kiranben sharma

Tragedy Inspirational Others

4.0  

kiranben sharma

Tragedy Inspirational Others

પ્રતિબિંબ

પ્રતિબિંબ

2 mins
189


 માનવી પોતાનાં જીવનમાં કેટલા ટુકડામાં વહેંચાઈ જાય છે. જેમ અરીસામાં આખો માનવી દેખાય છે, પણ અરીસો તૂટતા તેના ટૂકડાંમાં માનવીનાં વિવિધ પ્રતિબિંબ દેખાય છે.

 કૈલાશનગરમાં રહેતી રાધા ખૂબ ભોળી દેખાવડી અને હસમુખી. અંબા તેને જોઈ પોતાનું બાળપણ અને જુવાની યાદ કરતી. રાધાનાં પિતાનાં મૃત્યુ બાદ અંબાનાં માથે જ બધી જવાબદારી આવી પડી. રાધા તેની માતાને ખૂબ સાથ સહકાર આપતી. રાધા બધી ઘરની પરિસ્થિતિ અને માતાની વ્યથાને સમજતી હતી. સમયને જતા શું વાર લાગે ? રાધા હવે યુવાનીમાં પગલા માંડી ચૂકી હતી. તે રોજ સવાર થતાં જ અરીસામાં પોતાનું રૂપ જોતી અને જાતે જ પોતાના રૂપ પર મોહી પડતી.  

રાધાની બાજુમાં ઘરમાં 40 વર્ષનો યુવાન મિલન રહેતો, તેની પત્ની આરતીનું હાલમાં જ કોરોનામાં મૃત્યુ થયું અને મિલન વિદૂર થયો.

અંબા અને મિલનનું ઘર બાજુ બાજુમાં હોવાથી વર્ષોથી પાડોશી હતાં. આમ તો પહેલા મિલને ક્યારેય રાધા તરફ વિકારની દ્રષ્ટિથી જોયું ન હતું, પણ પત્ની આરતીનાં મૃત્યુ બાદ એકલો પડતાં તે વારંવાર રાધા તરફ ખરાબ નજર નાખવા લાગ્યો. રાધા કરતાં બમણી ઉંમર અને રાધાને નાનપણથી જ રમાડેલી પણ ખરી, પરંતુ પુરુષ મન એકવાર વિકાર મનમાં પેસી જાય પછી તેને ક્યાં કશું યાદ રહે ? 

મિલન સમયની તાકમાં ફરતો હતો. એક દિવસ ઘરમાં રાધાને એકલી જોઈ ઘરમાં આવ્યો અને રાધા સાથે અડપલા કરી બળજબરી કરવા લાગ્યો. રાધા ખૂબ ડરી ગઈ. તેણે મિલનનું આવું રૂપ પહેલાં જોયું ન હતું. તેણે મક્કમતાથી સામનો કર્યો અને બંને વચ્ચે હાથાપાઈ થઈ. રાધાએ હાથમાં આવેલો અરીસો લીધો અને મિલનને માર્યો. મિલન આ ઘાથી ડરી ગયો અને ઘરમાંથી ભાગી ગયો. 

 રાધા તો બચી ગઈ પણ અરીસો તૂટતાં તેના જેટલાં ટૂકડાં થયાં તેમાં રાધાને તેની વીતી જિંદગીનાં પ્રતિબિંબ દેખાવાં લાગ્યાં. એકમાં રાધા નાના બાળ રૂપે છે અને મિલન રમાડે છે. બીજામાં રાધા મિલનના ખભા પર બેસી રમે છે. ત્રીજામાં રાધા મિલન સાથે બાઈક પર બેઠેલી તો ચોથામાં રાધા મિલન અને તેની પત્ની આરતી સાથે ઊભી છે. આમ રાધા જે મિલનને એક ભાઈ, પિતા, મિત્ર, સમજતી હતી, આજે એનાં સપનાઓ ટૂકડાં થઈને તેની સામે પ્રતિબિંબ બનીને હસી રહ્યાં હતાં.

 રાધાને આજે માણસ જાત સાથે નફરત થવા લાગી. શું સ્ત્રીને કાયમ ઉપભોગની વસ્તુ સમજવાની ? આટલા વર્ષોનાં સંબંધની કોઈ કિંમત નથી ? સાચું માન તો એક આખા અસ્તિત્વને મળે છે, આમ ટૂકડાંઓમાં વહેંચાયેલ આ પ્રતિબિંબનું શું ? 

 રાધાએ સાવરણીથી બધાં કાચનાં ટૂકડાં એકત્ર કરી ફેંકી દીધાં અને સાથે સાથે મિલન સાથેનો બધા પ્રકારનો સંબંધ અને ભાવને પણ ફેંકી દીધાં. બીજા દિવસે નવેસરથી પોતાનાં અસલી રૂપને એક આખા અરીસામાં નિહાળવા લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy