પશ્ચાતાપ
પશ્ચાતાપ
પોરસાતી વેદનાને સમેટવામાં અસમર્થ કનનની કાયા અને મન સફાળા બેઠાં થઈ એક અજાણી દિશા તરફ ચાલવા માંડ્યા. નોધારા,ગૂંગળાતાં શ્વાસોનો સધિયારો સાધી ન જાણે ક્યાં વિચારે એ તોંગીગ ઝાડનાં પડતાં કાળામેશ પડછાયાથી ઢંકાયેલાં રસ્તા પર ચાલી જઈ રહી હતી. અંધારી વરસાદી રાત, સૂમસામ સડક સાથે વીજળીનાં ચમકારા, ભલભલાને કંપારી છૂટી જાય પરંતુ કનન તો જાણે આજે એક જીવંત લાશ જ બની ગઈ હતી. આથી જ કદાચ તેને આ ભયાવહ રાતનો કોઈ ભય નહોતો લાગતો. એ મૃત્યુને ભેટવાં જ તો આમ નીકળી પડી હતી.
કનનનાં શૂન્યમનસ્ક મનમાં અચાનક તેનાં માતા-પિતાની યાદોનો વરસાદ થયો. બહારથી નભ ભીંજવી રહ્યું હતું, ને બીજી બાજુંએ પશ્ચાતાપની અગ્નિ તેને ભીતરથી દઝાડી રહી હતી. કેતુલનાં પ્રેમમાં પાગલ થઈ કનન પોતાનું સર્વસ્વ છોડી તેની સાથે ભાગી આવી હતી. કેતુલનાં મિલનની ઝંખનામાં પાગલ થયેલી કનનને માતા-પિતાનાં વિશ્વાસને તોડતાં ક્ષણવાર પણ ન લાગી. જેને ખાતર બધાં સંબંધોને એ પાછળ છોડી આવી હતી એજ પ્રિયજનોનાં વિયોગનો વિષાદ તેને અંદર અંદર ડંખી રહ્યો હતો. ક્યાં મોઢે પાછી ફરું ? ઘરની તમામ સંપદા, દાગીના, પૈસા બધું આટોપી તેણે વિશ્વાસઘાતી કેતુલને ધરી દીધું હતું.
કનનની કાયા અને સંપત્તિનો ભોગવટો કરી આખરે આજે કેતુલ કનનને નિરાધાર કરી ભાગી ગયો હતો. કનનને ચાહવા વાળાની કમી ક્યાં હતી જ, પણ કનનની કાલ્પનિક દુનિયામાં દેખાતો રાજકુમાર જેવો દેખાવડો કેતુલ પહેલી જ નજરમાં તેનાં દિલમાં સમાઈ ગયો હતો. રૂપનાં ઉજળાં દેખાતાં તન પાછળ છૂપાયેલું કેતુલનું કુરૂપ મન કનન ક્યારેય ન જોઈ શકી, ન જાણી શકી. તેણે કુહાડી પર પગ નહીં, પગ પર કુહાડી ધરી દીધી હતી. હાથનાં કરેલાં હૈયે વાગ્યાં, પણ હવે બહું મોડું થઈ ગયું હતું.
મૃત્યુ જ એકમાત્ર વિકલ્પ છે એજ વિચારે તેનાં ડગ ગતિ સાથે આગળ વધવાં લાગ્યાં. આગળથી પૂર જોશમાં આવી રહેલાં ટ્રક સાથે એ બાથભીડવાં જ જતી હતી કે કોઈ અજાણ હાથે તેને ઝટકાભેર રસ્તાની સાઈડ પર ખેંચી લીધી. ઘડીભર ચક્કર ખાઈને સ્વસ્થ થતાં કનને પાંપણો ઊંચી કરી તો સામે કેશવ હતો. બોલતાં બોલતાં અચકાઈ જતાં કેશવની મજાક ઉડાવતી કનન એ વાતથી અજાણ હતી કે કેશવ તેને સાચાં દિલથી પ્રેમ કરતો હતો. જ્યારે તેને આ વાતની ખબર પડી ત્યારે કોલેજમાં બધાની સામે તેને લતાડતાં ન કહેવાનું કહ્યું હતું. એ બધું યાદ આવતાં કનનની આંખો શરમથી નમી ગઈ. તે બેઠી થઈ ફરી ચાલવા લાગી ત્યારે કેશવે તેને કહ્યું," હું તારી પરિસ્થિતિનો લાભ લેવાં નથી આવ્યો, બસ તારો સાથ દેવાં આવ્યો છું એક મિત્ર તરીકે, વિશ્વાસ રાખ હું બધું ઠીક કરી દઈશ. ભૂલ કોનાથી નથી થતી ? છોરું કછોરું થાય પણ માવતર નહીં મને વિશ્વાસ છે તારો પરિવાર તને માફ કરી જરૂર અપનાવશે".
કેશવની વાત સાંભળી કનનની આંખોમાં અશ્રુઓનું અનરાધાર પૂર ધસી આવ્યું, તે ઢગલો થઈ કેશવનાં પગમાં પડી ગઈ. નોધારા પીંખાતા પશ્ચાતાપનાં આંસુઓને એક નવી આશા મળી, કેશવનો સાથ મળતાં જ તેનામાં પરિસ્થિતિ સામે લડવાની હિંમત આવી. આ સાથે જ કાળાં ડિબાંગ વાદળોને ચીરતાં સૂર્યનાં કૂંણા કિરણોએ કનનને સ્પર્શીને નવી દિશાઓ તરફ આગળ વધવાં જાણે આંગળી ચીંધી. કનન કાળી રાતની એ ભયાનકતાનાં અનુભવનો નિચોડ લઈ જીવનનાં નવાં પથ ખેડવા માટે સજ્જ થઈ ગઈ.
