પુત્રવધૂ
પુત્રવધૂ
એ દિવસે બપોરના બે વાગ્યા પછી જયેશને શરીરમાં સારું લાગતું નહોતું. ઘરમાં અને ઑફિસમાં એણે પૂરતી સાવચેતી રાખી હતી. જ્યારથી કોરોનાએ કાળો કેર વરતાવવાનું આરંભ્યું ત્યારથી તે સામાજિક અંતર જાળવવાનું અને મોઢા પર માસ્ક પહેરવાનું ચૂકતો નહી.
પોતાના બંને હાથને પણ તે વારેઘડીએ સેનેટાઈઝ કરતો રહેતો હતો. જ્યારે તેનાથી રહેવાયું નહીં ત્યારે તેણે પોતાની સહ કર્મચારીને કહ્યું, " માયા, મને અત્યારે સારું લાગતું નથી. હું ઘેર જાઉં છુ."
માયાને આખી બાબતનો અંદાજ આવી ગયો. તે કહેવા લાગી, " ભલે જયેશભાઈ, તમ તમારે જાવ….હું સરને જણાવી દઈશ. એ બાબતની ચિંતા કરતા નહીં ".
ખેર, પાર્કિન્ગ એરિયામાં આવ્યા બાદ એણે મન મક્કમ કરીને પોતાની ક્રેટા કાર બહાર કાઢી. ગાડીની ચાવીને તેણે તેની નિયત જગ્યાએ પ્રવેશ કરાવ્યો. એ પછી ધીમે ધીમે હંકારતા તે સેટેલાઈટ વિસ્તારના સનશાઈન એપાર્ટમેન્ટ આગળ આવી પહોંચ્યો. એ પછી ગણતરીની સેકંડોમાં તો તે પોતાના ફ્લેટ નંબર 402 મા આવી ગયો હતો. પોતાની પાસેના લંચબૉક્સને તેણે ટિપોઈ પર મૂક્યું. એ વેળા લેપટોપ સંગ ઑનલાઈન માર્કેટિન્ગમા વ્યસ્ત એવી એલિનાએ જેવો જયેશને જોયો કે એને અંદાજ આવી ગયો કે કંઈક થયું છે ! તે તરત જ ખુરશી ઉપરથી ઊભી થઈ અને પાણી ભરેલો ગ્લાસ લઈ આવી. તેણે જયેશને પાણી આપ્યું. પપ્પાનો ઉદાસ ચહેરો જોઈને નાનકડી હેલી પણ ઉદાસ થઈ જવા પામી. જયેશ જ્યારે ઘરમાં દાખલ થયો ત્યારે તે સ્કેચબુકમાં ; પેન્સિલ વડે કશુંક ચિતરી રહી હતી. પાણી પીધા બાદ જયેશે પથારીમાં લંબાવ્યું !
"જયેશ, શું થાય છે તમને ? " એલિનાએ જયેશની પથારી નજીક જઈને પૂછ્યું.
"એલિ, મને વારેઘડીએ ખાંસી આવવાનું શરૂ થઈ ગયું છે. અત્યારે અશકિતનો પણ અનુભવ થઈ રહ્યો છે. અને એટલે માયાને જણાવીને ઘેર આવતો રહ્યો. હું કદાચ……." જયેશ પોતાનું વાક્ય પૂરું કરે એ પૂર્વે એલિનાએ તેના મો પર પોતાનો જમણો હાથ મૂકી દીધો.
તેણે કહ્યું, " તમે આરામ કરો, હું જલ્દી જલદી ઉકાળો બનાવી લાવું છું "
એ પછી તે તાબડતોબ રસોડામાં દોડી ગઈ. નાનકડી હેલીએ તેની સ્કેચબુક બંધ કરી દીધી અને બેગમાં મૂકી દીધી. એ પછી તે પણ પોતાની મમ્મીની પાછળ પાછળ રસોડામાં પહોંચી ગઈ ! તેને જાણ હતી કે લવિન્ગ, મરી અને સૂંઠ કયા ડબ્બામાં ભરવામાં આવ્યા હતા. તેણે સ્વયં ડબ્બા બહાર કાઢવા માંડ્યા. એલિના તો થોડીવાર માટે હેલીનું સમજદારીભર્યુ વર્તન જોતી રહી. જોકે હસવાની કે સ્મિત રેલાવવાની એવી કોઈ સ્થિતિ જ નહોતી એટલે એણે ફટાફટ ઉકાળો બનાવવા પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યુ.
પહેલા તો જયેશને એક ગ્લાસ ભરીને ઉકાળો આપવામાં આવ્યો. એ પછી મા- દીકરી બંનેએ ઉકાળો પીધો. એ દિવસે તો જયેશે જેમનું તેમનું; પોતાની ઉપર આવી પડેલું દુ:ખ સહન કરી લીધું !
જોકે બીજે દિવસે તો રીતસરની એમબ્યુલન્સ બોલાવવીને તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. નાનકડી હેલીને લઈને એલિના ; હોસ્પિટલ સુધી તો આવી ગઈ પરંતુ જે ઠેકાણે કોવિડ-19 પોઝિટિવ દર્દીઓને દાખલ કરવામાં આવતા હતા એ ઠેકાણે દર્દીની સાથે તેના કોઈ સ્વજનને રહેવાની છૂટ નહોતી. ! જયેશને દર્દીને પહેરાવવા પડે એવા કપડાં પહેરાવવામાં આવ્યા. હોસ્પીટલમાં દાખલ થયાના પહેલા દિવસે તો તેની સ્થિતિ ચિંતાજનક નહોતી. પરંતુ બીજા દિવસે, તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. ડોક્ટર્સ અને નરસીઝે ; પોતાની નજરસમક્ષ જોયું કે તેની છાતી ધમણની માફક ઉછાળા મારતી હતી. કઈ પળે દર્દીનો જીવ જતો રહે; કંઈ કહી શકાય એમ નહોતું. વિસેક મિનિટની કશ્મકશ બાદ જયેશની છાતી શાંત થઈ જવા પામી.
એ પછી દુ:ખી હૈયે વોર્ડ ઈન્ચાર્જે એલિનાનો મોબાઈલ નંબર જોડ્યો. એલિનાએ કૉલ રિસિવ કર્યો. વોર્ડ ઈન્ચાર્જે કહ્યું, " સોરી મેડમ….અમે આપના પતિ જયેશભાઈને બચાવી શક્યા નહી ! "
લેડી ઈન્ચાર્જે જે વાત કહી એ વાતની પેલી એલિના પર એવી તો અસર થઈ કે તે બેબાકળી બનીને રડવા લાગી. એ પછી તેણે હેલીને છાતીસરસી ચાંપી દીધી. નાનકડી હેલીને જાણે પોતાના પિતાના મૃત્યુની ખબર પડી ગઈ હોય એમ એ પણ આંસુ સારવા લાગી. એ પછી એલિનાએ તાબડતોબ હોસ્પિટલ પહોંચવાનું નક્કી કર્યુ. હેલીને તૈયાર કરી; જરૂરી વસ્તુઓ લઈને તેણે ફ્લેટના મુખ્ય દરવાજાને તાળું માર્યુ. હેલીને ઊંચકી લીધી અને લિફ્ટ થકી ગ્રાઉન્ડ ફ્લોર પર આવી. એ પછી એણે ફોર વ્હીલર ગાડી; ક્રેટા બહાર કાઢી. તેણે હેલીને પોતાની પાસેની સીટ પર બેસાડી અને ક્રૂસની નિશાની કરતાં ગાડી સ્ટાર્ટ કરી.
જ્યારે તે હોસ્પિટલ પહોંચી ત્યારે જયેશના મૃતદેહના નિકાલ માટેની તૈયારી ચાલી રહી હતી. તેની ડેડબૉડીની અંતિમક્રિયા; હોસ્પિટલનું મેનેજમેન્ટ જ કરવાનું હતું. અલબત્ત, એલિનાએ મેનેજમેન્ટ સમક્ષ વિનવણી કરી કે પોતે ક્રિશ્ચિયન હોઈ મૃતદેહને દફનાવવાની આવશ્યકતા રહેશે અને એટલે મેનેજમેન્ટ આ માટે પરવાનગી આપે એવી અપેક્ષા રાખી. આ માટે એલિના રીતસરની કરગરવા લાગી એટલે મેનેજમેન્ટે આ માટે છૂટ આપી દીધી.
નડિયાદ રહેતા જયેશના નાના ભાઈ વિપુલને પણ પોતાના ભાઈના અવસાનની ખબર આપી દેવામાં આવી. આણંદ ખાતે રહેતા એલિનાના સસરા જયકરભાઈને પણ જાણ કરી દેવામાં આવી.
ડેડબોડીને લઈ જવાની છૂટ મળતાં જ જયેશના મૃતદેહને બે કર્મચારીઓએ; એલિનાની ગાડીમાં મૂકી આપ્યો. પોતાની ગાડીમાં; પોતાના પતિના મૃતદેહને લઈ જઈ રહેલી એલિનાને જોઈને ડોક્ટર્સ અને નરસીઝ અચંબો પામી ગયા ! એલિના પોતાની દીકરી સંગ આણંદ જઈ રહી હતી. આગળના ભાગમાં આવેલ કાચમાં; નાનકડી હેલીને પોતાના પપ્પાનું શબ જોઈ શકાતું હતું. આંસુભીની આંખે; એલિના ડ્રાઈવ કરી રહી હતી.
વિપુલ તેની પત્ની અને બાળકો સંગ સીધો જ આણંદ પહોંચી ગયો હતો. જયકરભાઈની હાલત કાપીએ તો લોહી પણ ન વહે કે નીકળે એવી થઈ જવા પામી હતી. જેવી ગાડી ઘર આંગણે આવી કે વિપુલ અને અન્ય કેટલાક યુવાનો ઘરની બહાર દોડી આવ્યા. ગાડીનો અવાજ કાને પડતા; વિપુલની પત્ની જાસ્મીન પણ ઘરની બહાર દોડી આવી. તેણે હેલીને તેડી લીધી અને ઘરમાં લઈ આવી. જયકરભાઈએ બધાં સગાં- સંબંધીઓને ; જયેશના મૃત્યુના સમાચાર જણાવ્યા નહોતા. અમુક અમુક માણસોને જ ખબર આપી હતી. થોડીવાર બાદ કેટલાક માણસો કૉફિન લઈને આવી પહોંચ્યા. વિપુલે ડિનરીના સભાપુરોહિતને ફોન કરીને આખી બાબત જણાવી અને વહેલી તકે કબ્રસ્તાન ખાતે આવી પહોંચવા જણાવ્યું.
કોરોના વાઈરસે જેનો જીવ લઈ લીધો એવા જયેશની દફનક્રિયા પૂર્ણ થઈ કે સહુ ઘેર પરત ફર્યા. સહુએ પોતાના મોઢા પર માસ્ક બાંધેલા હતા. વળી બધા એકબીજાથી અંતર રાખીને ચાલતા હતા. મૃત જયેશની પ્રાર્થનાસભા કે બેસણું રાખવામાં આવશે નહીં એવા મતલબની વાત ; કબ્રસ્તાન ખાતે હાજર રહેલા લોકો સમક્ષ જણાવી દેવામાં આવી હતી. સહુએ વારાફરતી ઘેર રવાના થવા માટે રજા લીધી. એલિના; જેવી કબ્રસ્તાનેથી ઘેર પરત ફરી કે ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. આ દ્રશ્ય જોઈ જાસ્મીન ગળગળી થઈ ગઈ. તે એલિનાની પાસે આવીને તેના માથા ઉપર હાથ ફેરવવા લાગી. જયકરભાઈએ પોતાના ચશ્માં કાઢ્યા અને આંખોના ખૂણા સાફ કર્યા. એવામાં પડોશી માઈકલભાઈ થરમોસ લઈને આવી પહોંચ્યા. સહુએ થોડી થોડી ચા પીધી. સમયના થોડા થોડા અંતરે નાનકડી હેલી " પપ્પા, પપ્પા " પોકારતી રહી. રાત્રે જ્યારે જમવાનો સમય થયો ત્યારે એલિનાએ જમવા મામલે ઈન્કાર કર્યો. મતલબ કે તેણે ના પાડી.
"જુવાનજોધ પુત્રવધૂ ભૂખી રહે એ કેમ ચાલે ! " જયકરભાઈએ વિચાર કર્યો. તેઓ ગળગળા અવાજે કહેવા લાગ્યા, " જો બેટા, થોડું ખાઈ લે….તારો પતિ ગયો છે તો મારો વ્હાલસોયો દીકરો નથી ચાલ્યો ગયો ! જો તું તારા મોમાં અન્ન નહીં મૂકે તો હું પણ નહીં મૂકું !"
સસરા જયકરભાઈની વાત સાંભળી એલિનાએ પોતાનું માથું ઊંચુ કર્યુ અને થાળીમાંનું ભોજન આરોગી લીધું. હેલીને માટે દૂધ ગરમ કરવામાં આવ્યું. એ પછી ઠંડું થતા; તેને પીવડાવવામાં આવ્યું. વિપુલ; તેની પત્ની જાસમીન અને તેમના બાળકો પણ જમ્યા. જયકરભાઈએ પણ થોડું ભોજન લીધું.
એ પછી બધા ઊઘી ગયા. જયકરભાઈ એમના ઓરડામાં ગયા. બાઈબલનુ વાંચન કર્યું. એ પછી આંખો બંધ કરી. એ દિવસે એમને ઊંઘ ન આવી.
"પુત્રની જુવાનજોધ પત્ની હવે કેવી રીતે દિવસો પસાર કરી શકશે ! હરીફરીને બે જ જણ. મા- દીકરી. " એમણે વિચાર કર્યો. તેઓ મનોમન મૂઝવણ અનુભવતા રહ્યા. જાણી લઈએ કે એમના પત્ની સવિતાનું અવસાન પાંચેક વર્ષ પૂર્વે થયું હતું. ત્યારથી તેઓ પોતાના આણંદ ખાતેના ઘરમાં એકલા જ રહેતા હતા. એમના ઘેર સવારના સમયે કામવાળી બાઈ આવતી. તેનું કામ કચરા-પોતું કરવું અને જયકરભાઈ માટે ભોજન તૈયાર કરવાનું. આટલું કર્યા બાદ તે પોતાના ઘેર ચાલી જતી.
જયકરભાઈ સવારે વહેલા ઊઠી જતા. એ પછી બ્રશ કરીને મો ધોઈ નાખતા. કુકરતી ક્રિયા પતાવ્યા બાદ નાહી લેતા અને એ પછી સાડા સાત વાગ્યાનો ખ્રિસ્તયગ્ન એટેન્ડ કરતા. એ પછી ઘેર આવીને ચા-નાસ્તો કરતા. છાપું વાંચવાની એમને ટેવ એટલે છાપું પણ વાંચતા. ત્યારબાદ ગામડી- પાધરિયા વિસ્તારમાં રહેતા પોતાના હમઉમ્ર મિત્રોની મુલાકાતે જતા. બપોરે બારેક વાગે ઘેર પરત ફરતા. એ પછી જમી લેતા અને સૂઈ જતા. ત્રણ વાગ્યે ઊઠ્યા બાદ સ્વયં ચા બનાવીને પીતા અને જો કોઈ સર્જનાત્મક વિચાર જડ્યો હોય તો થોડું લેખનકાર્ય કરતા. એ પછી સાંજના સમયે ચાલવા નીકળતા. રાત્રિનુ જમવાનું તેઓ જાતે જ બનાવતા.
ખેર, એલિના અને જયેશે ઉનળાની ૠતુ દરમિયાન આણંદ ખાતેના ઘેર રહેવાનું આયોજન કર્યું હતુ. જોકે એમનું આયોજન સાકાર થાય એ પૂર્વે જયેશ; આ ફાની દુનિયા છોડીને ચાલ્યો ગયો. એલિનાને રાત્રે સૂતી ઘડીએ; જયેશ સાથે કરેલ અનેકવિધ આયોજનોની વાતો યાદ આવવા લાગી. જયેશની ઈચ્છા વર્ષ 2021 દરમિયાન; એક મ્યુઝિકલ ગ્રૂપ શરૂ કરવાની હતી. તેણે એલિનાને કહેલું, " એલિ, જોજે ને આ વર્ષે આપણે એક મ્યુઝિકલ ગ્રૂપ શરૂ કરીશું. હું કેસિઓ વગાડીશ અને તારે તારા કંઠમાંથી સુમધુર ગીતો રેલાવાના…... "
જયેશની ઈચ્છા એલિનાને ગમી ગયેલી પણ એણે ગમ્મતમાં કહેલું, " આપણા બે જણથી કંઈ મ્યુઝિકલ ગ્રૂપ શરૂ ન થાય ! "
આ સાંભળી જયેશ કહેતો, " અન્ય કલાકારોની તું શું કામ ચિંતા કરે છે ? આણંદમાં મારા એટલા ભાઈબંધો છે ને કે ચપટી વગાડતાં જ આખે આખી ટીમ ઊભી થઈ જાય. "
એલિનાની આખો બંધ. પરંતુ બંધ આંખોની પાછળ વિચારોની આવનજાવન તો ચાલુ જ. સમય પસાર થતો ગયો. અને રાત પૂરી થઈ અને સવાર થઈ. પક્ષીઓનો કલરવ સંભળાવા લાગ્યો. દૂધવાળો દૂધ આપી ગયો. જાસમીને ચા બનાવી. એ પછી વિપુલે પોતાની પત્ની અને બાળકો સંગ ઘેર રવાના થવા માટે રજા લીધી. એલિના વિપુલ સામે જોતાં કહેવા લાગી, " તમે લોકો સંભાળીને ઘેર જજો. પપ્પાની ચિંતા ન કરતા. એમને હું સંભાળી લઈશ "
વિપુલનો પરિવાર રવાના થયો એટલે ઘરમાં કેવળ ત્રણ જણ રહ્યા. એલિના-હેલી અને જયકરભાઈ. સસરા જયકરભાઈનુ મન પુન: ઉદાસ બની જવા પામ્યું. તેઓ પોતાના ઓરડામાં ગયા. એમના પત્ની સવિતાનો ફોટો દીવાલ પર ટીંગડેલ હતો. તેઓ પોતાની પત્નીની આંખોમાં આંખો પરોવીને મનોમન બોલવા લાગ્યા, " સવિ, હવે તો એકલતા બહુ સાલશે. તે જોયું ને….નાનો વિપુલ, એના પરિવાર સંગ હમણાં જ એના ઘેર ગયો. અને હવે પુત્રવધૂ એલિના પણ નાનકડી હેલી સાથે અમદાવાદ જવા રવાના થશે. એકાદ મહિનો મોટા દીકરાને ત્યાં રહેવાની ઈચ્છા છે. પણ એવી ઈચ્છા એલિના સમક્ષ થોડી વ્યક્ત કરાય ! ખેર, હવે જે થાય તે….તારી સાથે તો રોજ સંવાદ થાય જ છે ને.."
એ પછી એલિના જયકરભાઈના ઓરડામાં પ્રવેશી. તેણે જોયું કે પોતાના સસરા સ્વ. સાસુના ફોટા સામે કશું બોલ્યા વિના ઊભા રહયા હતા.
" પપ્પા " તે બોલી.
જયકરભાઈની નજર પાછળ ગઈ. એમણે જોયું કે એલિના ઊભી હતી. તેમને તેના ચહેરા પર સ્મિત રેલાતું જોવા મળ્યુ.
" બોલ બેટા " તેમણે કહ્યું.
" તમે વહેલી તકે તૈયાર થઈ જાવ અને તમારા કપડાંની બેગ પણ તૈયાર કરી દો" એલિના બોલી. એ પછી જયકરભાઈએ ઘડીભર માટે પત્નીના ફોટા ઉપર પોતાની નજર ચોંટાડી તો ઘડીભર એલિનાના ચહેરા ઉપર. એ પછી તેઓ 'સારું' કહેતા તિજોરી તરફ ચાલ્યા ગયા. એલિના અન્ય કામમાં જોતરાઈ ગઈ.જયકરભાઈએ સફેદ રંગના ઝભ્ભો અને લેંઘો પહેરવાનું મુનાસીબ માન્યું. એ પછી એમણે પોતાની બેગ તૈયાર કરી દીધી. એ દરમિયાન નાનકડી હેલી; આખા ઘરમાં અહીંથી તહીં અને તહીંથી અહી ફરતી રહી અને રમતી રહી. એ પછી એલિનાએ રેફ્રીજરેટરની સ્વિચ બંધ કરી દીધી. તેણે ઘરના પાછળના દરવાજે વજનદાર તાળું મારી દીધું. ઈલેક્ટ્રિસિટીની મેઈન સ્વિચ પણ બંધ કરી દીધી. કિચન અને જાજરૂ- બાથરૂમના નળ તપાસી જોયા. રાધણગેસની બોટલનો નોબ બંધ છે કે કેમ તે પણ જોઈ લીધું. એ પછી પોતે તૈયાર થઈ ગઈ અને હેલીને પણ તૈયાર કરી દીધી.
એ પછી એણે સાદ પાડ્યો, " પપ્પા, રેડી ? "
"યેસ બેટા" કહેતાં જયકરભાઈ એમના ઓરડામાંથી બેગ લઈને બહાર આવ્યા. એ દરમિયાન હેલીએ એલિનાનું પર્સ લીધું. એ વખતે એની તરફ કોઈનું ધ્યાન ગયું નહી. હેલીએ પર્સમાંથી ગાડીની ચાવી લઈ લીધી અને પર્સને તેના સ્થાન પર મૂકી દીધુ. સૌપ્રથમ ઘરની બહાર કોણ નીકળ્યું ? હેલી. ત્યારબાદ જયકરભાઈ નીકળ્યા. અને છેલ્લે એલિના નીકળી. તેણે જ તો ઘરના મેઈન દરવાજે તાળું માર્યુ. એલિના સ્ટીયરીંગ સીટ પર બેસી ગઈ. તેણે તેના સસરાને ગાડીની પાછળની સીટ પર દરવાજો ખોલીને બેસાડ્યા. હવે ક્રેટા અમદાવાદ જવા માટે તૈયાર થઈ ગઈ હતી. એ પછી એલિના પર્સ ખોલીને ગાડીની ચાવી શોધવા માટે ખાખાખોળા કરવા લાગી. એ પછી એની નજર હેલીની ખુલ્લી હથેળી ઉપર પડી. તેની હથેળીમાં ગાડીની ચાવી હતી. તે કહેવા લાગી, " પપ્પા, જોયું ને !.........કેવું હેરાન કરે છે."
પાછળની સીટ પર બેઠેલા પપ્પાના મનમાં કોઈ એક ફિલ્મી ગીતની પંક્તિ ઊભરી આવી. એ પંક્તિ હતી: યે જીવન હૈ, ઈસ જીવન કા યહી હૈ, યહી હૈ યહી હૈ રંગરૂપ…….."
