પતંગ
પતંગ
પક્ષીઓની કિકિયારીઓ સાંભળી વિધવા રમીલાએ ઘરમાંથી દોટ મૂકી ! લોહીથી ખરડાયેલાં એ નાનકડાં જીવને બચાવવાના શક્ય એટલા પ્રયત્નો રમીલાએ કર્યા પણ પતંગ સાથે બંધાયેલએ દોરીએ આ નિર્દોષ પક્ષીની જીવનદોરી કાપી.
પક્ષીઓની શોકસભામાં આંસુ સારતી રમીલાનું મન ફરિયાદ કરી રહ્યું કોણે કાઢ્યું હશે આ પતંગો ચગાવવાનું ? એકાએક તેને યાદ આવ્યું કે મારો રઘલો ક્યાં ? આજ તો એ નિશાળે પણ નથી ગયો. ત્યાં તો હાથમાં થોડી પતંગ-દોરીને એક કોથળી લઇ “એ કાયપોચ છે.” કરતો રઘુ આવ્યો.
“માં જો તો ખરી કેવી મસ્ત પતંગો છે ! આજે તો દસ પતંગો લૂટી. ને એમાંથી સાત પતંગો વેચીને આ બાજરીનો લોટ લાવ્યો.”
કોઇકે સાચું જ કહયું છે કે, 'જવાબદારીઓ માણસને નાની ઉંમરે જ વધુ સમજદાર બનાવી દે છે’. કોથળીમાંથી કોઈકે આપેલ ‘ચીક્કી’ અને ‘લાડુ’ હરખભેર ખાતા મા-દીકરાએ ઉત્તરાયણની ઉજાણી કરી. બીજે દિવસે તો રઘુ રમીલા કરતા પણ વહેલો ઊઠી ગયો અને પતંગો પકડવા છાપરે ચડ્યો. કોઈકને પતંગો ચગાવવાનો આનંદ હોય છે તો કોઈકને પતંગ લુંટવાનો ! ચૂલે બેસી રમીલા રોટલા ઘડતી હતી ત્યાં તો અચાનક ધડામ... કરતો અવાજ.
હાય રે ! મારો રઘલો ! વીજળીવેગે રમીલા દોડી પણ એ પહેલા તો વીજળીના તારે મરણ તુલ્ય ઝાટકો મારી રઘુને છાપરેથી નીચે ફેંકી દીધો. ગઈકાલે જ્યાં પક્ષી કણસતું હતું ત્યાં આજે એનો રઘલો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો હતો. કેટલાક દયાળુ લોકો પતંગોને બાજુ પર મૂકી રઘુને દવાખાને લઇ ગયા. ત્રણ માસની સારવારને અંતે ડૉક્ટરોએ જીવતી લાશ સમાન ‘લકવાગ્રસ્ત’ રઘુ રમીલાને સોપ્યો. વિધવા રમીલા રઘુને ઉઠાડવાના જાતજાતના પ્રયત્નો છેલ્લા ત્રણ વર્ષથી કરે છે.
આજે ફરી ઉત્તરાયણ છે. રમીલા લાલ, લીલી, પીળી પતંગો બતાવી, ‘એ કાયપોચ છે.’ ની બૂમો પાડી રઘુને ઉઠાડવાના નિષ્ફળ પ્રયત્નો કરે છે. તેનું મન આજે પણ ફરિયાદ કરે છે. શું ઉત્તરાયણ ઉજવણીની આ સાચી રીત છે ? પતંગ અને દોરી શું માત્ર આગળ વધવાનો જ સંદેશ આપે છે કે પછી નિર્દોષ પક્ષીઓ અને નિર્દોષ માનવજીવની જીવનદોરી પણ કાપે છે ? ફરિયાદ કરતી આંસુ સારતી ‘એ કાયપોચ છે’ની બૂમો પાડતી રમીલા ત્યાં જ ઢળી પડી !
