Amrut Patel 'svyambhu'

Tragedy Inspirational

4  

Amrut Patel 'svyambhu'

Tragedy Inspirational

પ્રતીક્ષા

પ્રતીક્ષા

7 mins
627


  એક ખુણામાંથી પ્‍લાસ્‍ટિકનાં ટુકડાને થોડો ખસેડી અશ્‍વિને બહાર જોયું તો થોડી વાર પહેલાં જે ઘટ્ટ બનીને વરસી રહયા હતાં તે કાળા ડિબાંગ વાદળો હવે થોડા ધીમા પડયા હતાંં. આરામ કરીને આગળ વધતા મુસાફરોની જેમ વિખેરાય રહયા હતાંં.

પશ્‍ચિમ દિશામાં લાલ ગોળો વાદળની પાછળ લપાતો છૂપાતો નીચેની તરફ સરકી રહ્યો હતો. બીજા દિવસે આ ગોળો ફરી પૂર્વમાં ઊગી નીકળશે અને તે સાથે જ સાંજ પડયે હંમેશ જેમ ડૂબી જશે.

અશ્‍વિન પોતાની એકલતાને અવનવી કળાઓથી ભરી દેતો. કયારેક દુઃખનો તીવ્ર સણકો ઉપડી આવતો. આંતરબાહય પીડયા કરતો. પોતાનું કોઈ નથી અથવા કદાચ કયાંક છે તો એની કોઈ જ જરૂર નથી. આવો વિચાર આળા મન પર પાક થયેલા ઘાની જેમ પીડાતો ત્‍યારે તેનું મન એક ઊંડી વેદનાથી ભરાઈ જતું. એકલતાનાં આવા શૂન્‍યાવકશમાં તે જીવી રહ્યો હતો.

...પણ ના, તે એકલો કયાં હતો ! તેની પાસે તો હતી નાની સરખી દુનિયા. આ દુનિયામાં રહસ્‍યમય કરવટ બદલી રહેલી નવલકથા અને આ બધાથી પણ જો વિશેષ હોય તો તે એક નામ...

'શોભા... ! !'

અને શોભા નામ તેનાં મસ્‍તિષ્‍કમાં આવતાની સાથે જ જીભ લચકાવતો કાળોતરો એની બાજુમાં સરકી આવ્‍યો હોય તેમ તે ભયભર્યો બેઠો થઈ ગયો. અશ્‍વિન આંખ મીંચી ગયો. હાંફતા હાંફતા વિચારી રહ્યો હતો.

'ના... ના... શોભાને કયાં મારા જેવી બિમારી છે ? શોભાનું શરીર તો સાવ સારું નરવું છે અને હજુ પણ સશકત કામ કરે તેવી છે. એટલે એને તો આમ મારી જેમ… !' અશ્‍વિન કંપી ઉઠયો.

આજ પાંચમી તારીખ, દર મહિનાની નિયત તારીખ. બીજી તારીખે અશ્‍વિનને તેના પેન્‍શનનો મનીઓર્ડર મળી જતો. આ રકમમાંથી પાંચમી તારીખે તે શોભાને હાથ ખર્ચી માટે થોડી રકમ મોકલી આપતો. આ પૈસા શોભાને કોણ મોકલે છે તેની ભણક પણ ન પડે એટલા માટે મનીઓર્ડરમાં પોતાનું નામ-ઠામ અરે... નામ તો શું એના અક્ષરને પણ શોભા ઓળખતી એટલે બાજુમાં રહેતા છ ચોપડી ભણેલાં મંગલા પાસે તે મનીઓર્ડર લખાવી નાંખતો અને પોસ્‍ટ કરી દેતો.

મનીઓર્ડર કરી જર્જરિત ઝૂંપડીમાં આવી અશ્‍વિને પાતળી પથારીમાં લંબાવ્‍યું. આજ બહાર જ સાદી હોટલમાં જમી આવ્‍યો હોવાથી રાંધણમાંથી છૂટકારો હતો. બહાર ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. બહારથી થોડો ભીંજાયને આવેલ હોવાથી તેનું શરીર ઠંડીથી કંપી રહયું હતું. કંપાતા હદયે શોભા સાંભરી રહી હતી !

તે દિવસ ભાગ્‍યશાળી હતો. શોભાને લઈને તે એના ઘેર આવ્‍યો હતો. શોભા સંસ્‍કારી ઘરની ને સુશિક્ષિત હતી. અશ્‍વિનનાં ઘરવાળાએ શોભાને આવકારી લીધી. બન્‍ને પક્ષે થોડા સમયમાં સારા સબંધે સુમેળ બંધાઈ ગયો.

અશ્‍વિન ગામથી દૂર આવેલા મોટા શહેરમાં સરકારી નોકરી કરતો અને તે શહેરમાં જ નાનકડા ઘરમાં શોભા સાથે સુંદર મઝાનું જીવન જીવી રહ્યો હતો. અરસપરસનાં ગળાડૂબ પ્રેમે સ્‍વજનોની કમી મહેસૂસ થઈ ન હતી. ખુશીમાં વધારો થતાં એક સુંદર મઝાનાં બાબાનો જન્‍મ થયો.

અશ્‍વિન અને શોભાનું જીવન રોહનમય બની ગયું. રાત દિવસ બન્‍ને રોહનના જ વિચારો કરતાં ભણાવી ગણાવીને મોટો એન્‍જિનિયર બનાવવાનાં સ્‍વપ્‍નો સેવતા તો કયારેક મોટો ડોકટર બનાવવાની વાત કરતાં.

બહાર ધીમો વરસાદ વરસી રહ્યો હતો. અશ્‍વિન નીચાણવાળી ચાલીમાં રહેતો હતો. ઝૂંપડીમાં પાણીની ધાર ધસી આવતા અશ્‍વિનનાં પગ તળે પાણી આવી ગયું. અશ્‍વિન ઊભો થઈ નાની ભનીકભ બનાવી પાણીને ઝૂંપડીની બહાર જવા માટે માર્ગ કરી રહ્યો હતો... !

અને આ જતા પાણીને જોઈ તેને તે દિવસ યાદ આવી ગયો.

રોહનની પત્‍ની રોહનને કહી રહી હતીઃ 'જુઓ... હવે મને પપ્‍પાજીને ખાવા દેવા જવાનું પણ ગમતું નથી. કોટેજમાં દાખલ થાઉં છું ત્‍યાં ભયંકર દુર્ગંધથી મારું માથું ભમી જાય છે. ઉલટીમાં જાણે આંતરડા ખેંચાઈ આવશે એવા ઉબકા આવે છે. તમારા ગયા પછી મમ્‍મી પણ માધવકાકાને ત્‍યાં ગયા તે પાછા આવ્‍યા નથી. અને મારે આ રોજની અસહય દુર્ગંધ લેવી પડે છે.'

રોહન... હવે તો પપ્‍પાનું કાંઈક કરો મારે આપણા દિપુને પણ કેટલો સાચવવો પડે છે. જરા સરખું ઘ્‍યાન ન રહેતા તે ત્‍યાં ગંધીયાર કોટેજમાં જ ભાગી જાય છે. પપ્‍પા પણ કાંઈ બોલતા નથી. પાસે બેસાડી રાખે છે. હવે તો એમનાં હાથનો ઝખમ પહેલાં જેવો રહ્યો નથી. તમે આપેલી દવા હવે ખાસ કાંઈ અસર કરતી નથી.

બોલતા તે થોડી અટકી ત્‍યાં અશ્‍વિને કાન વધુ સરવા કર્યા. ત્‍યાં જ ફરી પાછા કાને શબ્‍દો પડયાઃ 'હવે તો તેમનો એક હાથનો અડધા ઉપરનો પંજો સાવ સડીને કોહવાઈ ગયો છે. હથેળી પણ આરપાર દેખાય છે. ચોમાસામાં પાકેલી હાફૂસ કેરીની ઈયળ જેવા પુષ્‍કળ કીડા હાથના ઝખમમાં ખદબદે છે. સડાને કારણે ચામડી તો શું હાડકાય ખવાઈ ગયા છે... ! !'

ભવ્‍ય બંગલાની દીવાલ પાછળ કાન સરવા કરીને અશ્‍વિન દીકરા વહુની વાત સાંભળી રહ્યો હતો. વહુની વાતથી અશ્‍વિનનાં કાનમાં જાણે ધગધગતું સીસું રેડાઈ રહયું હતું.

અશ્‍વિનનાં ડાબા હાથે ભલેપ્રસીભનાં લક્ષણો દેખાતા એક દિવસ રોહનનાં કહેવાથી દીકરાનાં હર્યાભર્યા સંસારને આંચ ન આવે તે સારું અલગથી કોટેજમાં બાકીનું જીવન પસાર કરી રહ્યો હતો ! શોભાને પણ રોહન ખાસ તે કોટેજમાં જવા દેતો ન હતો. ખાવાનું મુકવા જતી શોભા થોડી પળોમાં પતિ સાથે કંઈ કેટલીય વાત કરી લેતી અને દીકરાનાં બંગલે આવી જતી... !

એક નિઃસહાય બની અશ્‍વિન શોભાને જતી તાકી રહેતો !

આજે શોભા ઘેર નથી. અશ્‍વિનનાં ભાઈ માધવને ત્‍યાં ખાસ કારણથી ગઈ હતી. માધવભાઈને પગે ફેકચર થયો હતો. માધવે પત્ર લખી ભાભીને થોડા દિવસ માટે બોલાવ્‍યા હતાં. પતિનાં આગ્રહથી શોભા દિયરની ચાકરી માટે ગઈ હતી. આ સમયગાળા દરમિયાનમાં જ રોહન પણ દિલ્‍હી ખાતેનાં ડૉક્ટરોનાં સંમેલનમાં ભાગ લેવા ગયો હતો અને આજે પંદર દિવસ બાદ ઘેર પાછો ફર્યો હતો. સવારનો આવેલો રોહન સાંજ સુધી કોટેજે ખબર પૂછવા ન આવતા અશ્‍વિન દીકરાને મળવાની ચાહનાથી સામે ચાલીને દીકરાને મળવા બંગલે આવ્‍યો હતો. ત્‍યાં વહુનાં આવા કવેણ સાંભળીને તે અવાક્‍ બની ગયો.

શું ખરેખર તેનાં ઝખમમાં કીડા ખદબદતા હતાંં... !

 'ના... ના... અને અશ્‍વિન તેના હાથ ઉપર બાંધેલો ગાભો કાઢવા જતો હતો પણ તે કંપી ગયો… !'

વહુએ ઉપજાવી કાઢેલી વાત સાંભળવાની શકિત તે ગુમાવી બેઠો હતો. 

એ દિવસો તેની આંખ સામે તરી આવ્‍યા. જયારે રોહન ડૉકટરીનો અભ્‍યાસ કરી રહ્યો હતો. સામાન્‍ય પરિસ્‍થિતિમાં દીકરાને ડૉકટર બનાવવો તે ખાવાના ખેલ ન હતો. તેમ છતાં હિંમત હાર્યા સિવાય અશ્‍વિને તેનાં જીવનની બધી જ પુંજી એકના એક દીકરા પાછળ ખર્ચી નાંખી હતી. અંગત એવા બધા જ રોકાણો કાઢી નાંખ્‍યા હતાંં. આટલેથી ઓછું હોય તેમ નિવૃતિવેળાની નીકળતી બધી જ મૂડી એકના એક દીકરાને ડૉકટર બનાવવામાં ખર્ચી નાંખી હતી. અને આજે આટલા મોટા મહાનગરમાં એક ખ્‍યાતનામ ડૉકટર મિ.રોહનકુમાર ને તૈયાર કર્યો હતો !

ત્‍યાં દિવાલની પાછળથી રોહનનાં શબ્‍દે અશ્‍વિનની તંદ્રામાં ખલેલ પડયો. રોહન પત્‍નીને કહી રહ્યો હતોઃ 'ભલે સીમા, હવે તું જેમ કહે છે તેમજ થશે. મેં મિ.ડેવીડ સાથે આ અંગે એકવાર ફોન પર વાત કરી હતી. તેઓ રકત્તપિત્તિયા આશ્રમમાં આપણા પપ્‍પાને અલગ વ્‍યવસ્‍થા કરી આપશે તેમ જણાવતા હતાં. હું કાલ સવારે જ તેમનો કોન્‍ટેકટ કરીને આ અંગે ગોઠવણ કરી દઉ છું બસ… !'

અશ્‍વિન ઉપર વીજળી પડી. આક્રોશની તીવ્ર ચીસથી હૃદય ભેદાઈ ગયું. પણ એ કશું બોલી ન શકયો. આ એજ એકનો એક દીકરો જે કાલ સવારે એને રસ્‍તામાનાં પથ્‍થરની જેમ ઉંચકીને ફેકીને આશ્રમમાં મુકવા માટે તૈયાર થયો હતો.

પણ... ના. હવે આ દીકરાને તકલીફ શા માટે આપવી જોઈએ ! કોઈને કશી ખબર ના પડવી જોઈએ... અરે ચકલું સુઘ્‍ધાં ન જાણે કે આ ઘરની વ્‍યકિતને રકત્તપિત્ત થયો છે. કેવું મોભાદાર ઘર ! અને એ એકાએક કોટેજમાં જઈ એક થેલામાં થોડા પુસ્‍તકો અને ફાટેલા એવા એક-બે પહેરણ(બનિયન) કફની પાયજામાં સાથે બહાર નીકળવા ગયો ત્‍યાં... શોભા સાંભરી આવી.

'ના... શોભાને અન્‍યાય કરી રહ્યો છું.' તે પાછો વળ્‍યો. અને નાનકડી ચબરખી શોભાનાં નામની લખીઃ

પ્રિય શોભા,

કદાચ આ ભવનાં આપણા અંજળ અહીં પૂરા થયા. તને અસહય દુઃખ થશે એની કલ્‍પના માત્રથી જ કંપી જાઉ છું. તેમ છતાં આ બધું તારા લાડલા રોહનને ખાતર કરું છું. મને શોધવાનો અફળ પ્રયત્‍ન ના કરતા. અડધું અંગ અહીં છોડીને જાઉ છું.... બસ વધારે લખતો નથી. આટલામાં જ બધુ સમજાય જશે. 

તારો અશ્‍વિન.

કોટેજના ખુલ્‍લા દ્વારને અંતિમ પ્રણામ કરી અશ્‍વિન ચાલી નીકળ્‍યો.

એ ઝૂંપડીની બહાર હજુ પણ વરસાદ વરસી રહ્યો હતો. છત ઉપરથી ગમે ત્‍યાં પાણીનાં ફોરા ટપકી રહયા હતાંં. અશ્‍વિન અલગ અલગ વાસણ ગોઠવી ટપકતા પાણીને સંકોરી રહ્યો હતો.

તે રાત્રે અશ્‍વિને ઘર છોડયા બાદ ચોમેર નજર નાંખી જોઈ. આ બધું છોડીને જતાં કશી જ વેદનાનો સંભવ ન હતો. સઘળું સમાપ્‍ત. શરીરને ધકકો મારતો હોય તેમ એ ઝડપી પગલે ચાલી રહ્યો હતો અને પાછળ પાછળ ગોફણના ઘાની જેમ રોહનનાં શબ્‍દઃ 

'રકત્તપિત્તિયા... રકત્તપિત્તિયા... વાગતા હતાંં ! !'

રાત્રે રેલ્‍વે સ્‍ટેશને પહોચ્‍યો ત્‍યારે કઈ દિશા તરફ જઈ રહ્યો છે તે નકકી ન હતું. સ્‍ટેશનનાં બાંકડા ઉપર આછા પીળા પ્રકાશમાં કોઈ જોઈ ન જાય તેમ થોડીવાર આરામ કરવા બેઠો. મનમાં અગણિત વિચારોનાં વૃંદો ઉમટયા હતાં. સ્‍ટેશન પર ખાસ કાંઈ ભીડ ન હતી. ફિકકા પ્રકાશના વર્તુળમાં કયાંક કયાંક કોઈ આકૃતિ નજરે પડતી હતી. સમય ભાગી રહ્યો હતો. ત્‍યાં એનાઉન્‍સ થયોઃ

'હાવરા જાને કી…'

અને અશ્‍વિન એકાએક ઊભો થઈ કલકત્તાની ટિકિટ લઈને ગાડી ઉપડવાની રાહ જોઈ રહ્યો... !

કલકત્તા પહોંચ્‍યા બાદ અશ્‍વિન એક સાદી હોટલમાં ઉતર્યો. ખિસ્‍સા ખર્ચીની થોડી બચત તે પોતાની દવા માટે વાપરી રહ્યો હતો. હોટલમાં એક મહિનાથી વધુ રહી શકાતું ન હતું. આ હોટલની શરત હતી.

આ તરફ રોહને અખબારનાં પહેલા પાને અશ્‍વિનનો ફોટો આપીને જાહેર ખબર આપી હતી કે, 'ઉપરોકત ફોટાવાળા કાકા જેઓ અસ્‍થિરતાના કારણે કયાંક ચાલ્‍યા ગયા છે. પતો કરી આપનારને યોગ્‍ય બદલો આપવામાં આવશે.'

શોભાએ આ સમાચાર વાંચ્‍યા કે તરત ફાળ પડી. ચઢયે ઘોડે દોડી આવી. આવીને ઘરમાં સીધી અશ્‍વિનનાં કોટેજમાં જઈ જુએ છે ને જાણે આખા શરીરે વીંછીઓએ ડંખ દીધા હોય તેમ આખા શરીરમાં અસહય વેદના ઉભરાય આવી.

હોટલ છોડયા બાદ અશ્‍વિને પતરાની નાની ચાલીમાં એક ઝૂંપડી ભાડે રાખી હતી અને આજે આ ઝૂંપડીમાં બેઠો બેઠો એનાં અતિતનાં ફોરા ફોડી રહ્યો હતો. રોજ એક જ પ્રકારની પ્રવૃતિ કરતો. કયારેક મનોમન વિચારતો કે ગંધાતા ફુગાઈ ગયેલા કચરાની જેમ હવે એનો કોઈને ખપ ન હતો. કદાચ એ જીવે છે તે પણ સૌ ભૂલી ગયા હશે !' અશ્‍વિનને એક આશા હતી. અને તે... શોભાને મળવાની પણ...

શોભા શું કરતી હશે...?

અને આ આશાને સહારે તે જીવી રહ્યો હતો. રોજ સવાર અને સાંજે રેલ્‍વે સ્‍ટેશનનાં બાંકડા ઉપર આવીને બેસતો અને... રાહ જોતો ! અમદાવાદથી આવતી દરેક ગાડીનાં મુસાફરનાં ટોળાને તેની વૃઘ્‍ધ આંખ તીવ્ર ઝંખનાથી નિરખી રહેતી !

... અને આ આશામાંને આશામાં એક ઢળતી સાંજે તે સ્‍ટેશનમાં બાંકડે જયાં બેઠો હતો ત્‍યાંથી ઊભો જ ના થઈ શકયો. અને 'પ્રતીક્ષા' કરતા એના ડોળા પેલાં જાડા ચશ્‍માનાં કાચ પાછળ ખુલ્‍લા જ રહી ગયા. અને તે સાથે જ અધૂરી રહેલી પેલી રહસ્‍યમય નવલકથા ત્‍યાં જ અધૂરી રહી ગઈ... !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy