nayana Shah

Drama Inspirational

4.5  

nayana Shah

Drama Inspirational

પ્રસન્નતાનો પમરાટ

પ્રસન્નતાનો પમરાટ

7 mins
974


"મમ્મી તને નથી લાગતું કે આ ટીવી કાઢીને નવું ટીવી લેવું જોઈએ ? "

"પણ આ ટીવીમાં શું ખામી છે ? સરસ દેખાય છે. અવાજ પણ વ્યવસ્થિત છે. જો બેટા, થોડા થોડા સમયે નવી નવી ટેકનોલોજી બજારમાં આવતી જ રહે. દર વખતે કંઈ ટીવી ના બદલાય."

"પણ મારે નવું કર્વ લેડ ટીવી લાવવું છે. મમ્મી મારી આવક ઘણી છે. હું મારા પૈસે લાવીશ. "

"જો હેમલ, તને ખબર છે કે અમે ઘરમાં તારા પૈસા લેતાં નથી. હું અને તારા પપ્પા બંને નોકરી કરતાં હતાં. અત્યાર સુધીની અમારી બચત પણ ઘણી છે. બંનેનું પેન્શન આવે છે. તારી ખુશીમાં જ અમારી ખુશી છે. છતાં ય તારી ઈચ્છા હોય તો આપણે નવું ટીવી લાવીશું. બસ, હવે ખુશ. "હર્ષાબેન પ્રેમાળ સ્વરે બોલ્યા. મમ્મીને ખુશ જોઈ હેમલ એની મમ્મીને ભેટી પડ્યો. ત્યાં જ એના પપ્પા રૂમમાં પ્રવેશતાં બોલ્યા , " બહુ આનંદની વાત થતી લાગે છે મને પણ તમારા આનંદમાં ભાગીદાર બનાવો. "

વાત જાણી એના પપ્પા ગોપાલભાઈ દીકરા સામે જોઈ ને બોલ્યા, "તેં તો મારા મનની વાત કરી. હું નવું ટીવી લાવવાનું વિચારતો જ હતો. કાલે જ લઈ આવીશું. આવી વાત તારે મને કરવાની.તું તો જાણે છે કે હું ટીવી જોવાનો શોખીન છું. "

બીજા દિવસે બપોરે નવું ટીવી આવી ગયું. હેમલે સાંજે કહ્યું કે, "પપ્પા મમ્મી, સૌ પ્રથમ આપણે સાંજના ગુજરાતી સમાચાર જોઈશું. "

હેમલના મમ્મી પપ્પા આ વાત સાંભળી બોલી ઉઠયા, "અંગ્રેજી માધ્યમવાળો દીકરો આજે ગુજરાતી સમાચાર જોવાની વાત કરે છે ! "

પરંતુ હેમલે કોઈ પણ વાત પર ધ્યાન આપ્યા વગર ટીવી ચાલુ કર્યું. સમાચાર એ જ વખતે ચાલુ થયા. ટીવી ખૂબ સરસ હતું. હર્ષાબેન તથા ગોપાલભાઈ ટીવીના પરિણામના ખૂબ વખાણ કરતાં હતાં. ત્યાં જ હેમલ બોલી ઉઠયો, "એ તો ઠીક છે. પરંતુ સમાચાર વાંચનાર છોકરી કેવી લાગી ? તમને ગમી ? મારે તમને ટીવી પર પહેલાં બતાવવી હતી. મને ગમે છે."

એના માબાપના મોં પર હાસ્ય ફરી વળ્યું.

હેમલ સામે જોઈ ને બોલ્યા, "અમને આ તારી"ન્યુઝ રીડર"ના મમ્મી પપ્પા આવીને ગયા અઠવાડિયે જ મળી ગયા. તું અમને કહે એની જ રાહ જોતાં હતાં. માનસીએ એના ઘેર વાત કરી દીધી હતી. એના મમ્મી પપ્પા મળવા આવ્યા એ વાત માનસીને પણ ખબર નથી. અમે જ એમને કહેવાની ના કહી હતી. બેટા, તારી પસંદ એ જ અમારી પસંદ. જિંદગીમાં લગ્નનો પ્રસંગ એક જ વાર આવે એ ધામધૂમથી ઉજવવાનો જ હોય. માનસી રવિવારે રજા લેવાની છે. એના ઘરના આપણે ત્યાં આવવાના છે. અમે પણ માનસીને ત્યાં જઈ આવ્યા."

બંનેને ઘરેથી સંમત્તિ મળતાં બંને ખૂબ ખુશ થઈ ગયા હતા.

ધામધૂમથી લગ્ન સંપન્ન થયા કે બીજા જ દિવસે લગ્નની ભેટ રૂપે હર્ષાબેન તથા ગોપાલભાઈએ યુરોપ ટુરની બે ટિકીટો આપતાં કહ્યું, "આ માત્ર કપલ ટુર જ છે. તમે તમારી જિંદગીની શરૂઆત હરવાફરવાથી કરો. ખૂબ આનંદ કરો. "

યુરોપની ટુર પરથી પાછા આવ્યા એ રાત્રે માનસી પાણી પીવા ઊઠી ત્યારે બાજુની રૂમમાં એના સાસુ સસરાનો વાતો કરવાનો અવાજ આવી રહ્યો હતો. અનાયાસે એના કાને એ શબ્દો પડ્યા, "આપણે તો કોર્ટમાં લગ્ન કર્યા. લગ્ન બાદ ફરવા જવાની વાત તો બાજુએ પણ સાસરિયાંના ભરપૂર અપમાનજનક શબ્દો સાંભળવા મળ્યા. કયારેય તમારા ઘરમાં કોઈએ પણ આપણી ખુશીનો વિચાર ના કર્યો. એક કોડભરી કન્યાના કેટકેટલાં અરમાનો હોય ! તેથી તો લગ્ન ના બીજા જ દિવસથી આપણે નોકરી એ જવા માંડ્યા. પણ આજે આપણાં બાળકોને ખુશ જોઈ મને હવે જુની વાતોનો વસવસો નથી રહ્યો. "

માનસી આગળ કંઈ સાંભળી ના શકી. પરંતુ વિચારતી હતી કે પરણીને ઘરમાં આવતી યુવતી તો ઘરની લક્ષ્મી કહેવાય. એને અપશબ્દો કહેનાર કયારેય સુખી ના થાય. પપ્પા મમ્મીએ લગ્ન બાદ ઘણોજ સંઘર્ષ કર્યો હશે. બંને નોકરી કરતાં હોવાથી પૈસાની કંઈ જ તકલીફ ન હતી. તકલીફ માત્ર સાસરિયાંના પ્રેમની હતી.

માનસીના આવવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. માનસી તો દૂરદર્શન પરથી પાછા ફર્યા પછી રસોઈમાં સાસુને મદદરૂપ થતી. એ દરમ્યાન એ આ ઘરની વ્યક્તિઓની પસંદ જાણી ગઈ હતી. વાતવાતમાં હર્ષાબેન બોલી ગયા કે તારા પપ્પાને જુના ગીતોનો બહુજ શોખ છે.

જયારે માનસીને સાસરીમાં પહેલો પગાર આવ્યો એ દિવસે એ સસરા માટે 'સારેગામ કારવાં' લઈ આવી કે જેમાં પાંચ હજાર જુના ગીતો હતા. અને એને એની સાસુની પસંદ ખબર હતી કે એમને લેટેસ્ટ ડિઝાઇનના કપડાં પહેરવા ગમે છે. એની સાસુ પણ એની પસંદ જોઈ ખુશ થઈ ગઈ હતી. બંનેને પોતાની પસંદગીની વસ્તુ જોતાં અચૂક આનંદ થયો હતો સાથે સાથે ખચકાટ પણ હતો કે પુત્રવધૂના પગારના પૈસાથી ખરીદેલી વસ્તુઓ લેવાય !

જયારે બંને જણે કહ્યું, "અમારાથી તારા પૈસે ખરીદેલી વસ્તુઓ ના લેવાય. " ત્યારે માનસી રિસાઈ જતાં બોલી, "મમ્મી પપ્પા, હું પારકી છું ! હું તો હવે આ ઘરની દીકરી જ છું. શું દીકરીને માબાપને ખુશ જોવાનો હક્ક નથી ? " માનસીને રિસાઈ જતાં જોઈ બંને હસી પડ્યા બોલ્યા, "માનસી, અમારો ઈરાદો એવો નથી. હવે આ ઘર તારૂ જ છે. તને બધા જ હક્ક છે. પરંતુ અમે હેમલના પૈસા પણ નથી લેતાં. "

"મમ્મી પપ્પા છતાં પણ હેમલ તમારા બંને માટે આઈ ફોન લાવ્યો તો તમે સ્વીકારેલો જ ને ? તો મારા તરફ અન્યાય !

બંને પતિ પત્નીના મોં પર સંતોષ હતો. દીકરાની પસંદગી પર એમને ગર્વ થતો હતો. માનસી ઈચ્છતી હતી કે જેમ મમ્મી પપ્પાની એ પિયરમાં લાડકી હતી તેમ સાસરિયાંમાં પણ બધાની લાડકી બની રહે. સામે પક્ષે એ જેટલો પ્રેમ એના માતાપિતા ને કરતી હતી એટલોજ પ્રેમ એના સાસુ સસરાને કરતી હતી. માનસી તો માનતી હતી કે એ જયાં જાય ત્યાં હમેશાં પ્રસન્નતા જ હોવી જોઈએ. કારણ એને પોતે પણ દુઃખનો અનુભવ કર્યો જ કયાં હતો ? પ્રસન્ન એવી વ્યક્તિ જ રાખી શકે કે જે હમેશાં પ્રસન્ન રહેતી હોય. માનસી પિયરમાં લાડકોડમાં ઉછરી હતી. નાની હોવાને કારણે બધાને વહાલી હતી. એની કોઈ વાતનો ખાસ વિરોધ થતો જ નહીં. તેથી તો એ હમેશાં ખુશ રહેતી હતી.

લગ્ન ના બે મહિના બાદ માનસીએ હેમલ ને કહ્યું, "આવતા અઠવાડિયે પપ્પા મમ્મીના લગ્ન ને ૩૦ વર્ષ પુરા થાય છે. પરંતુ મમ્મી પપ્પાના મનમાં એક વસવસો રહી ગયો છે કે એમના લગ્ન ધામધૂમથી ના થયા. લગ્ન કોર્ટમાં કરવા પડ્યા. એમણે પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા આપણા લગ્ન ધામધૂમથી કર્યા. આપણા લગ્ન તો યાદગાર બની ગયા. પરંતુ હવે આપણે બંને મળીને મમ્મી પપ્પાને ખૂબ ખુશી આપીએ. " હેમલ પત્ની સામે જોઈ બોલ્યો, "એમાં હવે આપણે શું કરી શકીએ ? "

"હેમલ હવે આપણે જ બધું કરી શકીએ. " માનસીએ એના મનમાં રહેલો પ્લાન પતિને કહ્યો. હેમલ બોલ્યો, "તારી વાત સાચી છે. આપણે આજથી જ સક્રિય બની જઈએ "

સૌ પ્રથમ તો આપણે ઓફિસનું કામ બધા માણસોને અઠવાડિયા પુરતું સમજાવી દેવું પડશે.

સૌ પ્રથમ તો મમ્મીની અને મારી સરખી સાડી ખરીદી લઈશું. હાલ તો ઝુલવાળી સાડીની ફેશન છે. મારો ફેશન ડિઝાઇનર ૪ દિવસમાં બ્લાઉઝ સીવીને આપી દેશે. તારા અને પપ્પા માટે શેરવાની અમદાવાદ જઈને ખરીદીશું. સાડીઓ પણ ત્યાં જોઈ લઈશું.

ત્યારબાદ તો એમને પપ્પા તથા મમ્મીના મિત્રોને આમંત્રણ આપવું હતું પણ બધા ના ફોન નંબર તો હતાં નહિ. તેથી માનસીએ એક દિવસ કહ્યું, "મમ્મી, મારે ટીવી પર એક પ્રોગ્રામ તૈયાર કરવાનો છે એ માટે બીજો ફોન થોડીવાર માટે જોઈએ છે. આપશો ? "

"એમાં શું પૂછવાનું ? લઈ જા."

માનસીએ એમાંથી મમ્મીની બહેનપણીઓના ફોન નંબરો લખી બધા ને ફોન કરીને ખાસ કહ્યું, "આ સરપ્રાઈઝ પાર્ટી છે. બધા સમયસર મમ્મી પપ્પાના આવતાં પહેલાં આવી જજો. "

હેમલે તો કહ્યું, "પપ્પા બપોરે ફોન બેડરૂમની બહાર મૂકે છે. હું એમાંથી એમના મિત્રોના નંબર લઈ ફોન કરી દઈશ. "

જાણીતી હોટલમાં "બેન્કવેટ હોલ" નોંધાવી દીધો. મેનુ પણ મમ્મી પપ્પાની પસંદનું રાખ્યું. તે ઉપરાંત મમ્મી પપ્પાના સગા તથા મિત્રો બધા સિનીયર સિટીઝન જ હતા. એટલે માનસીએ બધાને ધ્યાનમાં રાખીને જ રમતો ગોઠવી હતી. એના સસરાને જુના ગીતો પસંદ હતાં. તેથી અંતાક્ષરી ગોઠવી જેમાં મમ્મી તથા પપ્પાના ગ્રુપ સામસામે. ત્યારબાદ મ્યુઝિક વાગે એટલે કયું ગીત છે એ કહેવાનું. મમ્મીને પિક્ચર તથા કપડાંનો શોખ એટલે એક રમતમાં પિકચરમાં હિરોઈન કયા ગીત વખતે કઈ ફેશન મુજબના કપડાં પહેરે છે એ કહેવાનું. બધું બરાબર ગોઠવાઈ ગયું હતું.

હવે દિવસ તો નજીક આવતો ગયો. પણ એ દિવસે કોઇનો પણ ફોન મેરેજ એનિવર્સરીની શુભેચ્છા પાઠવવા માટે આવ્યો નહિ..માનસી તથા હેમલ જાણતાં હતાં કે મમ્મી પપ્પા વ્યગ્ર છે. વારંવાર ફોનમાં મેસેજ જુએ છે. પણ કોઈનો ય મેસેજ ન હતો. બપોરે જયારે એ લોકો સુવા ગયા ત્યારે વાત કરી રહ્યાં હતાં, "હવે તો આપણા લગ્નને ૩૦ વર્ષ થઈ ગયા. કોને યાદ હોય ? "

સાંજે હેમલ તથા માનસીએ કહ્યું, "મમ્મી, તમે તથા પપ્પા સાંજે અમારી ઓફિસનો પ્રોગ્રામ છે એમાં આવજો. તમને ખાસ આમંત્રણ છે અને એમાં ટીવી વાળા આ પ્રોગ્રામ લાઈવ કરવાનાં છે. તમે સાંજે ૬ વાગ્યે તૈયાર રહેજો. હું એન્કર છું. હું તૈયાર થવા જઉં છું. મમ્મી મને એકલાં જવાનો કંટાળો આવે છે તમે પણ જોડે ચલો.

બ્યુટી પાર્લરમાં અગાઉથી કહેલું હતું એ મુજબ બ્યુટી પાર્લર વાળી આગ્રહ કરતી રહી કે, " આન્ટી, તમે પણ તૈયાર થાવ ને ! આવ્યા છો તો ભેગા ભેગી તૈયાર થાવ ને ! " માનસી પણ આગ્રહ કરતી રહી તેથી હર્ષાબેન પણ તૈયાર થયાં પરંતુ સાડી તો પાર્ટીવેર જ હતી. તેથી માનસીએ સાડી બેગમાં મુકી દીધી.

હોલ પર પહોંચ્યા ત્યારે બધા મહેમાનો હાજર હતાં. હોલની લાઈટો બંધ હતી. જેવા ગોપાલભાઈ તથા હર્ષાબેન હોલમાં દાખલ થયા એ સાથે હોલ લાઈટોથી ઝગમગી ઉઠ્યો. બધાએ હાથમાં રાખેલા પુષ્પોથી એમને વધાવ્યા. બંનેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. માનસીએ ઝુલવાળી સાડી તથા શેરવાની મમ્મી પપ્પા ને આપતાં બોલી, "તમે કપડાં બદલીને બહાર આવો. ".

ત્યારબાદ તો નક્કી કર્યા મુજબ પ્રોગ્રામ થયો. ગોપાલભાઈ ખૂબ જ ખુશ હતા. અવાજ તો સરસ હતો જ અને એમાં ય એમને એમના જ પ્રસંગમાં ગાવા મળ્યું. હર્ષાબેનને તો કપડાં તથા પિકચરનો શોખ હતો. એમાં તો એમની જીત નક્કી હતી.

ભોજન સમારંભ પછી મહેમાનોને વિદાય આપતી વખતે દરેક જણને મની પ્લાંટ ભેટ તરીકે આપ્યો. સાથે દરેકની ઉત્તરોત્તર પ્રગતિની કામના કરી.

એ દિવસે પતિપત્ની ખૂબ જ ખુશ હતાં. આટલા વર્ષોનો વસવસો આટલી બધી ખુશીમાં વહી ગયો હતો. જો કે લોકો કહી રહ્યા હતાં કે, "પ્રસન્ન રહેતી વ્યક્તિ જયાં જાય ત્યાં પ્રસન્નતાનો પમરાટ ફેલાવતી જ રહે."


Rate this content
Log in

Similar gujarati story from Drama