પ્રિયા
પ્રિયા
રોકસ્ટાર રોનક એટલે સંગીતની દુનિયામાં યુવાન પ્રશંસકોના હૈયાની ધડકન. લોકોની ભીડમાં ઘેરાયેલો રોનક પોતાની જાતને સદા એકાકી મહેસૂસ કરતો. એના સ્મરણમાં સદાય એક ચહેરો તરવરતો. અને એ દ્રશ્ય સ્મૃતિપટ પર અંકિત થઈ જતું. યાદોની
વણઝારમાં મલકતું પ્રાણપ્યારી પ્રિયાનું મુખડું. અને શૈશવના સંસ્મરણો. રોનકને બચપણના દિવસોની યાદ આવે છે.
રોનકે કહ્યું, "પ્રિયા, શું જરૂર હતી મને તારી શાળામાં એડમીશન અપાવવાની? અમને ક્યાંથી પોસાય? પિતાજીના નિધન બાદ મારી બા સંગીતના ક્લાસમાં બાળકોને તાલીમ આપીને અને તમારા ઘરમાં રસોઈનું કામ કરીને ઘર ચલાવે છે, મારે પણ કામ કરીને પૈસાની તંગીને દૂર કરવી છે. કેમ કરીશ બધું એકસાથે?" પ્રિયાએ પ્રેમથી કહ્યું, "તું મને તારી સખી માને છે ને? તો આટલું પણ ના કરી શકું મારા જીગરજાન મિત્ર માટે? તારો શિક્ષણ પ્રત્યેનો લગાવ મારા મમ્મીએ જોયો છે. એમણે પપ્પાને કહ્યું, અને એમણે શાળામાં તારી શિક્ષણ માટે બધી વ્યવસ્થા કરાવી છે." રોનકે કહ્યું, "પ્રિયા, તમારા ઘરના ઘણા ઉપકાર છે, વધારે બોજો બનવાનું નથી ગમતું."
પ્રિયાએ કહ્યું, "તું ભણીને મોટો માણસ બને એવું તારા બાનું સપનું છે. એ ભણતર વિના કેમ પૂરું થશે? અને ખર્ચની જોગવાઈ થઈ જશે. તને તો શિષ્યવૃત્તિ યોજના હેઠળ આર્થિક સહાય પણ મળી જશે. ચાલ, હવે મારી સામે તો જો. કેવી લાગું છું, કહે તો ખરો. જરા હસીને બોલજે." રોનકે કહ્યું, "પ્રિયા, આટલી માયા, આટલો પ્રેમ, બદલો વાળીશ હું કેમ?"
પ્રિયાએ સ્નેહથી કહ્યું, "ઓહો, તું તો ભવિષ્યમાં મોટો રોકસ્ટાર બનીશ. ચાલ હવે કહે તારી પ્રિયા કેવી લાગે છે?" રોનકે કહ્યું, "ફૂલોની રાજકુમારી, લાલ ફૂલોથી સુશોભિત તારા વસ્ત્ર, ગુંથેલા વાળમાં શોભે પીળા પુષ્પો, તારી આંખોમાં સ્નેહ, મુખ પર મલકાટ, તારા હાથના સ્પર્શમાં જાદુનો પમરાટ. તારા શબ્દોની હુંફ થકી મારી જિંદગી સુગંધીત બની."
પ્રિયા બોલી,"રોનક, આપણી આ બચપણની પ્રીત આજીવનનું ગીત બનીને ગુંજશે. ચાલ, હજી તારા બા પાસે આપણે હજી સંગીતનો રિયાઝ કરવાનો છે. બીજા બધા પહોંચી ગયા હશે."
રોનકે કહ્યું, "પ્રિયા, આજની આ ઘડી ક્યારેય નહીં ભૂલાય. તારો રોનક તારી માટે રોકસ્ટાર બનીને ડંકો વગાડશે." પ્રિયાએ કહ્યું, "અને ભણીગણીને મોટો માણસ બનશે."
રોનકનો મિત્ર મોન્ટુ રોનકને વિચારમાંથી બહાર કાઢતાં કહ્યું,"રોનક, આજનો શો સુપરડુપર હિટ... આગળના શોના કેટલા બધા બુકિંગ. અભિનંદન... તું તો બધાના દિલમાં છવાઈ ગયો છે." રોનકે કહ્યું, "આ તો મારી પ્રિયાનું સ્વપ્ન સાકાર થયું છે. એની હુંફ, સાથ અને પ્રગાઢ પ્રેમનું આ પરિણામ છે. વિમાન હોનારતમાં મેં મારી પ્રિયાને ગુમાવી. જતાં પહેલાં મળ્યા ત્યારે એણે કહ્યું હતું, હું ઉપર આકાશમાં પણ તારા ગીત સાંભળીશ. પણ કાયમ માટે દૂર રહીને સાંભળીશ એવું તો નહોતું કહ્યું." મોન્ટુએ કહ્યું," જાણું છું દોસ્ત, તું આ જીવન પ્રિયાની યાદોના સહારે જ જીવે છે. તારા પ્રત્યેક ગીતમાં પ્રિયાનો પ્રેમ ગુંજે છે."
રોનક આકાશ તરફ જોઈને બોલ્યો, "પ્રિયા, ગુંજે છે ને
ગીતોમાં તારા રોકસ્ટારના આપણા પ્રેમનો પડઘો? તેં મને
કહ્યું હતું કે હું આકાશમાં ઊડતાં પણ આપણા ગીતો સાંભળીશ.તું સાંભળે છે ને? હું તારી માટે,
આપણા પ્રેમ માટે, ગીતોમાં સ્નેહનું મધુરું સંગીત રેલાવતો
રહીશ. આપણા અનંત પ્રેમની ધારા વહેતી રહેશે."