પતંગિયું
પતંગિયું
'એ પતંગિયું તો આખો દિવસ નાચતું-કૂદતું પેલા ફૂલની આસપાસ ઉડ્યા કરે ને પ્રેમ ગીત ગાયા કરે.પોતાની સુંદરતા ને સુગંધના મદમાં હવા સાથે અડપલાં કરતાં ફૂલને એની ક્યાં પરવાહ હતી ? ફૂલને પામવાની ધૂનમાં ,પોતાની જાતને ભૂલી -ભૂખ્યા તરસ્યાં- હું તારું જ છું -હું તારું જ છું એમ રટતાં-રટતાં એ પતંગિયું મૃત્યુ પામ્યું.
ને ત્યારે ફૂલને સમજાયું કે...'
સ્ટૂપીડ સ્ટોરી...આ વોટ્સએપમાં લોકો આવી બોરીંગ પોસ્ટ કેમ મૂકતાં હશે ? બબડતાં -બબડતાં અંશી એ ઘડીયાળમાં જોયું. આલોકની ફ્લાઇટ જસ્ટ લેંડ થઇ હશે. બહાર નીકળી આ દૂરની હોટલમાં પહોંચતા હજી એને દોઢ કલાક તો ખરો જ ! ઘરથી દૂર---હેડઓફીસમાં બીઝનેસ ટૂર માટે આવેલી અંશીનો આજે છેલ્લો દીવસ હોવાથી એ વહેલી ફ્રી થઈ ગઇ હતી. આ અજાણી જગ્યાએ હોટલના રુમમાં આરામ કરવો એજ સારો વિકલ્પ હતો. અચાનક એને કંઇ યાદ આવતાં એણે રીસેપ્શન માં ફોન જોડ્યોને થોડી પૂછપરછ કરી આ રુમ બીજી બે રાત માટે પોતાના નામ પર બુક કરાવી લીધો. ચાલ,હવે નાહી ને તૈયાર થાઉં ત્યાં આલોક પહોંચી જ જશે.
આજે તો મને જોતાં જ એ ફ્લેટ થઇ ફ્લર્ટ કરવા માંડે એવી તૈયાર થાઉં ! બેગમાંથી એક લો નેકનો શોર્ટ ડ્રેસ પસંદ કરી એ બાથરૂમમાં શાવર લેવા ઘૂસી. ન્હાવાની શરુઆત કરી જ હતી ને એનો મોબાઇલ વાગ્યો. સ્ક્રીન પર વિકીનું નામ જોતાં જ એને યાદ આવ્યું,.શીટ્...વીકીને ઇન્ફોર્મ કરવાનું જ રહી ગયું ! શાવર બંધ કરતાં એણે ફોન રીસીવ કર્યો અને બોલી "હાય..બેબી..હું તને ફોન કરવાની જ હતી. પણ કામમાં મોડું થઇ ગયું. જો ને હજી ઓફિસમાંજ છું. ડીયર.. મારે હજી બે દિવસ વધારે રહેવું પડશે. આય મીસ યુ
સો મચ..આવું બહારગામ જવું પડે એવી નોકરીને તો હવે લાત જ મારવી છે."
એને અધવચ્ચે અટકાવતાં જ વિકી બોલ્યો"નો ડાર્લીંગ તારે તારી કેરીયર સાથે કોમપ્રોમાઇઝ કરવાની જરાય જરુર નથી. આય વીલ એડજસ્ટ..ને ડીયર હું તારી કેટલી રાહ જોઉં છું તને કેમ કહું ? બટ, લેટમી ટેલ યુ..આય એમ યોર્સ..હું તારો જ છું." બાય કહી ફોન મૂકતાં અંશી એ વિચાર્યું -પુવર બેબી....'હું તારો છું ' એવું રટતાં-રટતાં પેલા પતંગિયાની જેમ મારો વર દુખી ન થાય તો સારું. બાકી નસીબ એના..આય કાન્ટ સ્ટોપ લીવીંગ માય લાઇફ...
શાવર લઇ મેકઅપ કરી તૈયાર થઇ આલોકને ગમતું પરફ્યુમ સ્પ્રે કર્યુ ત્યાંજ બેલ વાગી. સામે આલોકજ ઉભો હતો. બેગ ફેંકતા જ અંશીને ભેટતા જ એ બોલ્યો ઓહ ! લવ ! હું તને કેટલું મિસ કરતો હતો.અંશી એના બાહુપાશમાં ખોવાઇ ગઇ.
થોડીવારે કંઇ યાદ આવતાં આલોકે ફોન કાઢ્યોને અંશી સાથે અડપલાં કરતાં બોલ્યો-- સીધી-સાદી મારી વાઇફને તો કહી દઉં ! નહીં તો ભૂખી-તરસી મારી ચકી મારી રાહ જોયા કરશે. આલોકે ફોન કરી મીશાને કહી દીધું કે એની ટૂર બે દિવસ લંબાઈ ગઇ છે ને અરજન્ટ મીટીંગ માટે એ આજે દિલ્હીથી અમદાવાદ પહોંચી ગયો છે.
હૂર્ રે....મારે ઘરે જવાની જરૂર નથી. આપણે હજી બે દિવસ એન્જોય કરી શકીશું. તું ને હું ...બસ...!
આલોકનો સ્ટે પણ લંબાઈ ગયો છે. એને અમદાવાદ જવું પડ્યું છે. વિકીને વીંટળાઈ વળતાં મીશા બોલી.વોટ ? અમદાવાદ ? ક્યાંક આલોકને અંશી તો ? બીજી જ ક્ષણે મીશા ને વીકી ખડખડાટ હસી પડ્યાં. ને મીશાની કમરમાં હાથ નાખતા વીકી બોલ્યો "ફરગેટ ઇટ..એકજ જીંદગી છે...પતંગિયા જેવી રંગીન એને બનાવી દઇએ."