પત્ર
પત્ર
પાર્થના પિતાજી ખુબ ધર્મનિષ્ઠ માણસ. એમનું નામ પ્રમોદભાઈ. એમનો ધંધો બરાબર ફૂલ્યો ફૂલ્યો હતો. દર વર્ષે આયોજન થતી બિઝનેસ એસોસિયેશનની મીટીંગમાં પ્રમુખ તરીકે ચુંટાઈ આવતા. એમાંય આ વખતે 'મોરના ઈંડા ચીતરવા ન પડે' એની જેમ પાર્થ સૌથી યંગેસ્ટ બિઝનેસ મેન તરીકે એવોર્ડ લાવ્યો. ખુબ ખુબ ખુશી છલકાવતી મહેફીલ જામી હતી. મહેફિલ માણી, સફળતાના સ્વાદ સાથે પાર્થ મોડી રાત્રે ઘરે આવી સૂઈ ગયો. સવારે ઉઠ્યો ત્યારે પ્રમોદભાઈનો પત્ર મોબાઇલ નીચે પડેલો મળ્યો.
કાયમી સરનામું : આપણું ઘર
રસ્તો : મારા ઓરડાથી તારો ઓરડો
તારીખ : રોજની
વિષય : મને સંસાર પ્રત્યે વૈરાગ્ય આવી જતા નવી શરૂઆત કરવા અંગે
મારા વ્હાલા, લાડકા પુત્ર,
તારીખ રોજની એમ એટલા માટે લખ્યું કે તું જ્યારે પણ વાંચે વાત આજની જ હોય એવું લાગે. હા બેટા, મને ખબર છે તું વારંવાર પત્ર વાંચીશ. તને મારી હૂંફ અને હાજરી સતત અનુભવાશે. હું તને આજે નહીં પૂછું કે તું કેમ છો ? ગત રાતની મહેફીલ અને એવોર્ડની ખુશી હજુ તારી આંખોમાં ચમકે છે. હું જોઈ શકું છું. અનુભવી શકું છું. હું ઝરૂખામાં બેસીને તને પત્ર લખી રહ્યો છું. કદાચ તું આ પત્ર વાંચતો હશે ત્યારે પણ અહીં ઝરૂખામાં રાખેલ હીંચકા પર બેઠો હોઈશ.
હું તારી ઉંમરે ખુબ જ ઉત્સાહિત થઈને કામ કરતો હતો. રાત-દિવસ જોયા વગર કામ, મીટીંગ, કોન્ફરન્સ, લંચ વગેરેમાં વર્ષો પાણીના રેલાની માફક ચાલ્યા ગયા. તારી મમ્મી ઘણીવાર કહેતી કે કામ થોડું ઓછું કરી નાખો તો શાંતિથી જીવી શકાય. તમે પાર્થને સમય આપો. મને તારા મમ્મી પર પૂરો વિશ્વાસ. ઘર, વ્યવહાર અને તને એવા સંભાળ્યા કે હું જાણે બધાથી સાવ બેફિકર, અજાણ. હું માત્ર ને માત્ર ધંધો જ કેન્દ્રસ્થાને રાખી ખુબ ખુબ ધન કમાયો. આપણા જીવનમાં માત્ર ને માત્ર ખુશીઓ જ હતી. અચાનક જ તારા મમ્મીને હૃદયનો હુમલો આવ્યો હતો. હું તરત જ દવાખાને લઈ ગયો. યોગ્ય સારવાર આપી. પણ તારા મમ્મીની જિંદગી જ ટૂંકી નીકળી.
મેં સપના જોયા હતા કે તારા લગ્ન થઈ જાય પછી અમે બંને પતિ -પત્ની હરિદ્વાર, બદરીનાથ, જગન્નાથપુરી બધે ફરવા જશું. હું તારા મમ્મીને કહેતો પણ ખરો કે જાત્રા નહીં હો. આપણે તો ફરવા જ જવાનું. એ હસી પડતી અને કહેતી કે આપણે બંને અહીં ઝરૂખામાં સાથે બેસીને ચા પીએ ને એ સુખની અનુભૂતિ અદભૂત છે.
ધંધામાં મારા બધા નિર્ણયો સાચા પડ્યા પણ તારા મમ્મીના જીવનકાળનું મારુ ગણિત ખોટું પડયું. એના સાથને છેવટ સુધીનો સાથ માનીને આયોજન કરતો રહ્યો. તારા મમ્મી સાથે અંતિમ વર્ષો ગાળવાના મારા સપના સાકાર ન થયા. હું અંદરથી ભાંગી ગયો. તેની મહાનતાને મનોમન રોજ વંદન કરતો રહ્યો.
તારા મહત્વના વર્ષો હવે જ આવતા હતા.
ખુબ ખુબ ધન કમાવા પછી વૈરાગ્ય આવતો જતો હતો. મેં મારું મન મજબૂત કરી તારું ભવિષ્ય ઉજ્જ્વળ કર્યું. આજે તું ત્યાં જ ઊભો છે જે ઊંચાઈએ મેં તને પહોંચાડવાનું મનથી બીડુ ઝડપ્યું હતું.
ગીતાજીમાં અર્જુન શ્રીકૃષ્ણને સંન્યાસનો સિધ્ધાંત સમજવા માટે કહે છે કે જો બધુ મિથ્યા છે તો સંસારનો ત્યાગ કરી સાધુ બનવું જ ઉતમ છે. સંન્યાસ ધારણ કરવો હોય તો યુધ્ધ શા માટે ? રાજ્યનો મોહ શા માટે? ત્યારે શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવે છે કે જ્યારે હસ્તિનાપુરને સાચી જરુર હતી ત્યારે જ દેવવ્રત 'ભીષ્મ' અને રાજા પાંડુએ વૈરાગ્ય અપનાવી રાજગાદીનો ત્યાગ કર્યો. એટલે જ મહાભારતનું યુધ્ધ થયું. ભીષ્મે પ્રતિજ્ઞા ન કરી હોત તો ચિત્રાંગદ ને વિચિત્રવીર્યના અવસાન પછી પણ રાજા બની શક્યા હોત. પરિવર્તન એ જ સંસારનો નિયમ છે એ સત્ય સ્વીકારી લગ્ન પણ કરી શક્યા હોત. એ ન થયું, વાંધો નહી પણ પાંડુ, તારા પિતા જે યોગ્ય રાજા હોવા છતા રાજ્યનો ત્યાગ કર્યો. તેઓ રાજ્યમાં રહીને ઋષિની હત્યાનું પાપ નિવારી શક્યા હોત. આમ, યોગ્ય વ્યક્તિ સંન્યાસ લે ત્યારે આવો દુષ્કર સમય (મહાભારત યુધ્ધ) સર્જાતો હોય છે. હે ! અર્જુન, આ યુધ્ધ તારું નથી. આ ધર્મયુધ્ધ છે. તારે તારુ કર્મ કરવાનું છે. તું ફળની આશા રાખીશ તો યુધ્ધ ક્યારેય નહીં કરી શકે. ફળની આશા માણસને દુર્બળ બનાવે છે.
બેટા, એટલે જ કદાચ ઘટોત્કચ અને અભિમન્યુ આજે પણ અમર છે. બંને ભાઈ મૃત્યુ નક્કી હોવા છતાં લડ્યા હતા. તને થશે કે આજે હું તને ઉપદેશ કેમ આપુ છું. હા બેટા, મને વૈરાગ્ય તો આવી જ ગયો હતો પણ તારી જવાબદારીથી છટકીને મારે સંસાર ત્યાગ કરવો ન હતો. હું કાયર નથી. ગીતાજીમાંથી ઘણું ઘણું શીખવા મળે છે. ઉપરનું દ્રષ્ટાંત હું જીવનમાં ઉતારી શક્યો એની મને ખુશી છે.
હું તને એ જ સલાહ આપીશ કે તું પરિવારને મહત્વ આપજે. ચોક્કસ સમયે ચોક્કસ કાર્યો કરવાથી સફળતા અને સંતોષ મળે છે. તારા લગ્નનો સમય આવી ગયો છે. દર વર્ષે પરિવાર જોડે ફરવા જવું. પ્રવાસ નાનો કેમ ન હોય પણ એ આનંદદાયક હોવો જોઈએ.
મારો હવે સંસારમાંથી વૈરાગ્ય લેવાનો સમય આવી ગયો છે. મારી અવારનવાર મુલાકાતો આશ્રમની રહશે. હું અહીં અલિપ્તભાવે રહીશ. મારું જીવન સાદું અને ભોજન સાત્ત્વિક (મસાલા વગરનું) રહેશે. વધારે સમય ભક્તિમાં ગાળીશ. ધર્મકાર્યમાં જ રચ્યોપચ્યો રહીશ એટલે આપણી મુલાકાત બહુ ઓછી થશે. કોઈ અનાથની ફી ભરવી કે કોઈને દવાખાને લઈ જવું , વૃધ્ધાશ્રમમાં શ્રમદાન, ધનદાન, કરીશ. મને વૈરાગ્ય આવી ગયો એટલે હું કંઈ જંગલમાં ઝૂંપડી બાંધીને નહી રહું. હું આ ઘરમાં જ રહીને મારા નવા જીવનની શરુઆત કરીશ. બેટા, તું સાથ આપીશ ને ?
જેમ કમળ કાદવમાં હોય ત્યારે કાદવ કે પાણી તેને સ્પર્શે નહીં તેમ સંસારમાં રહીને વૈરાગ્યના નિયમો પાળી શકાય. જે ગીતાજીમાં સ્પષ્ટ છે. હિમાલયમાં જઈને બેસી જઈએ એ સંન્યાસ સહેલો છે પણ સંસારમાં રહીને સંન્યાસના નિયમો પાળવા એ જ ઉતમ 'ધન્ય ગૃહસ્થાશ્રમ' કહ્યો છે. તું એવું જીવન જીવવાનો પ્રયત્ન કરજે.
હું હવે ઓફિસે નહીં આવું. કોઈ નિર્ણય પણ નહી લઉં. તારે જ બધું સંભાળવાનું છે. કોઈ વિકટ પરિસ્થિતિ ઊભી થાય તો માર્ગદર્શન લેવા જરુર આવજે. અંતિમ નિર્ણય તારો જ રહેશે.
હું નવી શરુઆત - વૈરાગ્યના પંથે કરવા જઈ રહ્યો છું. તું સદા મને સહકાર આપજે. તું નીરોગી અને લાંબુ આયુષ્ય ભોગવે એ જ મારા આશીર્વાદ. તારા પર માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની કૃપા સદા સદા બની રહે. મારા આગલા જન્મનાં પુણ્ય કે મને તારા જેવો સમજદાર પુત્ર મળ્યો. મારા આગલા જન્મનાં સંચિત પુણ્યથી જ ધર્મકાર્ય કરી શકીશ. મારા જીવનમાં ધર્મને વણી શકુ,
એ મારું અહોભાગ્ય હશે.
લી. તારા હિતનું સદા ચિંતન કરનાર,
તારા પર સદા પ્રેમની વર્ષા કરનાર,
તારા પ્રેમાળ પિતાના શુભાશિષ.
