેલો આકાશ ક્યારેક ક્યારેક પાણીના છમકલા કરી રહ્યો છે અને હાલ ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. મમતા અને મયંક આ વરસાદી ફોરામા ભીંજાતા ભીંજાતા આગળ વધી રહ્યા છે.
આ વરસાદી માહોલમાં મમતા બહુજ સુંદર લાગી રહી છે, તેનો ચેહરો સફેદ ઓઢણીમાં વધુ રુપાળુ લાગી રહ્યું છે. આછા વરસાદના પાણી જે સુખદ લાગી રહ્યા છે તે મમતાના ચેહરા પરથી છાતી પર ઉતરી રહ્યા છે. મયંક ચોરી છૂપીથી મમતાની સમગ્ર કાયા પર પણ નજર ફેરવી રહ્યો છે.
આ આછા ઝીણા ઝીણા વરસાદ વચ્ચે અચાનક આભ ફાટી પડ્યું ! નભમાં કડકડાટ કરતી વીજળી વિકરાળ બની છે. સામાન્ય વાતાવરણ અસાધારણ અને ભયજનક બની ગયો...
મમતા મયંકનો હાથ પકડીને રોડથી નીચે ખેંચી ગઈ. અહીં એક મોટા વૃક્ષની નીચે આવીને, તેના ઓથે બંને ઊભાં રહ્યા. સુંદર અને શાંત સૌમ્ય વરસાદની બધી મજા આ વરસાદની ખતરનાક ઝડીએ બગાડી દીધી.
હાલ નભ અનરાધાર વરસી રહ્યો છે, આજૂબાજુ કશુંય દેખાતું નથી, અંધકારનો સામ્રાજય સ્થાપિત થયો છે. આકાશમા ગાજ-વીજનો આવાજ વાતાવરણને વધુ બિહામણુ બનાવી રહ્યો છે. મમતાના કપડા પલળીને ત્રાપો થઈ ગયા છે. આ વસ્ત્રો શરીર પર ચોંટી ગયા છે. મમતા ઠંડીથી ધ્રુજવા લાગી.. મયંક પોતાનો શર્ટ ઉતારીને નીચોવે છે, શર્ટનું પાણી બહાર કાઢીને તે ફરી શર્ટ પહેરીને મમતા પાસે આવે છે. મમતાને આમ પલળેલી અને વરસાદન પવનથી કાંપતી જોઈ તે કહે છે, તારો દુપટ્ટો નીચોવી લે.. મયંકના શબ્દો મમતાના કાન સુધી પહોંચે તે પહેલા જ પવનની ગતિ વધી અને મમતા પવનના ધકા સાથે જમીન પર પડી.. મયંક પણ ફંગોળાયો... મયંક તતક્ષણે સભાન બની ઊભો થયો અને મમતા પાસે પહોંચી એને પોતાની પાસે ખેંચી લઈને ઝાડના થડની ઓથે બેસી ગયો... પવનની ગતિ અને તીવ્રતા ખતરનાક બની રહી છે. આજુ બાજુ ઘોર અંધકાર છે અને મુશળધાર વરસાદ પણ પડી રહ્યો છે.
મયંકના ખોળે મમતાનો માથુ અને એના ચેહરા પર મયંકનો હાથ.... મયંક આ ભયાનક તોફાનમાં પણ મમતા પર પોતાના પ્રેમનો વરસાદ વરસાવી રહ્યો છે. મમતા પણ ગ્રાહક બની તે વ્હાલ ભર્યા હાથોથી તન-મનને મળી રહેલી હૂંફને ગ્રહી રહી છે, વધાવી રહી છે.
મમતાની આંખો ઘડીક બંધ થાય અને ખડીક ખુલે છે. મયંકની આંખો હૃદય અને આત્મા ત્રણેય હાલ એક-દમ જાગતા છે. ખુલ્લા છે. મમતાની કોમળ કાયા આજની આ ભયાનક વરસાદની ઝડી સહન ના કરી શકી, તે કાંપી રહી હતી. તેવા સમયે મયંકના ખોળે તેને ગરમ હૂંફ મળી, તેણીએ સઘળા સંકોચ ભૂલી મયંકને બાથમાં લઈ લીધો...
એક કલાકના આ તોફાનમા મયંક અને મમતા એક બીજાને વીંટળાઈ બેઠા રહ્યા.... અંતે આકાશના એક મોટા કડાકા સાથે તેમની સામેના જ ઝાડ પર વીજળી પડી ! ભયંકર કડાકો અને પશુ-પંખીઓની ચીસોથી મયંક-મમતા બંને ડરી ગયા. પોતાની નજર સમક્ષ એક મોટો પ્રકાશ પુંજ જોતાં જ બંને જાણે આંધળા થઈ ગયા... થોડા સમય પુરતો પ્રેમાલાપ ભૂલાઈ ગયો, તે બંને ભયભીત થઈ ગયા.. એક બીજાના હાથ પકડી તે બેબાકળા બની ક્ષણ પર અવાક બની ગયા... થોડો સમય ગુજરતાંજ આંખો પુર્વવત દેખવા લાગી... બંને એક સાથે જય માતાજી.... જય માતાજી..... કરતા માતાજીને પ્રાર્થના કરવા લાગ્યા, માતાજીનો આભાર માનવા લાગ્યા કે તેમણે આજે બચાવ્યા...
સામે જ્યાં વીજળી પડી છે ત્યાં દસેક ફૂટનો ઊંડો ખાડો પડી ગયો છે અને જે ઝાડ પર વીજળી પડી હતી તે નેસ્તનાબૂદ થઈ ગયો છે.
વાતાવરણ શાંત થતાં.... મયંક અને મમતા ફરી રોડ પર ચાલવા લાગ્યા. ડબલ ગતિ અને ઉત્સાહથી બંને ચાલી રહ્યા છે. 45 મિનિટ જેટલો સમય સાવ મૌન રહી બંને ચાલતા રહ્યા અને માતાજીના પ્રવેશદ્વાર પર પહોંચી ગયા. મયંકે બાજુની દુકાન પરથી પ્રસાદ લાવ્યો અને મરક મરક હસતી વરદાઈ શેણલ માની મૂર્તિને બહુજ ભાવથી વંદન કર્યા, સ્તુતિ કરી. પ્રસાદ કર્યો.
માતાજીના દર્શન કરીને બંને મંદિર પરિસરની બહાર આવ્યા. સરાલ જતી એક જીપમાં બંને બેસી ગયા. હજુ પણ બંને મૌન જ છે. સરાલ પહોંચી બંને જુદા પડ્યા... જીપથી ઉતરીને મમતા ખડખડાટ હસી અને મયંકને કહ્યું - સાચવજે... હું ઘેર જાઈને તને ફોન કરીશ એમ કહી તે ત્યાંથી નીકળી ગઈ...
મયંક આજે ભય, ભક્તિ અને શ્રદ્ધા મિશ્રિત પ્રેમનો પ્રસાદ પામીને ખુશ થઈ ગયો છે. હજુ પણ મમતા તેના ખોળે સૂતી છે તેવો ભાસ્ મયંકને થઈ રહ્યો છે.