STORYMIRROR

અશ્ક રેશમિયા

Romance Thriller Tragedy

3  

અશ્ક રેશમિયા

Romance Thriller Tragedy

પ્રણયભંગ

પ્રણયભંગ

63 mins
16.2K


પ્રાસ્તાવિક :

"પ્રણયભંગ" એક લઘુનવલ છે. આ લઘુનવલ પ્રણયની અપ્રગટ તરસની મંઝીલને પામવાં સારું થઈને કેટકેટલાં રસ્તાઓ તથા સંજોગો બદલવાં પડે છે એની રોમાંચક કહાની રજુ કરે છે. વાર્તાનો નાયક અવિનાશ કેવા-કેવા સંજોગોમાં પ્રણયભગ્નતાનો ભોગ બને છે અને પ્રણયની મંઝીલથી છેતરાઈને તરસ્યો રહી જાય છે એની વેધક રજુઆત છે.

પ્રણયની તરસ કે મંઝીલ કંઈ એ તો ખુદ વાર્તા નાયક પણ જાણતો નથી. તેમ છતાંય એ ઘાયલ થઈને, લૂંટાઈને, બરબાદ અને બદનામ થઈનેય પ્રણયનો માર્ગ મેલતો નથી. પ્રણયની મંઝીલનાં નામે આટઆટલી અકલ્પનીય અને અસહ્ય પછડાટ ખાધાં પછી નાયકને પ્રણયની જીંદગીની આથમતી સંધ્યાએ જયપુરની નાયિકા મળી જાય છે. જેનાં પ્રણયવિશ્વાસનાં ભરોસે નાયકની જીંદગીમાં હજારો ચાંદલા ખીલીને કેવાં આથમી જાય છે! તેની રજુઆત વાચકને વિચારતાં કે આંસું સારતાં કરી દેશે!

એક તરફ પ્રણયભગ્નતા હૈયાને ભાંગી રહી હતી તો બીજી બાજુ પ્રણયવિયોગ વિફરેલી વાઘણની માફક કાળજાને ચીરી રહી હતી. એકલતા એની આંખોનાં આંસુઓને સૂકવી રહી હતી. આવાં ભીષ્ણ કપરાં સમયમાં નાયકને રોજે-રોજ વિચાર આવતો કે એ પાછો ફરી કોઈકનાં પ્રેમને પામે! પણ હૈયું!? હૈયું સ્હેજેય માનવાં તૈયાર નહોતું. આખરે એને એની આખરી મંઝીલ મળી. એણે પોતાનાં શમણાઓ, ખુશીઓ અને પ્રણયને એ માર્ગે વાળ્યા જ્યાં એને એની છેલ્લી મંઝીલ મળી!

'પ્રણયભંગ'ની વાર્તાઓ વાંચીને જગત અને પ્રણયદિવાનાઓ શાયદ વાર્તા નાયકને લફરાબાજ કહેશે અને કહે એમાં કોઈ શંકા નથી. કારણ કે પ્રેમનાં નામે આટલી રઝળપાટ કરી હોય અને છતાંય નાયક પોતે નિર્દોષ રહે એ વાત તો જગતનાં ગળે કેમ કરીને ઊતરે? તેમ છતાંય આ વાંચ્યા બાદ નાયક પર જે ઈલ્જામ લાગે એ સઘળા ઈલ્જામ નાયક હસતાં મોઢે સહી લેશે. કેમકે પ્રણયની મહાભયંકર સફર દરમિયાન મળેલા દર્દ, દગાઓ અને પ્રચંડ આઘાત આગળ આ લફરાબાજનો ઈલ્જામ વામણો હશે!

'પ્રણયભંગ'નો નાયક ઝેરીલા જખ્મો ખાનારો આશિક છે. પ્રણયનાં કસુંબા પીનારું પ્રીત પારેવું છે.

વાર્તાનો નાયક છે અવિનાશ.

અવિનાશ એટલે જેનો કદી વિનાશ ન થાય એવી વ્યક્તિ!

આ અવિનાશ વિકાસ સાધે છે કે વિનાશ વેરે છે એ હવે વાંચો આ 'લઘુનવલ' માં.

-અશ્ક રેશમિયા...!!!

1.હૈયામાં હોળી.

'વાહ રે વિધાતા વાહ! તારી કળાને સો-સો સલામ! મ્હોરાતી જતી જવાનીમાં પ્રથમ પ્રણયની ભગ્નતાએ મંઝીલનાં નામે કેટકેટલો રઝડાવ્યો મને? કાશ, પ્રથમ પ્રેમની વિજોગી નિષ્ફળતાએ મને મહોબ્બતનાં કાતિલ વિષપ્યાલા પાયા ન હોત તો!? તો આટલી રઝળપાટ કરવી ન પડી હોત? પણ હાય રે કિસ્મત!'

સમી સાંજનાં આછા અંધારાનાં પાલવમાં પોઢીને અવિનાશ મનમાં ને મનમાં કોઈ ગડમથલ ઉકેલી રહ્યો હતો.

અવિનાશ એટલે પ્રણયમાં વેરણછેરણ થયેલ વ્યથિત વ્યક્તિ! પ્રેમનાં પવિત્ર પંથે અનેક યુવતી એનાં પનારે પડી હતી. પણ એમાંથી કોઈનો પ્રેમ અવિનાશનાં પનારે ન પડ્યો તે ન જ પડ્યો. હરમંઝીલે એ સાવ એકલો જ પડ્યો.

અવિનાશ પ્રણયની મંઝીલની આઠમી કેડીએ વિરહતો હતો. એવામાં એ પટકાયો. એવો પટકાયો કે એના રામ રમતાં થઈ ગયાં. દિલ ધબકારા ચૂકવાં લાગ્યુ. આંખે અંધારા બેઠાં.શરીર સાવ શિથિલ! એને લાગી રહ્યું હતું આ એની છેલ્લી ક્ષણો છે.એણે કલમ ઝાલી લખવાં માંડ્યું. સમગ્ર વૃતાંત નજરે ઊભરાયું.

અચાનક જીંદગીની મઘમઘાટ કરતી વસંતસમી જવાનીનો પ્રથમ પ્રણય એને સાંભરી આવ્યો.

સાતેક વર્ષ પહેલાની 14મી ફેબ્રુઆરીનો દિવસ હતો. બપોરે બાર વાગ્યા સુધી તો પોતાની નાદાનીયત ધૂનમાં મસ્ત હતો

કિન્તું બપોરી મંદ વાયરાએ એને પ્રણયનાં પમરાટ કરતાં રંગે રંગવા લાગ્યો. અને અવિનાશ કમલી નામની કામણગારી સુંદરીનાં જાજવલ્યમાન હ્યદય જોડે પ્રણય કરી બેઠો.

14મી ફેબ્રુઆરી એટલે પ્રેમોત્સવ! ઉરનાં ઘૂઘવાટ કરતાં પ્રેમનાં અફાટ દરિયાને પ્રિયતમ સમક્ષ ખોબલે-ખોબલે ઢોળી દેવાનો સુઅવસર. જો કે અત્યારનાં જમાનામાં પ્રેમોત્સવ એ શરીરોત્સવ બની ગયો છે. જે હોય તે, પણ આમેય આપણને પ્રગતિ અને પરિવર્તન ગમે જ છે ને!

અવિનાશ ત્યારે બારમાં ધોરણમાં ભણતો હતો. અત્યાર લગી એ પ્રણયનાં ભૂતાવળથી દૂર હતો. એનાં મિત્રો કહેતાં, અવિનાશ અમારી માફક પ્રેમ તો કર. ત્યારે એ જવાબ આપતો-થાય તો કરું ને! પ્રેમ થોડી કરવાની વસ્તુ છે તે કરું!

આવું કહીને એ હસી પડતો. એની જીંદગીમાં પ્રેમ કરવાં કરતાં તો ભણતરમાં મહેનતનું વધારે મહત્વ હતું. એને જ્યારે જુઓ ત્યારે વાંચતો જ પડ્યો હોય. વિશ્રાંતિનાં સમયમાં પણ એ વાંચતો જ હોય! એને વાંચનનું એવું તો જબરૂ ઘેલું હતું કે એ પુસ્તક વેગળું મૂકે જ નહી. એ વાચનનું કારણ એની આંખોમાં ઉછાળા મારતાં કંઈક બનવાનાં શમણાઓ હતાં.

માણસ ગમે તેવો હોય એની જીંદગીમાં એકવાર પ્રેમની સુહાની મોસમ તો આવે જ આવે છે.

વેલેન્ટાઈનનો એ દિવસ અવિનાશ માટે પ્રેમની લીલીછમ્મ વસંત બનીને આવ્યો. બપોર સુધી તો અવિનાશ પ્રેમની ચમત્કારિક મોસમથી દૂર હતો.પણ બપોરની વેળાએ એ મિત્રો સાથે લીમડાનાં ઝાડ નીચે બેઠો હતો એ વખતે કમલી નામની જોબનવંતી છોકરીએ દિવ્ય દેખા દીધી ને એે પ્રેમાતુર થયો! એનાં હૈયામાં પ્રેમના કરોડો તરંગો ઊઠવા માંડ્યા. મન મોર બનીને નાચગાન કરવા માંડ્યું. આંખોએ સ્નેહનાં આંસુઓ ખાળ્યા. હોઠ મલકાટમાં મલકી ગયાં. એ પ્રેમમાં પડ્યો!

કમલી એનાં પર પ્રેમાળ નજર ફેરવી ચાલી નીકળી.

કમલીને જોયા બાદ અવિનાશની જીંદગી સોને મઢાઈ ચૂકી હતી. પુસ્તકોનો કીડો બની ગયેલ અવિનાશને ચોપડીઓ હવે કાંટાળો તાજ લાગવા માંડી. એક નવીન અજાયબભરી દુનિયામાં એ ઉતરવા લાગ્યો.

ખેર, વાત સાચી જ છે કે વ્યક્તિ જ્યારે પ્રેમ નામનાં સાગરમાં પડે છે ને, ત્યારે બધું જ વીસરી જાય છે. એટલે સુધી કે પોતાની જાત સુધ્ધાને ભૂલી જાય છે. પછી તો જીવનભર એ વ્યક્તિ પ્રેમદરિયાનાં મોજાઓમાં ફંગોળાતો રહે છે. ભાગ્યે જ એવો કોઈ મરજીવો હશે જે પ્રેમસાગરનાં તળિયેથી કંઈક પામીને હેમખેમ કિનારે આવ્યો હોય!

કમલી ત્યારે દશમાં ધોરણમાં હતી. એય અવિનાશની માફક ભણવામાં હોશિયાર હતી. પણ રૂપમાં અવિનાશને ક્યાંય પાછળ પાડી દે એવી અવ્વલ હતી. નમણી નાજુક-સી સૌંદર્યની વેલ સમું એનું ગૌર વદન હતું. એનું આખું અસ્તિત્વ જ એવું હતું જાણે ફૂલોનો ઢગલો! એને જોઈને લાગે હમણાં જ ગુલાબની કળીઓ ખીલી ન હોય! પૂનમનાં ચાંદનેય શરમાવે એવું વદન, જરાક ફુલેલા ગાલ, મદભર ગુલાબી અધર, અને એ અધર પર કાયમ રહેતું ઉર્મિના ફુવારા સમું હાસ્ય!

એ હસતી તો એવું લાગતું જાણે એનાં મુખમાંથી પારિજાતની પાંખડીઓ ખરતી ન હોય! આંખોમાં ગજબની ચમક ભરી હતી અને એ જ આંખોમાંથી અવિરત વહ્યા કરતો પ્રેમનો પ્રવાહ. એ પ્રવાહે અવિનાશને સાવ જ પીગાળી નાખ્યો હતો. કાળી ભમ્મર પાંપણો, પાંપણો પર મીટ માંડી બેઠેલ સોનેરી શમણાઓ. દિલની દિવાલ પર ચોટેલ ભવ્ય ઊભારો! એનાં વિકસિત ઊભારો એની ખીલતી જવાનીની ચાડી ખાઈ રહ્યા હતાં. અવિનાશ કમલીનાં આવાં નમણા અસ્તિત્વને પળમાં પ્રેમ કરી બેઠો.

કેવી ગજબની છે પ્રેમની અસર! પ્રેમ મડદાંને પણ બેઠું કરવાં સમર્થ છે. પ્રેમ જ્યારે સીના પર સવાર થાય છે ત્યારે લાગણીનાં અશ્વ ક્ષિતિજ છોડીને ક્યાંયના ક્યાંય પહોચી જતાં હોય છે. વ્યક્તિ પ્રેમની લાગણીમાં એવો તો પીગળી જાય છે કે એ એનું આખું અસ્તિત્વ જ ભૂલાવી બેસે છે. ઘણીવાર તો વ્યક્તિ પ્રેમમાં પોતાનો દરજ્જો પણ ભૂલી જતો હોય છે. અને એ જ સાચો પ્રેમ છે.

સાચો પ્રેમ માનવીને માનવતાનાં સર્વોત્તમ શિખરે લઈ જાય છે.

ફૂલને વધુ ચુસવાની લાલસામાં જેમ ભમરો એમાં પુરાઈ જાય છે એમ અવિનાશ સંપૂર્ણ કમલીમય બની ગયો હતો. જેનું પ્રથમ લક્ષ્ય ભણતર હતું એનું પ્રથમ લક્ષ્ય હવે કમલી અને કમલીનો પ્યાર બન્યો!

જેમ જેમ બોર્ડની પરીક્ષાઓ નજીક આવતી ગઈ એમ અવિનાશ પરીક્ષાની તૈયારીથી દૂર ભાગતો જતો હતો ને કમલીની સાવ નજીક આવી રહ્યો હતો. કમલી તરફનાં પ્રેમને માંડ દશેક દિવસ થયા હશે. એવામાં અવિનાશે મિત્રોનાં કહેવાથી કમલીને પ્રપોઝ કરવાનું બીડું ઝડપ્યું.

તેરસની તિથિ હતી. સાંજનો રળિયામણો સમય હતો

ડુંગર પર લોકોની અવરજવર વધતી જતી હતી.અવિનાશને ખબર હતી કે ડુંગર પરની દેરીએ દર્શન કરવાનો કમલીનો તિથિક્રમ હતો. એથી એ પાંચ વાગ્યાથી ત્યાં જ તંબુ તાણીને બેઠો હતો.

સાંજ આથમવા આવી હતી. કમલીએ એની સહેલી સંગ દેખા દીધી. અવિનાશ એને જોઈ બાગ બાગ બની ગયો. દોડીને કમલીને ભેટી જવાનું મન થયું. પણ એણે સંયમ ધર્યો.

દૂરથી અંધારાને ભાગતું આવતું જોઈને અજવાળાએ સંતાવા માંડ્યુું હતું. એ વખતે અવિનાશ કમલીની સાવ નજીક ગયો. હૈયું ફાટ ફાટ થતું હતું. આંખો બીડા બીડ થતી હતી. હોઠ પર જાણે ફેવીકોલ લગાવ્યો હોય એમ એકમેક સાથે ચોટી ગયાં.

અવિનાશની આવી હાલત જોઈને કમલી બોલી, 'શું છે અવિનાશ!?

આ સાંભળીને અવિનાશ શરમ સંકોચ અને ભયથી નીચું જોઈ આઘો ખસી ગયો. એને આમ આઘો જતો જઈ કમલીએ ફરી પૂછ્યું, 'અવિનાશ, તારે કંઈ કહેવું છે મને?'

સાંભળતાં જ અવિનાશમાં થોડી હિંમત આવી. હાંફળો ફાંફળો થતાં એ નજીક ગયો.બોલ્યો-'કમલી તને ખબર જ હશે કે મારે તને શું કહેવું છે. છતાંય તારે સાંભળવાની ઈચ્છા હોય તો સાંભળ: મારું હૈયું તને પ્રેમ કરે છે, તારો મધુરો સાથ ઝંખે છે, તારી હુંફાળી ગોદ માટે મારું મન તડપે છે. 'આટલું બોલીને એ કમલીનો કર ઝાલી એનાં ચરણે થયો.

આ સાંભળીને કમલીનાં ભવાંઓએ સાતમું આકાશ ભેદયું. ઘડીક પહેલાં મલકાટમાં મલકતું મુખ ગુસ્સાથી લાલચોળ બની ગયું. એ બોલી,' ઊભો થા અવિનાશ! આ તે શું માંડ્યું છે?' પછી ડુંગરની તળેટી ભણી આંગળી ચીંધતા બોલી- 'આ તરફ જો અવિનાશ, બે ઝાપટ આપીશ ને તો છેક તળીટીએ પહોંચીશ!'

સાંભળીને અવિનાશ મીંદડી થયો. કમલી ફરીથી બોલી: 'મારી નજરે તારી સામે જો અવિનાશ..અને પછી મારાં પર નજર કર અને વિચાર કે તારી હેશિયત શું છે? તારામાં સુંદરતા, મોહકતા, અદાઓ કે પછી શ્રીમંતાઈ જેવું કંઈ છે તે તું મને લવ કરવાં નીકળી પડ્યો છે?'

અવિનાશની આંસુ ભરી આંખો જોઈ એણે નિશાશો નાખ્યો. થોડીવારે પાછું એણે મો ખોલ્યું, 'અવિનાશ..ચાલ ઊભો થા. અહીંથી ચાલતી પકડ ને ઘેર જઈને પરીક્ષાની તૈયારી કર. નહીં તો પરીક્ષા એને ઠેકાણે રહેશે ને તારું ઠેકાણું થઈ જશે! 'આટલું કહીને એ પલાયન થઈ.

અવિનાશ બિચારો બની ટપકતી આંખે એને જતી જોઈ રહ્યો.

સમી સાંજે બનેલી ઘટનાએ રાતભર અવિનાશને ઊંઘવા ના દીધો. એણે આ ઘટનાની જાણ કોઈને થવા ન દીધી. ને હેમખેમ પરીક્ષા પૂર્ણ કરી. પરીક્ષા પછી એનું એક જ લક્ષ્ય-કમલીનાં દીદાર! ભલે કમલી સ્વિકારે કે ન સ્વિકારે. પણ એનાં દીદાર માત્રથી હૈયાને ટાઢક તો વળે છે ને! બસ, આટલાં વિચાર માત્રથી એ દિનમાં દશ વાર કમલીની ગલીએ આંટા મારી આવતો.

જેને ચાહીએ છીએ એને પામ્યા વિના એને ચાહતાં રહેવું એ જ સાચો પ્રેમ હશે,શાયદ!

વખત વીતતો ગયો. અવિનાશનાં ચક્કરથી કમલી વાજ આવી. આખરે એણે માણસો ગોઠવવાં માંડ્યા. અવિનાશનાં નીકળવાનો વખત થાય એટલે હર વળાંકે એક શખ્શ ઊભો જ હોય!દરેકની એક જ ધમકી-અવિનાશ..આ ગલીને ભૂલી જા. નહીં તો અહીં જ તારો વિનાશ થશે.

પણ આવી ધમકીથી ડરે તો એ અવિનાશ શાનો! એ તો કમલી નામની મેશમાં ફના થવાં નીકળ્યો હતો.

હૈયામાં ધરબાઈને શાંત પડેલ પ્રેમનો દરિયો જ્યારે ઉછાળા મારવા લાગે છે ત્યારે એ કાંટા, કાંકરા કે પથ્થરોની તીક્ષ્ણ શિલાઓને પણ ક્યાં ગણકારે છે!

કમલીએ ભલે એના પ્રેમનો ઈન્કાર કર્યો હોય પણ એ તો એનાં નામની ભેખ ધરી બેઠો હતો. અવિનાશ એટલો તો કમલીમય બની ગયો હતો કે એણે પોતાનાં હાથ પર કમલીનાં નામનું છુંદણું કોતરાવી દીધું હતું.

આમને આમ બે વર્ષ વીતી ગયાં. અવિનાશ કમલીની મૂર્તિને હૈયામાં સ્થાપિત કરીને એની ભક્તિ કરતો રહ્યો. કોલેજકાળ દરમિયાન દરેક શનિવારે એ કમલીનાં દીદાર કરવાં દોડી આવતો. કિન્તું અવિનાશની જીંદગીમાં પ્રેમનો પ્રકાશ પાથરે તો કમલી શાની!??

અને આમ એનાં પ્રેમને પામ્યા વિનાનો રહે એ અવિનાશ શાનો?

ફરીથી 14મી ફેબ્રુઆરીનો દિવસ હતો.અવિનાશનાં હૈયાનાં રાજસિંહાસન પર કમલીનાં રાજ્યાભિષ એકને બે વર્ષ વીતી ગયા હતાં. કિન્તું જેનાં નામે એ બે સાલ સુધી લાગણીનાં લાડ લડાવતો રહ્યો એનો પ્રેમ એક ઘડી માટે પણ એને ન મળ્યો.અવિનાશની હેસિયત તો નહોતી કે એ કમલીને શાનદાર અને દમદાર ભેટ આપી શકે.તેમ છતાંય વહેલી સવારે ગુલાબનું ફૂલ લઈને એ કમલીને બંગલે પહોચી આવ્યો.

કમલી એને જોઈ અકળાઈ ઊઠી. અવિનાશને થપ્પડ મારી દેવાની ઈચ્છા જવાન થઈ. કિન્તું એણે સંયમ જાળવ્યો. હોઠ પર બનાવટી પ્રેમ ઉભરાવીને બોલી: અવિનાશ..દશ વાગ્યે દેરાસરનાં દરવાજે આવી જજે.

એ સાંભળી અવિનાશનું રોમ રોમ નાચી ઉઠ્યું. દશ વાગ્યે તો એ દેરાસરનાં દરવાજે હતો. એનાં અચરજ વચ્ચે કમલી ગુલાબનો મઘમઘતો ગુચ્છ અવિનાશને પકડાવી બેઠી. ને એ જ ઘડીએ આવેશભેર અવિનાશ કમલીને ચુંબન ભરી બેઠો!

અવિનાશને બે વર્ષની ભક્તિ ફળી. એનાં પરિપાકરૂપે મધુરી મુલાકાતો મળી. પ્રેમાળ વાતોથી વખત આનંદનાં અતિરેકમાં વીતતો જતો હતો.

એવામાં ઉનાળો આવ્યો. ચારેકોર લગનની ધૂમ મચી પડી હતી.એ બંનેએ લગ્નની ઉજવણી માણી.

'અવિનાશ..! બકાં સોરી, કાલે આખો દિવસ હું તને નહીં તો મળી શકું કે ફોન પણ નહીં કરી શકું! પરંતુ પરમ દિવસે બાર વાગ્યે મહાદેવનાં મંદિરે મારો ઈંતજાર કરજે.' રીક્ષામાંથી ઊતરતા-ઊતરતા કમલી બોલી.

બારનાં ટકોરે અવિનાશનાં ઉરને ટકોર્યું. એણે મંદિર ભણી દોટ મૂકી. ત્યાં જઈને જુએ છે તો આખું રોમ ફાટી જાય એવું ગોઝારું દશ્ય! અવિનાશની આંખે અંધારાં ઊતરી આવ્યા. કમલી એના મનનાં માનેલાં કોઈ માણીગરને બાહુપાશમાં જકડાઈને ભરપેટ રોમાંસ માણી રહી હતી! એ જોઈને અવિનાશનાં હાથમાંથી ગુલાબ સરી પડ્યું. આંખોમાંથી અશ્કનાં દરિયા વહી આવ્યા. જીગરમાંથી જાણે જીવ નીકળી ગયો હોય એમ એ બેભાનીને શરણે થયો!

પ્રથમ પ્રેમનાં એ કુદ્રશ્યએ અવિનાશનાં હૈયામાં આજીવન સળગતી રહે એવી હોળી સળગાવી મૂકી. એનાં લીલાછમ્મ દિલમાં અગ્નિએ ભડાકા દેવા માંડ્યા.

એ રાતે અવિનાશ બબડ્યો હતો, 'હે કિરતાર આવાં દગાખોર દિલને તું શાને સર્જતો હશે?'

પ્રથમ પ્રેમમાં છેતરાયેલ, જખ્માયેલ અવિનાશ હૈયામાં સળગતી આગ લઈને હર મંઝીલે છેતરામણી અને દગાથી ભરપૂર જખ્મોનો ભોગ બનતો રહ્યો. ને અશક્ના દરિયા વહાવતો રહ્યો.

* * *

2.વહેમ..

'અહોહો....અવિનાશ! સુરત રહીને આવ્યા બાદ કેટલો બદલાઈ ગયો છે તું?' લગભગ બારેક મહિનાં બાદ અવિનાશને જોઈને અક્ષરા આશ્ચર્યથી બોલી પડી.

'તું પણ શહેરમાં રહીને ઓછી નથી બદલાઈ હો..! જો ને તારાં નખરા! કૂતરાને બીવરાવે એવાં!' અવિનાશે પણ મસ્તીભર્યો રણકો બોલાવ્યો.

પછી ક્યાંય લગી એ બંને એકમેકને તાકી રહ્યા.

અવિનાશ જ્યારે બારમામાં હતો ત્યારે પ્રથમવાર અક્ષરાએ એને જોયો હતો. એ મૂળે ગામડાંની. પણ એનો ઉછેર અને વિકાસ અમદાવાદમાં થયો હતો. ભલા અમદાવાદી ગોરી ગામડિયા છોરાને ક્યાંથી ભાવ આપે? છતાંય અવિનાશની માસુમિયત એની આંખે વળગી.

પ્રથમવાર જોતાં જ પ્રથમ નજરે જ અક્ષરાએ અવિનાશને બેય કીકીમાં કેદ કરી રાખ્યો હતો. અવિનાશનો એકલતા અને પુસ્તક પ્રેમ એને બહું જ ગમી ગયો હતો. અવિનાશ જ્યારે પણ ટેરેસ પર જઈને વાંચતો હોય ત્યારે અક્ષરા ક્યાંકથી ચૂપચાપ આવીને એને ટગર ટગર માણ્યા કરતી.

પોતાનાં ભાવિનાં ઘડતર માટે થઈને અવિનાશ પુસ્તકોને આંખોથી સહેંજેય અળગા નહોતો કરતો. ઉજળા ભાવિની ભવ્ય મંઝીલનું એને ખુબ જ વળગણ હતું. નવરાશની પળોમાં પુસ્તક સિવાય એનું કોઈ જ નહોતું. એ કહેતો- 'ભણનારને વળી નવરાશ શાની? મિત્ર શાનાં?' ને એટલે જ પોતાને ટગર ટગર માણતી રહેતી અક્ષરા તરફ આંખ પણ નહોતો ઉઠાવતો. અવિનાશ વાંચવામાંથી ઊંચો નહોતો આવતો ને અક્ષરા એને માણતાં ધરાતી નહોતી.

માત્ર ચાર જ દિવસમાં અવિનાશને આંખોમાં વસાવી ચૂકેલી અક્ષરાને અમદાવાદ જવાનું થયું! મન નહોતું માનતું તોપણ જવું પડ્યું. પોતાની લાગણીનો, મહોબ્બતનો એકરાર કર્યા વિનાં બળતા હ્દયે એ અમદાવાદ પહોંચી.

અવિનાશને તો કંઈ જ જાણ નહોતી ને અક્ષરા શહેરમાં એનાં વિના ઝુરી રહી હતી.

સમયને વીતતા ક્યાં વાર લાગે છે? કોઈ જીંદગી ક્યાંક કોઈની રાહ જોઈ લે છે પણ સમય કોઈનાં બાપનીયે રાહ જોતો નથી. લગભગ એકાદ વર્ષ વીતી જવા આવ્યું હતું. આ વર્ષમાં અવિનાશની જીંદગીમાં આનંદની ક્ષણિક ભરતી અને દર્દની ઊંડી ઓટ આવી ચૂકી હતી. એક સમયે જે અવિનાશને પ્રેમની દિવાનગીનું ભાન નહોતું એ અવિનાશનાં પ્રેમનાં ચૈતન્યમય સ્પર્શથી મ્હોંરાઈને પછી સાવ સાવ જ ખરી પડ્યો હતો. એનાં પ્રેમની ઘાતે એને ભયંકર આઘાતમાં ધકેલી દીધો હતો.

વસંતની માફક નવપલ્લવિત થતી જતી અવિનાશની પ્રથમ પ્રેમની કોમળ પાંદડીઓને કમલી નામની કલીએ ચીમળાવી દીધી હતી.

વરસ બાદ બીજીવાર અવિનાશ અને અક્ષરાની નજરોએ એકમેકને જોઈ. બંનેમાં ગજબનો બદલાવ આવી ચૂક્યો હતો. એકનાં ચહેરા પર કાયમ ઉદાસી આવી ગઈ હતી, તો બીજીનાં વદન પર પ્રણયનાં પુષ્પો જવાન થઈ ગયેલા લાગતાં હતાં.

શિયાળાની સાંજ હતી. સૂરજ ડૂબવાની અણી પર હતો. અવિનાશ ઉદાસ વદને એ ડૂબતાં સૂરજને માણી રહ્યો હતો. એવામાં ક્યાંય અવિનાશ ન દેખાતાં અક્ષરા અગાશી પર આવી ચડી. પળભર માટે એ અવિનાશને તાકી રહી પછી અચાનક જ દોડતી આવીને એને બાથમાં ભરી બેઠી! અક્ષરાની આવી હરકતથી એ અકળાઈ ઊઠ્યો. શાંત સાગરમાં સુનામી સર્જાઈ! એણે ભરી આંખે અક્ષરાને અળગી કરી.

પ્રેમ નામનાં તત્વથી જેણે સંન્યાસ લઈ લીધો હોય એ અવિનાશ અક્ષરાની આવી અણધારી હરકતોથી ખળભળી ન જાય તો શું કરે? સૂરજને માણવાની પરવાં કર્યા વિના એ પગથિયા ઉતરવાં માંડ્યો.

એ બેએક પગથિયા ઉતર્યો હશે ને એનો હાથ પકડાયો. પાછું વળીને જુએ એ પહેલાં તો અક્ષરાએ એને છાતી સરસો દબાવી દીધો! બોલવા માંડી: 'અવિનાશ હું તને પ્રેમ કરું છું ને તું આમ દૂર ભાગે છે! છેલ્લા એક વર્ષથી તારી યાદોમાં, તારાં વિરહમાં સળગતું આ હૈયું તારો મધુરો સાથ ઝંખે છે. અને તું આમ તરછોડી જાય એ કેમનું ચાલે?'

જવાબમાં અવિનાશે વરસતી આંખોને વધારે વરસાવી. ક્યાંક ખોવાઈ ગયેલો એ મૂર્તિની માફક જડવત બની ઊભો હતો. અક્ષરા એને વીંટળાઈને સ્પર્શભીની આહલાદકતાં માણી રહી હતી.

બેભાનીમાંથી કળ વળે એમ અચાનક હકીકતનું ભાન થતાં એણે કહેવા માંડ્યું, 'અક્ષરા! આ ગાંડપણ હવે રહેવા દે.'

'મારા પ્રેમને શું ગાંડપણ કહે છે?'

'તારા પ્રેમને સો-સો સલામ...! કિન્તું આ પ્રેમની દુનિયાથી તો હું ભેખ ધરી બેઠો છું. જો હવે આ દુનિયામાં પાછા આવવું મારાં માટે સાવ અશક્ય છે.'

આવવું પડશે, અવિ...આવવું જ પડશે! એકવાર નહી પણ સાડી સત્તરવાર આવવું પડશે. અરે, તારાં પ્રેમને પામવાં ખાતર તો હું એક વરસથી તારા વિરહમાં સળગતી રહી છું ને તું આવી વાતો કરે છે? મારા પ્રેમને, મારી લાગણીને સમજ બકા, સમજ.'

'અક્ષરા, હું પ્રેમને લાયક નથી. અને મારો પ્રેમ કોઈને માફક આવે એવો નથી. તું મને એકલો જ રહેવા દે.'

'તું જ મારાં પ્રેમને લાયક છે અને તારો પ્રેમ મને સો ટકા માફક આવશે.બસ, એકવાર તું મને આઈ લવ યું કહી દે.'

સાંજ ઓગળી જવાં આવી હતી. એવામાં અવિનાશનાં ઉરમાં કંઈક સળવળ્યું. એનું હૈયું કહી રહ્યું હતુ કે 'અવિનાશ! કમલીએ તારાં પ્રેમને ઠુકરાવાથી તારી શી વલે થઈ છે એ ધ્યાનમાં છે ને? જો ધ્યાનમાં હોય તો આવી બુરી દશા કોઈની કરતો નહીં. તારી જીંદગી તો ઉજડી પણ બીજાની શા સારું ઉજાડે છે?'

અચાનક પ્રકાશમય ઝબકારો થયો ને અવિનાશ આવેશભેર અક્ષરાને બાહુપાશમાં ઝકડી લેતાં બોલી ગયો- 'આઈ લવ યું અક્ષરા..'

અને અક્ષરાએ ચુંબનોથી એને નવરાવી દીધો.

ત્રીજા દિવસે બંને એકાંતમાં બેઠા હતાં. સ્પર્શ મિલનની પ્રેમભરી આપ-લે થઈ ચૂકી હતી. રોમાંસની મોજ માણી લીધી હતી. હોઠ મૌન અને નયનો વાતે વળગ્યા હતાં. પલંગમાં આડા પડેલ અવિનાશની બાજુમાં બેઠી-બેઠી અક્ષરા એની આંખોનાં લાગણીભીનાં પ્રણયકસુંબા પી રહી હતી.

ઉત્તર દિશા તરફની બારી પર બેઠેલી વિધાતા ક્યારનીયે આ પ્રણય રમત જોઈ માહેની માહે સળગી રહી હતી. જાણે અવિનાશથી એને વેર હોય એમ!

બંનેની આંખોમાં અને હ્રદયમાં અપાર ખુશી વરતાતી હતી. અક્ષરાનાં પ્રેમનાં અપાર સાનિધ્યમાં અવિનાશ એનાં પ્રણયભગ્ન ભૂતકાળને ભૂલી રહ્યો રતો. કિન્તું વિધિને શાયદ આ મંજુર નહોતું. જો એણે અવિનાશને પડખું ફેરવવાં મજબૂર કર્યો. એણે જેવું પડખું ફેરવ્યું કે એને પંપાળતી અક્ષરા ડગાઈને સફાળે આઘી ખસી ગઈ!પળભરમાં તો પ્રેમાળ લાવરીમાંથી એ વિકરાળ વાઘણી બની ગઈ. ઘડી પહેલાં પ્રેમનાં પીયુશ પાનારી ઘડીકમાં જ શબ્દોનાં ઝેર ઑકવા માંડી.

ડઘાયેલ અવિનાશ બાઘાની જેમ તાકી રહ્યો!

છંછેડાયેલ નાગણની જેમ અક્ષરાએ શબ્દઝેર કાઢવા માંડ્યું: 'બેશરમ! દગાબાજ! કેટકેટલાં લફરા કરતો ફરે છે તું? અરે, મને ભોળીને શું ખબર કે તું આવો લફરાબાજ અને કામી છે? નહીં તો હું તારા પનારે શાની પડું?'

પોતાને બાઘાની માફક તાકી રહેલ અવિનાશને વધારે સંભળાવતી ફરી એ બોલી, 'અરે, આમ પડ્યો છે શું? ચાલ ઊભો થા અને ભાગ! હવેથી કદી તારૂં આ થોબડું ન બતાવતો મને!'

પોતાની ડોકમાં રંગીન દોરીથી બાંધી રાખેલ કૉડીને જોઈને બોલતી અક્ષરાનાં આ ભયંકર રૂપનાં ભયંકર શબ્દો સાંભળતો અવિનાશ કૉડી પર લખેલાં નામ પર આંગળી ફેરવતા- ફેરવતા ચાલી નીકળ્યો. જેનાં પર લખ્યું હતું: 'આઈ લવ કમલી.'

કેટલી કાતિલ છે શંકાશીલ નજર!

ભાગેલાં ભૂતકાળે ફરી હ્રદય ભંગાવ્યું!

* * *

3.પ્રેમની સજા..

'અહાહા..અવિનાશ! શું માનવ મહેરામણ ઊભર્યું છે! 'ચકડોળ જરા ઊંચે ચડ્યો ત્યાં તો સાનંદાશ્ચર્ય સાથે નયનોને વિસ્ફારિત કરીને હરમકન બોલ્યો.

'તે ઊભરાય જ ને! યુવાન પ્રેમી હૈયાઓને મળવાંનો આ જ તો સુઅવસર છે.' મેળાની ચોફેર નજર ફેરવતાં અવિનાશે ઉમેર્યું.

ગુજરાતની ઉત્તર સરહદે રાજસ્થાનને અડીને એક ગામ આવેલ છે. અહીં દર વરસે જન્માષ્ટમીનો મહામેળો ભરાય છે. મેળો હોય અને માણહ ન મ્હાલે તો એ મેળો શાનો. અહીંના આ મેળામાં લોકો સવારથી જ સહકુંટુંબ આવી ચડે છે. અવિનાશને પણ નાનપણથી જ મેળાનો જબરો શોખ હતો. કિન્તું છેલ્લા ત્રણેક વરસ બાદ એ પ્રથમ વખત ફરી આ મેળામાં આવ્યો. આજેય જો કે એની તો ઈચ્છા નહોતી જ. પણ મિત્ર હરમકનનાં હઠાગ્રહને લીધે આવવું પડ્યું.

અવિનાશ અને હરમકનને ચકડોળની મજા માણવાનો જબરો શોખ! ભલે મેળામાં બીજી મજા ન માણે પણ ચકડોળમાં બેઠા વિનાં તો એમને ચાલે જ નહીં. અને મેળામાં આવ્યા એવાં ચખડોળે ચડ્યા.

'પણ અવિનાશ એવું નથી કે મેળામાં પ્રેમી હૈયાઓ જ મળે. મેળામાં આબાલવૃધ્ધ સૌ આવે. વળી યુવાન તો આપણેય છીએ. આપણે કેમ કોઈને બાથમાં ભરીને મળતા નથી!' પછી અવિના ખભે હાથ મૂકીને આગળ ઉચ્ચાર્યું, 'તારી વાત સાચી છે હોં અવિનાશ! આપણે બેય ફૂટ્યા હૈયાનાં છીએ. નહીં તો હાલ આપણેય કો'કને મળતાં હોત!'

'એકલાં રહેવામાં જ મજા છે, હરમન!' અવિનાશ લાડમાં એને હરમન જ કહેતો.પછી હરમનની આંખોમાં આંખ ભરાવી એણે ઉમેર્યુ, 'પણ હરનિયા મારે આજે બે કામ કરવાનાં છે!'

એ કામ કાલે કરજે યાર..આજે ને અત્યારે તો મેળાની મોજ માણી લે.'

"યાર, આજે મેળામાં જ પૂરાં થાય એમ છે!" કંઈક વિચારતો હોય એમ અદાથી અવિનાશ બોલી ગયો.

'તો પછી ઝટ તારાં એ કામ બોલ જેથી જલ્દી પાર આવે.' જરાં કંટાળાજનક વાણીમાં હરમને કહ્યું.

તો સાંભળ હરમુ....એનો હાથ હાથમાં લેતાં અને એક નજર મેળા ઉપર નાખી અવિનાશે વાત શરૂ કરી..

એક કામ તો એ કે બીજીવાર મારી જીંદગીમાં આવીને ગયાં ઉનાળે જ ચડતાં વૈશાખે ચૉરીના ચાર ફેરા ફરીને મને સાવ-સાવ જ તરછોડી દીધો છે એવી મારાં મનની માનેલી ટશકીને મારે ચાંદલો આપવો છે. એ બિચારીનો મારા પર બહું જ ઉપકાર છે. અને બીજું કામ એ કે ગયાં ઉનાળામાં જ એ જ ઉતરતાં વૈશાખે મારી આંખો વાટે દિલમાં ઊતરી જનાર આરજુનાં મનનું સમાધાન કરવું છે કે ક્યા કારણથી મેં લગનની ના પાડેલ છે.

અવિનાશ માંડ આટલું બોલી રહ્યો કે તરત જ હરમને કહેવાં માંડ્યું - તારૂ એકેય કામ નથી થવાનું, જા મારો શાપ છે.' ને પછી બંને જોશભેર હસી પડ્યા.

ચકડોળ ધીરે ધીરે ધીમો પડી રહ્યો હતો.મેળાનાં લોકોનો શોરબકોર આખાં ગામને ગજવી રહ્યો હતો. ચકડોળ આગળ ચકડોળ પ્રેમીઓની હકડેઠઠ્ઠ ભીડ જામી ચૂકી હતી. ઉપર ચકડોળમાં બેઠેલાં કેટલાંક મોજીલાં યુવાનો કિકિયારીઓ પાડીને મેળાની મજા ગજવે કરી રહ્યા હતાં.

ચકડોળથી ઊતર્યા બાદ એ બંનેએ ટશકી અને આરઝુને ગોતવાની મથામણ આદરી. આવાં વિશાળ મેળામાં એ બેયને શોધી કાઢવાં એ સાગરમાંથી મોતી ખોળી કાઢવાં જેવી વાત હતી. છતાંય પ્રયાસ ચાલું થયાં.

અચાનક સવા બે વાગ્યાની આસપાસ મંદિર તરફ જતાં માર્ગમાં જ આરઝુનો ભેટો થઈ ગયો. એને જોતાં જ અવિનાશની આંખો ખુશમિજાજ બની ગઈ. પછી દિલમાં ઉઠેલ લાગણીનાં ઉમળકાને હોઠ પર લાવીને એણે સ્નેહનાં ફુંવારા ઉડાડતાં અવાજ સાથે આરઝુંનું અભિવાદન કર્યું, 'હાય...આરઝુ...!' અને પછી એકટસ બનીને આરઝુનાં ચહેરાનાં બદલાતાં ભાવોને વાંચી રહ્યો.

'અરે જા, આરઝુવાળા જા. તારો રસ્તો પકડ.' પછી ચહેરાં પર અપાર ગુસ્સો લાવતાં અવિનાશ સામે હાથ કરતી કહેવાં માંડ્યુ: 'અવિનાશ, જોઈ લીધો મેં તારાં બનાવટી પ્રેમને. ખબર નથી કેટલાં છે તારાં જેવાં આ દુનિયામાંં જે પ્રેમનાં નામે લગનનાં વાયદા આપીને ફરી જાય છે. આવાં લફરા કરતાં તને જરાય શરમ ન આવી?' લગભગ બે માસથી દિલમાં સળગતી વેદનાનો ઊભરો ઠાલવીને એ ભીડમાં ખોવાઈ ગઈ.

અવિનાશ પોતાની ચોતરફ ટોળે વળેલાં લોકોનાં ચહેરા તાકી રહ્યો હતો. જ્યારે હરમકન અવિનાશનાં વિષાદભર્યા વદનને.

'અવિનાશ!' કહેતાંકને હરમકન હસી પડ્યો. પછી આગળ બોલ્યો: 'તો અવિનાશ, તારૂં એક કામ તો પતી ગયું ને?'

જવાબમાં અવિનાશે જોરથી હકારમાં માથું હલાવ્યું.

'તો ચાલ, હવે બીજું કામ પણ પતાવી દઈએ.' કહેતો હરમકન અવિનાશને મંદિર તરફનાં રસ્તે ખેંચી ગયો. જાણે બીજું કામ પણ આ જ રસ્તે પૂરું થઈ જવાનું હોય એમ.

અવિનાશનાં એક ગાલે આરઝુનાં શબ્દોથી ઉદાસી ચડી બેઠી હતી તો વળી બીજા ગાલે આરઝુને મળી જવાની હળવી ખુશી મલકતી હતી. હવે એની આંખોમાં ટશકીને ખોળી કાઢવાની તાલાવેલી રમતી હતી.

મહાદેવનાં મંદિરનાં પાછળનાં ભાગે પહોંચતાં અવિનાશે પાંચ-છ જણનાં ટોળામાં ટશકીને ઊભેલી જોઈ. એનાં અંતરમાં થોડી રાહત થઈ. અને આંખોમાં રોશની ઝબકી. હરમકનનો હાથ ઝાલીને અવિનાશ દૂરથી ટશકીની નજર પોતાની નજરને મળે એની રાહ જોતો ઊભો હતો.

ઘડીકવારનાં વિમાસણભર્યા ઈંતજાર બાદ બંનેની નજરો એક થઈ. આનંદનાં અતિરેકથી અવિનાશે ટશકીને પોતાની જોડે આવવાનો ઈશારો કર્યો. પ્રત્યુત્તરમાં બે જ સેકંડમાં એની સન્મુખ આવીને એ ઊભી રહી.

હરમકન અવિનાશનો હાથ છોડાવીને એકબાજું ઊભો હતો. એ વારે વારે અવિનાશ અને ટશકીનાં ચહેરા પર મીટ માંડીને તમાશો જોઈ રહ્યો હતો.

અવિનાશે કંઈક બોલવાં હોઠ ખોલ્યા, કિન્તું અચાનક આરઝુનાં શબ્દો સાંભરી આવ્યા. જેથી એણે ચુપકીદી ધરી.આસપાસનાં માહોલને નજરમાં રાખીને ટશકી પોતાનાં ગુસ્સાને દિમાગમાં ખાળી રહી હતી. ત્યારની એકટશ પોતાને તાકીને ઊભી રહેલી ટશકીનાં ચહેરાનાં બદલાતાં ઉગ્ર રંગોને જોઈ અવિનાશે હરમકન તરફ જોયું. પણ બદનસીબે બેયની આંખો મળી શકી નહીં. કારણ કે હરમકન ટશકીનાં ચહેરાનાં કાચિંડાની જેમ બદલાતાં ભાવો જોવામાં મશગુલ હતો.

મંદિરમાં ઘંટનાદ અને જયજયકાર સંભળાયો. પેલા પાંચ-છ જણનાં જે ટોળામાંથી ટશકી ટપકી હતી એમાંનો એક યુવાન અવિનાશ અને ટશકી પરથી નજરો હટાવતો નહોતો.

આખરે અવિનાશે ઊંડો નિશાશો નાખ્યો. પછી પૈૈસા કાઢવાં પેન્ટનાં ખીસ્સામાં હાથ નાખ્યો. એવામાં ટશકી ગરમ થયેલ મિજાજમાંથી શબ્દો ટપક્યા: 'અવિનાશ,એ વહેમને ભૂલી જા કે હું તને પ્રેમ કરતી હતી! એ પણ વીસરી જા કે તારી બાહુપાશમાં રહીને તને પંપાળતી હતી. મને ખબર છે કે તું મને બેશુમાર પ્રેમ કરતો હતો અને શાયદ કરી રહ્યો હશે.કિન્તુું સત્ય હકીકત એ છે કે મે તને ક્યારેય પ્રેમ કર્યો જ નથી! તારી સાથેનો મારો એ સંબધ માત્ર ને માત્ર મારી ગોજારી એકલતા અને ઈચ્છાઓ સંતોષવાનું માત્ર નર્યુ નાટક હતું નાટક! તારી સાથેનાં મારા એ સંબંધમાં મારો સ્વાર્થ હતો અને એ સ્વાર્થનો મારી સગાઈ સાથેનાં લગન થવાથી અંત આવતાં જ તારી સાથેનાં નાટકને મે લગ્નમંડપની આગમાં સળગાવી દીધું છે.'

ટશકી લાલચોળ ચહેરે બોલી રહી હતી.પેલાં બેય મિત્રો એકમેકનાં ચહેરો જોતાં મંદ-મંદ મુસ્કરાઈ રહ્યા હતાં. મંદિર પર ફરકતી ધજાનો ફરફરાટ આખ મેળાની પ્રદૂષિત હવાને પવિત્ર કરી રહ્યો હતો.

પેલો એક યુવાન ક્યારનોય અવિનાશને તાકી રહ્યો હતો. અવિનાશે હરમકન પરથી નજરો હટાવીને એ યુવાન તરફ જોવાં માંડ્યુ. પછી તત્કાળ ટશકી ભણી જોયું. એની આંખોમાં આંખ ભરાવી. અવિનાશનું ધ્યાન પોતાનાં પર આવેલ જોઈ ટશકીએ ફિલ્મી વિલનની અદાઓથી આગળ વધાર્યુ: 'અવિનાશ, તારૂં કુશળ ઈચ્છતો હોય તો મારાં તારી સાથેનાં નાટકને અને તારાં મારાં તરફનાં પ્રેમને આ મેળામાં વિખેરીને ધૂળમાં ભેળવી નાખ. નહીંતો એ બાજૂ જો..'અવિનાશને તાકીને ઊભેલ યુવાન ભણી આંગળી ચીંધતા બોલી, 'પેલા બ્લ્યુ કલરનાં જીન્સ અને સફેદ શર્ટમાં શોભતાં મારા પ્રિયંવરને જોઈ લે! એમની જોડે તારાં એવા તો હાલ કરાવીશ કે થોડાં દિવસ સુરત જવાનું ભારે પડી જશે!'

અવિનાશ આછું-આછું મલકાઈ રહ્યો હતો. હરમકન હાસ્યની છોળો ઉડાડતો અવિનાશની હાલત માણી રહ્યો હતો. અને ટશકી આટલું સંભળાવીને હોઠ પર હાસ્યની લાલીમા લગાવીને ચાલતી થઈ.

સાંજે પાંચ વાગ્યાને સુમારે અવિનાશ અને હરમકન ઘર તરફ પ્રયાણ કરી રહ્યા હતાં. એ વેળાએ માર્ગમાં રિતું અને રહીશ નામનાં બે મિત્રો મળી ગયાં. અવિનાશને જોતાં જ એ બંનેએ એકસામટો સવાલ કર્યો: 'યાર, અવિનાશ...તું તો મેળામાં આવવાની કસમ ખાઈને ના પાડતો હતો ને? કે પછી અમને ઉલ્લું બનાવતો હતો?'

એમનાં જવાબમાં અવિનાશ અજાણ્યા હાવભાવથી માત્ર હસ્યો. જ્યારે એનું મન મનમાં જ બબડી રહ્યું હતુ: "યાર દોસ્તો....! હું તમોને બેવકુફ શું બનાવું? બેવકુફ તો આજે હું ખુદ બની ગયો છું, મારાં પ્રેમની સજા ખુદ ભોગવીને..!"

એની આંખે આંસુ બનીને ટશકીની પહેલી મુલાકાત ઊભરી આવી.

અવિનાશ એને સદંતર નહોતો ઓળખતો છતાંય એણે બાથમાં લઈને અવિનાશને કહ્યું હતું...ડાર્લિંગ..! તેં અને તારાં અસ્તિત્વે મને.......ક્યારનીયે બહાવરી બનાવી દીધી છે. તું મારાં માટે જ જન્મ્યો છે. છેલ્લા ઘણા સમયથી મારી આંખોમાં, રાતોનાં મધુર ખ્વાબોમાં એક અજાણ્યા ચહેરો મને આનંદનાં ભરપૂર ઓડકાર કરાવી જતો હતો એ તારો જ ચહેરો હતો. કેટલી શોધખોળને અંતે તું મને મળ્યો છે અવિનાશ!

મને સતત તારી ઝંખના હતી. ને આજે મોસમનાં પહેલાં વરસાદની જેમ તું મને મળી ગયો! આ મારાં પર ખુદાની મહેરબાની થઈ છે. હવે તો મારું જીવન તું જ છે. તારી જ આ બાહોમાં સમાઈને મારે હવે જીવન માણવું છે.' એ બોલતી જતી હતી. અને અવિનાશ બાઘાની માફક સાંભળી રહ્યો હતો.

ટશકીની બે દિવસની કાકલુદીથી વાજ આવીને અવિનાશે એને સ્વિકારી હતી. અને એ જ ટશકી અવિનાશને વીસરીને બીજે વિવાહ કરી બેઠી હતી. ને વખત આવ્યે અવિનાશને ધુત્કારી કાઢ્યો હતો.

* * *

4.વિશ્વાસઘાત..!

'સર, હું ઈન્સપેક્ટર એકલિયા..! ઉર્વશીનાં નામનું વોરંટ લઈને આવ્યો છું.'

ઊંડા આઘાતમાંથી માંડ બહાર આવેલ અવિનાશ ઉર્વશીનું નામ સાંભળતાં જ ફરી ઘેરા આઘાતમાં ઊતર્યો!

ખુરશીમાંથી ઊભા થતાં જ આંસુભરી આંખે કહેવાં માંડ્યું: 'આપનું કે આપનાં ડિપાર્ટમેન્ટનું ફરી તો નથી ગયું ને, ઈન્સપેક્ટર?'

'હોશમાં આવો અવિનાશ! ફરી કોઈનુંનથી ગયું, પરંતુ ઉર્વશી તમારું ફૂલેકું ફેરવીને ગઈ છે.

'શુંઉઉઉઉ??'

'હા, ઉર્વશી જીવંત છે! આપ જેને મરેલી માનો છો. એ તમારી પ્રિયા ઉર્વશી નહીં પણ તમારી કંપનીની કમ્પ્યુટર ઓપરેટર અવંતી હતી. ઉર્વશીની લંપટલીલા વિશે તમે વિગત જાણશો તો આ તમારી આંખોમાં એનાં માટેનાં દુ:ખભરી લાગણીનાં જે આંસું છે એય સુકાઈ જશે ને તમારી આંખેથી આગ વરસવા લાગશે. તમે ખુદ ઉર્વશીનું ખૂન કરવા તડપશો.'

'શું? ઉર્વશી મર્ડર કરીને મને જ છેતરી ગઈ???' બેભાન અવિનાશ ઢગલો બની ઢળી પડ્યો. બેભાનીમાં ઉર્વશીનું આખું વૃતાંત એની નજરે તાંડવ કરવાં લાગ્યું.

*

'હાય..!!! ડિયર સર...!! મે આઈ કમ ઈન?' એક સુમધુર કર્ણપ્રિય અવાજ અવિનાશનાં કાને પડ્યો. એમણે ફાઈલ જોવાનું માંડી વાળીને એ અવાજની દિશા ભણી આંખો ફેરવી. જે સુરસામગ્રી બંસરીમાંથી આવો મધુર અવાજ આવ્યો હતો એ દરવાજા વચ્ચોવચ્ચ અવિનાશનાં 'યસ'નો ઈંતજાર કરીને ઊભી હતી. યસ'ના ઇંતજારથી અકળાયેલી એણે ફરીવાર મધુર રણકાર કર્યો: 'મે આઇ કમ ઇન સર?'

આવો કર્ણપ્રિય અવાજ સાંભળવાની ઘેલછામાં અવિનાશે જાણી જોઇને યસ ના કહ્યુ. જે બંસરીમાંથી દિવ્યતાનું અલોકિક સંગીત ઉત્પન્ન થઇને દિલને આહલાદક્તાનાં આનંદમાં ગરકાવ કરી દે એવી બંસરીને રોકવાની ચેસ્ટા કોણ કરી શકે ભલા? ખીલુ ખીલુ થતી પેલી બંસરીએ પૂરા પાંચ વખત 'મે આઇ કમ ઇન સર...'એવું કહ્યુ ત્યારે માંડ અવિનાશે એટલાં જ મીઠાશથી યસ કહ્યુ જેટલી મીઠાશ પેલા વાક્યમાં ભરેલી હતી.

અને એ સાંભળીને વાળની લટમાંથી મસ્ત મખમલી ખુશ્બુની મહેંક રેલાવતી તીતલીની માફક એ સૂરસમ્રાટની જ્યાં અવિનાશ સર ઊભા હતાં ત્યાં આવીને ઊભી રહી ગઈ. ને ઘડીકવાર અવિનાશની આંખોમાં આંખ ભેરવીને એમનાં ચરણે પડી.

થોડીવારે હાસ્યમાં ફુવારા ઉડાડતાં મધુર અધરોને છૂટા મેલ્યા: 'સર, મારૂં નામ ઉર્વશી! આપણી કંપનીમાં એક મહિનાં પહેલા જ જોડાઈ છું. આજે તારીખ 28 મારો પ્રિય જન્મદિવસ!' નમણી નાજુક વેલ સમી એ કંચનવર્ણી કાયાની મોહક અદાઓને રમાડતી એ બોલી ગઈ.પછી ધીમે રહીને એ અવિનાશની જોડાજોડ આવીને ઊભી રહી ગઈ. અવિનાશની વિસ્ફારિત આંખોમાં આંખ ભેરવીને એણે પોતાનાં ફેશનેબલ જીન્સમાં પાછળનાં ખીસ્સામાંથી ચોકલેટ કાઢી.કિસમી નામની દશેદશ ચોકલેટ એણે ઝડપભેર અવિનાશનાં હાથોમાં મૂકી દીધી. માખણનાં પીંડ જેવી ઉર્વશીને અવિનાશ એકટસ જોઈ રહ્યો.

ચોકલેટ ટેબલ પર રાખીને અવિનાશ ઊભો થયો. ઉર્વશીનો મલમલ જેવો હાથ પોતાનાં બેય હાથમાં લેતાં તેમની લાક્ષણિક અદાઓથી બોલ્યો: અચ્છા, તો આજે તારો જન્મદિવસ છે, એમાં આટલી ઘેલી બની ગઈ છે કેમ! જવાબમાં ઉર્વશીએ માથું હલાવી હકારમાં ઉત્તર વાળ્યો.

'હેપ્પી બર્થ ડે ટુ યુ...'બોલીને અવિનાશે બર્થડે વિશ કર્યું. જે સાંભળીને ઉર્વશી હરખપદુડી થઈને ઝુમી ઉઠી. ખુશીઓનાં અપાર તરંગોમાં એ નાચવાં લાગી. તે એટલી આનંદવિભોર બની ગઈ હતી કે જાણે આ એનો પ્રથમ જન્મદિવસ ન હોય!

એણે ફિલ્મી સ્ટાઈલમાં મલકતાં વદને સરને કહેવા માંડ્યુ: 'સર, તમે મને બર્થ ડે વિશ કર્યું એનો મારે તમારો આભાર માનવો છે. પરંતું મારાં એ આભારનાં શબ્દો તમે સાંભળ્યા એનાં કરતાં સાવ વિપરીત અને વૈભવશાળી છે. જો તમને વાંધો હોય તો તમને કાનમાં કહું! ને ન હોય તો જાહેરમાં કહું.'

અવિનાશ વિચારમાં પડી ગયો. એને થયું કે એવાં તો કેવાં શબ્દો હશે જેથી એ આટલી ખુશમિજાજી બની ગઈ છે. છતાંય એમણે ગંભીરતાથી કહ્યું, 'બકા, મને કશો વાંધો નથી. તું જાહેરમાં આભાર માની શકે છે.અને શાયદ નહીં માને તો પણ મને કોઈ ફિકર નથી.'

'ના સર, આજે તો મને બહું બહું દિવસનાં ઈંતજારે આપનો અનુપમ આભાર માનવાનો, અને આપને રૂબરૂ મળવાનો અવસર પ્રાપ્ત થયો છે એને હું આજ એમ થોડી કંઈ વ્યર્થ જવા દઈશ.'

અવિનાશને આ લાંબી લપઝપમાં હવે કંટાળો આવવાં લાગ્યો. એનાં ગુસ્સાનો પારો ગરમી પકડવાં તરફ જઈ રહ્યો હતો. છતાંય શાંતચિત્તે કહ્યું, તારે જેમ આભાર માનવો હોય એમ મર્યાદામાં રહીને બોલી નાખ. મારે જરુરી કામ છે.

અવિનાશની ધાક આખી કંપનીમાં ગુંજતી હતી. કોઈ એની મર્યાદા ઓળંગવાનું નામ નહોતું લેતું ને આજે આ છોકરી એમની સાથે જીભાજોડી કરતી હતી એ એમને બહું જ ખૂચતું હતું. પણ તેનો જન્મદિવસ હોઈ એ શાંત રહ્યા.

અવિનાશની છૂટ મળતાં જ એ બે ડગલાં આગળ આવીને એમનાં કાનમાં મીઠાશભર્યા માદક સ્વરે બોલી ગઈ- "આઈ લવ યુ, સર!!"

જે શબ્દ કે વાક્ય સાંભળવાની કલ્પનાય નહોતી કરી એ સાંભળીને અવિનાશનાં પગ છેક ત્રીજે માળેથી ભોયતળિયે આવી ગયાં.એ એક જ વાક્યથી અવિનાશ એવો તો ડગાઈ ગયો જાણે પોતાની સગી આંખો સામે મુંબઈનો આતંકવાદી હુમલો જોઈ રહ્યો ન હોય! જે કાન મે આઈ કમ ઈન સર સાંભળીને ચેતનવંતા બની ગયા હતાં એ જ કાન આઈ લવ યુ સાંભળીને નિષ્પ્રાણસમાં બની ગયાં હતાં જાણે. એટલીવારમાં તો ફરી એમના કાનમાં 'આઈ લવ યુ વેરી મચ સર' નો ધડાકો અથડાયો. અવિનાશ ક્રોધાવેશમાં હાથ ઉગામે એ પહેલાં તો એ તીતલીની માફક પલાયન કરી ગઈ.

એ ગોઝારી રાતે આખી રાત અવિનાશ ઊંઘી ન શક્યો. નીંદર એનાથી દૂર ભાગતી રહી. સામે ઉર્વશી પણ પોતાનાં પ્રેમનાં એકરારની ખુશીમાં શમણાઓ સજાવતી રહી. સારી રાત શમણાઓની સજાવટમાં વીતાવી.

અવિનાશ એક મોટી કંપનીમાં મેનેજર હતો. iti ની મૂલ્યવાન ડિગ્રી મેળવ્યા બાદ બે વર્ષનાં અંતે બે મહિનાં પહેલા જ એ આ ઉંચાઈએ પહોચ્યો હતો. ને એટલામાં એનાં માટે એણે માનેલી આ મુસીબત આવી ઊભી રહી હતી.

આગલાં દિવસની અપાર ખુશીમાં ઉર્વશી બીજા દિવસે વહેલી વહેલી આવી પહોચી! અવિનાશે ઓફિસમાં બોલાવી.

અવિનાશનું તેડું આવતાં જ હરખઘેલી બનીને હરણીની જેમ દોડતી આવી ગઈ.

કાલની વાતનો ભારેખમ ભાર લઈને બેઠેલા અવિનાશે એને જોઈને ઘડીવાર તો કંઈ ન કહેવાનું ઉચિત માન્યું. પણ પછી અચાનક જ કહેવા માંડ્યું: 'બકા ઉર્વશી, તું જે મારગેથી અને જે સંબંધથી મારા તરફ ઢળી છે એ રસ્તો, એ સંબંધ ઘોર અનૈતિકતાનાં પાપથી ભરેલો છે. આપણી વચ્ચેનો આ સંબંધ હળાહળ પાપ સમાન છે. કદાચ ગઈ કાલે તે આ મજાકમાં કહ્યું હશે કે તારાં જન્મદિવસની ખુશીમાં કહ્યું હશે પણ મને તે જરાય યોગ્ય ન લાગ્યું.

'મજાકમાં નહીં સર, મેં તો હકીકતમાં આપને આઈ લવ યુ કહ્યું હતું. અવિનાશનાં ચહેરા સામે ઊભેલી એ જરાય શરમ સંકોચ વિના બોલી ગઈ! ને અવિનાશનો પિત્તો ગયો! એણે આંખ લાલ કરી. મોટાં અવાજે ઉધડો લેતાં કહેવાં માંડ્યું: 'તે ગમે તે કારણે કીધુ હોય પણ મને એ બિલકૂલ પસંદ નથી. જો તારે આવું જ કરવું હોય તો કાલથી નોકરીએ ન આવતી. ને આવે તો મારી આંખે ન આવતી નહીં તો....!' અવિનાશ આગળ બોલે એ પહેલાં તો એ રડતી આંખે ભાગી નીકળી. અવિનાશ એને જતી જોઈ રહ્યો. જાણે બલા છુટી હોય એમ.

નિર્દોષ નાદાન છોકરીનાં પ્રેમભર્યા આત્માની લાગણીને દુભાયાનું દુ:ખ એને આખો દિવસ સંતાપ્યું.

બીજા દિવસે ઉર્વશી ન આવી પણ અવિનાશને નામે એની એક ચિઠ્ઠી જરૂર આવી. જેમાં લખ્યું હતું:

"કુછ સિતારે ઐસે ભી હોતે હૈ

જિન્હે ચમકનાં નહી આતા,

કુછ દિવાને ઐસે ભી હોતે હૈ

જિન્હે પ્યાર કરનાં નહી આતા.."

સોરી સર..

તમને આઈ લવ કહ્યું એમાં મારો જરાય દોષ નહોતો. પણ તમારાં પ્રત્યેની મારા હ્રદયની ચાહતભરી લાગણીથી પ્રેરાઈને મે કહ્યું હતું.

સર, હું અમસ્તા જ ઈંટરવ્યુ આપવા આવી હતી. પણ એ દિવસે આપને જોયાં બાદ તમને જોઈને મારી આંખો, મારુ હૈયું તમારાં પર પ્રેમ બનીને વરસી ગયું ને હું તમને ઉરનાં અનંત ઊંડાણથી ચાહવા લાગી. અને એ ચાહતમાં આંધળી કે ઘેલી જે કહો તે બનીને મે નોકરી કરવાનું નક્કી કર્યું. તમારાથી પ્રેમભરી લાગણી બંધાયાં બાદ મેં વિચાર્યુ કે હું અહીં આવીશ તો મારાં બે કાર્ય સરળતાથી પૂર્ણ થશે.એક તો મારો પરિવાર બે પાંદડે થશે અને બીજું તમારાં પ્રત્યેનો મારો પ્રેમ. આ વિચારથી મેં નોકરી ચાલુ રાખી. કિન્તું મારાં પ્રત્યેનો તમારો પ્રેમ ગઈકાલે મેં જોઈ લીધો. હવે આજથી હું મારાં નોકરી છોડવાનાં નિર્ણયને અમલી બનાવું છું. આમેય તમે મને નોકરીએ નહીં આવવાનું જ કહ્યું છે ને!

અને છેલ્લે સર, મને ખબર હોત કે તમે મારાં પ્રેમનાં એકરારનો આવો જ જવાબ આપશો તો હું તમને કહ્યા વિનાં જ મનોમન તમને ચાહીને ખુશ રહેત.જેથી કદાચ મારાં પરિવારને રાહત તો થાત. હવે જે થયું તે બરાબર....! અલવિદા સર....!

પત્ર વાંચ્યા બાદ સૂરજનો માહ્યલો બરાબરનો હલબલી ઊઠ્યો.

પોતે ઘેર જ રહેવાની વાત કરીને જાણે મોટો ગુનો કર્યો હોય એમ અપરાધીની માફક એ ક્યાંય લગી ચિઠ્ઠીને તાકી રહ્યો.

વિચાર આવ્યો જે માર્ગે ફક્ત વિટંબણાઓ જ મળી હોય એ માર્ગે હવે જવું કેમ!? શું યુવતીઓ મને વેરાન-વેરવિખેર કરવાં જ મારી જીંદગીમાં આવે છે? ચાલ, અવિ, આને પણ અજમાવી જોઈએ! કદાચ જીવનભર સાથ નિભાવી જશે તો ભવ અસુધરી જાશે.નહીંતર દગાઓ ખાતાં આપણને ક્યાં નથી આવડતું! આખરે મથામણભરી લાંબી ગડમથલને અંતે એણે ઉર્વશીને ઉરઉદધિમાં આશરો આપ્યો.

ઉર્વશી એટલે સ્વર્ગની અપ્સરા જાણે....

એકવાર મજાકની વેળાએ ઉર્વશીએ અવિનાશને કહ્યું હતું: 'અવિનાશ, હું તને છોડીને ક્યાંક જતી રહું તો..?'

'મને કોઈ જ ફેર નહી પડે..માત્ર જખમોમાં વધારો થશે...'

સાંભળીને ઉર્વશી ચોંધાર આંસુએ રડી પડી હતી.જે જોઈને અવિનાશને વિશ્વાસ બેઠો હતો કે ઉર્વશી એનાથી ક્યારેય અળગી નહીં જાય...

પણ એ ગઈ...! ભયંકર આઘાત આપીને ગઈ........!!

ઉર્વશી એટલે અનારકલી જાણે. અવિનાશે પહેલીવાર જ્યારે જોઈ હતી ત્યારે મનમાં બબડ્યો હતો: 'આ છોકરી કોઈની ધડકનોનો ભોગ લેશે શાયદ!'

મિસ વર્લ્ડ વખતની એશ્વર્યાનેય શરમાવે એવી લાવણ્યમયી એનામાં સુંદરતા હતી. આજની કેટરીનાને ટક્કર મારે એવી એની લવચીક અને લોભામણી અદાઓ હતી. વાળ અને વાળની સ્ટાઇલ તો એવી કે આજની વિશ્વ સુંદરીઓ જ એને જોઇને ગાંડી ગાંડી થઇ જાય. આંખોમાં ગજબની રોનક હતી. ચહેરામાં ગજબની ખુમારી હતી. અને હોઠો ઉપર સંગેમરમરી લાલીમાં હતી. એની ચાલ તો એવી કે એને ચાલતાં જોઇને મુંબઈ જેવું ધમધમતું શહેર પણ ઘડી ભર તો થોભી જાય! કુદરતે એનામાં શકુન્તલા જેવી સુંદરતા, ઉર્વશી જેવી કમનીયતા, મેનકા અને રંભા જેવી મોહકતા તથા દિવ્યતા ઠાંસી ઠાંસી ને ભરી હતી.

દુનિયાનાં ઇતિહાસની, વર્તમાનની અને ભાવિની શ્રેષ્ઠ સુંદરતા, મોહકતા, માદકતા, રોનકતા અને અપ્રતિમ દિવ્યતા એનામાં ભરેલી હતી. એને જોઇને એમ જ લાગે કે જાણે શાક્ષાત અપ્સરા !

અવિનાશને હોશમાં લાવતાં ઈન્સપેક્ટરે બનેલ ઘટનાની જાણ કરતા કહેવા માંડ્યું: 'અવિનાશ! આપ જે ઉર્વશીને બેશુમાર પ્રેમ કરતાં હતાં એ જ ઉર્વશી તમને પાયમાલ કરીને ગઈ છે. એ કોઈ સામાન્ય યુવતી નહોતી. એ એક ચોર અને ઠગ માણસોનાં ટોળાની સભ્ય હતી. તમારાં જેવાં શ્રીમંતોને પ્રણયજાળમાં ફસાવીને પૈસા કમાવવાં એ જ એનો મુખ્ય ઉદેશ્ય હતો. પ્રેમનાં નામે આપને ભોળવીની તમારી સઘળી સંપતિ એનાં નામે કરીને એ તમને જ મોતને ઘાટ ઉતારવાની તૈયારીમાં હતી. જે દિવસે તમે તમારી સર્વ સંપતિની માલિકી ઉર્વશીને સોંપી હતી. એનાં બીજા જ દિવસે તમારું મર્ડર થવાનું હતું. પણ આ બાબતની જાણ અવંતીને થતાં જ એણે અવંતીનો કાંટો કાઢવાની કોશિશ કરી અને એ એમાં સફળ પણ થઈ.

અવંતીનાં રૂમની શોધખોળ વખતે એનાં પલંગ નીચેથી એક ડાયરી મળી આવી હતી. જેમાં અવંતીએ લખ્યું હતું: 'ઉર્વશી ફ્રોડ છે. એણે અવિનાશ સર સાથે પ્રેમનું નાટક રચેલ છે. એ નાટકમાં એનો ઈરાદો સરની સંપતિ હડપવાનો છે. ગઈ કાલે સંપતિ પોતાને નામે લખાવી લીધા બાદ એ એનાં કોઈ સાગરીત સાથે મળીને અવિનાશ સરનું ખૂન કરવાનુ કાવતરું ઘડી રહી હતી. જે હું સાંભળી જતાં ઉર્વશીએ મને મારી નાખવાની ધમકી આપી છે. હું એની ધમકીથી ડરતી નથી. હું મારાં સરને બચાવવાં મારી જાન પણ આપી દઈશ.'

'પણ સર, એ ડેડબોડી તો ઉર્વશીની જ હતી ને?

અવિનાશ...! દિલથી નહીં દિમાગથી વિચારો..!

'પણ,સર એ કેવી રીતે શક્ય બને??!

'જુઓ અવિનાશ..અવંતી તમારે અહીં નોકરી માટે આવી ત્યારે જ એણે તમને એનાં પિતાજીની કીડનીની બિમારી વિશે જણાવ્યુ હતુ ખરૂંને! આ અવંતિએ એની ડાયરીમાં નોધેલું છે.હવે અવંતિ નોકરી લાગ્યા બાદ એનાં પિતાની કિડની સાવ ફેઈલ થઈ હતી. જીવવાનાં કોઈ સંકેત હતાં નહીં. હા, કોઈની એક કિડની મળી જાય તો એ થોડું જીવી શકે એમ ડોક્ટરે કહ્યું કે તરત જ અવંતીએ પોતાની એક કિડની પિતાને આપી દીધી!

અવંતીની ડાયરીની આ વિગત જાણ્યા બાદ અમે ફોરેન્સિક લેબમાં ફરી એ ઉર્વશીની માનેલી ડેડબોડીને ચેક કરી તો જાણવાં મળ્યું કે ડેડબોડી પરનાં તમામ નિશાન જે ઉર્વશી હોવાની સાબિતી આપતાં હતાં એ બધાં તાજા જ હતાં! મતલબ કે અવંતીનું ખૂન કરતાં પહેલાં ઉર્વશીએ ચાલાકીથી પોતાનાં શરીર પરનાં બધાં જ છુંદણાનાં નિશાન અવંતીનાં શરીર પર કોતરાવી દીધાં હતાં.અને પછી ચાલાકીથી અવંતિને બેભાન બનાવીને ટ્રેનનાં પાટાં પર એવી રીતે સુવડાવી દીધી કે એનાં માથાનો અને મોઢાનો કચ્ચરઘાણ નીકળી જાય જેથી એને બરાબર ઓળખવામાં થાપ ખવાઈ જાય અને એ ઉર્વશીની બોડી માનીને આપણે ઉર્વશીને ભૂલી જઈએ અને એ અજાણી જગ્યાએ જઈ તમારી સંપતિથી મોજ માણી શકે...હા, અવિનાશ ઉર્વશી હાલ ગમે ત્યા તમારી સંપતિથી મોજ માણી રહી હશે, પણ પોલીસથી એ બચી નહીં શકે...!!

આટલું કહી ઈન્સપેક્ટર ચાલી નીકળ્યા.

અવિનાશ ચોંધાર આંસુએ નાહી રહ્યો હતો.

* * *

5.છળતી છાયા

'અવિનાશ, તને માઠું ના લાગે તો મારે મારી ખુશીને ખાતર માઠાં સમાચાર કહેવા છે! 'શિયાળાની થીજેલી રાત્રે થીજેલ અવાજે સંકોચવશ છાયાએ પૂછ્યું.

'અરે, આમ કાચબાની માફક સંકોચાય છે શું કામ? આમ ફોન પર વાત કરતી વખતે તો જે કહેવાનું હોય એ બેધડક કહી દેવું જોઈએ. સામેવાળા પર શું અસર થાય છે એ આપણે ક્યાં જોવાનાં છીએ તે આટલો ગભરાટ રાખવાનો?' અવિનાશે ઉત્તર વાળ્યો.

'પણ અવિનાશ, મારાં તરફની તારી અપ્રતિમ પ્રેમાળ લાગણી મને આવું કહેતા લજવે છે.'

'મારી લાગણીની ફિકર કર્યા વિનાં તું તારી માગણીની વાત કર.' સામેથી કંઈ જવાબ ન મળતાં અવિનાશે ફરી ઉચ્ચાર્યું, 'સાંભળ, છાયા..! હું મારી લીલી લાગણીને ઊની આંચ નહીં આવવા દઉં. કારણ કે અનેક સંજોગોએ મને શીખવાડી દીધું છે કે લાગણી અને માગણી કાબૂમાં કેમ રાખવી.'

'તો સાંભળ અવિનાશ, 'થોડીવારે રોકાઈને ગળું ખોંખાર્યા બાદ છાયા પોતાનો એ મુદો અવિનાશના કાનમાં રમતો મૂક્યો: 'બકા અવિનાશ, ગઈકાલે અચાનક મારૂં વેવિશાળ ગોઠવાઈ જતાં અત્યારે બાર વાગ્યા પહેલાં હું આપણાં મધુરા અને હવે અધુરા રહશે એવાં પ્રણયસંબંધમાં પ્રેમાળ પૂ્ર્ણવિરામ મૂકવા માગું છું.'

આ સાંભળતાં જ અંધારામાં અવિનાશની આંખો આગળ રમતી છાયા અદશ્ય થઈ ગઈ..!!!

મોટા ભૂપ્રપાતને વેઠી ચૂકેલ અવિનાશને આ નાનકડા ભૂસ્ખલને હચમચાવી નાખ્યો. તેમ છતાંય એણે પોતાનાં કોમળ કાળજા પર હિમશિલા મૂકી દીધી. ઊંચે આભ તરફ જોઈ મનમાં બબડ્યો, 'હે કિરતાર, હજી તું મને આવાં કેટલાં ભૂપ્રપાત ભેટ આપીશ!'

પછી ભીની આંખોનાં મોંઘેરી મિરાત સમાં આંસુઓને લૂંછતાં બોલ્યો, 'છાયા! તારું વેવિશાળ અને લગ્નજીવન અખંડ રહો એવી દિલી મુબારકબાદી.' રુમમાં વ્યાપી ગયેલી ઉગ્રતાને બહાર કાઢવાં દરવાજો ખોલતાં એ ફરી બોલ્યો: 'સાંભળ છાયા...મારાં કહેવાથી તેમ છતાંય તારી અપાર ઈચ્છાથી તું મારા જીવતરનું મોંઘેરુ મહેમાન બની હતી. હવે હું આજે તારાં કહેવાથી મારી આનંદિત મરજીથી તને તારાં ભરથાર તરફ વિદાય કરુ છું. જો કે મારો કોઈ જ અધિકાર નથી બનતો કે તને રોકી શકું! અને શાયદ, રોકવાની ચેષ્ટા કરીશ તોય તું રોકાવાની નથી જ. કારણ કે તારે ક્યાં અને કોની સંગે જીવવું અને ખુશ રહેવું એ તારા હાથની વાત છે.' પછી થોડો રોકાઈને આગળ ઉમેર્યું, 'પણ, છાયા....!! આવી કાતિલ ઠંડીમાં તારી હુંફાળી ગૉદથી મને વેગળો કરતાં તારે થોડી ધીરજ ધરવી જોઈતી હતી. પણ હાય રે નસીબ...! જે થાય છે એ સારા માટે જ થાય છે. ચાલ....બાય......! અને અવિનાશથી ડૂસકું મૂકાઈ ગયું. ફરી નોંધારો...!

અવિનાશનું બાય સાંભળીને છાયાએ કંઈ પણ વિચાર્યા વિનાં તત્ક્ષણ ગુડબાય કહીને ફોન બંદ કરી લીધો.

અવિનાશ અને છાયા સુરત નજીક એક જ કંપનીની અલગ-અલગ શાખામાં નોકરી કરતાં હતાં. કંપનીનાં નિયમ મુજબ નવાં જોડાયેલ કર્મચારીને ખાસ તાલીમ આપવાની જોગવાઈ હતી. આ તાલીમ દરમાયાન અવિનાશ અને છાયાની અજાણ આંખો મળી ગઈ હતી. ત્રણ દિવસની તાલીમ હતી. કિન્તું પ્રથમ દિવસે જ એ બે એક બની ગયાં હતાં.

સુરત આવ્યા બાદ અવિનાશને વહાલાં વતનનો વિયોગ ખુબ કઠતો. સુરતની અજાણી ધરતી, નવા અને અજાણ્યા લોકો, નવું વાતાવરણ અને વળી નવી બોલી વચ્ચે અવિનાશ પળેપળ કટાતો જતો હતો. ઘણીવાર તો વતન અને વતનનો મોહ કાયમ માટે એને સુરત છોડવાં લલચાવતો. કિન્તું સંજોગોની મજબૂરી આગળ માણસનું ક્યાં કશુંય ચાલે છે તે અવિનાશનું ચાલે? ગમે તે હોય પણ અતીતની એની પ્રણય ભગ્નતા અને ત્યારની છાયા સાથેની પ્રણયમિત્રતાએ એને સુરતમાં રહી જવા મજબૂર કર્યો.

કેવી છે આ પ્રણયલીલા! ક્યારેક એ પ્રેમી હૈયાઓને સાવ નજીક રાખે છે તો ક્યારેક એ જોજનો દૂર હડસેલી દે છે.

ગમે તેમ પણ હવે અવિનાશ સમયને આધિન થઈ ગયો હતો. પ્રકૃતિ અને કુદરતને એ હવે જાણી ચૂક્યો હતો. તેમ છતાંય વહાલાં વતનનો વિરહી વિયોગ અને પિતાજીનાં દર્દની આગમાં એ સળગતો રહેતો હતો.

એવામાં છાયા એની જીંદગીમાં આવતાં એ ક્ષણેક્ષણ મ્હોરાતો જતો હતો. છાયાની એક પ્રેમાળ નજરે જ એનાં પ્રણયભગ્નતાનાં દુ:ખને ધુળ ચાટતું કરી દીધું હતું.

કોઈનો સ્નેહભીનો સાથ માણસને કેવી અજાયબ ખુશીઓ અર્પે છે!

એકવાર તાપી નદીને કિનારે વાતો કરતી વેળાએ છાયાએ કહ્યુ હતું: 'અવિન મારે તને સમર્પિત થવું છે.'

'કેમ! તું મને હજું પ્રેમ નથી કરતી?'

'કરું છું ને!

'તો પછી વળી સમર્પિત કેવું?'

'મતલબ કે મારે તને આંતરિક પ્રેમની ભેટ આપવી છે!'

'આંતરિક..!...!બાહ્ય! આ વળી શું??'

તું નહી સમજે..મારે તારી સાથે સુહાગ મનાવવી છે. મારાં પ્રેમની સાબિતીરૂપે મારે તને શાદી પહેલાં સુહાગની ભેટ આપવી છે.'

'આવું ગાંડપણ રહેવા દે,છાયા..! આવી પવિત્ર વસ્તુને આભડછેટમાં ન નંખાય. એનાં પર દરેક સ્ત્રીનાં પોતાનાં પતિનો હક હોય છે.' પછી કંઈક વિચારે આગળ બોલ્યો: 'અલી છાયા...'શું હું તારો પ્રથમ પ્રેમી છું?'

હા....!

'મતલબ કે હજી તે તારા કૌમાર્યને અભડાયું નથી. ને હું અભડાવવાં માગતો પણ નથી.'

'પણ, અવિન...મે તને જ મારો ભરથાર માન્યો છે એનું શું?'

'ક્યારે??'

'પહેવાર જ્યારે તે મારી છાતી પર તારો હાથ દબાવ્યો ત્યારે..!'

અવિનાશે આવેશભેર છાયાને છાતસરસી દાબી દીધી. સમી સાંજનાં આછા અંધારામાં ક્યાંય સુધી રોમાંસ માણતાં રહ્યા.

એક દિવસ રોમાંસની પરમ પરાકાષ્ટાની વેળાએ છાયાએ અવિનાશનાં પેન્ટનાં બટન પર હાથ મૂક્યો. સમયસૂચકતા વાપરીને અવિનાશે કહ્યું હતું: 'છાયા, જો તે મને ખરેખરનો પતિ માન્યો હોય તો પરણ્યાની પહેલી રાતે અસલી સુહાગ મનાવવાની મારી નેમ ને સાથ આપ.'

છાયાએ સાથ તો આપ્યો પણ એ હંમેશા છંછેડાયેલી રહેવાં લાગી.

આમને આમ બે મહિના વીતી ગયાં. દરરોજ રાત્રે ફોન પર મધુર મધુર વાતો થતી અને રવિવારે તાપીને રમણીય તીરે માદક મુલાકાતો થતી રહેતી. છાયાએ તો કદાચ અવિનાશથી ક્યારેક કંઈક છુપાવ્યું હશે પણ અવિનાશે તો પોતાના અતિતનું આખું મહાભારત અને રામાયણ સંભળાવી દીધું હતું. બધું સાફસુતરું બતાવી દેવાની આ આદતથી છાયા એના પર બરાબરની વારી ગઈ હતી.

કિન્તું સંજોગોને કે વિધાતાને અવિનાશની ખુશી શાયદ ખુંચતી હશે. એકવાર અજાણતાં જ મળેલી વિધિને હાથ પકડાવ્યા બાદ વિધાતાએ એનો હાથ બરાબરનો ઝાલી રાખ્યો હતો. જો શિયાળાની ગાત્રો થીજાવતી ગળતી રાત્રે છાયાએ એને છળી લીધો!

મોબાઈલ બંધ થયા પછી અવિનાશ વિચારી રહ્યો હતો કે આમ અચાનક સગાઈ કેવી રીતે ગોઠવાઈ જાય! પછી પાછો મોટેથી બોલી પડ્યો: 'શાયદ!!શાદી પહેલાં સુહાગની ના પાડવાથી જ છાયાએ મને નોંધારો કર્યો હશે, પણ ગમે તે હોય હવે આપણે ખાસ કારણ તારણ જાણવાની જરૂર નથી. ચલો એક ગમ ઓર સહી...! કૈસે ભી જી લેંગે ...!!

એણે પ્રણય ભગ્નતાની ભેટ ફરી ગજવે કરી અને પછી ગોજારી રાતની એકલતામાં એ અશ્કનાં ધોધમાર દરિયા વહાવતો રહ્યો..

* * *

6.આરઝું.....

રાતનાં સાડા અગિયારેક થયાં હતાં. અચાનક વતન છોડ્યાનો વિયોગ અને કંપનીનાં ભેગા થયેલ કામનાં ભારણથી કંટાળેલ અવિનાશ અગાશી પર બેઠો બેઠો આસમાનમાં જામેલી સિતારાઓની મ્હેફિલને એકટસ માણી રહ્યો હતો. એનું મન વિચારોનાં તરંગમાં વહીને ક્યાંયનું ક્યાંય ફંગોળાઈ રહ્યું હતું.

વિચારમાં ને વિચારમાં તે લવી પડ્યો: 'સાલું આ જગત કેવું છે! જેને જીવવું છે એને સુખેથી જીવવા નથી દેતું અને જેને મરવું છે એને શાંતિથી મરવા નથી દેતું..! આવું કેમ??' પાછો એ જ સવાલનો જવાબ વાળતો હોય એમ એ બોલ્યો: 'ચાલ, અવિનાશ છોડ જગતની! જગતનાં ભાગે તો આવું જ આવ્યું છે. આપણે તો નિજાનંદમાં મસ્ત રહેવાનું મસ્ત! અરે, જન્નત સજાવવાનું જન્નત!' પણ પાછાં એનાં માહ્યલાએ એને ઠમઠોર્યો, 'એકલાં એકલાં શું રાખ જન્ન્ત મનાવવાનું?, સજાવવાનું! હજું પરમ દિવસે જ એ ઉજડી ગયું એનું શું? આટલામાં વીસરી ગયો તું? તે હવે આવી વાતો કરે છે? માંડ હાથમાં આવેલ જન્ન્ત તું ખોઈ બેઠો છે, અવિનાશ! પાછો એ સ્વગત બોલ્યો: 'પણ અવિનાશ, ભલા આપણો પણ એમાં ક્યાં કશોય વાંક હતો!' જાણે એ પોતે જ પોતાને સાંત્વના આપી રહ્યો હતો.

પોતાનામાં જ અંતર્મન સાથે અનેક તર્કવિતર્ક ભરી વાતો કરીને એ થાક્યો. નીંદર ક્યારનીયે પાંપણનાં કિનારે અડ્ડો જમાવી બેઠી હતી. નીંદને આવકારવાં અવિનાશે પલંગમાં લંબાવીને આંખ મીંચી દીધી. નીંદ હજું તો આંખોનું આંગણું ઓળંગીને આવે એ પહેલા તો અવિનાશનાં ફોન રણક્યો...'હમ અપની તરફ સે તુમ્હે ચાહતે હૈ મગર આપકા કોઈ ભરોસા નહી હૈ...!' જીંદગીમાં પહેલીવાર આટલાં મોડે કોણે ફોન ક્યો હશે? એ વિચારે તત્ક્ષણ ફોન રીસીવ થયો.

સામેથી મધુર અવાજ રેલાઈ રહ્યો હતો. અવિનાશે અવાજ પારખ્યો. હજું હમણાં જ ત્રણ દિ' પહેલા જ સાંભળેલ એ અવાજ હતો.

'હેલ્લો અવિનાશ...આરઝું બોલું છું. કેમ છો તમે?'

બેઘડી મૌન જાળવી અવિનાશે ઉત્તર વાળ્યો: 'નામ જણાવવાની કોઈ જ જરૂર નહોતી. તે ઉચ્ચારેલા પ્રથમ અક્ષરથી જ હું પારખી ચૂક્યો હતો કે આવા બંસરી-સા સૂરવાળું કોણ હોઈ શકે! હું અભિમાન નથી કરતો કિન્તું મારુ અસ્તિત્વ જ એવું છે કે જે માણસ પ્રથમ નજરની પ્રથમ મુલાકાતમાં જ હૈયે વસી જાય એનું ક્ષણભરની મુલાકાતથી જ આખું અસ્તિત્વ યાદ રાખી શકું છું. આ તો માત્ર ત્રણ જ દિવસ થયાં છે પણ જો ત્રીસ વર્ષ બાદ પણ તે મને ફોન કર્યો હોત તોય હું તને સામેથી કહી દેત કે તું આરઝું જ બોલે છે.!!' આટલું સંભળાવીને અવિનાશે ફોનને અળગો કરી દીધો.

ઘડિયાળનાં ત્રણેય કાંટાઓ બારનાં આંકડે પહોંચવાં હોડમાં લાગ્યા હોય એમ દોડતાં હતાં. હુંફાળા વાતાવરણમાં આસ્તે આસ્તે શીતળતાં પ્રસરતી જતી હતી. સર્વત્ર શૂનકાર છવાયેલ હતો. નજીક જ આંખ સામે દેખાતાં દરિયામાં થતી ઝબકજ્યોતથી લાગતું હતું કે વહાણ કિનારા ભણી હરણફાળ ભરી રહ્યું હતું. અવિનાશ થીજી ગયેલી શુષ્ક આંખોને ઝીણી કરીને ઊભો ઊભો વહાણની જ્યોતને તાકી રહ્યો હતો. એવામાં કૂતરા ભસવાં લાગ્યાં. અવિનાશ ધ્યાનભંગ થયો. ફરી ફોનની ઘંટડી રણકી...'હમ અપની તરફ સે.....'

ચહેરા પર છવાયેલ વિષાદનાં વાદળ પર હાથ ફેરવી એણે ફોન ઉપાડ્યો. આ વેળાએ નંબર અલગ હતો કિન્તું અવાજ એ જ! સામેથી શબ્દ શર છૂટ્યું, 'અવિનાશ....!! હવે હું અને મારી મહોબ્બત તમારાં પર મહેરબાન છે. હું તમારી જોડે સંસાર માંડવા તૈયાર છું....' એ આગળ બોલે એ પહેલાં જ અવિનાશે મૌન તોડ્યું....

'મારી હવે કોઈ આરઝું નથી..!! તારી કળાઓને હવે સંકોરી લે! હવે બહું જ મોડું થઈ ગયું છે. હવે તો મારાં જીવનની અધરાત-મધરાત થવાં આવી છે. તારાથી બહું જ દૂર....દૂર પહોંચી ગયો છું.....'

અવિનાશ, તું એ ચિંતા છોડ. તારાં જીવતરની મધરાતમાં હું સો-સો સૂરજ સમી રોશની પાથરીશ! તારી જીંદગીમાં પવિત્ર પ્રભાત ખીલવીશ.અને તું દૂર પહોંચી ગયો હોય તો શું? હું કાલનાં પરોઢે તારી આંખ સામે ફરફરી રહી હોઈશ..'

'આરઝું...એ સઘળી શક્યતાઓને મે અશક્યતામાં ફેરવી નાખી છે. જગતની કોઈ શક્તિમાં હામ નથી કે મારી અફર અશક્યતાને શક્યતામાં પલટાવી શકે. શાયદ...તું મારાં ભાગેલ ભાગ્યમાં નહી હોય! નહીં તો મારાં હાથે કદી આવું બની શકે નહીં! હું પ્રભુને પ્રાર્થુ છું કે તને મુજથીયે અનએક દક્ષતાવાળો ભરથાર મળી રહે. 'અવિનાશ બોલતો જતો હતો.. પણ એનું હૈયું માંયને માંય આરઝુંને ઝંખી રહ્યું હતું.. આરઝુને પામવાં એનું મન તરફડતું હતું પણ પરિવારને કહેવું કયાં મોઢે?? હાથમાં લાડવો હોવા છતાંય ખાવા માટે એ વિવશ હતો!

રાત પૂરપાટ રફ્તારે ભાગી રહી હતી. એક જણ રડમસ અને જામી ગયેલ ચહેરે, વરસતાં નયને ને ફાટ્યા કાને જીવનની પ્રથમ કરુણા સાંભળી રહી હતી, અને બીજું જણ એનાથીયે સવાયી હાલતે જીવતરની કરુણાને પંપાળી રહ્યો હતો!

'અવિનાશ, તસું જેવડી મારી ખતાને આવડી મોટી સજા કેમ દે છે?'

આરઝું, ભૂલ તો હું ય હિમાલય-સી કરી બેઠો છું. હવે મારું જરાય ચાલે તેમ નથી જ. હવે તો....બસ....અફસોસ....!' આટલું માંડ બોલ્યો અને અવિનાશે ફોન સ્વિચ ઓફ કરી દીધો. પછી ક્યાંય લગી સિતારાઓ હાથમાં લઈને ગણતો રહ્યો.

અવિનાશનું મૂળ વતન પાલનપુર. પણ છેલ્લા ત્રણેક વર્ષથી પાલનપુર એનાં માટે પિયર સમાન બની ગયું હતું. અને સુરત જાણે સાસરું! કારણ કે જેમ દીકરી પરણીને સાસરે જાય પછી વારતહેવારે જ પિયરમાં આવે એમ અવિનાશ પણ સુરત ગયાં પછી વારતહેવારે જ પાલનપુર આવતો.

એવામાં ઉનાળો આવ્યો. ઉનાળો એટલે લગ્નની ફૂલેલી ફાલેલી જાણે મોસમ! ચૈત્ર પછી વૈશાખે બરાબરનું રાજસિંહાસન જમાવ્યું. વૈશાખી વાયરાં વાયા અને ચોફેર શાદીની શરણાઈઓ ગુંજવા લાગી. આખું જગત લગનની ઘેલછામાં જોતરાઈ ગયું હતું. અત્ર તત્ર સર્વત્ર લગનની ધુમધામ જ હતી. જ્યાં જુઓ ત્યા લગન અને આણાઓની ધમાલ જ ધમાલ. વળી એ લગનની મોસમમાં યુવા હૈયાઓની કમાલ જ કમાલ! લગ્નનોત્સવની ધુમધામમાં જગત એમ મહાલતું હતું જાણે કે સ્વર્ગમાં મહાલતું ન હોય!

ઉનાળાની છટ્ટી લઈને અવિનાશ પણ માદરે વતન પહોંચી આવ્યો હતો. એ જ્યાં પણ જાય લોક અને સંબંધીઓનાં મોઢેથી એક જ વાત સાંભળવાં મળતી: 'અવિનાશ...! હવે તારી હેડીના હંધાય એકમાંથી બે પાંદડે થઈ ગયાં. તારો શો વિચાર છે? કે પછી હજીય ભાવમાં જ રહેવું છે!' અવિનાશને કે એનાં પરિવારને તો જરાય ઉતાવળ નહોતી પણ સમાજનાં કેટલાક લોકોને બહું ઉતાવળ હતી.

એક દિવસ અવિનાશનાં પરિવારે કહ્યું: 'અવિ, લોકો અને સમાજ હવે વધારે ખોટી વાતો કરે- એ પહેલાં તું હવે પરણી જાય તો સારું. તને અમારી પસંદ ન ગમતી હોય તો તું કહે ત્યાં તારાં લગન ગોઠવી લઈએ. જેથી લોકોને રાહત થાય.

દિવસો પર દિવસો વીતતાં જતાં હતાં. બન્યું એવું કે અવિનાશને સુરત જવાનાં આગલાં દિવસે એની માસીનાં દીકરાનાં લગનમાં જવાનું બન્યું. અવિનાશ વહેલી સવારે જ પોતાનો સરસામાન લઈને આવી પહોંચ્યો. સરસામાન એટલે પોતાની અંગત મૂડી: પ્રણયભગ્નતા!

બપોરે ભોજન બાદ અવિનાશ આડો પડ્યો. થોડી જ વારમાં એની આંખો મળી ગઈ. બપોરી નીંદમાંથી જાગ્યો એવો એ ગજબ અચરજ થયો! એની નજરે એવી યુવતી આવી કે જેને જોઈને સ્તબ્ધ થયો. પછી તો અવિનાશ એ યુવતીને ટગર ટગર ક્યાંય સુધી તાકી રહ્યો. જ્યાં સુધી હૈયું ભરાઈ ગયું ત્યાં સુધી એ પેલાં હીરને માણી રહ્યો.

એ હીર સમી લાવણ્યા એટલે આરઝું..! એનું નામ તો અવિનાશ નહોતો જાણતો પણ દિવસભર એના રુપાળા તેમજ ગુણવત્તાસભર અસ્તિત્વને પારખ્યા બાદ એને પાસે બોલાવી. નામ-ઠામ પૂછ્યા.

અવિનાશે પછી પૂછ્યું, 'આરઝું હું તને ગમાડતો થઈ ગયો છું. તું તૈયાર હોય તો મારે તારી સંગે સુંદર સંસાર માંડવો છે.'

'અવિનાશ, મો સંભાળ. તું કોની સાથે અને કેવી વાત કરી રહ્યો છે એનું ભાન તો છે ને?'

'તને જોયાં પછી બેભાન બની ગયો છું. તારાં અસ્તિત્વે મને ઘેલો કર્યો છે.'

'તો હવે ભાનમાં આવી જા. નહીં તો મજા નહીં આવે...'

'પણ, મારે ક્યાં તારી સંગે લવ કે લફરું કરવું છે તે તું આમ છંછેડાય છે! 'હું તો તને મારી ઝગમગાટ જીંદગીની જીવાદોરી બનાવવાની વાત કરું છું. એમાં ક્યાં આમ....'

'બસ, અવિનાશ...હવે ચુપ! નહીં તો બેઈજ્જત થઈશ!! અને મને લગ્નની કોઈ જ ઉતાવળ નથી જ.

એમ કરતાં બે દિવસ વીતી ગયાં. આરઝુનાં અસ્તિત્વએ અવિનાશ પર એવી તો ભૂરકી નાખી હતી કે એનું રોમ રોમ આરઝુંની માળા જંપવા લાગ્યું.

બીજાં દિવસે સુરત તરફ પ્રયાણ કરતી વેળાએ અવિનાશે આરઝુંને ફરી એકાંતમાં બોલાવી. કહેવાં માંડ્યું: 'બકા, આરઝું... હજું સમય છે. સમજી જા. તું તૈયાર થાય તો તારા ઘેર વાત મોકલાવું. તને હું સુખી કરીશ. એકવાર વિચારી લે.પછી પસ્તાવો કરીશ!'

પોતાને લગનનું પૂછવાની હિંમત કરનાર અવિનાશે જાણે ગુનો કર્યો હોય એમ આગ ઝરતી ભીષ્ણ નજરથી એ એને તાકી રહી હતી. મનમાં થતું હતું જાણે અવિનાશને ચીરી જ નાખે. પછી કંઈક વિચારીને કહ્યું: 'અવિનાશ.... હું કોઈનાં પ્રેમમાં છું, અને એને લગનનો વાયદો આપી બેઠી છું.' આમ કહીને એ નીચી નજરે ઊભી હતી. જો કે એ કોઈનાં પ્રેમમાં નહોતી જ. પણ આમ કરીને એ અવિનાશથી પીછો છોડાવવાં માગતી હતી.

તારો પ્રેમ અને તારો વાયદો અમર રહે એવી આશિષ.

અને અવિનાશ દુ:ખી દુ:ખી થઈ સુરતને મારગે થયો.

વખત જતાં પાંચમાં દિવસે આરઝુંને જાણ મળી કે અવિનાશ કોઈ મામુલી નહીં પણ એક મોભાદાર યુવાન છે. એ કંપનીમાં ઊંચા હોદા પર છે અને એની સેલેરી લાખ રૂપિયાને વટાવી જાય એટલી ઊંચી છે ત્યારે આરઝું અફસોસથી અડધી થવાં લાગી. બેબાકળી બનીને એણે અવિનાશને અડધી રાતે ફોન લગાવ્યો. કહેવાં લાગી: 'અવિનાશ, હવે હું તારી જીવનસાથી બનવાં તૈયાર છું.'

જીવવાનાં અભરખાં જલાવી બેઠેલ અવિનાશે માત્ર એટલું જ કહ્યું: 'આરઝું, હું કોઈની અમાનતને ઝુંટવવાનું પાપ કરવાં નથી ઈચ્છતો. તે જેને વાયદો આપ્યો છે એની સંગે હેમખેમ જીવી લેજે. હવે તો આપણે બહું જ મોડું થઈ ગયું છે.

સાંભળીને આરઝું હતી ન હતી થઈ ગઈ.

જુઠ બોલવાનું એને ભારે થઈ પડ્યું. અને અવિનાશે હૈયા સોંસરવું ઊતરી ગયેલ એક જણ ખોયું...

* * *

7.હવસભૂખ!??

'અવિનાશ.બકા, એક વાત પૂછું?'

'હા, એક શું કામ! બે-ચાર પૂછી નાખને!'

'તને માઠું તો નહીં લાગેને, બકા...?'

'અત્યાર સુધી તો નથી લાગ્યું...પણ હવે જરૂર લાગશે!'

'હવે જ કેમ?'

'કારણ કે તારા સવાલ જ એવાં ડરામણાં હોય છે.'

'તો જે થાય એ પણ પૂછું?'

'અરે પૂછને યાર...મગજનું દહીં કર્યા વગર પૂછને જે પૂછવું હોય એ.'

'તો અ..વિ..નાશ...! તું હવસનો ભૂખ્યો છ કે પ્રેમનો?'

'બંનેનો...'

'સાવ જુઠ્ઠું બોલે છે તું!'

'તો સાચું તું બતાવ.'

'મને લાગે છે કે હવસની ભૂખ કુદરતે તારામાં મૂકી જ નથી!'

'એ તને કેવી રીતે ખબર પડી?'

'મને ખબર ન હોય તો શું મારી શૌતનને હોય?' આજે સાત-સાત દિવસથી સાવ એકાંતમાં તને પ્રેમનાં અમૃત ભોજન જમાડું છું. એ જમતાં તું નથી તો ધરાતો કે નથી હવસની ભૂખ જગાડતો...એટલે...!'

'એ ભૂખ યોગ્ય વ્યક્તિ જોડેથી જ સંતોષી શકાય.'

'શું કહ્યું? શું મારામાં એ યોગ્યતા નથી?'

'હું ક્યા ના પાડું છું!'

'તો પછી...! મારી ઉપેક્ષા કેમ?'

'તારામાં છે એ જ દુનિયાની દરેક સ્ત્રીમાં એનાં અખૂટ ભંડાર ભરેલાં હોય છે પણ બન્નેની વિશિષ્ટતા ભિન્ન-ભિન્ન છે. પ્રેમનાં ભંડારને જેમ વહેંચો એમ એ વધે છે ને હવસનાં ખજાનાને જેમ વહેચો એમ એ ઊતરતું જતું હોય છે.'

'કેવી રીતે?'

'એ અત્યારે તને નહીં સમજાય...નાદાન છે ને એટલે!'

'હું અને નાદાન! મને નાદાન કહેવાની ભૂલ કરીશ નહી, અવિનાશ! હું તો સ્ત્રીત્વની ખુમારીથી ખીલી રહી છું.'

'એ ઊભરાને કાબૂમાં રાખ,ઊર્મિ!'

'નહીં તો?'

'નહીં તો લુંટાઈ જઈશ..બરબાદ થઈ જઈશ!'

'કોણ કહે છે કે સ્ત્રી લુંટાઈ કે બરબાદ થઈ જાય છે? એનામાં તો પ્રેમ અને હવસનાં અક્ષયપાત્ર ભરેલાં પડ્યા હોય છે.'

'તું ભૂલે છે ઊર્મિ!'

'શું? અવિનાશ..'

'એ અક્ષયપાત્રની કિંમત પરખવામાં!'

'કેમ વળી તે?'

'જવા દે બધી વાત!! તારી ભૂખનું શું?'

'જ્યાં લગી લગ્નસાથી ન મળે ત્યાં સુધી મે મારી હવસની ભૂખને દેશાટને મોકલી રાખેલ છે.'

'શું કામ? પત્ની જેવી પ્રિયતમાં હું છું તો ખરી!'

'પત્ની અને પ્રિયામાં ઝાઝો ફેર છે.'

'શો?'

'ઊર્મિ, હવે ક્યારેય આવી ગુસ્તાખી કરીશ નહીં હોં!'

'નહીં તો શું?'

'નહીં તો તારાં અરમાનોની હોળી થશે.'

'એ કેવી રીતે?'

'એ તને તરછોડીને!'

'ધમકી આપે છે અવિનાશ!'

'ધમકી નહીં મારી હકીકતથી તને વાકેફ કરું છું.'

'સોરી બાબા...સોરી..! તને પહોચવું ભગવાન મેળવવાં બરાબર છે.' પછી મનમાં બબડી: 'તરછોડીશ તો હું તને એક દિવસ અવિનાશ..'

'એક વાત કહું ઊર્મિ..?'

'હં...કહે તો..જરા.'

'મને જાણવાં છતાં આવો મવાલી સવાલ ન કર્યો હોત તો?'

'તો શું? તું જ બતાવ ને?'

'તો તારે મને એટલે કે તારાં યારને 'સોરી' કહેવું ન પડ્યું હોત!'

'ઈટ્સ ઓકે..આઈ લવ યુ અવિનાશ..!'

* * *

8.પ્રેમાગ્નિ

'હેલ્લો....ઓ....ઓ..... અવિનાશ !' આ બે શબ્દોએ અવિનાશનાં કાનોમાં જાણે કરોડો કોયલનાં મધુર ટહુકાઓ રેલાવી દીધાં! એ મધુર ટહુંકાને અવિનાશે એનાં કાન વાટે ઉરમાં ઉતારી દીધાં.એ સૂરીલાં અવાજની માદક રોમાંંચકતાથી એના રૂવાડાં ખડાં થઈ ગયાં.એ પ્રત્યુત્તર વાળે એ પહેલાં તો ફરીથી સામેથી સૂરોનું સામ્રાજ્ય લઈને શબ્દો છૂટ્યા.

'અવિનાશ! હું મારું રળિયામણું અને મધુરુ મહારાષ્ટ્ર છોડીને તારાં રંગીલા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છું!' હાસ્યની છોળો ઊડાડતી ઊર્મિ આનંદનાં ઉમળકાથી આટલું માંડ બોલી શકી.

આ સાંભળીને અવિનાશનાં રોમેરોમ અજાયબ ખુશીથી મલકાઈ ઉઠ્યા. આનંદનાં પ્રગાઢ સાગરમાં તરબોળ બનીને એણે ઉત્તર વાળ્યો: 'હાશ..! ઊર્મિ..! તું આવી ખરી હો! પણ ચાલ હવે તું મારા મનની મોંઘેરી મિરાત સમા ગુજરાતમાં આવી ચૂકી છે તો બેનમૂન અદાઓથી, સ્વર્ણિ સૌરભથી અને અત્યારની મારી કર્મભૂમિ સૂરતમાં પડેલા બેશુમાર વરસાદની ભીનીભીની બુંદોથી મારી ગુર્જરભૂમિમાં તારું લાગણીભીનું સ્વાગત કરું છું. પણ મહારાષ્ટ્રની રાજકુંવરી ઊર્મિ! એક વાત જણાવ કે ગુજરાતનાં એવા તે ક્યાં રાજકુંવરે તને ઘેલું લગાડ્યું કે તારે આમ અચાનક સરહદ ઓળંગવી પડી!

'અવિનાશ! એ મારા મનનો સાહ્યબો, મારો રાજકુંવર એટલે એ જ કે જેણે મને આ સવાલ કર્યો.' ટૂંકમાં ઉત્તર વાળ્યો. પછી મનમાં કંઈ યાદ આવતાં પાછી બોલી:'પણ અવિનાશ, આ વખતે હું એક દિવસ નહીં પણ પૂરાં દસ દિવસ તારી અને તારાં ગુજરાતની મહેમાન બની રહેવાની છું હોં..!'

'વાહ! મારી વહાલી વાહ..! ત્યારે તો તું મને દશેદશ દિવસ પ્રેમનાં પીયુશ પાવાની કેમ!' પછી આગળ બોલ્યો: 'તું મારા કાજે જ આવી છો તો તને સ્પર્શ વિનાનાં અઢળક ચુંબનો મોકલું છું.' આમ કહીને એણે ફોનમાં ચુંબનોનો મુશળધાર વરસાદ વરસાવી દીધો!'

જે મહેસુસ કરીને -સાંભળીને અપાર ખુશીથી ઊર્મિ બોલી: 'અવિનાશ, તારાં બધાં ચુંબનો મારાં પરવાળા જેવાં અધરો પર, કિન્તુ હવે એ બતાવ કે તારે ક્યારે પધારવું છે?'

અવિનાશને અબઘડી ઉપડી જવાનું મન થયું.

પણ એણે રમૂજ કરી: 'સોરી બકાં, આ વખતે તો મને કંપની રજા નથી આપવાની!'

ઊર્મિનાં દેહમાં સન્નાટો છવાયો. દિલ ધબકારો ચૂકતાં-ચૂકતાં રહી ગયું.

'પણ વાલમાં અવિનાશ! હું તને પરણવાની પૂરતી તૈયારી સાથે આવી છું એનું શું?' અશ્રુઓથી તરબોળ આંખે અને બેબાકળા સાદે એ માંડ બોલી.

કોકડું ગુંચવાયું! હવે કરવું શું?

ઘડીકમાં જે રમતી હતી એ અપાર ખુશીને દુ:ખ વળગ્યું!

વાતને મૂળ પાટા પર લાવતાં અવિનાશે ધીરેથી કહ્યું, 'બકાં ઊર્મિ, હાલ તો પરણવાનો તો મારો કોઈ ઈરાદો નથી પણ કાલે હું તને મળીશ..કોઈ પણ ભોગે.'

અને અવિનાશે પૂરપાટ ઝડપે પાલનપુરની વાટ પકડી.

વહેલી સવારે એ પાલનપુર ઊતર્યો ત્યાં સુધીમાં તો ઊર્મિનાં અસ્તિત્વમાં, એનાં ભાવજગતની ભૂમિમાં ભયંકર ઉથલપાથલ થઈ ચૂકી હતી.

'અવિનાશ, મને ખબર નથી કે તું પાલનપુર આવ્યો છે કે નહીં.પણ જો આવ્યો હોય તો તત્ક્ષણ મારે તને મળવું છે.' નવનાં સુમારે અવિનાશનાં ફોનમાં મેસેજ ઊતર્યો.

અવિનાશ આવ્યો.

એક શિલા પર ઊર્મિ બેઠી હતી. એની બેઠક પરથી એને અવિનાશનો ઈંતજાર હતો કે નહીં એ કળી શકાતું નહોતું.

પરફ્યુમનો અહેસાસ થતાં જ એના ભણી જોયાં વિના જ ઊર્મિએ વાત ચલાવી:

'અવિનાશ...! તારી સાથે આ મારી આખરી મુલાકાત છે! હવે તું મને જોઈશ, પણ તડપતી આંખે...! અત્યાર સુધી હું યાદ આવતી ને તું હરખાતો! હવે યાદ મારી તારાં કાળજાને ચીરશે! તું મને જોતો ને ભેટવાં દોટ મૂકતો હવે દૂરથી મને જોઈશ ને રાતા પાણીએ રોઈશ! હવે હું તારી આંખોમાં રહીશ એક ખ્વાબ તરીકે!' જે સાંભળીને અવિનાશનું કોમળ કાળજું પળભર માટે ધબકારો ચૂકી ગયું.એનાં અણુએ અણુમાંથી અશ્રુઓ ઊભરી આવ્યા. દયામણાં ચહેરે ને સજળ આંખે એણે ઊર્મિ તરફ આંખ કરી.

ઊર્મિ મંદ-મંદ મુસ્કરાઈ રહી હતી. જ્યારે અવિનાશનાં વદનનું નૂર ઉડી ગયું હતું.

'બ...સ ઊર્મિ! તું આ જ ક્ષણોની રાહ જોતી હતી કે ક્યારે અવિનાશ મોતને ઘાટ ઉતરે ને ક્યારે તું એનો સાથ છોડી દે?' સજળ નેત્રે સાવ વિખાયેલાં વદને અવિનાશ બોલતો હતો.

વચ્ચે જ ઊર્મિ બોલી: 'બસ કર અવિનાશ ! મોતને ઘાટ તો હું તને નહીં પણ તું મને ઉતારી રહ્યો છે. અહીં તારામાં લગ્ન કરવાની હિંમત નહોતી તો જુઠ્ઠા વાયદાઓ ક્યા મોઢે કરતો હતો હેં? તારાં ભરોસે તો મેં મારા અસલી ભરથારને ભૂલાવ્યો હતો. કેટલો વહાલ કરતી હતી હું એને! અરે તારાં ખાતર તો મેં મારાં પ્રથમ પ્રેમીને તરછોડ્યો હતો કે જે મારી સાથે લગન કરવાં આતુર હતો. એ તો ઠીક પણ મારી જીંદગીમાં આવીને મારી સાથે લગ્ન કરવાં માંગતાં અનેક યુવાનોનાં અરમાનોની હોળી કરી નાખી હતી! એ કોનાં માટે ખબર છે અવિનાશ.? એ એક તારાં માટે જ...હા તારાં માટે જ....! પણ હાય રે નસીબ.....!'

અવિનાશ વિચારોનાં ભયંકર વમળો વચ્ચે ખૂંપ્યો. ને ઊર્મિ એને હલબલાવ્યે જતી હતી: 'આમ મૂંગો શું કામ પડ્યો છે..અવિનાશ?' એક સમયની પ્રેમાળ પ્રેમિકા વિકરાળ વાઘણ બની. 'હટ રે અવિનાશ, મને ખબર જ હોત કે મારી જીંદગીમાં પ્રવેશીને મને જ તરછોડી દઈશ તો મેં તને ક્યારેય અપનાવ્યો ન હોત! કેટકેટલાં અરમાન લઈને તારા ભરોસે જીવતી હતી હું! મારી એ હર ઉમ્મીદો પર તે સુનામી સર્જી દીધી હો! મારી અફર ઈચ્છાઓને તે આગમાં હોમી દીધી આગમાં !'

વ્યક્તિને પોતાનો કોઈ સ્વાર્થ સાધવામાં કોઈ વિઘ્ન નડે તો એ કેવું વિકરાળ સ્વરૂપ સર્જી શકે છે એનું ઉત્તમ ઉદાહરણ હતું આ.

અવિનાશનાં ઉરમાં પણ આઘાતોનાં વાદળ ઉમટ્યા. હવે કરવું શું?

કંઈક વિચાર આવતાં એણે પૂછ્યું: 'અરે ઊર્મિ...કદાચ તારાં કહેવાથી કે ઉકસાવાથી એ દિવસે મેં તારી સાથે શરીરસુખ માણ્યું હોત તો?'

'તો હું તને બળાત્કારી સાબિત કરત! ને શૂળીએ ચડાવત!'

સંબંધ પરિપાક થયાં વિનાં કે પત્નિ સિવાય કોઈની સાથે શહશયન ન કરવાની નેમનાં ફાયદા અવિનાશને વખત આવ્યે જબરાં કામ આવી ગયા. એ દુ:ખતાં દિલે પરવદિગારનો આભાર માનવાં લાગ્યો.

પછી બિચારો અવિનાશ ઊર્મિનું મેઘાગ્નિ વરસાવતું વિકરાળ મોં જોઈને જેમ આગમાં કચકડું કોચડે વળે એમ ભંગાઈને બેવડ વળી ગયો. ધરતી કે એ ડુંગર જો જગ્યા આપે તો સમાઈ જવાની ઈચ્છા જવાન થઈ. કિન્તું બિચારો કરે શું? વિવશતા માનવીને ક્યાં કશુંય કરવા દે છે! છતાંય એને મૃત્યું સામે જ ઊભેલું દેખાયું. મરી જવાનું મન થયું. પણ સ્વહત્યાનું પાપ કેમ કરીને કરાય! એણે આંસું ખાળ્યા.સંયમ જાળવ્યો.

કિન્તું ઊર્મિ હજું અંગારા વરસાવતી ત્યાં જ ઊભી હતી.

એણે ચાલું કર્યું: 'અવિનાશ! ધિક્કાર છે તને કે તું તારી જીંદગીનો ફેંસલો જાતે કરી શકતો નથી. વળી તું ફોનમાં ક્યાં મોઢે કહેતો હતો કે મારાંથી પરિવારનાં વિરૂધ્ધ જઈ શકાતું નથી? પરિવાર આટલો વહાલો છે તો આ ઊર્મિ નથી શું? વળી તું મજનુની માફક કહેતો હતો કે ઊર્મિ તું મારૂ અમૂલ્ય ઘરેણું છે. તું મારુ જીવન છે! ક્યાં ગયા એ બધાં વેવલાવેડા?'

અવિનાશનાં મો આગળ મો લાવીને પાછી તાડુકી: 'પ્રેમ કરનારાં તો હવે હું તને બતાવીશ, અવિનાશ! જીવતો રહે તો જોઈ લેજે ને કબરે થાય તો તારી મજારે હું ફોટા મોકલી આપીશ!' આટલું ભાષણ કરીને એ ડુંગરો ઊતરવાં લાગી.

અવિનાશ બાઘાની માફક એને જતી જોઈ રહ્યો.

ફરી પ્રણયભંગનો મહોત્સવ ઉજવવાનાં સપનાં જોતો બેઠો હતો.

સાત-આઠ પગથિયા ઊતરી હશે ને કંઈક યાદ આવવાથી સુનામીની જેમ એ પાછી ફરી.

કહેવા માંડ્યું:બ'મને ખબર છે અવિનાશ કે તું મને વીસરી નહીં શકે. મારી યાદ તારાં કાળજાને કાપશે પણ એની ચિત્તા જલાવી દેજે. મને કોઈ જ વાંધો નહીં આવે.'

ઊર્મિને જતી જોઈ અવિનાશ મનમાં બબડ્યો: 'ચિતાં તો તું ખડકીને જાય છે તે જલાવવી જ પડશે ને! કાં તો તારી યાદ નહી કાં તને યાદ કરનાર હૈયું નહીં.'

એ શબવત બેઠો હતો.

ગુજરાતની ઉત્ત સરહદે અરવલ્લીની ગિરિમાળાઓમાં કેદારનાથ મહાદેવનું પુરાણપ્રસિધ્ધ મંદિર આવેલ છે.

શિવરાત્રિનો તહેવાર હતો. દિવસભરની ચક્કાજામ થયેલી ભીડ ઓસરી રહી હતી. પંદરેક જણની અવરજવર વચ્ચે એક શિલા પર અવિનાશ બેઠો હતો. એની ઉદાસીન હાલત જોઈને આકાશનો સૂરજ પણ અવનનીની ગોદમાં ભરાઈ ગયો હતો. નમણી નાજુક વેલ સમી માસૂમ સાંજ અવની પર ઊતરી આવી હતી. એવે વખતે અવિનાશ શિલા પર બેઠો-બેઠો એને અશ્રુઓથી નવરાવી રહ્યો હતો. જાણે એનાં પર બેસવાનું રૂણ ઊતારી રહ્યો ન હોય!

એ પળે એના મનચક્ષુ સમક્ષ ઊર્મિની બનાવટી ઊર્મિઓ ઊભરી આવી.

અવિનાશને હવે સમજાઈ રહ્યું હતું કે માત્ર ને માત્ર લગ્ન કરવાં ખાતર જ ઊર્મિએ એની સમક્ષ પ્રેમની લોભામણી જાળ પાથરી હતી.એ પોતાને નહીં પણ પોતાની નોકરી અને કંપનીનાં ઊંચા પગારને પ્રેમ કરતી હતી. એવું એને ભાન થયું. અને એટલે જ તો પ્રેમ પાંગર્યાનાં બીજા જ દિવસથી એ વારંવાર લગ્નની જ વાતો રટ્યા કરતી હતી. દિવાળી ટાણે દિવાળીનાં ચાર દિવસ પહેલાં જ એણે અવિનાશને મોઢે બળજબરીથી લગ્નની હા પડાવી હતી ને પાક્કું વચન લીધું હતું. અને અવિનાશ પણ એટલો ભોળો કે એ વચન આપી પણ બેઠો.

અવિનાશ એટલે વિનાશને આરે આવીને ઊગરી જતો દુ:ખીયારો યુવક!

લગ્નનાં વાયદાની ખુશહાલીમાં ઊર્મિની દિવાળી અમાસની રાતે ચમકતાં ચાંદની જેમ ચમકી રહી હતી. કિન્તુ અવિનાશ અંદર ને અંદર મુરઝાઈ રહ્યો હતો. કારણ કે આ એનાં પરિવારની વિરુધ્ધનું પાગલ પગલું હતું. પરિવારને ક્યાં મોઢે કહેવું કે એ પોતે પરિવારની જાણ બહાર જાતિ બહારની યુવતીને લગ્નનું પાક્કું વચન આપી બેઠો છે? કહે તો કેવી બૂરી વલે થશે એ વિચારે અવિનાશનાં દિલમાં સામી દિવાળીએ હોળી સળગવાં લાગી.

આપણો આ અણઘડ માનવસમાજ પ્રેમને નથી સ્વિકારી શકતો તો પછી પ્રેમલગ્નને ક્યાંથી સ્વિકારવાનો?

દિવાળી હેમખેમ પાર ઊતરી હતી. દિવાળી બાદ ઊર્મિએ અવિનાશને મુંબઈ તેડાવ્યો. ત્યાં સિધ્ધિવિનાયકનાં મંદિરમાં પ્રવેશતાં જ ઊર્મિએ એનાં હાથમાં સિંદૂર પકડાવ્યું. કમને અવિનાશને ઊર્મિની માંગ પૂરવી પડી હતી.

પછી કહ્યું હતું: 'અવિનાશ! ભગવાન ગણપતિની સાક્ષીએ તે મારી માંગ ભરી છે. એની ઈજ્જત રાખજે.'

હવે, અવિનાશ કોની આબરૂ રાખે? પોતાની, પ્રેમની, પરિવારની, પ્રેમિકાની કે પ્રભુની?

એણે ઊર્મિને કહેવું હતું, ઊર્મિ હું તને અપનાવીશ..લગ્ન કરીશ પણ મારા સમયે કિન્તુ ઊર્મિ એ સાંભળવાનાં સમયને ગુસ્સામાં ગુમાવી ચૂકી હતી.

અને અવિનાશ જેની મર્યાદાઓ-આડાઅવળા લક્ષણો જાણતો હતો એવી વહાલસોયી ઊર્મિને!

પ્રણયમાં મંઝીલ પામવાની ઘેલછાએ એ ફરીથી પ્રણયભંગ થયો.

* * *

9.અજાણ્યો નંબર

સમી સાંજનાં આછા અંધારાએ અમદાવાદને ચોતરફથી બરાબરનું ઝગમગાવી દીધું હતું. ગામડામાં લગ્ન વેળાએ કો'ક સામાન્ય અમીરનાં ઘેર જેવી રોશની ઝળહળતી દેખાય એવી રોશની તો અમદાવાદની ગલીઓમાં કાયમ ઝળહળાં થતી હોય છે!એવું લાગે જાણે અહી રોજ સિતારાઓ રાસ રમવાં આવતાં ન હોય! કારણ કે, અમદાવાદનાં આકાશમાં સિતારાઓ ઝાંખા દેખાતાં હોય છે.

રવિવાર હતો. સાંજ ઢળી ચુકી હતી.રાતના નવેક વાગ્યા હશે. કાળુપુર રેલવે સ્ટેશનથી થોડેક આગળ રેલની પટરીએ-પટરીએ પોણા છવ્વીસ વર્ષનો એક ફૂટડો યુવાન ચાલ્યો જાય છે. બંને હાથ ખાલી છે. પણ એવું લાગતું સતું જાણે આખાં જમાનાભરની મૂડી એના હાથમાં ન હોય! બંને આંખોમાં તેમજ હૈયામાં જખ્મીલા આઘાતો આંજેલા છે. દિમાગ પર નફરતની દુનિયા તણા સિતમોનાં પોટલેપોટલાં ખડકેલાં છે. સુરતથી અમદાવાદ આવ્યો ત્યારે એના હૈયામાં ઉમંગ નહોતો સમાતો! કિન્તું અહીં એક માઠા સમાચારે એને નરકની વાટ પકડાવી! મણિનગરમાં રહેતાં એનાં મિત્રનાં ઘરેથી નીકળ્યો ત્યારે તો એને ખબર હતી કે પોતે ક્યાં જઈ રહ્યો છે પણ અહીં રેલવે સ્ટેશને આવ્યા બાદ કોઈ જ ગતાગમ નહોતી કે એ આખરે ક્યાં જઈ રહ્યો છે!

બસ,એની તો એક જ મંઝીલ હતી: મોત......!!!...!!

જગતની રૂસ્વાઈ અને બેવફાઈનાં જખ્મોથી જખ્માયેલ વ્યક્તિ મરણને શરણ થાય એ તો એનું કાયરપણું કહેવાય કિન્તું જે વ્યક્તિ પોતાનાં અંગત જણ ખાતર થઈને દુનિયાની નફ્ફટભરી બદનામી સહીને હેમખેમ જીવી જવાની પેરવી કરતો હોય એ જ વ્યક્તિને પોતાનું એ જ જણ જ્યારે છેતરી જાય, દગો કરી જાય ત્યારે ભલાં એ વ્યક્તિ કોની ખાતર જીવી શકે? અને જીવી શકે તો એટલી હામ ક્યાથી લાવી શકે? પોતાનું જ જણ જ્યારે દગો કરે ત્યારે વ્યક્તિ કોને સગો કરે??

એ ફાંકડો યુવાન એટલે આપણો અવિનાશ!

પ્રેમનાં નામે ખૂબ ઘવાયો. પણ હાર્યો નહી. પ્યારનાં નામે અસહ્ય દગાઓ થયાં હતાં એની સાથે! ને એમાં ફરી એકનો ઉમેરો થયો. એ દગો કરનાર એટલે એણે પોતાની માનેલી પ્રિયતમાં, ઉર્મિ!

ઉર્મિએ માત્ર લગન કરવાં ખાતર જ અવિનાશને પોતાની પ્રેમજાળમાં ગુથી રાખ્યો હતો. બાકી પ્રણયફાગ તો એ અન્યો સંગ ખેલતી હતી! વળી, મુલાકાતો પણ અન્યોને આપતી હતી. આજ લગી અવિનાશને આ હકીકતની ખબર નહોતી. એટલે જ તો શિવરાત્રીનાં દિવસે ઉર્મિએ એને બરાબરનો પીંખી નાખ્યો હતો તોય એ પોતાની ભૂલ સમજી હસતો રહ્યો હતો. પણ મુશળધાર પ્રણયમાં છેતરાયાની હકીકત આંખ સામે ઉજાગર થાય પછી શું? પછી હૈયાને કાબુ કરવું બહું જ કઠિન કામ છે. જાન હથેળીમાં આવી જાય છે સાલી!!

માણસ બધું જ સહન કરી શકે છે પણ વિશ્વાસઘાત સગાં બાપનોય નથી સહી શકતો!

વિશ્વાસ એ જ તો સંબંધનું અમૂલ્ય ઘરેણું છે.

અને ઉર્મિએ પોતાને છેતર્યો છે એ હકીકત સામે આવી એટલે અવિનાશ નરકની વાટે થયો.

અવિનાશ લગભગ દશેક મિનિટ ચાલ્યો હશે ને એવામાં એનાં ફોનની ઘંટી વાગી!

અજાણ્યો નંબર હતો. ન હોતો ઉપાડવો તોય ન જાણે દિલનાં કયાં ઉમળકાએ ઉશ્કેર્યો કે એણે ફોન ઉપાડ્યો.

સામેથી જે અવાજ આવ્યો એ અવાજે એનાં કાનમાં કરોડો કોયલ ટહુકાવી દીધી! અને ઉરમાં વસંત મ્હોરાવી દીધી!

"હેલ્લો અવિનાશ! કૈસે હો આપ?" અવિનાશે સાવ હળવાશથી ઉત્તર વાળ્યો: "મૈ જૈસા ભી હું અપની હાલાતો મે ઠીક હું. પર આપ કૌન ઔર કહાં સે હૈ?"

'અરે યાર, અવિનાશ! કિતને ભૂલક્કડ હો આપ? યાદ હૈ? આપ કો મૈને પાંચ તારીખ કો ફોન કિયા થા ઔર આપને રોંગ નંબર બોલા થા? ઔર સુનો યાર મૈ જયપુર સે હું!'

'હા, કિયા થા ઔર કહા થા. ઔર આજ ફિર યે કહેતા હું કિ યે રોંગ નંબર હૈ. અબ ક્યું પરેશાન કર રહે હો યાર, રખો બાય!'

'અબ બાત યે હૈ અવિનાશજી કે આપને ઉસ દિન અંદાજ સે ઔર જો પ્યારભરી જુબાન સે હમ અંજાન સે બાતે કી થી વો હમે લુભા ગઈ હૈ. આજ સપ્તાહ હોને કે બાદ ભી આપકી યાદે, આપકી બાતે ઔર આપકા ખયાલ દિલ ઔર દિમાગ સે હટતા નહી. મેરી બાઈસ સાલ કી ઉમ્ર મે આજતક કિસી સે હમાર દિલ ન લગા થા ઈસલિયે હમને સોચા થા કિ શાયદ હમે કિસી સે મહોબ્બત હો હી નહી સકતી. લેકિન ઉસ દિન સે મૈ પલપલ મહેસૂસ કરતી જા રહી હું કિ શાયદ આપ હી વો હો જીસે ખુદા ને મેરે લિયે બનાયા હૈ!'

અવિનાશ બાઘો બનીને સાંભળતો હતો. પેલી અજાણી યુવતી પોતાની લાગણીઓની સરિતાઓ ખુલ્લેઆમ વહાવી રહી હતી.

'અવિનાશ, મૈને અપને દિલ કો બહોત મનાયા પર દિલ હૈ કિ માનતા હી નહી. ઈસલિયે આજ આપકો ફોન કરના પડા! પ્લીઝ અવિનાશ, મેરે જજબાતો કો સમજને કિ કોશિશ કીજીયે યાર!'

અવિનાશ જે પાટા પર ચાલી રહ્યો હતો એ પાટાની બંને બાજુનાં પાટા પર રેલગાડીની અવરજવર ચાલું થઈ ગઈ હતી. એની ધીરજ હવે ખૂટતી જતી હતી. એવામાં દૂરથી એને પોતે જે પાટે ચાલી રહ્યો હતો એ પાટા પર રેલ આવી રહી હોવાનો ભણકારો સંભળાયો. ફોન હજુ ચાલું જ હતો. અવિનાશને આ ઘડીએ ફરી એકવાર અતીત સાંભરી આવ્યો.

કેટકેટલી રઝળપાટ કરવી પડી માત્ર એક પ્રેમને પામવાં ખાતર!અને મળ્યું શું? મોતનો મારગ જ ને!'

એ ફસડાઈ પડ્યો. રોમરોમ આંસુએ થયું. આંખે અંધારાં ઊતરવાં માંડ્યા.

'પ્રણયની મંઝીલ આવી જ હશે શું? કે મારામાં કોઈ ખામી છે? કે પછી નસીબની આ બલિહારી છે?' એને વિચારોએ ઘમરોળવાં માંડ્યો.

અજાણ્યા નંબરવાળી પેલી યુવતી પોતાની લાગણીઓનાં કોયલ, મોર અને પપીહાનાં અવાજો અવિનાશનાં કાનમાં ટહુકાવી રહી હતી. કિન્તું અવિનાશનું અહી ભૂત સાંભળે છે અત્યારે?એ તો જીવવું કે મરણને શરણ થવું એની વિમાસણમાં ગોતા ખાઈ પડ્યો હતો!'

રાતનાં આછા અંધકારમાં એને લાગ્યું જાણે એ યમરાજનાં દરબારનો મહેમાન થયો છે. અને નરકની હવે સજા સુણાવવામાં આવી રહી છે. એવામાં અચાનક ફરી એનો ફોન રણક્યો. એ સાથે એ પણ ચમક્યો. નરકમાં પણ ફોન છે એવાં વિચારે એને ગજબનું અચરજ થયું. કિન્તું પાસેનાં પાટા પરથી ટ્રેન સરકી એટલે એને ભાન થયું કે પોતે હજું રેલની પટરીને પ્રેમ કરતો પડ્યો છે.

અવિનાશને લાગ્યું કે હવે પોતે જે પટરી પર છે એનાં પર શાયદ રેલગાડી નહીં આવે એ વિચારે એ બાજુની પટરી પર ચાલ્યો ગયો.

એક સમયે જેને જીવવાની અજબ જીજીવિષા હતી એને મરવાની કેટલી તાલાવેલી!

છેતરપીંડી અને દગાઓ માનવીનાં કેવાં અંગત સગાઓ થાય છે કે એની ખાતર માનવી ન કરવાનું કરી બેસે છે!'

ફરીથી ફોનની રણકી.

અવિનાશે કમને ફોન કાને ધર્યો.

નંબર નવો હતો પણ સામે એ જ અજાણી યુવતી કાકલૂદી કરી રહી હતી: 'અવિનાશ! મેરે જજબાતો કો સમજો યાર! મૈ આપકો જાનતી નહીં ફિર ભી કરતી હું પ્યાર. ઔર આપ હો કિ કરતે જા રહે હો ઈનકાર! ઐસા મત કરો યાર, મૈ ફ્રોડ નહી હું.' કહેતી એ ગળગળી થઈ ઊઠી. એ આગળ બોલે એ પહેલાં જ અવિનાશથી બોલી પડાયું, 'મેરે જજબાતો કો આજતક કૌન સમજા હૈ જો મૈ અનજાન સી તેરે જજબાતો કો સમજું? પ્લીઝ ફોન રખો ઔર મુજે જાને ભી દે યાર, બાય અલવિદા!'

અવિનાશ ફોન કટ કરે એ પહેલાં એનાં કર્ણમાં એક ગજબ શબ્દ ઊતર્યો: 'i love u !' લાગણીનાં પ્રચંડ ઊભરાઓથી બોલાયેલ શબ્દો સાથે એ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી.

એનું રુદન સાંભળીને અવિનાશ પીગળ્યો. પોતાનું જણ માનેલાનાં પ્રેમથી તરસ્યો અવિનાશ અજાણી છતાં પોતાને પ્રેમ કરનારનાં પ્રેમને પીવા તરસ્યો બન્યો!

પ્રેમ વિનાનું જીવન કેવું નિર્થક છે!

પ્રેમની તાકાત કેટલી? એક પ્રેમ માનવીને મૃત્યું તરફ ધકેલવાં મજબૂર કરે છે. જ્યારે બીજો પ્રેમ માનવીને નવજીવન અર્પે છે!

ફરીવાર પેલી યુવતી ગળગળા સાદે 'આઈ લવ યું' બોલી ગઈ! જે સાંભળીને અવિનાશની અંધકારગાઢી આંખ સામે મહોબ્બતનો પ્રેમાળ ઉજાશ પથરાયો. હૈયાને લાગેલાં જખ્મીલાં આઘાતને રૂઝ વળતી જણાઈ. પ્રેમાવેશ બનીને 'i love u' બોલી ગયો! એને જીવવાની લાલસાં જાગી. એ એટલો ખુશમિજાજ બની ગયો કે પોતે કયાં સ્થળે છે એનુ યે એને કંઈ ભાન નહોતું. જે મોતનાં મુખમાંથી એણે બચવાનું ધાર્યું હતું એ ટ્રેન મોતનો કાળોભમ્મર કોળિયો બનીને એની સામે ધસતી આવી રહી હતી. બચવાનો કોઈ જ ઉપાય નહોતો બચ્યો. કિન્તું સમયસૂચકતાં વાપરીને એ ટ્રેન નીચે ચત્તોપાટ થઈ ગયો. ટ્રેન એનાં પરથી હેમખેમ પસાર થઈ ગઈ!

પ્રેમ માનવીને ક્યાંથી ક્યાં લઈ જાય છે! આ જ તો જીવનની ફિલસૂફી છે.જે મહોબ્બત મરણનાં માર્ગે વળાવવાં આવી હતી એ મહોબ્બતે જ એને હેમખેમ ઉગાર્યો! કોણ કહે છે કે મહોબ્બત મારે છે? અરે એ તો જીંદગીને સજાવવાની જડીબુટ્ટી છે!

અવિનાશ ખૂબજ હરખાયો. મૃત્યુને બીજીવારનું હરાવીને એ અજય બન્યો હતો જાણે! એણે તત્ક્ષણ પેલી યુવતીને ફોન જોડ્યો. બંનેએ પ્રેમાળ પરિચય કેળવ્યો. નામ-સરનામાં જાણ્યા.

અજાણ્યે અજાણ્યાનો પ્રેમ મળ્યાની ખુશીમાં અવિનાશ ઊર્મિની છેતરપીંડીનેય પળવાર ભૂલી ગયો.

રાત્રિનાં બાર વાગ્યે અવિનાશ મણિનગરમાં રહેતાં પોતાનાં મિત્રના ઘેર પહોચ્યો. જાણે પોતાની સાથે કંઈ જ અઘટિત ઘટ્યું જ નથી એમ એ નિરાંતે ઊંઘને ખોળે થયો.

પેલી અજાણી યુવતી જેને અવિનાશે ઉરમાં ઉતારી હતી એનું નામ હતું રીમી. એ અવિનાશનાં મોઢેથી 'આઈ લવ યું' સાંભળીને સાતમાં આસમાને વિહરવા લાગી હતી. એની એકલવાયી જીંદગીમાં હજારો ચાંદ ઊગી નીકળી ચૂક્યા હતાં.

એ આખી રાત એ બંને એકમેકને મળવાનાં, જોવાનાં ખ્યાલોએ ખીલતાં રહ્યાં.

સવારે ઊઠતાવેંત જ અવિનાશે વહાલાં અમદાવાદને અલવિદા કર્યું. બીજી સવારે એ સાવ અજાણ્યા એવાં જયપુરનાં બસસ્ટેશને ઊભો હતો.

જે બે હૈયાઓ એકમેકને જોયાં વિનાં પ્રેમનાં લીલાછમ્મ તાંતણે બંધાઈ ગયાં હતાં એ જ બે હૈયાઓ જ્યારે એકમેકને રૂબરૂ મળ્યા હશે ત્યારે કેટલા ઉમંગથી ખીલ્યા હશે!

રીમી આવી. એકમેકને જોયાં એવા જ એ બાથ ભરીને ભરી ભીડ વચ્ચે ભેટી પડ્યા. લોકો એમને બાઘાની માફક તાકી રહ્યા હતાં.

બંને હરખથી મળ્યા. મળ્યા એવાં જ હૈયા સોંસરવાં ઊતર્યા.

અવિનાશે પોતાનાં પ્રણયભંગ ભૂતકાળનાં પીડા ભરેલ પટારાઓ ખોલવા માંડ્યા. રીમી એને બાથ ભરીને કાને ધરી રહી હતી. જાણે બધું જ એની આંખ સામે જ બનતું ન હોય!

અવિનાશની દર્દભરી કથનીઓ સાંભળીને રીમીએ પ્રગાઢ આંલિંગન આપીને સાંત્વનાં આપી કે પોતાનાં તરફથી આવું કોઈ જ કાર્ય નહી થાય જેનાથી અવિનાશનું હૈયું ખંડિત થાય.

જીંદગીની પ્રથમ મુલાકાતમાં રીમી અને અવિનાશ એકમેકમાં એવાં તો ભળી ગયાં હતાં કે જાણે ભવોભવની પીછાણ ન હોય!

અવિનાશ રીમીમાં પોતાની ભવ્ય જીંદગીની જહોજલાલી જોતો હતો જ્યારે રીમી અવિનાશમાં પોતાની અપાર ખુશી જોતી હતી. એને અવિનાશ પર અખંડ વિશ્વાસ હતો. કારણ કે દગાઓ ખાનાર આશિક ક્યારેય કોઈને દગો આપી શકવાં સમર્થ હોતો નથી.

છેતરપીંડીનો ભોગ બનનાર કે બેવફાઈની માર ખાનારની હેસિયત નથી હોતી કે અન્યોને બેવફાઈની ભેટ આપી શકે!

રીમીને મળ્યા બાદ અવિનાશ લીલોછમ્મ બનીને મ્હોરાતો જતો હતો.

બે દિવસમાં બે યુગો જેટલી ખુશીઓ ગજવે કરી.

નજરોએ નજરોને ચૂમી, અધરોએ અધરને ગળે લગાવ્યા. બે હૈયાઓ એકબીજામાં ભળ્યા. અને બે દિલ મહોબ્બતમાં મ્હોરી ઊઠ્યા. કોનાં થકી કોને શું મળતું હતું એ તો નહોતું જાણી શકાતું પણ એકમેકનાં સાનિધ્યમાં બંને અપાર ખુશ હતાં.

રીમીને અવિનાશ મળવાથી અને અવિનાશને રીમી મળવાથી બંને ખુશ હતાં. કિન્તું જ્યારે જ્યારે અવિનાશને એનો પ્રણય ભૂતકાળ સાંભરી આવતો ત્યારે એ ચોંધાર આંસુએ રડી પડતો. એ વખતે એક અજાણ્યો ભય એને કોબ્રાની જેમ ડંખી જતો.

એ અજાણ્યો ભય એટલે રીમી!

રીમીએ ભલેને ગમે તેવો વિશ્વાસ આપ્યો હોય કિન્તું આખરે એય એક યુવતી હતી! અને અવિનાશને યુવતીઓથી જ વિશ્વાસઘાત થયો હતો. યુવતીઓને(સ્ત્રીઓને)સમજવી એ મુશ્કેલ જ નહીં બલ્કે સાવ અશક્યમાં અશક્ય છે.

* * *

10.આખરી પડાવ: અલવિદા...!

અવિનાશ હવે છેલ્લા પડાવમાં હતો.

જીવનની એવી તીક્ષ્ણ અણી પર આવીને એ ઊભો હતો કે એક તરફ વિનાશ વિકરાળ મો કરીને ઊભો રહ્યો હતો તો બીજી બાજુ વિકાસ મહોબ્બત બનીને!

અવિનાશ હવે અવઢવમાં હતો. એ અવઢવ એટલે રીમીની સાથે જીવવાં મરવાની કે સાવ એકલાં રહી જીવવા-મરવાની તાલાવેલી.

તારીખ 31 મી માર્ચ.

મહાભયંકર મધરાત થવાં આવી હતી.

વરાછાને અડીને આવેલ નાનકડાં વિસ્તારમાં એક સાવ નાનકડી રૂમમાં ચાર મિત્રો આનંદની મિજબાનીભરી મહેફિલ મનાવી રહ્યાં હતાં. એ મિત્રો થોડાં સમય પહેલાં જ એક કંપનીમાં સાથી હતાં. સાથી કરતાંય ખાસ અંગત મિત્રો હતાં.

કિન્તું વખત આવ્યે એમાંથી એક મિત્ર કંપની છોડી ગયો. અને પાંચમાંથી રહ્યાં ચાર!

કંપની છોડીને ગયો એનું નામ પંકજ. બાકી રહ્યાં ચાર એમાં રિપીન, કુનલ, અવિનાશ અને રફીસ. આ પાંચેયની દોસ્તી એવી તો જામી ગઈ હતી કે જાણે પાંચ પરમેશ્વર કે પાંચ પાંડવ જ જોઈ લો!

દસેક મહિનાં પહેલાં જ્યારે પંકજે કંપની નહોતી છોડી ત્યારે આ પાંચેય મિત્રોએ જિંદગીની હરક્ષણો એમ જીવી લીધી હતી કે શાયદ મોત આવી જાય તોય જીંદગીમાં કંઈ ન કર્યાનો વસવસો ન રહે!

પંકજે કંપની છોડ્યા પછી એ પાંચેય મિત્રોને એમ લાગતું હતું જાણે એકમેકમાંથી કંઈક છૂટું પડી ગયું ન હોય!

લાગણીનો સંબંધ જ એવો છે કે એ બંધાયા પછી જ્યારે વિખુટાં પડવાનું નામ આવે ત્યારે આખે આખું અસ્તિત્વ જ ખોરંભે ચડી જાય છે. કિન્તુ સમય જતાં પાછું એ જ લાગણીતંત્ર એવું તો બુઠ્ઠુ થઈ જાય છે કે એ વિખુટુ પડી ગયેલું જણ સાવ-સાવ જ વિસારે પડી જાય છે! લાગણીતંત્રનો આ અદભૂત નિયમ હશે કદાશ! અને એ નિયમ મુજબ શરૂઆતમાં એ પાંચેયની અઠવાડિયે એકાદ મુલાકાત થયા કરતી. ચાર મહિનાં સુધી આ ક્રમ ચાલ્યો. પછી એકાદ મહિનામાં મુલાકાત અને પછી સંજોગવસાત થવા માંડી!

આખરે એપ્રિલ મહિનો એક એવો સુઅવસર લઈને આવ્યો કે એ પાંચેય મિત્રોની મધુરી મુલાકાત ગોઠવાણી!

રફીસનાં લગન હતાં. એ લગનમાં મહાલવાં સારૂં સૌ તૈયાર થયાં.

મધરાત પૂરપાટે વહી રહી હતી. સૂરજને ગોતવાં નીકળેલી રાત હરણફાળે દોડી જતી હતી. પેલાં ચારેય મિત્રો વાતોમાં, યાદોમાં અને ચર્ચાઓમાં એવા તો આનંદી બની રહ્યા હતાં કે તેઓ એ પણ ભૂલી ગયા કે સવારે ઊઠીને કેરાલાં તરફ પ્રયાણ કરવાનું છે!ચારેય મિત્રોની વાતોમાં ગજબની મોજ જામી પડી હતી.

એવામાં અવિનાશનો ફોન રણક્યો.પણ એકેય જણાએ એ તરફ ધ્યાન ન આપ્યું. પાછો ફરીવાર ફોન વાગ્યો. એનું એ તરફ ધ્યાન ગયું. ઊભાં થતાંકને એણે ઘડિયાળ તરફ નજર કરી. બે વાગવામાં પંદર મિનિટની વાર હતી. પેલાં ત્રણેય પોતાની મસ્તીમાં મશગૂલ હતાં.

ફોન હાથમાં લેતાં અવિનાશ મનમાં બબડ્યો, 'જીંદગીમાં પહેલીવાર અટાણે ફોન કરનાર કોણ હશે?'

એણે ફોન ઉપાડ્યો.

'હેલ્લો....અવિનાશ....! મૈ રીમી બોલ રહી હું!'

એનાં અવાજમાંથી ગભરામણનો દરિયો હિલ્લોળા લેતો હતો.

ઘડીભર અવિનાશે મૌન જાળવ્યું.

પછી અધરોને રમતાં મેલ્યા: 'રીમી! તુમ તો કહતી થી કિ તું મુજસે બાત કિયે બગૈર એક પલ ભી નહીં રહ સકતી? તો આજ દસ દિનો સે કહા ગુમ હો ગઈ થી? મૈને તો સોચા થા કિ ખુદાને તુજે બુલા લિયા હૈ!' દસ દિવસ બાદ રીમીનો ફોન આવતાં અવિનાશે આડકતરો પ્રહાર કર્યો.

'અવિનાશ..! ઐસા હી સમજો કિ આજ કે બાદ મૈ તુમ્હારે લિયે હંમેશા કે લિયે મર ચુકી હું!' આ સાંભળીને અવિનાશની આંખો અશ્કનાં દરિયાથી ઊભરાઈ ગઈ. એ બેબાકળો બની ઉતાવળે બોલ્યો: 'બકા..! રીમી! સોરી, મૈને તો ઐસે હી કહા થા યાર!'

'તુમને કૈસે ભી કહા હો અવિનાશ, લેકિન અબ કે બાદ યે રીમી તેરે લિયે હંમેશા કે લીયે ખત્મ હો રહી હૈ! કલ મેરી શાદી હૈ! દેખો અવિનાશ, મેરે પાસ વક્ત બહોત કમ હૈ....'

'પર મેરા કસૂર તો બતાઓ રીમી? ક્યા મુજે ખુન કે આંસુ રુલાને કે લીયે હી મેરી જીંદગી મે આઈ થી?' અને એ હૈયાફાટ રડવાં લાગ્યો.

'દેખો અવિનાશ! સચ યે હૈ..' કહીને રીમીએ પોતાની વીતકકથા કહેવા માંડી: 'હુઆ ઐસા કિ ઉસ દિન તુમસે બાત કરને કે બાદ મૈ નહાને ગઈ તો ભૂલ સે મેરી અલમારી કા દરવાજા ખુલ્લા રહ ગયા. જો તેરી તસવીર ઔર મેરા ફોન મેરી ભાભી કે હાથો લગ ગયા.ભાભીને યે સબ બાતે ભાઈ કો બતાઈ ઔર ભાઈને પાપા કો યે સબકુછ બતાયા.ફિર તો ક્યા? મુજ પર તો કયામત ગુજરી! ઉસ દિન સે મુજ પર પહરા લગાયા ગયા. ઔર તેરે ટૂકડે-ટૂકડે કરને કે લિયે તેરી ખોજ હોને લગી. પર તેરી તસવીર કે અલાવા કોઈ સબુત નહી મિલા. મુજે થોડી-સી મારપીટ કી, ધમકાઈ ભી! પર મૈને તેરે બારે મે કુછ નહી બતાયા. ક્યુકિ મૈ અપની ખાતીર તુજે કુછ હોને નહી દેના ચાહતી થી. નતીજા યહ આયા કિ જલ્દ મે હી મેરી શાદી તય કી ગઈ. કલ હી મેરી શાદી હૈ. મેરી શાદી સે તુજે ચોટ તો જરૂર હોગી પર અબ ઈનકે અલાવા મેરે પાસ કોઈ રાસ્તા નહી થા. મૈ બહોત દર્દ મે હું પર ક્યા કરું?

રડતા હૈયે અને વરસતી પાંપણે બેબાળઈ થઈને રીમી બોલતી હતી અને રોમે રોમ રડતો અવિનાશ બહાવરો બનીને સાંભળતો જતો હતો.

થોડીવાર અટકીને ફરી રીમી બોલી: 'અવિનાશ, મૈ જાનતી હું કિ મેરે બિના તુજ પર ક્યા કયામત ગુજરેગી? પર તુમ સંયમ રખના. મેરી યાદે અગર બહોત સતાયે-રૂલાયે તો મેરી યાદો કો જલા દેના. શાયદ તેરે સીને કા દર્દ કમ હોગા. તેરા પ્યાર મેરી જીંદગી કિ અમાનત બનકે રહેગા. મૈ તુજે કભી ભૂલા નહી પાઉંગી! ઈસકી વજહ યે હૈ કિ ઔરત જીસ આદમી કે સાથ સુહાગ સજાતી હૈ- મનાતી હૈ ઉસે વો જિંદગી કે આખરી દમ તક ભૂલા નહી પાતી. ઈસિલિયે તુમ મેરા પહેલા સુહાગ બનકર મેરે પ્રાણો કે સાથ રહોગે! અવિનાશ મેરી જીદ કિ આખરી ખ્વાહિશ કિ ખાતીર તુને જો મુજે પલભર કિ સુહાગ કી ખુશી દી થી ઉસકા તુમ ગમ ન કરના. મુજે માલુમ હૈ કિ જીંદગી કિ કિસી મોડ પર હમારી મુલાકાત નહી હોગી! ફિર ભી અગર કિસી અચ્છે મોડ પર યે હો ભી ગઈ તો તુમ બિના હિચકિચાયે મુજે છુ લેના. અવિનાશ, અબ મેરા વક્ત ખત્મ હો રહા હૈ.આઈ લવ યુ.....! અલવિદા કહેવા જતા જીભ તાળવે ચોંટી! એ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી.

રીમીનો રડવાનો ગોજારો અવાજ સાંભળીને અવિનાશે પોતાનું રૂદન ખાળ્યું અને કહેવા માંડ્યું: 'બકા, રીમી! મૈ તો અપને આપ કો સંભાલ લુંગા. ક્યુકિ મુજે તો દર્દ, દગા, જુદાઈ, બદનામી ઔર બરબાદી કો સહને કિ આદત સી હો ગઈ હૈ! પર તુમ અપને કો સંભાલના. મેરી હર દુઆઓ તેરે સાથ હૈ. તું જહાં ભી જાઓ ખુશહાલ રહો.' આટલું બોલીને એ ચૂપ થઈ ગયો. હૈયામાં ડૂમો બાજ્યો. આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યા. એટલામાં ફોન બંધ થઈ ચૂક્યો હતો.

રાતનાં અઢી વાગવાં આવ્યા હતાં. સોસાયટીનાં લોકો પ્રગાઢ નીંદર માણી રહ્યાં હતાં. ક્યારેક કૂતરાનાં ભસવાનો અવાજ આવી રહ્યો હતો. નજીકમાં જ હાઈ-વે પર ચાલતાં ટ્રકોનાં હોર્નનો અવાજ વાતાવરણને બેભાન બનાવી રહ્યો હતો.

આંસુ લૂંછતો આવિનાશ રૂમમાં પ્રવેશ્યો. મહી જોયું તો પેલાં ત્રણેય મિત્રો મીઠી નીંદર માણતાં હતાં. નીંદમાં પણ એમનાં ચહેરા મલકાઈ રહ્યાં હતાં. એ જોઈને અવિનાશે ઘડીભર આંખો બંધ કરીને લાંબો નિશાસો નાખ્યો. પછી મનમાં જ બબડ્યો: 'અવિનાશ...!? પ્રેમમાં મંઝીલનાં નામે કેટકેટલાં લફરા કરવાં પડ્યા? છતાંય હૈયાને ક્યાં ટાઢક વળી? એક હૈયાને ખાતર-એક ખુશીને ખાતર કેટકેટલાં હૈયાની ભીખ માગવી પડી? તેમ છતાંય આખરે દર્દ, દગાઓ, બદનામી અને બરબાદીભરી જુદાઈ જ મળી ને? અને છેવટે ભવોભવનો ગોઝારો વિજોગ જ મળ્યો ને? નહીં તો અહીં જો...! આ ત્રણેય કેવી મીઠી નીંદરને માણે છે! અને તું???!' આમ બબડતો અવિનાશ જમીન પર ઢળી પડ્યો.

અવિનાશ!!! બિચારો બાપડો...!

એનો પ્રેમ એને કેવી કેવી ગોઝારી કેડીએ લઈ ગયો કે એ ખુદને પોતાનાં પ્રેમને લફરા કહેવાં મજબૂર બની ગયો!?

પરોઢે પાંચ વાગ્યે પેલાં ત્રણેય મિત્રો જાગ્યા. જુએ છે તો અવિનાશની આંખો ચોંધારે ચડી હતી. ચહેરાનું નૂર દેશાગમને ગયું હોય એવું લાગી રહ્યું હતું. એને ઢંઢોળતો પંકજ બોલ્યો, 'અલ્યા આમ શું થોબડું કરીને પડ્યો છે! ચાલ તૈયાર થઈ જા.'

એકવાર નહીં પણ પૂરાં છ વાર કહ્યું ત્યારે એ ભયાનક તંદ્રામાંથી જાગ્યો. એણે કહ્યું: 'મોડું થતું હોય તો તમતમારે જાઓ, મારે નથી આવવું!'

'નથી આવવું એટલે શું? ચૂપચાપ નહાવાનું કર. તું જ તો અમને કમને એક દિ' વહેલાં ખેંચી લાવ્યો ને હવે આમ નાટક કરવાં માંડ્યો છે!' અવિનાશને ઊભો કરીને બાથરૂમ ભણી ખેંચી જતાં રીપિન બોલ્યો.

અવિનાશને લાગ્યું કે હવે છટકી શકાય એમ નથી એટલે એ ઝટપટ તૈયાર થઈ ગયો.

બીજા દિવસે સવારે દશ વાગ્યે તો કેરાલામાં હતાં.

કેરાલામાં રફીસનાં આખાં મહોલ્લામાં એનાં લગ્નની ધૂમ જામી હતી. ચારે બાજુ આનંદની ખુશ્બુ ઉડતી હતી. લગનમાં મહાલવાં આવેલા સૌ યુવાઓ મસ્તીનાં માહોલમાં ઓળઘોળ હતાં. જ્યારે અવિનાશ એક બાજુ ખુરશીમાં બેઠો-બેઠો રિબાતો જતો હતો. એની આંખો આગળ એનાં પ્રણયની ઘટનાઓ ફિલ્મની માફક ઘુમરીઓ લેવાં લાગી.

શૅર, શાયરીઓ-ગઝલ અને જોક્સની જોરદાર મહેફિલ જામી હતી. ત્યાં અચાનક અવિનાશનો ફોન રણક્યો! એણે ઉપાડ્યો. સામેથી કર્ણપ્રિય શબ્દસૂર છૂટ્યા. શું કરવું એની કોઈ ગતાગમ ન પડી. કિન્તું ઘડીકવારમાં જ અવાજ પરખાઈ ગયો. ઉરમાં અનેરો ઉમંગ ઉપડ્યો. કંઈ કેટલાય લખલખાં પસાર થઈ ગયાં. આંખોમાં હર્ષની ટશરો ફૂટી. ઘડીમાં તો આનંદનાં દરિયા હિલ્લોળાઈ ઊઠ્યા.

હર્ષભેર એ બોલી જ ઊઠ્યો: 'હાય, માય ડિયર! સંજરી!!!!આઈ લવ યુ... આઈ લવ યુ...!' અને એણે હાલ ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠામાં ધોધમાર પડેલાં વરસાદની માફક ચુંબનોની ઝડીઓ વરસાવી દીધી!

સામેથી સંજરીએ પણ એવો જ પ્રતિભાવ આપ્યો.

ક્ષણનોય વિલંબ કર્યા વિનાં અવિનાશે વાત ઉપાડી: 'સંજરી ! તે મને બહું તડપાવ્યો, રઝડાવ્યો હો? બોલ, મને નોંધારો મૂકીને, તારા પેલાં દિવાનાં જોડે માર ખવડાવીને, મારી સાથે ભયંકર બેવફાઈ કરીને તને મળ્યું શું? બોલ બકા, બોલ!? એવી તો મારી શું ભૂલ થઈ કે તું આટલી હદ સુધી વિફરી શકે? કે પછી કોઈની ચડાવેલી આવી ગાજી ગઈ હતી???

પ્રત્યુત્તરમાં સંજરી મૌન રહી.

અવિનાશે પોતાનો ઊભરો ઠાલવી દીધાં બાદ ઘણીવાર પછી સંજરી બોલી: 'અવિનાશ, તારી સાથે મેં જે કર્યું એ મારી મોટી ભૂલ હતી. હું ભોળવાઈ ગઈ હતી! તારું પારખું કરવાં જતાં હું તારાથી વિફરેલી બેવફાઈ કરી ગઈ હતી. મને મોડે-મોડે ભાન થયું હતું કે તારી સાથે નફ્ફટાઈભર્યું વર્તન કરવામાં મે મોટી મૂર્ખામી કરી હતી. વળી, થોડીવાર પછી હળવો નિશાસો નાખીને એ બોલી: 'બકા, અવિન ! મે તારી સાથે જે ઉધ્ધતાઈભરી બેવફાઈ કરી એનું પ્રાયશ્ચિત કરવાં હવે હું તારાં ચરણે ને શરણે આવી છું. મારાં પર હવે યકીન કર અને મને અપનાવી લે. મારી સાથે તે સજાવેલાં બધાં જ સપનાં હું તને હેમખેમ પૂરા કરી આપીશ. બસ, એકવાર ફરી મને તું પનાહ આપી દે.'

'સંજરી, તારાં ગયાં પછી તે મારાં માટે તારાં દિલનાં બધાં જ દરવાજા બંધ કરી રાખ્યા હતાં પણ મેં આજ સુધી એ દરવાજા સાવ ઉઘાડા રાખ્યા છે. મને યકીન હતો કે એક દિવસ મારી હકીકત તારી આંખ સામે ઊભરી આવશે ત્યારે તું દોડતી જરૂર આવીશ! અને લે આજે તું મારાં વિશ્વાસને હેમખેમ રાખવાં આવી જ ગઈ છે તો આ લે મેં તને અપનાવી જ લીધી!'

'અવિનાશ, મારું હ્રદય તારો દિલી આભાર માને છે કે મે તારી સંગે આટઆટલું કર્યું છતાંય આજ લગી તેં મને કોઈપણ જાતનો ઠપકો ન આપ્યો!'

'ડિયર સંજરી! જ્યાં મારાં નસીબનો જ દોષ હોય ત્યાં તને ઠપકો આપીનેય શું કરું? 'આટલું કહીને એ મનમાં બબડ્યો, 'કાળની થપાટ જ એવી છે કે માનવીની ભવાઈ ઊભી કરે છે. પરિવર્તનનો પવન ભાન ભૂલાવે છે. કિન્તુ વખત આવ્યે એ જ પરિવર્તનનો પવન માનવીની સાન ઠેકાણે લાવે છે. અને એ જ શાયદ મારી સાથે થયું છે.'

પોતાની ડૂબું-ડૂબું થતી જીંદગીમાં સંજરીનું પુનરાગમન થતાં જ અવિનાશ બાગ બાગ બની ગયો હતો. બેય કર જોડીને એણે કુદરતની લીલાનો આભાર માન્યો કે આખરે સંજરી એને સમજી તો ખરી!

એને આંતરમાં રીમીની યાદ કોરી ખાતી હતી. તો વળી મનમાં ઊંડે-ઊંડે ભય હતો કે શાયદ સંજરી ફરી છેતરી ન જાય! કેમકે જ્યાં એકવાર વિશ્વાસ ઊઠી ગયો ત્યાં ફરીવાર એને બેસાડવાં કઠણ કાળજું જોઈએ.

હૈયામાં ગમે તેટલો ઉમંગ હોય કિન્તુ એક અજંપો ચેનથી જીવવાં નથી દેતો.

નવ નવ જણ સાથેનાં દગાથી એ સાવ તૂટી ચૂક્યો હતો.

એ સંજરી એટલે અવિનાશનો અતીત. ભવ્ય ભૂતકાળનું ભયાનક ભૂત! જેણે અવિનાશને ઘમરોળી નાખ્યું હતું. અવિનાશનો ચોથાં નંબરનો પ્રેમ! એ પ્રેમને પામવાં એણે પોતાનું સર્વસ્વ હોડમાં મૂકી દીધું હતું. કિન્તુ મહોબ્બતમાં જેમ બધે બને છે એમ એ સંજરી અવિનાશથી બેફિકર બનીને બેવફાઈ કરી ગઈ.

પ્રણયની મંઝીલ કે પ્રેમની સપ્રેમ ભેટ શાયદ બેવફાઈ અને બદનામી જ હશે!

હૈયામાં રીમીનાં નામનો અખંડ દીપક જલાવીને અવિનાશ સંજરી સંગ પ્રણયની મોઘમ વાતો કરતો રહ્યો. બંને રોજ પ્રણયની ખુલ્લેઆમ ચર્ચાઓ કરતા રહ્યાં. તારીખ પહેલી એપ્રિલથી છેક ચૌદમી એપ્રિલ સુધી આ સિલસિલો રહ્યો. રોજ લાગણીઓની બેફામ આપ-લે થતી રહી.

સંજરીનાં પુનરાગમનથી અવિનાશે વિચારી રાખ્યું હતું કે એ હવે ક્યારેય દગો નહીં કરી જાય! અને એ વિચારે એ એક નવીન-હસીન જીંદગી બેશુમાર બનીને ગુજારતો રહ્યો.

લગભગ આઢી વર્ષ બાદ સંજરીનાં આગમનથી એને જોવાં એ ખૂબ ઝંખતો. એનું હૈયું સંજરીને મળવાં-ભેટવાં તલપાપડ હતું. કિન્તું એણે સંયમ રાખ્યો. તેમ છતાંય એ રાતોની મીઠી નીંદમાં પેલાં સંયમને સાવ છૂટાં મેલી દેતો! કેમકે જે મજા શમણાઓમાં છે તે હકીકતમાં નથી હોતી!

15 મી એપ્રિલની સવાર એક અજબ ખુશીમાં ખીલી. પવનમાં શીતળતાં હતી વાતાવરણમાં આહલાદકતા અને મોહકતા હતી. વાતાવરણની આવી મોહકતામાં નહાઈને અવિનાશે સંજરીને ફોન જોડ્યો. ફોન લાગ્યો પણ કોઈએ ઉપાડ્યો નહીં. દશેક મિનિટ બાદ એ નંબર પરથી એક મેસેજ આવ્યો:' ડિયર અવિનાશ, એપ્રિલફૂલ! મારી વાતોને તે પુન:પ્રેમ માની લીધો હતો. પણ એ તો મારી તારાં પ્રેમ સાથે ક્રૂર મજાક હતી. મને ખબર છે અવિનાશ કે આવી હરકત કરીને મે તારાં દિવ્ય દર્દને છંછેડ્યું છે. ગમે તેમ પણ બને તો મને માફ કરજે. અને આ નંબર ડાયલ કરવાની કોશિશ કરતો નહીં. અલવિદા...! અવિનાશ, અલવિદા...!!!!!'

એ સંદેશ વાંચ્યા બાદ અવિનાશ હતો ન હતો થઈ ગયો. એનું લોહી થીજી ગયાં જેવી બૂરી વલે થઈ. કરવું શું? ફોન ડાયલ કર્યો તો સ્વિચોફ આવ્યો. સાંજે લગાવ્યો ત્યારે સાંભળવાં મળ્યું કે આ નંબરની સેવા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે!

આ ભયંકર ગોઝારી ઘટનાં બાદ અવિનાશે છોકરી જાત પરથી સદંતર વિશ્વાસ ઉઠાવી લીધો. 'છોકરી' શબ્દ અને એને ફૂંફાડા મારતી નાગણ લાગવાં માંડ્યું. એણે પ્રેમ રસ્તાનાં માર્ગ પર મહા હિમશિલાઓ સમાં તાળા મારી દીધાં.

અરે! જે રસ્તે આટઆટલી ભીષ્ણ ઠોકરો ખાધી હોય એ મારગે હવે ફરીવાર જવાનું એ કેમ વિચારી શકે!?

જે દિવસે સંજરીએ ફોન પર એપ્રિલફૂલ કહ્યું એ જ ઘડીએ અવિનાશને એવું ક્રોધિત ઝનુન ચડ્યું હતું કે એ પળે જો સંજરી એની સામે હોત તો એનાં જીસ્મનાં ચીરેચીરા ઊડાવી દેત અને એનું લોહી જ પી જાત!

એ દિવસ પછી અવિનાશ એટલો લોહી વિકરાળ બની ગયો હતો કે એ કોઈપણ છોકરીને જુએ અને એનાં હાથ એ છોકરીનું ગળું દાબવાં તલપાપડ થઈ જતાં! એનું વિકરાળ પાગલ હૈયું લોહી તરસ્યું બની જતું. કિન્તુ એણે પોતાની જાતને એ રાક્ષસવૃતિ આચરતાં અટકાવી. એક વસ્તુને એ ન અટકાવી શક્યો-જો એ આખી જીંદગી કુંવારા રહેવાની ભીષ્મપ્રતિગ્ના લઈ બેઠો!

પછી ચૈત્રની બપોરે અગાશી પર જઈને ગાવા માંડ્યું: 'હવે અલવિદા તમોને ઓ હ્રદયતણા પ્રણય મોરલિયા!'

આમ, છતાંય એકલતા એનાથી જીરવાતી નહોતી. કોઈનો સત્યથી છલોછલ ભરેલો ભીનો-ભીનો માદક સંગાથ પામવાં હૈયુ રોજ તડપતું!

રીમીની યાદ રોજ રાત્રે ભીંજવી જતી. એને થતું હાલ જ જઈને રીમીને ઉપાડી લાવું. પણ.....પણ...પણ....'પણ' બનીને રહી જતું!

આ સાથે જ પાંચમી જુલાઈનાં રોજ દર્દથી રિબાતા-એકલતાથી કણસતા મહોબ્બ્તથી ભીંસાયેલા અને વિશ્વાસઘાતથી વીંધાયેલા અવિનાશને પ્રભુએ ઉપાડી લીધો!

એણે દુનિયાને અલવિદા કરી લીધી!

અવિનાશનાં ગયાં પછી દર્દ એકલું પડ્યું. બેવફાઈ બેનામ થઈ. વિશ્વાસઘાત વેરણછેરણ થયો. ને દગાઓ દર-દર ભટકીને ભીખ માગતાં થઈ ગયાં!

એનાં ગયાં પછી એની પથારી નીચેથી બે ચબરખી મળી આવી.

એકમાં લખ્યું હતું: 'સાચું કહું તો હું પ્રણયની બેરંગી દુનિયાથી હારી ગયો છું. બેધારી ખુલ્લી તલવાર જેવો છે આ પ્રેમ! અને આખરે હું એવાં તારણ પર આવ્યો છું કે જગતમાં કોઈએ કોઈને મહોબ્બત કરવી જોઈએ નહીં. કારણ કે પ્રેમનાં નામે અહીં સ્વાર્થનાં માત્ર સોદાઓ જ થાય છે. સાચો પ્રેમ મેળવનારાએ ખૂબ સાચવીને ચાલવું પડે છે. ને છતાંય દર્દ પીછો છોડતું નથી. મને ખબર નથી કે દુનિયા અને દિવાનાઓ મને શું સમજશે કિન્તુ મારાં મતે હું ખુદ જ મારાં માટે વણઉકેલ્યા કોયડા સમાન છું. હું આજલગી એ ન સમજી શક્યો કે મને એવાં ક્યાં તત્વની જરૂર હતી કે પ્રેમનાં નામે મારે જ આટઆટલી ખુંખાર રઝળપાટ કરવી પડી! હજીયે પીડાથી ખદબદતાં દિલમાં એક સળવળાટ છે કે આ દર્દ અગર હેમખેમ જીવવાં દેશે તો જગતને બતાવીશ કે મારી રઝળપાટનું આખરી કારણ શું હતું? પણ એ જાણવાં સારૂં મારેય આકરૂ તપ કરવું પડશે.'

અને બીજી એક ચબરખીમાં લખ્યું હતું: 'હું યુવતીઓથી એટલાં જીવલેણ આઘાત પામ્યો છું કે આ દુ:ખમાંથી આબાદ બચ્યો તો એમનાં ઝુલ્ફોમાં આગ લગાવીને, એમની શુષ્ક આંખોમાં થોરનું દૂધ આંજીને, એમની માસૂમિયતને બરાબરની મસળીને શહેરની ઊભી બજારે દોડાવીશ!'

પણ, આવું પાપ કરવાં એ જીવતો ન રહ્યો. સ્વધામ છોડીને અકાળે એ સ્વ.થઈ ગયો!!

આખરે પ્રણયથી છળાનારો એ ખુદને છળી ગયો!?

* * *

The End......!!!

* અંતર્વાંચન....!!!!! *

• પ્રેમને પામવા આદરેલી કઠિન રઝળપાટ એટલે પ્રણયભંગ...!

* અવિનાશ ગયો એ સાથે જ અહીં આ લઘુનવલ પણ પૂર્ણ જાહેર થાય છે.

* અવિનાશ એટલે વિનાશ થવાં સર્જાયેલ એક ઉમદા વ્યક્તિ!


Rate this content
Log in

Similar gujarati story from Romance