Prashant Subhashchandra Salunke

Tragedy Fantasy

4  

Prashant Subhashchandra Salunke

Tragedy Fantasy

પુસ્તકના એ ત્રણ પાના

પુસ્તકના એ ત્રણ પાના

7 mins
251


વર્ષો પહેલા એક કાર અકસ્માતમાં અવિનાશના માતાપિતા અવસાન પામ્યા હતા. જોકે તેમની મૃત્યુના સમાચાર સાંભળીને અવિનાશના આંખમાંથી અશ્રુનું એક ટીપું પણ વહ્યું નહોતું ! અને એ પાછળનું કારણ હતું દેવિકા ! શ્રીમંત ઘરની એ છોકરીને અવિનાશ દિલોજાનથી ચાહતો હતો. જયારે અવિનાશના માતાપિતાને આ વિષે જાણ થઇ ત્યારે તેઓ મુંઝવાઈ ગયા. તેમનું માનવું હતું કે માણસે ચાદર જોઇને જ પોતાના પગ ફેલાવવા જોઈએ. દેવિકાના શોખ અવિનાશની હેસિયત બહારના હતા. પરંતુ દીકરાની જીદ આગળ તેઓને નમવું પડ્યું હતું.

દેવિકા સાથે અવિનાશના લગ્ન કરાવવા તેઓ રાજી તો થયા પરંતુ એ પહેલા તેઓએ અવિનાશ સામે જન્મકુંડલી મેળવવાની શરત મૂકી. અવિનાશે આ શરત કબુલતા તેઓએ બંનેની જન્મકુંડળી મેળવી જોઈ. અવિનાશ જાણતો હતો કે ૩૬ માંથી ૧૮ ગુણ મળવા કોઈ મુશ્કેલ વાત નહોતી. પરંતુ હંમેશની જેમ અવિનાશના નસીબે તેને આ વખતે પણ દગો આપ્યો હતો. જન્મકુંડલી મેળવતા તેઓના માત્ર ૧૨ ગુણ જ મળ્યા હતા! જ્યોતિષે તો સાફ શબ્દોમાં કહી દીધું કે, “આ જોડાના લગ્ન કદાપી થઇ શકશે નહીં. અને જો એમ થશે તો છોકરાના જાનને જોખમ છે.”

અવિનાશ આટલેથી ન અટકતા બીજા જ્યોતિષોને પણ જન્મપત્રિકા દેખાડી પરંતુ બધાનો જવાબ સરખો જ હતો. તેના માતાપિતાને તો ભાવતું હતું ને વૈધે કહ્યું. તેઓએ આ તકને ઝડપી અને અવિનાશના લગ્ન માલતી સાથે ગોઠવી દીધા. અવિનાશે ત્યારે તો માલતી સાથે ચુપચાપ લગ્ન કરી લીધા હતા. પરંતુ આ વાતનો રંજ તેના મનમાં હંમેશ માટે રહી ગયો હતો. માલતી જેવી સુંદર અને સુશીલ પત્ની મળી હોવા છતાંયે આજે વર્ષો બાદ પણ દેવિકાને યાદ કરી તે તડપી ઊઠતો હતો. બીજી બાજુ પોતાની ટૂંકી આવક છે એટલે દેવિકા સાથે લગ્ન થયા નહીં આ વાતનો પણ તેને વસવસો થતો રહેતો. અને એટલે જ તે અવારનવાર લોટરીની ટિકિટો ખરીદતો રહેતો. પરંતુ ભાગ્યે અહીં પણ તેને સાથ આપ્યો નહીં. એકવાર તેને લોટરી લાગી હતી પણ માત્ર પાંચસો રૂપિયાની !

માતાપિતાના અવસાન બાદ અવિનાશ તેના દાદા દાદી સાથે રહેવા લાગ્યો હતો. માલતી તેઓની ખૂબ સારી રીતે સારસંભાળ લેતી હતી. આજે પણ તે તેમની ઔષધિ લેવા જ વૈદ્ય પાસે ગઈ હતી. દિવાળી નજદીક આવી હોવાથી અવિનાશે ઘરની સાફસફાઇ કરવાનું વિચાર્યું. આ વર્ષે તેણે દિવાળીમાં સહુ મિત્રોને ઘરે મિજબાની માટે બોલાવ્યા હતા. તેથી ઘર સાફસુથરું હોય તો જરા સારું લાગે આમ વિચારી તે ઘરની સાફસફાઈ કરી જ રહ્યો હતો.

સાફસફાઈ દરમિયાન તેની નજર માળિયા પર મુકેલા એક પટારા પર ગઈ. ‘બાપદાદાના એ જુના પટારામાં શું હશે ?’ એવી જીજ્ઞાસાથી અવિનાશે માળિયા પરથી પટારો નીચે ઊતાર્યો. જોકે પટારો ખોલ્યા બાદ અવિનાશને સિવાય નિરાશા કશું હાથ લાગ્યું નહીં. કારણ એ પટારામાં કેટલાક જુના કપડાઓ હતા. અવિનાશ મોઢું વકાસીને એક પછી એક કપડા જોવા લાગ્યો. જૂની ઢબના એ કપડા તેના કશા કામના નહોતા. તેમાં મુકેલી બોલબેટમ પેન્ટ જોઇને તેને તો હસવું જ આવી ગયું. ઓચિંતી તેની નજર પટારામાં મુકેલી એક કિતાબ પર ગઈ. કિતાબનું સુંદર મુખપૃષ્ઠ જોઈ અવિનાશની આંખ ચમકી. “ચાલો પટારામાંથી કોઈક તો કામની વસ્તુ નીકળી હતી. આ કિતાબમાં હું મારી અંગત વાતો લખીશ” આમ વિચારી અવિનાશે તે કિતાબને તપાસી. કિતાબમાં કુલ ૯૭ પાના સફેદ રંગના અને ત્રણ પાના ગુલાબી રંગના હતા. અવિનાશને એ જોઇને નવાઈ લાગી કે તે કિતાબ એકદમ કોરી હતી. આટલા વર્ષો દરમિયાન તેના પૂર્વજોએ તેમાં કેમ કશું લખ્યું નહીં હોય એવી મૂંઝવણમાં અવિનાશે જુના કપડા પટારામાં મૂકી તેને બંધ કર્યો.

ઘરની હજુ ઘણી સાફસફાઈ બાકી હતી. પરંતુ અવિનાશ તે કિતાબમાં પોતાના મનના વિચારોને લખવાથી ખૂદને રોકી શક્યો નહીં. વળી ‘પોતે ખૂબ થાકેલો હોવાથી કિતાબમાં લખવાને બહાને થોડો આરામ પણ થઇ જશે.’ આમ વિચારી અવિનાશ ડેસ્ક પાસે જઈ બેઠો. અને કલમ ઊઠાવી શું લખવું તે અંગે વિચારવા લાગ્યો. જોકે હાલ તેના મગજમાં ઘરની સાફસફાઈ ક્યારે પૂર્ણ થશે એ વિચાર જ મંડરાઈ રહ્યો હતો. અવિનાશે કલમ ઊઠાવી કિતાબમાં લખ્યું, “કાશ ! ઘરની સાફસફાઈ આપમેળે થઇ ગઈ હોત તો....” તે આગળ લખવા જતો જ હતો ત્યાં એક ચમત્કાર થયો. ઘરમાંની બધી વસ્તુઓ સાફ થઈને આપમેળે પોતાની જગ્યાએ ગોઠવવા લાગી. જોતજોતામાં તો આખું ઘર ચકાચક થઇ ગયું. અવિનાશને પોતાની આંખો પર વિશ્વાસ થયો નહીં. તેણે કિતાબમાં જોયું તો તેમાં લખેલું તેનું લખાણ ગાયબ થઇ ગયું હતું. ચોંકીને અવિનાશે કિતાબના પાના ઊથલાવી જોયા તો તેના આશ્ચર્યની કોઈ સીમા રહી નહીં. કિતાબના ત્રણ ગુલાબી પાનામાંથી એક પાનું પીળા રંગનું થઇ ગયું હતું. હજુ અવિનાશ પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ જ કરી રહ્યો હતો ત્યાં અંદરના ઓરડામાંથી તેની દાદીના આક્રંદનો અવાજ સંભળાયો. કિતાબને એકબાજુ મૂકી અવિનાશ તેના દાદા દાદીના ઓરડા તરફ દોડી ગયો. દાદી તેને આવેલો જોઈ રડતા રડતા બોલ્યા, “અવી, તારા દાદાને જો શું થઇ ગયું ? તેઓ મારી સાથે વાતો કરતા કરતા અચાનક પલંગ પર ઢળી પડ્યા. જોને તે કશું બોલતા ચાલતા નથી.”

અવિનાશે દાદાની નાડ તપાસી જોઈ. તેઓ મૃત્યુ પામ્યા હતા. અવિનાશના મનમાં વિચારોનું વમળ ઊઠ્યું, “મતલબ એ કિતાબમાં હું જે કંઈ લખું છું તે સાચું બને છે પરંતુ પરિવારના એક સભ્યના ભોગે! ના... ના... કદાચ આ મારા મનનો વહેમ હશે. કદાચ સંજોગવશાત આ બધું બની ગયું હશે. પરંતુ ઘરની સાફસફાઈ આપમેળે કેવી રીતે થઇ ગઈ ? અને તે કિતાબનું એક પાનું પીળું કેમ થઇ ગયું?”

“શું થયું ?” બહારથી આવેલી માલતીએ પૂછ્યું.

દાદીએ રડતા રડતા બધી વાત કહી. હવે માલતી પણ દાદી સાથે રડવામાં સાથ આપવા લાગી. પલભરમાં ઘરનું વાતાવરણ ગમગીન થઇ ગયું હતું. આ જોઈ અવિનાશ અકળાઈ ઊઠ્યો. તેની બધી મહેનત એળે ગઈ હતી. દાદાનું મૃત્યુ થતા જ હવે દોસ્તો સાથે દિવાળીની મેજબાની ઊજવવાના તેના સ્વપ્ન પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. તેણે કિતાબ કોઈના હાથમાં આવે નહીં તે રીતે અલમારીમાં છુપાવી દીધી.

 આ ઘટનાના થોડાક દિવસો બાદ અવિનાશે કિતાબને અલમારીમાંથી પાછી બહાર કાઢી. કિતાબનું એક ગુલાબી પાનું કેમ પીળું થઇ ગયું હતું તેનું કારણ અવિનાશ જાણી ગયો હતો. કિતાબ કોઈની પણ ત્રણ ઇચ્છાઓને પૂર્ણ કરી શકતી હતી. અવિનાશની એક ઈચ્છા પૂર્ણ થઇ હોવાથી તેની પાસે હવે માત્ર બે જ અવસર બચ્યા હતા. અને તેથી જ તેણે કિતાબમાં ખૂબ સમજી વિચારીને ઈચ્છા લખવાનું નક્કી કર્યું. શું લખવું તે અંગે તે વિચારતો જ હતો ત્યાં વર્ષો જુનો પ્રેમ તેના મનમાં જાગૃત થયો. એક આહ સાથે દેવિકાની તસવીર તેના માનસપટ પર ઊપસી આવી.

અવિનાશે વિચાર્યું કે, “ઈશ્વરે કિતાબ સ્વરૂપે દેવિકાને પામવાની તેને સોનેરી તક આપી છે. પરંતુ એ પહેલા તેના માથેથી ગરીબાઈનો શ્રાપ હટાવવો જરૂરી હતી. ભૂતકાળમાં તેના લગ્ન દેવિકા સાથે એટલા માટે જ થયા નહોતા કે તે ગરીબ હતો. પરંતુ આજે...”

મનને મક્કમ કરી અવિનાશે કિતાબમાં લખ્યું, “મને ખૂબ ધન સંપતિ મળવી જોઈએ.”

અવિનાશે આટલું લખી કલમ બાજુમાં મૂકી જ હતી ત્યાં તેનો મોબાઈલ રણકી ઊઠ્યો. અવિનાશે ઝડપથી કોલ ઊઠાવી મોબાઈલને કાને અડાડ્યો, “હેલ્લો.”

“અવિનાશ સર, વાત કરી રહ્યા છે ?” સામે છેડેથી સ્ત્રી અવાજ આવ્યો. “સર, તમને પુરા પચાસ કરોડની લોટરી લાગી છે.”

“મ... મને!” અવિનાશનો સ્વર ધ્રુજી ઊઠ્યો.

“યસ સર... વિકાસ ભંડોળ લોટરીની ટિકિટ તમે પંદર દીવસ પહેલા ખરીદી હતી ને ?”

“અરે! હા... એ ટિકિટ મારી પાસે જ છે.” અવિનાશે ખુશ થતા કહ્યું.

“અભિનંદન સર... ટૂંક સમયમાં જ અમારા એજેંટ તમારો સંપર્ક કરશે.”

“આભાર”

ફોન વિચ્છેદ થઇ ગયો.

અવિનાશને વિશ્વાસ જ થયો નહીં. તેના ભાગ્યે અચાનક પલટી મારી હતી. અને તે શક્ય બન્યું હતું. ફક્ત ને ફક્ત એ કિતાબને લીધે. અવિનાશ ઉત્સાહથી કિતાબને ચૂમી ઉઠ્યો. તે ખુશીથી ઝૂમી જ રહ્યો હતો ત્યાં રસોડામાંથી માલતીની ચીસ સંભળાઈ.

“શું થયું માલતી?”

“અવિનાશ... જલદી રસોડામાં આવ... દાદી... દાદી...”

અવિનાશે કિતાબમાં જોયું તેનું બીજું પાનું પણ પીળા રંગનું થઇ ગયું હતું. “દાદીના ભોગે પચાસ કરોડ રૂપિયા મળવા એ કોઈ ઘાટાનો સોદો નથી.” મનોમન મલકાઈને અવિનાશ રસોડા તરફ દોડી ગયો.

*****

દાદીને ગુજરીને આજે પંદર દિવસ થઇ ગયા હતા. લોટરીના પૈસા તેને મળી ગયા હતા પરંતુ આ વાત અવિનાશે માલતીથી છુપાવી રાખી હતી. આજે ત્રીજી ઈચ્છાપૂર્ણ કરવાના ઈરાદે અવિનાશ બિલ્લીપગે શયનખંડમાં આવ્યો. માલતી સુઈ ગઈ છે તેની ખાતરી કરી લીધા બાદ તેણે અલમારીમાંથી કિતાબ બહાર કાઢી. હવે વારો હતો અંતિમ ઈચ્છાને પૂર્ણ કરવાનો. જન્મકુંડલીના ભવિષ્યને ખોટું ઠેરવી પોતાનું ભાગ્ય બદલવાનો. દેવિકાને હંમેશ માટે પોતાની કરી લેવાનો. પરંતુ હવે તેના પરિવારમાં માત્ર તેની પત્ની માલતી જ બચી હતી. તે જાણતો હતો કે ત્રીજી ઈચ્છા માંગતા જ માલતીનું મૃત્યુ નિશ્ચિત હતું. પરંતુ અવિનાશને આ વાતથી કોઈ ફરક પડતો નહોતો. આમપણ દેવિકા મળી જતા તેને માલતીની કોઈ જરૂર નહોતી. ઊલટાની આગળ જતા માલતી કબાબમાં હડ્ડી જ બનવાની હતી.

અવિનાશે કલમ ઊઠાવી ઊંડો શ્વાસ લીધો. માલતી ગાઢ નિંદ્રામાં હતી. અવિનાશે ઝડપથી કિતાબમાં લખ્યું, “દેવિકા મારી સાથે લગ્ન કરવા રાજી થઇ જાય અને...”

 અવિનાશનો ફોન રણક્યો. સ્ક્રીન પર કોઈ અજાણ્યો નંબર ઝળહળતો હતો. કોલ ઊઠાવી મોબાઈલને કાને અડાડતા અવિનાશ બોલ્યો, “હલ્લો.”

“ઓળખાણ પડી?”

"કોણ દેવિકા?”

“હા... અવિનાશ. હું દેવિકા. અવિનાશ મને માફ કરી દે. તારી સાથે લગ્ન નહીં થયાનો વસવસો મને હમંશે થતો રહે છે. તારાથી હવે દૂર રહેવાતું નથી. હું મારા પતિને છૂટાછેડા આપી અબઘડી તારી પાસે આવી રહી છું. હું હવે સદાય માટે ફકતને ફક્ત તારી બનીને રહેવા માંગું છું ?”

“શું?” અવિનાશને આશ્ચર્યનો ધક્કો લાગ્યો.

“અવિનાશ, હું તારી સાથે લગ્ન કરવા માંગું છું. બોલ મને અપનાવીશ ને ?”

અવિનાશના દિલની ધડકનો તેજ થઇ. ત્યાંજ મોબાઈલમાંથી અવાજ આવ્યો, “આઈ લવ યુ. અવિનાશ.”

બસ! ખલાસ. અવિનાશ આટલો આંનદ જીરવી શક્યો નહીં. હ્રદયના તેજ થયેલા ધબકારા હવે તેની છાતીને પીડા આપવા લાગ્યા. તેના હાથમાંથી કિતાબ છટકીને નીચે ભોંય પર પડી. અવાજ સાંભળી માલતી જાગી ગઈ, “શું થયું અવિનાશ ”

“હુ... હુ...”ના ઘોઘરા સ્વર કાઢતો અવિનાશ ખુરશી પરથી ઢળી પડ્યો. આ જોઈ માલતીના મુખમાંથી “અવિનાશ...”ની કારમી ચીસ નીકળી ગઈ.

અવિનાશ મૃત્યુ પામ્યો હતો. આ જોઈ માલતી પોક મૂકીને રડવા લાગી. બિચારી એ વ્યક્તિ માટે અશ્રુ સારી રહી હતી કે જે પોતાને ક્યારેય સમજતો જ નહોતો પરિવારનું અંગ.અવિનાશની જીંદગીની કિતાબ હંમેશ માટે બંધ કરી હવામાં ફરફર ઝૂમી રહ્યા પીળા પડી ગયેલા પુસ્તકના એ ત્રણ પાના.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy