મારી પદયાત્રા
મારી પદયાત્રા
કરણીધામ દેશનોક.( ૧ )
તારીખ -૨૨/૮/૨૦૧૯ ના સવારના ૪:૪૩ વાગ્યે ખભે બેગ લગાવીને કોઈ પણ પ્રકારની આગવી તૈયારી વિના હું એકલો જ વિશ્વ વિખ્યાત શ્રી કરણી મંદિર દેશનોક ધામ પગપાળા જવા માટે નીકળી પડ્યા છું. દેશનોક રાજસ્થાનના બિકાનેર જિલ્લામા આવેલુ છે. થરાદ બનાસકાંઠાથી મારું ગંતવ્ય સ્થળ 650 કિમિ જેટલુ દુર છે. રાજસ્થાન હાઈવે પર પ્રથમ રોકાણ માંગરોળ મંદિર ખાતે કર્યું. આઈ શેણબાઈ માના દર્શન કર્યા અને શેણલ માં ના આશિર્વાદ લઈ આગળ પ્રસ્થાન કર્યું.
સાંજે સાતેક વાગ્યે સાંચોર માખુપુરા રામદેવ સેવા સમિતિના કેમ્પમા પહોંચ્યો અને અહીં રાત્રી રોકાણ કર્યુ.
અહીં પદયાત્રીઓ તેમજ સંધો માટે રહેવા જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીંંના વિશાળ હોલમા અંદાજે ત્રણસો જેટલા માણસો આરામથી રહી શકે તેવી વ્યવસ્થા હતી.
અહીંં યાત્રીઓનું આવવાનું શરુ થઈ ગયું છે. ધીરે ધીરે આ હોલ યાત્રિકોથી ભરાઈ ગયું. અહીંં પદયાત્રીઓ ખુદ સ્વંયભુ રીતે પોતાના હાથે ગાદલા પાથરી પોતાની પથારી કરી આરામ કરતા નજરે પડે છે.
મે પણ ગાદલુ પાથરી, માથા નીચે મારો થેલો મૂકીને આરામ કર્યુ અને આ સુંદર, વિશાળ હોલ, બાથરુમ તેમજ જમવાની સરસ વ્યવસ્થા બદલ આ કેમ્પના સંચાલકોનો મનોમન આભાર વ્યક્ત કર્યો.
સાંચોર શહેરના વેપારીઓ તેમજ ભકતો દ્વારા આ કેમ્પ ચાલુ માસમાં જ શરુ કરવામાં આવ્યુ છે.
સવારે ચા-પાણી કરીને હું ત્યાથી આગળ જવા નીકળી પડ્યો. હવે શારિરીક થાક -દુખની કસોટીઓ ચાલુ થઈ છે.
મારા પગના તળીયે મોટા મોટા ફોડલા પડી ગયા છે તેથી પગ જમીન પર મૂકાતા નથી. અસહ્ય પીડા થઈ રહી છે. ઘસડાતા પગે સાવ ધીરે ધીરે લગભગ ચારથી પાંચ વખત હોલ્ટ કરીને માત્ર બે કિમિ પસાર કર્યા છે. હું હજુ સાંચોર સીટી માંજ છું.
માત્ર ૪૩ કિમિના સફરમાં શરીર થાકી ગયું. પગની ભયંકર પીડા તેમજ ખભે લગાવેલી બેગના કારણે બન્ને ખભાના દુખાવા... આ બધુ એક સામાન્ય માણસ માટે અસહ્ય કહેવાય... શરીર પર તાવ ચડી ગયું છે. આ હાલતમા હું ઢસડાતા પગે એક ચા પાણીના કેમ્પ પર પહોચ્યો અને ત્યાં એક ખાટલા પર બેહાલ પડી ગયો.
લગ ભગ બે કલાકના આરામ પછી હું ઊઠ્યો. આ કેમ્પ સાંચોરમાં જ આવેલો હતો. બે-ચાર છોકરાઓ અને એક વડીલ કાકા અહીંની વ્યવસ્થા સંભાળી રહ્યા હતા.
આ કેમ્પ પર એક કૌતુક જોવા મળ્યું. એક યાત્રી જે મહિલાના વસ્ત્રોમાં પુરૂષ હતો. તે ત્યાં આરામ કરી ઊઠીને પેલા કાકાને ધમકાવી રહ્યો હતો. તે કહી રહ્યો હતો કે, -
મારી આ ધજા ની ડાંડી તમારા કોઈ દ્વારા તોડી નાખેલ છે. તેના પૈસા આપો... પેલા કાકા અને છોકરાઓ તેને ધજાની નવી ડાંડી (લાકડી) નાખવાનું કહી રહ્યા છે પણ પેલી યાત્રી માની નથી રહી અને પોલીસની ધમકી આપે છે. પછી મોટા આવાજે બોલતા બરાડા પાડતી એ વ્યક્તિ ત્યાંથી ચાલી નીકળે છે.
હું પણ મોઢા પર પાણી છાંટી. કુલ્લો કરી પુનઃ ચાલવાનું શરુ કરું છું. પેલી અજીબ વ્યકિતથી દૂરી રાખવાનો પ્રયત્ન કરતો ધીરે ધીરે આગળ વધતો રહ્યો.
ચારેક કિમિના અંતરે ફરી એક કેમ્પ આવ્યો ત્યા પાથરેલા કંતાનપર લાંબો થઈ હું આરામ કરવા લાગ્યો.
આ કેમ્પ પર પણ કેટલાક સ્થાનિક લોકો દ્વારા એક શંકાસ્પદ યુવકની તપાસ કરાઈ રહી હતી. આ શંકાસ્પદ વ્યક્તિ છેલ્લા બે દિવસથી અહીં આટલામાં જ ફરતો હોવાનું જાણવા મળ્યું હતું. વ્યવસ્થાપકોએ તેને અહીંથી ભાગી જવા કહ્યું અને ફરી આ બાજુ નહી આવવાનું કહ્યુ અને પેલો યુવક ત્યાંથી નીકળી ગયો. આ પાવન યાત્રા પથના આવા કુરુપ બનાવોની વચ્ચે અહીંંયા ખાટલા પર બેઠેલી એક બહેન તેની આખા બોલી સ્ટાઈલમાં અને મોટા આવાજમાં નીચે બેઠેલા પદયાત્રીઓને પોતાના અનુભવો કહી રહી છે.
એ બોલી રહી છે - " અહીં કોઈ રામોપીર નથી આ બધા લોકો બસ ફરવા જાય છે. હું તો બધુય સાચુ કહું !
મને કોઈની બીક નથી લાગતી... " આવો ઘણો બધો બકવાસ આ પદયાત્રી મહિલા કરી રહી હતી.
આવા મનોભ્રમિત લોકોના વર્તન-વલણને કારણે સાચા શ્રદ્ધાળુ પદયાત્રીઓની ભાવનાઓને પણ ઠેસ પહોંચે છે.