Independence Day Book Fair - 75% flat discount all physical books and all E-books for free! Use coupon code "FREE75". Click here
Independence Day Book Fair - 75% flat discount all physical books and all E-books for free! Use coupon code "FREE75". Click here

Dilip Ghaswala

Romance


4  

Dilip Ghaswala

Romance


પ્રણયનો માર્ગ

પ્રણયનો માર્ગ

5 mins 623 5 mins 623

પ્રણય એક સોહામણો યુવાન હતો. હજુ તો એ કોલેજના પ્રથમ વર્ષમાં દાખલ થયો નથી ને એની આજુબાજુ પતંગિયાની જેમ યુવતિઓ રંગ વિખેરવા એની આજુબાજુ ભ્રમણ કરવા લાગી. પ્રણય માત્ર ભણવામાં જ હોશિયાર નહોતો બીજી બધી કલામાં પણ પારંગત હતો. ચિત્રકળા, સેલ્ફ ડિફેન્સ કૂડો, ગાયન, વાદન કોઈ પણ કળા એવી નહોતી કે જેને એણે હસ્તગત ના કરી હોય. કોલેજની મ્યુઝિકલ મોર્નિંગમાં એણે જયારે ગાયું કે ”નયનને બંધ રાખી ને...” ત્યારે એને વન્સ મોર પર વન્સ મોર મળ્યું.. ત્યારે એને ખબર નહોતી કે એને પણ કોઈક યુવતી નયનને બંધ રાખીને નિહાળી રહી છે..અને એ બીજી કોઈ નહી પણ એની બાળપણની સાથી કાવ્યા..


કાવ્યા, પ્રણય માટે સાક્ષાત કવિતા છે. નમણી અને કામણગારી પાણીદાર આંખો અને એ આંખોમાંથી છલકાતું કાજળ, તલવારની ધાર જેવી આઈ બ્રો, મોટું કપાળ, લંબગોળ ચહેરો, ગળામાં લટકતું સોનાનું પેંડેન્ટ, કાળા ડીબાંગ ગળા સુધીના વાળ, કોલેજમાં હમેશા સફેદ રંગનું શર્ટ અને બ્લુ ડેનીમ જીન્સ પહેરીને નીકળતી ત્યારે દરેક યુવાન એની એક સ્માઈલ પામવા માટે તડપતો..આવી સોહામણી કાવ્યાનું દિલ પ્રણય પર આવે એ ગર્વ લેવા જેવી બાબત હતી પ્રણય માટે. જેવું એણે ગીત પૂરું કર્યું એટલે કાવ્યા ગ્રીન રૂમમાં દોડી અભિનંદન આપવા. પ્રણયની નજર એના પર પડી. બંનેની નજર એક થઇ એણે હળવું સ્મિત આપ્યું ગુલાબી હોઠો મધ્યે જાણે મોતીના દાણા ગોઠવ્યા હોય એમ દૂધની સફેદી પણ ઝાંખી કરી નાખે એવા દાંતથી સ્માઈલ આપી “અભિનંદન પ્રણય” એવું કહ્યું ત્યારે તો મુખમાંથી જાણે પુષ્પો ઝર્યા હોય એવું લાગ્યું. પ્રણયે પણ હળવી સ્માઈલ આપી આભાર એમ કહ્યું. એ મનોમન ખુશ પણ થયો. વાત કરવાની મૂંઝવણમાં હતો કે આગળ શું વાત કરવી ત્યાં તો સામેથી જ કાવ્યાએ પૂછ્યું, ”ફરી ક્યારે મળીશ ??” ત્યાં તો પાછળથી કઠોર અવાજ સંભળાયો , “ કાવ્યા, પ્રોગ્રામ પતી ગયો હોય તો ઘરે ચાલ મમ્મી એ મને તને લેવા મોકલ્યો છે”. એ અવાજ હતો કાવ્યાના ભાઈ ધ્રુવનો અને પ્રણયની વાત કરવાની, જવાબ આપવાની ઈચ્છા મનની મનમાં જ રહી ગઈ. અને કાવ્યા એક તીરછી નજર કરી ત્યાંથી નીકળી ગઈ. કાવ્યા એની મા રીમા અને ભાઈ ધ્રુવ સાથે રહેતી હતી. બાપ નાની ઉમરમાં જ દારૂની લતે ચડી ગુજરી ગયો હતો. એટલે રીમા જ સંતાનો નો “બાપ” બની બેવડી જવાબદારી નિભાવતી હતી. આમ તો કાવ્યા પ્રણયની સોસાયટીમાં જ રહેતી હતી. પણ રીમાનો સ્વભાવ કડક અને કર્કશ અવાજના કારણે સોસાયટીમાં એમને કોઈ સાથે ઝાઝું બનતું નહી. બહુ જ જુનવાણી રીમા એ કાવ્યા ને મોબાઈલ તો આપ્યો હતો. પણ જુના ડબ્બા જેવો માત્ર વાત જ કરી શકાય. સોશ્યલ મીડિયાથી એને સખ્ત નફરત હતી. વોટ્સ એપ ને ફેસબુક ને લીધે બાળકો બગડે છે એવી માન્યતા ને કારણે સ્માર્ટ મોબાઈલથી કાવ્યા વંચિત રહી. જયારે પ્રણયનું કુટુંબ એકદમ ફોરવર્ડ હતું. પ્રણયે કોઇપણ રીતે કાવ્યાનું દિલ જીતવું એવું નક્કી કર્યું. અને એણે ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ના દિવસે પ્રપોઝ કરવાનું નક્કી કર્યું. પણ એના દિલની વાત કાવ્યા સુધી પહોચાડવી કઈ રીતે એ વિચારતો હતો ત્યાં જ રેડીઓ પર ગીત વાગ્યું “કબુતર જા જા.. “ અને એને વિચાર આવ્યો કે પહેલાના જમાનાની જેમ જ ચિઠ્ઠી હાથે લખી ને મોકલું તો કેમ ? અને એને તરત જ કલમ પકડી લખવાનું શરુ કર્યું, “ ડીયર કાવ્યા, આમ તો હું તને નાનપણથી રોજ જોતો આવ્યો છું, પણ સમજણો થયા પછી હું તને જુદી રીતે જોવા લાગ્યો છું. વાત કરવાનું કોઈ માધ્યમ ન હોવાથી હું જુના જમાનાની રીતથી તને પ્રપોઝ કરું છું. મારે તને એટલું જ કહેવું છે કે હું તને દિલની ગહેરાઈથી પ્રેમ કરું છું. એમ તો તારા વિરહની પળોમાં પણ શ્વાસની આવન જાવન તો થયા જ કરે છે પરંતુ જિંદગી તો એને જ કહેવાય કે જે પળો તારા સાનિધ્યથી તરબતર હોય. મારે તારી સાથે પ્રેમના ખેલ નથી કરવા પણ લગન ખેલ કરવા છે. તારી હા હશે તો જિંદગી આભને આંબતો પતંગ બની જશે ના કહેશે તો કટી પતંગ બની જશે. આઈ લવ યુ કાવ્યા,જો તું મને પ્રેમ કરતી હોય તો આવતી કાલે કોલેજમાં ગુલાબી રંગનું ગાઉન પહેરી આવજે. હું તારો જવાબ હા સમજીશ. કાલે વેલેન્ટાઇન ડે પણ છે..લિ. પ્રણય જે હવે મારો નથી રહ્યો.”


ચિટ્ઠી કવરમાં મૂકી અને કાવ્યાની અગાસીમાં આવવાની રાહ જોવા લાગ્યો. કાવ્યા કાયમ કોલેજથી આવીને દોરી પરથી સુકવેલા કપડા લેવા આવે. થોડી જ વારમાં કાવ્યા અગાસી પર કપડા લેવા આવી અને તરત જ પ્રણયે કવરને એક પત્થર પર વીંટાળીને કાવ્યા તરફ ઘા કર્યો. નિશાન બરાબર લાગ્યું. કવર બરાબર કાવ્યાની પગ નીચે જ આવ્યું એણે પ્રણય તરફ સ્મિત ફેંક્યું અને કવર લેવા નીચી વળી ત્યાં જ એની મમ્મી રીમાનો પાછળથી કઠોર અવાજ સંભળાયો, ”કાવ્યા,?? કપડા લેતા કેટલી વાર ?? “ અને એના પગની નીચેથી ધરતી ખસી ગઈ..ગભરાઈ ને કવર લીધા વગર જ નીચે દોડી ગઈ. પ્રણય પણ ડરી ને એના ઘરમાં પેસી ગયો. કાવ્યા ધ્રુજી રહી હતી. હમણાં મમ્મી ચિઠ્ઠી લઈને નીચે આવશે ને આખી સોસાયટી ગજવશે. પ્રણય ને પણ થયું કે હમણાં રીમા બેન ગુસ્સામાં આવી ને મારી ઈજ્જતના ધજાગરા ઉડાવશે. મારા માબાપ ને ગમે તેમ બોલશે. ઉપર રીમાબેને કવર જોયું, ખોલ્યું વાંચ્યું ને એમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. ગુસ્સામાં રાતા પીળા થઇ ગયાં ગુસ્સામાં કાવ્યાને વાળ પકડીને ફટકારવી અને પછી પેલા પ્રણયને સબક શીખવાડવા એના ઘરે જઈ ગોકીરો મચાવું. એવું મનોમન નક્કી કરી કવર લઇ નીચે ઉતરતા હતા જ ને એમને ઠોકર વાગી અને એ અગાસીમાં ગબડી પડ્યા અને એમને એમની જિંદગીની આવી જ એક સાંજની ઠોકર યાદ આવી ગઈ. આજથી ૩૪ વર્ષ પહેલાનો સમય યાદ આવી ગયો.


અફાટ ખેતરની વચોવચ નીખીલ યાદ આવી ગયો ,” રીમા હું તને પ્રેમ કરું છું, મારે તારી સાથે સંસાર માંડવો છે, ચાલ ભાગીને લગન કરી લઈએ “ હજુ હું હા પાડું ત્યાં તો મારી મા એ પાછળથી આવીને મારો ચોટલો ઝાલીને મને એક તમાચો જડી દીધો ને નીખીલને મા બેન સમાણી ગાળ આપી ભગાડી મુક્યો હતો. અને મને જબરદસ્તીથી મારી ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરાવી દીધા હતાં ને મારો ઘરવાળો પણ દારૂ ને જુગારની લતને કારણે બે છોકરાને જન્મ આપી ઉપર સિધાવી ગયો..ત્યારથી આજ સુધી નીખીલ હજુ મનમાંથી નથી ખસ્યો..અને આજે આ ઠોકર ફરી મને પૂછી રહી છે રીમા, આ તું શું કરે છે ? તારો તો ભવ બગડ્યો હવે ના પાડીને તું કાવ્યાનો પણ ભવ બગાડીશ..? કાવ્યાને રોકીને તું રીમાને જન્મ આપી રહી છે? તું ૩૪ વર્ષે પણ નીખીલને નથી ભૂલી શકતી તો કાવ્યા પ્રણયને ભૂલી શકશે ?? આ નફરત ગુસ્સો અહં કડકાઈ જીદ છોડ. પ્રેમના પુષ્પ ખીલે છે તો ખીલવા દે. કાલે જ વસંત પંચમી છે એમની જીંદગીમાં વસંત ખીલવવાનું પુણ્ય કાર્ય કર.


અને રીમા બેન ધીમા પગલે કવર લઇને નીચે ઉતર્યા અને કાવ્યાને ખુબ જ પ્રેમથી હાથમાં આપી એટલું જ બોલ્યા, “કાવ્યા દીકરા કાલે કોલેજ જાય તો ગુલાબી રંગનું ગાઉન પહેરવાનું ભૂલતી નહિ !”  


Rate this content
Log in

More gujarati story from Dilip Ghaswala

Similar gujarati story from Romance