Republic Day Sale: Grab up to 40% discount on all our books, use the code “REPUBLIC40” to avail of this limited-time offer!!
Republic Day Sale: Grab up to 40% discount on all our books, use the code “REPUBLIC40” to avail of this limited-time offer!!

Abid Khanusia

Romance

3  

Abid Khanusia

Romance

પ્રશ્ચાતાપ

પ્રશ્ચાતાપ

10 mins
716


સને ૧૯૭૫ના વર્ષની વાત છે. સંજય પટેલને એક અઠવાડીયા પહેલાં જ પી.એચ.ડી.ની ડીગ્રી એનાયત થઇ હતી. તેની આ સિદ્ધિને બિરદાવવા અને અભિનંદન આપવા માટે તેના કુટુબીજનો, મિત્રો અને સમાજ દ્વારા રાજયના લીડીંગ સમાચારપત્રોમાં સતત ત્રણ દિવસથી તેના ફોટા સાથે શુભેચ્છા સંદેશાઓ પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા હતા, જેના અનુસંધાને સંજય પટેલને આજની ટપાલમાં કેટલાક લેખિત શુભેચ્છા સંદેશાઓ મળ્યા હતા. તેમાં શહેરની એક ખ્યાતનામ કોલેજના સંચાલક મંડળનો સંદેશો પણ હતો. સંજયનું તે પરબીડિયા પર વિશેષ ધ્યાન ગયું. તેણે સંદેશો વાંચ્યો. કોલેજના સંચાલક મંડળ દ્વારા સંજયને પી.એચ.ડી.ની ડીગ્રી મેળવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમની કોલેજમાં અંગ્રેજીના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ (એચ.ઓ.ડી.) તરીકે નોકરીમાં જોડાવવાની ઓફર કરતો સંદેશો પણ હતો. તે કોલેજના સંચાલક મંડળમાં તેનું કોઈ પરિચિત ન હોવા છતાં તેને નોકરીની સીધી ઓફર અને તાત્કાલિક રૂબરૂ મુલાકાતે આવી જવાનું ઇજન સંજયને થોડુક આશ્ચર્યજનક લાગ્યું.  


બે દિવસ પછી સંજય શહેરની તે ખ્યાતનામ કોલેજમાં પ્રવેશ્યો. કોલેજ કેમ્પસ ખૂબ વિશાળ હતું. કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ ટોળે વળી ગપશપ કરતા નજરે પડ્યા. એક તો કોલેજ વિખ્યાત હતી અને આર્ટસ વિદ્યાશાખા હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધારે હતી. તેણે પ્રિન્સીપાલની કેબીન શોધી કાઢી અને બહાર ઉભેલા પટાવાળાને પોતાનું વીઝીટીંગ કાર્ડ આપ્યું. પટાવાળો યંત્રવત કાર્ડ લઇ પ્રિન્સીપાલની ચેમ્બરમાં ગયો. એકાએક સંજયની નજર પ્રિન્સીપાલની નેઈમ પ્લેટ પર પડી. પ્રિન્સીપાલ તરીકે ડૉ. સ્નેહલતા પંડયાનું નામ લખાયેલ હતું. સ્નેહલતા નામ જાણીતું લાગ્યું. તે કંઇક વિચારે તે પહેલાં પ્રિન્સીપાલ ડૉ. સ્નેહલતા પંડ્યા પોતે સંજયને આવકારવા સસ્મિત દરવાજા પર હાજર થયા. સંજયની નજર ડૉ. સ્નેહલતા પર પડતાં જ તેના ચહેરા પર અણગમાના ભાવો ઉપસી આવ્યા. તે આગળ કંઈ વિચારે તે પહેલાં સ્નેહલતા ઉમળકાભેર સંજયને આવકારી તેની ચેમ્બરમાં દોરી ગઈ. સ્નેહલતાએ પટાવાળાને ચા-પાણીની વ્યવસ્થા કરવા જણાવ્યું અને જયાર સુધી આ મીટીંગ પૂરી ન થાય ત્યાં સુધી બીજા કોઈને તેમની ચેમ્બરમાં પ્રવેશ ન આપવા કડક સૂચના પણ આપી. ત્યારબાદ તેણે ટેલીફોન પર કોઈકની સાથે સાંકેતિક ભાષામાં વાત કરી. તેણે કચેરી અધિક્ષકને આજની તમામ મુલાકાતો રદ કરવાની સૂચના પણ આપી દીધી. તે દરમ્યાન સંજય સમક્ષ સાત વર્ષ પહેલાંનો એટલેકે સને ૧૯૬૮ના વર્ષમાં તેની સાથે બનેલ એક દુખદ પ્રસંગ ચિત્રપટની જેમ ઉભરી આવ્યો.


કોલેજમાં ટેલેન્ટ મોર્નિંગનો કાર્યક્રમ ખૂબ નજીક હતો. આ કાર્યક્રમનું આયોજન અંગ્રેજીના યુવાન પ્રોફેસર હર્ષદ ચોક્સી અને ચાલુ વર્ષેજ લેકચરર તરીકે નિમણુંક પામેલ સ્નેહલતા પંડ્યાને સોંપવામાં આવ્યું હતું. સંજય બી.એ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે ખૂબ હોશિયાર અને કોલેજનો હોનહાર વિદ્યાર્થી હોવા ઉપરાંત એક સારો વાર્તાકાર પણ હતો. તેણે આ વર્ષે ટેલેન્ટ મોર્નિંગના કોઈ ઇવેન્ટમાં ભાગ લીધો ન હતો. પ્રોફેસર ચોકસીએ સંજયને ટેલેન્ટ મોર્નિંગનો આખો કાર્યક્રમ ઘડી કાઢવા વિનંતિ કરતાં સંજયે તે કામ સહર્ષ સ્વિકારી લીધું હતું અને ખૂબ ખંતથી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં જોડાઈ ગયો હતો. જ્યાં જરૂર જણાય ત્યાં તે પ્રો. ચોકસી અને સ્નેહલતા મેડમનું માર્ગદર્શન મેળવતો હતો.


 કોલેજમાં તે દિવસે રજા હતી પરંતુ વિવિધ ઇવેન્ટમાં ભાગ લેનાર કોલેજના વિદ્યાર્થીઓ તેમની ઇવેન્ટનું રિહર્સલ કરતા હતા. ગની જાફરી અને આકૃતિ કલાલની જોડી એક યુગલ ગીત રજુ કરવાની હતી. ગની જાફરી કોલેજમાં “વોઈસ ઓફ મુકેશ” તરીકે જાણીતો હતો. એ વખતે ટ્રાન્ઝીસ્ટર રેડીઓની બોલબાલા હતી. દર બુધવારે રાત્રે રેડીઓ સિલોન પર “બિનાકા ગીતમાલા” નામે એક કાર્યક્રમ આવતો જેને આખા દેશમાં અબાલવૃદ્ધ સૌ રસપૂર્વક સાંભળતા હતા. ચોરે અને ચૌટે તે કાર્યક્રમની ચર્ચાઓ જામતી. કોલેજ કેમ્પસમાં તેનું વિશેષ રીતે ડીસેક્સન થતું. ક્યારેક વાદવિવાદ વધી જાય તો કોલેજીયનો વચ્ચે હાથાપાઈ પણ થઇ જતી હતી. 


સને ૧૯૬૮ના વર્ષમાં ગોવર્ધનરામ ત્રિપાઠીની મશહુર ગુજરાતી નવલકથા “સરસ્વતી ચંદ્ર”, જેનો કોલેજના અભ્યાસક્રમમાં સમાવેશ પણ કરવામાં આવેલ હતો, પર આધારીત “સરસ્વતી ચંદ્ર” નામની હિન્દી ફિલ્મ રજુ થઈ હતી. તેના ગીતો ખૂબ લોકપ્રિય હતા અને ઘણા લાંબા સમય સુધી “બિનાકા ગીતમાલા” કાર્યક્રમના ટોપ ટેનમાં સમાવિષ્ઠ થતા રહ્યા હતા. દરેક જણ તે ગીતોને પ્રેમથી ગણગણાવતા પણ હતા. આ ફિલ્મનું એક ગીત “ફૂલ તુમ્હે ભેજા હૈ ખતમે... ફૂલ નહી મેરા દિલ હૈ........” ખૂબ લોકપ્રિય હતું. ગની જાફરી અને આકૃતિ કલાલની જોડી ટેલેન્ટ મોર્નિંગમાં આ યુગલ ગીત રજુ કરવાની હતી. ટેલેન્ટ મોર્નિંગના કાર્યક્રમને હવે માત્ર બે દિવસ જ બાકી હતા. સંજયે ખૂબ ચીવટથી આખો કાર્યક્રમ ઘડી કાઢયો હતો. કાર્યક્રમની રૂપરેખાને આખરી સ્વરૂપ આપી મંજુરીની મહોર મેળવવા તેણે તે રૂપરેખા બે દિવસ અગાઉ પ્રો. ચોક્સીને આપી દીધી હતી. સંજયને એકાએક એક દિવસ માટે બહાર ગામ જવાનું થયું તેથી કોલેજથી ઘરે જતાં પહેલાં રૂપરેખામાં કોઈ ફેરફાર કરવાનો થાય છે કે કેમ? તેની જાણકારી મેળવવા તે સ્ટાફ રૂમમાં પ્રો. ચોકસીની મુલાકાતે જવા નીકળ્યો. કોલેજમાં શાંતિ હતી અને વાતારણમાં ઠંડક હતી. સંજય જ્યારે ચોથા માળની લોબીમાંથી પસાર થતો હતો ત્યારે ગની જાફરી અને આકૃતિ કલાલની જોડી ઓડિટોરિયમમાં ગીતનું ગ્રાન્ડ રિહર્સલ કરી રહી હતી. રિહર્સલ રૂમ કોલેજ બિલ્ડિંગના ત્રીજા માળ પર હતો. બધા શાંત ચિત્તે તેમને સાંભળી રહ્યા હતા. સંજય ઓડિટોરિયમમાં ડોકિયું કરી ક્ષણેકના વિરામ બાદ ગ્રાઉન્ડ ફલોર પર આવેલ સ્ટાફરૂમ તરફ જવા આગળ વધ્યો. 


ગની જાફરીનો પહાડી અવાજ સ્ટાફ રૂમ સુધી સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. ગનીએ આકૃતિ સામે જોઈ વિશેષ અંદાજમાં ગીતનો અંતરો “ચુંમ હી લેતા હાથ તુમ્હારા, પાસ જો તુમ મેરે હોતી....” ગાયો. વિદ્યાર્થીઓએ તાળીઓ પાડી વન્સમોર કહેતાં ગનીએ પ્રોત્સાહિત થઇ થોડાક વધુ ઉંચા અવાજે તે અંતરાને દોહરાવ્યો. એજ સમયે સંજય સ્ટાફ રૂમમાં દાખલ થયો અને તેજ ક્ષણે પ્રો. ચોકસીએ મેડમ સ્નેહલતાનો હાથ પોતાના હાથમાં લઇ ચૂમી લીધો. પગરવ સાંભળી બંનેની નજર સંજય પર પડી. ત્રણેય જણા ક્ષોભિત સ્થિતિમાં મુકાયા. સંજય તરત પાછો વળી ગયો. તેને લોબીમાં કોઈના ઝડપથી દોડી જવાના પગલાં સંભળાયા પણ કોઈ દેખાયું નહિ. સંજય ત્યાંથી સીધો પોતાના ઘેર થઇ અંગત કામ માટે બહારગામ ચાલ્યો ગયો.  


સંજોગો વસાત સંજયને બહારગામ એક દિવસ વધુ રોકાવું પડ્યું, બહારગામથી આવવામાં મોડું થવાના કારણે તે ટેલેન્ટ મોર્નિંગના કાર્યક્રમમાં થોડોક મોડો પહોચ્યો. કાર્યક્રમ આયોજન મુજબ આગળ વધી રહ્યો હતો પરંતુ તેને જોઈ કેટલાક વિદ્યાર્થીઓ તેની સામે વિચિત્ર નજરે જોવા લાગ્યા. તેને તેમનું આ રીતે જોવું થોડુક કઠયું. કાર્યક્રમનું સંચાલન પ્રો. ચોકસીની જગ્યાએ ગુજરાતીના પ્રોફેસર જયંત શાહ કરતા હતા. કાર્યક્રમમાં વિક્ષેપ ન પડે તે માટે તેણે તે બાબતે કોઈને પૂછવા કરતાં મૌન રહેવું ઉચિત માન્યું. કાર્યક્રમ નિર્ધારિત સમયે પૂર્ણ થયો. 


કાર્યક્રમ પછી તેનો જીગરી મિત્ર પંકજ તેને એક ખુણામાં લઇ ગયો અને સીધો જ પ્રશ્ન કર્યો, “ સંજય, તેં પ્રોફેસર ચોકસી અને સ્નેહલતા મેડમની પ્રેમ કહાની જાહેર કરી તેમને શા માટે બદનામ કર્યા ?” સંજય પંકજના આ પ્રશ્નથી ડઘાઈ ગયો. તેણે બે દિવસ પહેલાંના પ્રસંગની કોઈને વાત કરી જ ન હતી તેમ છતાં તેની આ બાબતમાં સંડોવણીથી તેને ખૂબ આઘાત લાગ્યો. તેને પ્રો. ચોકસી પ્રત્યે ખૂબ માન હતું. તે ઉપરાંત તે કદી કોઈના અંગત જીવનમાં માથું મારતો ન હતો. કોઇની અંગત જીવનની બાબત માટે તેને અકારણ દોષ દેવામાં આવે તે યોગ્ય નથી તેમ માની તે પ્રો. ચોક્સીને મળવા ગયો પરંતુ તે રજા પર ઉતરી ગયા હતા. તે પ્રિન્સીપાલને મળવા ગયો પરંતુ તેઓ મેનેજમેન્ટ સાથે અગત્યની મીટીંગમાં હોઈ તેમને મળી ન શકાયું. કોલેજના તેના અન્ય મિત્રોએ તેને ખૂબ ઠપકો આપ્યો. સંજય પોતે આ પ્રસંગ બાબતે નિર્દોષ છે તેવું દરેકને કહેતો પરંતુ કોઈ તેની વાત માનવા તૈયાર ન હતું કેમકે ખુદ સ્નેહલતા મેડમે પ્રિન્સીપાલને ફરીયાદ કરી હતી કે સંજયે કોઈ અગમ્ય કારણોસર તેમને બદનામ કરવા માટે ખોટી અફવા ફેલાવી છે અને તેથીજ કોલેજમાં સતત બે દિવસથી ગેરહાજર છે. 


સંજય ભગ્ન હૃદયે ઘેર આવ્યો. ટેલેન્ટમોર્નિંગની એક રજા અને ત્યાર બાદ આવતા તહેવારોની એક અઠવાડીયાની રજાના મીની વેકેશન પછી કોલેજ શરુ થઇ. સંજયે કોલેજમાં આવી જાણ્યું કે પ્રો. ચોકસી અને મેડમ સ્નેહલતાએ બદનામી થવાના કારણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. સંજયને ખૂબ દુ:ખ થયું. તેને એ પણ જાણવા મળ્યું કે પ્રો. ચોકસીની વાગ્દત્તા, કે જે અન્ય શહેરની એક કોલેજમાં લેકચરર હતી, તેણે આ સમાચાર જાણી પ્રો. ચોકસી સાથે ઝગડો કરી તેનું વેવિશાળ તોડી નાખ્યું હતું. સંજયને ખૂબ માનસિક આઘાત લાગ્યો. તે બિમાર પડી ગયો. તે કોલેજ દ્વારા લેવાતી પ્રિલિમિનરી પરીક્ષા પણ ન આપી શકયો. તેની બીમારી થોડીક વધુ લંબાઈ તેથી તે વાર્ષિક પરીક્ષાની તૈયારી ન કરી શકયો માટે તેણે તે વર્ષે ડ્રોપ લીધો. તેને તેની કોલેજ પ્રત્યે ખૂબ માન હતું પરંતુ બનેલ ઘટનાઓના પરીણામે તેને પોતાની જ કોલેજ પ્રત્યે અણગમો પેદા થયો. નવા શૈક્ષણિક વર્ષમાં તેણે શહેરની અન્ય કોલેજમાં પ્રવેશ મેળવી ત્યાંથી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું.


પટાવાળાએ સંજય સમક્ષ પાણીનો ગ્લાસ ધર્યો ત્યારે તે વર્તમાનમાં પરત આવ્યો. ડૉ. સ્નેહલતાએ સંજયની વિહવળતા અને તેનો અણગમો પારખી લીધો હતો. તેમણે સંજય સામે જોઈ કહ્યું, “ ડૉ. સંજય, સૌ પ્રથમ તો તમને ડોકટરેટની ડિગ્રી માટે ખૂબ ખૂબ અભિનંદન અને તમે નિર્દોષ હોવા છતાં પેલા પ્રસંગ માટે પ્રિન્સીપાલ સમક્ષ તમારું નામ આપવા માટે અને તમારું એક કિંમતી વર્ષ બગાડવા માટે હું તમારી માફી માગું છું. તે દુખદ ઘટના પછી પ્રસંગો એટલા ઝડપથી બની ગયા કે આપણે એક બીજાને મળી ન શકયા અને તમને તમારી સચ્ચાઈ અને નિર્દોષતા પુરવાર કરવાનો મોકો ન મળ્યો. તે પ્રસંગ પછી નવા શૈક્ષણિક વર્ષમાં મેં અન્ય કોલેજમાં નોકરી મેળવી લીધી હતી . એક દિવસે તમારી સાથે ભણતી રેણુકા મહેતા મને મારી નોકરીના નવા સ્થળે મળવા આવી. તેણે મને જણાવ્યું કે પેલા પ્રસંગ માટે ડૉ. સંજય તમે નહી પરંતુ તે એટલે કે રેણુકા પોતે સાચી ગુનેગાર હતી.”


“રેણુકાની વાત નો સાર એ હતો કે તમે અને રેણુકા ધો.૫ થી એક સાથે ભણતા હતા. જ્યારે તમે ધો.૯ માં હતા ત્યારે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા લેવામાં આવતી હિન્દી પરીક્ષામાં તમારો અને રેણુકાનો નંબર બાજુ બાજુમાં આવ્યો હતો. તે જવાબ લખવામાં ગૂંચવાતી તો તમારામાંથી જોઈ નકલ કરી લેતી. તે તમારી હોશિયારીથી ખૂબ પ્રભાવિત થઇ હતી અને ત્યારથી માનોમન તમને પ્રેમ કરવા માંડી હતી. તમને પામવા તમે જે કોલેજમાં એડમીશન લીધું ત્યાંજ તેણે પણ એડમીશન લીધું અને તમે જે વિષયો પસંદ કર્યા તેણે પણ તેજ વિષયો પસંદ કર્યા. તે સતત તમારું સાનિધ્ય મેળવવા ઈચ્છતી પરંતુ તમારું ધ્યેય શિક્ષણમાં ઉચું સ્થાન પ્રાપ્ત કરવાનું હોવાથી તમે તમારી દુનિયામાં મગ્ન રહેતા હતા. તે પ્રસંગવાળા કમભાગી દિવસે જયારે તમે સ્ટાફ રૂમ તરફ આવતા હતા ત્યારે રેણુકા બાજુના રૂમમાં હતી. તમને જોઈ તે દબાતા પગલે તમારી પાછળ આવી હતી. તે તમારી સમક્ષ તેના પ્રેમનો એકરાર કરવા માગતી હતી પરંતુ તે હિંમત કરે તે પહેલાં તમે સ્ટાફ રૂમમાં પ્રવેશ્યા અને પેલું દ્રશ્ય જોઈ લીધું. તમારી પાછળ ઉભેલી રેણુકાએ પણ અમોને જોઈ લીધા હતા પરંતુ દબાતે પગલે તે ઝડપથી પાસેના રૂમમાં સરકી ગઈ અને દરવાજા પાછળ સંતાઈ ગઈ હતી. અમારી નજર ફક્ત તમારા પર જ પડી હતી. રેણુકા થોડીવાર પછી ગર્લ્સ રૂમમાં દાખલ થઇ ત્યારે જયા શાહ તેને મળી. રેણુકાએ ભોળા ભાવે જયાને તેણે નિહાળેલ દ્રશ્યની વાત કરી. જયાએ મરી મસાલા ભભરાવી આખી વાતને કોલેજમાં વહેતી કરી દીધી, પરીણામે અમારી બદનામી થઇ. અમારી નજર ફક્ત તમારા પર જ પડી હતી માટે મેં એવું અનુમાન કર્યું હતું કે તમે અમારા વિરુધ્ધ કોલેજમાં અફવા ફેલાવી હતી તેથી મે મેનેજમેંટ સમક્ષ તમારું નામ ધર્યું હતું. મેનેજમેન્ટે મારો ખુલાસો માંય રાખ્યો ન હતો છેવટે અમારે મેનેજમેન્ટના આદેશ અનુસાર નોકરીમાંથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. રેણુકાએ જયારે આખા વિવાદમાં તમારું નામ ઘસડાતું હોવાનું જાણ્યું ત્યારે તેને ખૂબ દુ:ખ થયું અને સાચી વાત જણાવવા તે તમને મળવા માગતી હતી પરંતુ તમે બે દિવસ સુધી શહેરની બહાર હતા અને ત્યાર પછી પ્રસંગો એટલા ઝડપથી બન્યા કે તે હિંમત કરી શકી નહી. તમારી બિમારી અને તેના કારણે તમારે પરીક્ષામાંથી ડ્રોપ લેવો પડ્યો તે બાબતનું પણ તેને ખૂબ દુ:ખ હતું.”   


દરમ્યાન ચા નાસ્તો આવ્યો તેને ન્યાય આપી ડૉ. સ્નેહલતા એ આગળ ચલાવ્યું. “બે વર્ષ બાદ રેણુકાના લગ્ન આ કોલેજના મેનેજિંગ ડીરેક્ટર અને શાક્ષર રમણલાલ મહેતાના પુત્ર વિનોદ સાથે થયા અને તેથી રેણુકા આ સંસ્થાની ટ્રસ્ટી મંડળની સભ્ય બની ગઈ. રેણુકાના દિલ પર પેલા પ્રસંગનો બોજ હજુ પણ હતો. આ સંસ્થામાં જ્યારે પ્રિન્સીપાલની જગ્યા ખાલી પડી ત્યારે તેણે મારી રૂબરૂ મુલાકાત કરી મને તે પદ સ્વિકારવા ખૂબ આજીજી કરી. મેં તે પદ સ્વીકારી લીધું. ત્યારથી હું આ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છું. આ સંસ્થામાં અંગ્રેજીના એચ.ઓ.ડી.નું પદ એક વર્ષથી ખાલી છે. તેની ભરતી કરવાની યુ.જી.સી. એ મંજુરી પણ આપી દીધી છે. તમે પી.એચ.ડી. કરતા હોવાનું રેણુકાની જાણમાં હોવાથી તેણે આ પદ તમારા માટે હજુ સુધી અનામત રાખ્યું છે. તમને પી.એચ.ડી.ની ડીગ્રી મળી હોવાના સમાચાર જયારે રેણુકાએ સમાચાર પત્રો મારફતે જાણ્યા ત્યારે તેણે તરતજ મેનેજમેન્ટની મંજુરી મેળવી તમને અભિનંદન સાથે આ પદ સ્વિકારવા સંદેશો પાઠવ્યો હતો. ફક્ત તમારી હા ની રાહ જોવાય છે અને બીજી એક વાત પણ તમને જણાવી દઉં પેલા પ્રસંગ પછી પ્રો. હર્ષદ ચોક્સીના વેવિશાળ તૂટી ગયા હતા તે તમે જાણતા હશો. ત્યારબાદ મેં સામેથી તેમને પ્રપોજ કર્યું હતું અને તેમણે હા પાડતાં અમે પરણી ગયા છીએ. મેં મારી અટક હજુ બદલાવી નથી. પ્રો. ચોકસી પણ આ કોલેજના મેનેજમેન્ટ દ્વારા સંચાલિત અન્ય કોલેજમાં પ્રિન્સીપાલ છે. પ્રિન્સિપાલ ચોકસી અને રેણુકા તમને મળવા નીકળી ગયા છે અને ગમે તે ક્ષણે આવી પહોચશે.” ડૉ. સ્નેહલતા હજુ તો પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં દરવાજામાં પ્રો. ચોકસી અને રેણુકા મહેતા એક સાથે પ્રવેશ્યા.


પ્રો. ચોક્સીએ સંજયને બાથમાં લઇ અભિનંદન પાઠવ્યા અને ભૂતકાળની ભૂલ બાબતે માફી માગી. રેણુકાએ ખૂબ પ્રેમથી “ હાય સ્કોલર સંજય, કોન્ગ્રેચ્યુલેશન્સ !” કહ્યું અને ” આઈ.એમ સોરી ફોર ધેટ ” કહી માફી માગી લીધી. ફરીથી એક વાર ચાનો દોર ચાલ્યો. ઘણી જૂની યાદો તાજી કર્યા બાદ રેણુકાએ ટ્રસ્ટીની હેશીયતથી ગંભીરતા પૂર્વક સંજયને તેની કોલેજમાં અંગ્રેજીના એચ.ઓ.ડી.નું પદ સ્વિકારવા વિધિવત વિનંતિ કરી અને તે પણ જણાવ્યું કે આ શૈક્ષણિક વર્ષના અંતે પ્રો. હર્ષદ ચોકસી અને ડૉ. સ્નેહલતા અમેરીકા શિફ્ટ થવાના હોવાથી આ કોલેજના પ્રિન્સીપાલના ખાલી થનાર પદ પર ડૉ. સંજય પટેલે બિરાજમાન થવાનું છે.” રેણુકાના ચહેરા પર સંજયને આ પદ સ્વીકારી લેવા અને તેણે કરેલ પોતાની ભૂલનો પ્રશ્ચાતાપ કરવાનો એક મોકો આપવાની આજીજી સ્પષ્ટ દેખાતી હતી. સૌ સંજયના જવાબની આતુરતા પુવક રાહ જોઈ રહ્યા હતા.


સંજયે રેણુકાને ઉદ્દેશીને કહ્યું “ મને આ પદ ફક્ત તમારી ભૂલના પ્રશ્ચાતાપ માટે ઓફર કરવામાં આવતું હોવાનું જણાય છે તેથી મને મારું સ્વાભિમાન તેમ કરતાં રોકે છે માટે હું તેનો અસ્વીકાર કરું છું.” સંજયનો જવાબ સાંભળી હાજર સૌના ચહેરા પર વિષાદ ફરી વળ્યો તેથી વિશેષ રેણુકાની આંખમાં આંસુ આવી ગયા. રેણુકા જયારે તેના આંસુઓ લુછતી હતી ત્યારે તેના સસરા અને સંચાલક મંડળના મેનેજિંગ ડીરેક્ટર અને શાક્ષર રમણલાલ મહેતા પ્રોટોકોલ તોડી પ્રિન્સીપાલની ચેમ્બરમાં દાખલ થયા. સૌએ ઉભા થઇ તેમને સન્માન બક્ષ્યું. તેમણે સંજય સામે જોઈ કહ્યું, ” ડૉ. સંજય, આ પદ તમારા સ્વાભિમાનને હણવા માટે નહિ પરંતુ તમારી શિક્ષણ ભક્તિ અને હોશિયારી તેમજ અમારી કોલેજના વિદ્યાર્થીઓની ભાવી કારકિર્દી ઘડવા યોગ્ય શાક્ષર પ્રતિભાને ધ્યાને લઇ તમને ઓફર કરવામાં આવેલ છે જેનો સ્વીકાર કરો”. રમણલાલ મહેતાની આત્મીયતા જોઈ સંજયે તેમને નમન કરી ઓફર કરેલ પદ સ્વિકારવા સંમતિ આપી. બધાના ચહેરા પર આનંદ છવાયો. રેણુકાની આંખોમાં ફરીથી હર્ષના આંસુ છલક્યા. તેણે ભાવ વિભોર આંખે સંજયનો આભાર માન્યો.  


Rate this content
Log in

More gujarati story from Abid Khanusia

Similar gujarati story from Romance